Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 4

નિર્દેશક માટે, તારવાળાં વાજીંત્રો સાથે ગાવા માટે. દાઉદનું ગીત.

મારા ઉમદા દેવ, હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે,
    મને ઉત્તર આપજો,
મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો,
    મને મારી મુશ્કેલીઓમાં રાહત આપજો.

હે મનુષ્યો, કયાં સુધી મારા માટે ખરાબ બોલશો?
    ક્યાં સુધી મને કહેવા માટે નવા જૂઠાણાં શોધશો? તમે તો તે જૂઠાણાં કહેવાનું ચાહો છો.

તમારે જાણવું જોઇએ કે યહોવા તેમના વિશ્વાસુ અનુગામીને સાંભળે છે.
    તેથી હું હાંક મારીશ ત્યારે યહોવા જરૂર મને સાંભળશે.

તમે ગુસ્સે થયા હશો પણ પાપતો કરશોજ નહિ, જ્યારે તમે પથારીમાં સૂવા જાવ
    ત્યારે તમારાં હૃદયમાં ઉંડે સુધી વિચાર કરો અને શાંત થઇ જાવ.
યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો,
    અને યહોવા પર ભરોસો રાખો.

એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે?
    હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!”
હે યહોવા, ઋતુંનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે.
    પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે.
હું સૂઇ જઇશ ને શાંતિથી ઉંઘી પણ જઇશ, કારણ;
    હે યહોવા, તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો.

દાનિયેલ 9:1-19

પ્રજા માટે દાનિયેલની પ્રાર્થના

અહાશ્વેરોશનો પુત્ર માદીનો દાર્યાવેશ જે બાબિલ રાજ્યનો રાજા હતો, તેના પહેલા વર્ષમાં આ બનાવ બન્યો. તેની કારકિદીર્ના પ્રથમ વર્ષમાં; હું દાનિયેલ, યહોવાની વાણી યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી, તે પ્રમાણે યરૂશાલેમ 70 વર્ષ સુધી ખંઢેર રહેશે. તે ઉપરથી તે 70 વર્ષનો વિચાર પવિત્રશાસ્ત્ર પરથી સમજ્યો.

પછી હું ગંભીરતાથી દેવ તરફ પ્રાર્થના સાથે જાણવા માટે વળ્યો, અને ઉપવાસ કરીને, ટાટ પહેરીને અને રાખના ઢગલા પર બેસીને, મેં સાચા હૃદયથી દેવ મારા માલિકની પ્રાર્થના કરી. મેં દેવ યહોવાને પ્રાર્થના કરીને આપણા પાપોની કબૂલાત કરતા કહ્યું,

“હે યહોવા, હે મહાન અને ભયાવહ દેવ, તું તારા કરારને વળગી રહે છે, અને તારા ઉપર જેઓ પ્રેમ રાખે છે અને તારી આજ્ઞાઓનું જેઓ પાલન કરે છે તેમના ઉપર તું સદા કરૂણા રાખે છે.

“પરંતુ યહોવા અમે પાપ કર્યા છે, દુષ્ટ કૃત્યો કર્યા છે, તમારી સામે બળવો કર્યો છે, તમારી આજ્ઞાઓ અને તમારા હુકમોની ઉપેક્ષા કરી છે. અમારા રાજાઓને, આગેવાનોને તથા અમારા વડવાઓને અને દેશના બધા લોકોને તારા નામે ઉપદેશ આપનાર તારા સેવકો પ્રબોધકોની વાત અમે કાને ધરી નથી.

“હે યહોવા, તમે તો વિશ્વાસી છો, પણ આજે શરમાવાનું તો અમારે છે-યહૂદાના માણસોને, યરૂશાલેમના બાકીના લોકોને અને દૂરના તથા નજીકના સર્વ ઇસ્રાએલીઓને અમે તમારા પ્રત્યે વિશ્વાસઘાતી નીવડ્યા તેથી અનેક દેશોમાં તમે અમને વિખેરી નાખ્યાં.

“હે યહોવા, આ સર્વ દેશોમાં અમારે શરમાવાનું છે, અમારા રાજાઓને, આગેવાનોને અને અમારા વડવાઓને. કારણ, અમે બધાએ તમારી વિરૂદ્ધ પાપ કર્યા છે, અમે તમારા અપરાધી બન્યા છીએ.

“અમારા યહોવા દેવ, તમે તો દયાળુ છો અને ક્ષમા કરો છો, પણ અમે તમારી સામે બળવો પોકાર્યો છે. 10 હે યહોવા, અમારા દેવ, અમે તમારી વાણી માની નથી. તમારા સેવક પ્રબોધકો દ્વારા તમે અમને આપેલા સર્વ નિયમોનો અમે ભંગ કર્યો છે. 11 હા, સર્વ ઇસ્રાએલે તમારી વાણી પ્રત્યે ધ્યાન આપ્યું નથી. તેથી દેવના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે ભયાનક શાપ અમારા પર રેડી દેવામાં આવ્યો છે, કેમકે અમે તેની વિરૂદ્ધ પાપ કર્યુ છે.

12 “તમે અમને અને અમારા રાજ્યકર્તાઓને ચેતવણી આપ્યા પ્રમાણે જ કર્યું છે, અને યરૂશાલેમ પર અતિ ભારે આપત્તિ આવવા દીધી છે, પૃથ્વી પર બીજા કોઇ નગરમાં કદી એવી આપત્તિ આવી નથી. 13 મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી બધી આફતો અમારા ઉપર ઊતરી છે, તેમ છતાં તમને, અમારા દેવ યહોવાને રીઝવવા અમે પ્રયત્ન કર્યો નથી; અમે પાપકૃત્યો છોડ્યાં નથી કે, અમે તમારા સત્યને માર્ગે ચાલ્યાં નથી. 14 હે અમારા દેવ યહોવા, તમે અમારા પર આફત ઉતારવાને રાહ જોઇને બેઠા હતા અને તમે તે ઉતારી પણ ખરી. તમે જે કઇં કર્યું છે તે બધું ન્યાયપૂર્વક કર્યું છે. કારણ, અમે તમારી આજ્ઞાનો અનાદર કર્યો છે.

15 “હે યહોવા, અમારા દેવ, તમે તમારા લોકોને મિસરમાંથી બહાર લાવીને તમારું સાર્મથ્ય પ્રગટ કર્યું છે. તમારા નામનો મહિમા કર્યો છે. યહોવા ફરીથી એવું થવા દો! જો કે, અમે પુષ્કળ પાપ કર્યા છે અને અમે અધમતાથી ભરેલા છીએ. 16 હે યહોવા, તમે અનેક વખત અમને ઉગાર્યા છે; તમારા ન્યાયને માટે તે રીતે હવે તમે યરૂશાલેમ ઉપરથી તમારો રોષ ઉતારી નાખો. એ તો તમારી નગરી છે, તમારો પવિત્ર પર્વત છે. અમારા પાપોને કારણે અને અમારા પિતૃઓના અપરાધોને કારણે યરૂશાલેમ અને તમારી પ્રજા આસપાસના લોકોમાં હાંસીપાત્ર બની ગયાઁ છે.

17 “માટે હવે હે અમારા યહોવા, તમારા સેવકની આજીજી સાંભળો, તેમની વિનવણી ઉપર ધ્યાન આપો અને તમારા પોતાને માટે વિલંબ ન કરો. હે યહોવા, તમારા ખંઢેર બનેલા મંદિર ઉપર તમારી કૃપાદ્રષ્ટિ કરો. 18 હે મારા દેવ, મારી અરજ તમારા કાને ધરો, ને સાંભળો અને આંખ ઉઘાડીને અમારી તારાજી ઉપર નજર કરો. અને તમારા નામે ઓળખાતી નગરી તરફ જુઓ, કારણ, અમે અમારા પુણ્યને બળે નહિ પણ તમારી અપાર કરુણાને બળે તમને વિનવણી કરીએ છીએ. 19 હે યહોવા, સાંભળો, હે યહોવા, ક્ષમા કરો, હે યહોવા, મારું સાંભળો અને કઇંક કરો. તમારા પોતાને માટે હે મારા દેવ, કારણકે તમારા લોકો અને તમારું નગર તમારા નામે ઓળખાય છે.”

1 યોહાન 2:18-25

ખ્રિસ્તવિરોધીઓને અનુસરો નહિ

18 મારાં વહાલાં બાળકો, અંત નજીક છે! તમે સાંભળ્યું છે કે ખ્રિસ્તવિરોધી આવે છે. અને હવે ખ્રિસ્તવિરોધીઓ ઘણાં અહીં છે. તેથી અમે જાણીએ છીએ કે હવે અંત નજીક છે. 19 ખ્રિસ્તના તે વિરોધીઓ આપણા સમુહમાં હતા. પણ તેઓ આપણામાંથી નીકળી ગયા. તેઓ ખરેખર આપણી સાથે ન હતા. જો તે ખરેખર આપણા સમુહના હોત, તો તેઓ આપણી સાથે રહ્યા હોત. પણ તેઓ નીકળી ગયા. આ તે બતાવે છે કે તેમાંનો કોઈ પણ ખરેખર આપણમાંનો હતો નહિ.

20 તમે જે પવિત્ર છે (દેવ કે ખ્રિસ્ત) તેના દ્વારા અભિષિક્ત થયા છો. તેથી તમે બધા સત્યને જાણો છો. 21 મારે તમને શા માટે લખવું? તમે સત્યને જાણતા નથી તેથી મારે લખવું? ના! હું આ પત્ર લખું છું કારણ કે તમે સત્યને જાણો છો. અને તમે જાણો છો કે કોઈ પણ જુઠાણું સત્યમાંથી આવતું નથી.

22 તેથી જુઠો કોણ છે? તે એ વ્યક્તિ છે જે કહે છે કે ઈસુ, ખ્રિસ્ત નથી. તે ખ્રિસ્તવિરોધી છે. તે વ્યક્તિ પિતામાં વિશ્વાસ કરતો નથી. અથવા તેના પુત્રમાં વિશ્વાસ કરતો નથી, તો તેને બાપ હોતો નથી, પરંતુ જે વ્યક્તિ પુત્રને સ્વીકારે છે તો તેને બાપ પણ છે.

23-24 તમે આરંભથી જે સાંભળ્યું છે તે તમારામાં રહો, આરંભથી જે તમે સાંભળ્યું છે તે જો તમારામાં રહે તો તમે પણ પુત્રમાં તથા પિતામા રહેશો. તેની ખાતરી રાખજો. 25 પુત્રએ આપણને અનંતકાળનું જીવન આપવાનું વચન આપ્યું છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International