Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાના નામની સ્તુતિ કરો;
હે યહોવાના સેવકો,
તમે તેમની સ્તુતિ કરો.
2 યહોવાના મંદિરમાં, આપણા દેવના મંદિરમાં;
આંગણામાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.
3 યહોવાની સ્તુતિ કરો કારણ, તે ઉત્તમ છે;
તેના નામની સ્તુતિ કરો, કારણકે તે આનંદદાયક છે.
4 યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે;
ઇસ્રાએલને પોતાની ખાસ સંપતિ થવા માટે.
5 હું યહોવાની મહાનતા જાણું છું,
સર્વ દેવો કરતાં તે મહાન છે.
6 આકાશમાં પૃથ્વી પર, સમુદ્રોમાં અને ઊંડામાં ઊંડા સમુદ્રોમાં
યહોવાએ જે ઇચ્છયું તે કર્યુ.
7 તે પાણીની વરાળને ઊંચે લઇ જઇ તેના વાદળાં બાંધે છે;
અને સમગ્ર પૃથ્વી પર ફેલાવે છે;
તે વિજળી મોકલી વરસાદને વરસાવે છે;
પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.
8 મિસરમાં તેણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો વિનાશ પણ કર્યો.
9 તેણે ફારુન અને તેના અધિકારીઓ વિરુદ્ધ પોતાની નિશાનીઓ
અને ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યા.
10 તેમણે શૂરવીર પ્રજાઓનો નાશ કર્યો;
અને પરાક્રમી રાજાઓનો પણ તેણે નાશ કર્યો.
11 અમોરીઓના રાજા સીહોનને,
તથા બાશાનના રાજા ઓગને;
અને કનાનના સર્વ રાજ્યોને તેણે પરાજય આપ્યો.
12 તેમના દેશને તેણે પોતાના લોક ઇસ્રાએલને વારસામાં આપ્યો.
13 હે યહોવા, તારું નામ અનંતકાળ છે;
હે યહોવા, તારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.
14 યહોવા પોતાના લોકોનો ન્યાય કરશે;
તે તેના સેવકો પ્રતિ દયાળુ થશે.
15 બીજા રાષ્ટ્રોના મૂર્તિદેવો તો સોના ચાંદીના છે.
તેઓ માણસોના હાથે જ બનેલા છે.
16 તેઓને મોં છે છતાં તે બોલતી નથી;
આંખો હોય છે છતાં તેઓ જોતાં નથી.
17 કાન હોય છે છતાં તેઓ સાંભળતા નથી;
અને તેઓના મુખમાં શ્વાસ હોતો નથી.
18 જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે;
અને જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.
19 હે ઇસ્રાએલનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
હે હારુનનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
20 હે લેવીના યાજકો, યહોવાનો ધન્યવાદ માનો,
જેઓ યહોવાનો ભય રાખો છો અને આદર કરો છો, યહોવાની પ્રસંશા કરો!
21 યહોવા યરૂશાલેમમાં નિવાસ કરે છે;
યરૂશાલેમના સર્વ લોકો, યહોવાની સ્તુતિ કરો. સિયોનમાંથી ધન્ય હોજો.
યહોવાની સ્તુતિ કરો!
ભાગ્યપરિવર્તન અને સ્તુતિગાન
26 તે દિવસે યહૂદિયા દેશમાં આ ગીત ગવાશે:
અમારું નગર મજબૂત છે.
અમારું રક્ષણ કરવાને માટે યહોવાએ કોટ અને કિલ્લા ચણેલા છે.
2 દરવાજા ઉઘાડી નાખો જેથી ધર્મને માર્ગે
ચાલનારી પ્રજા જે વફાદાર રહે છે તે ભલે અંદર આવે.
3 હે યહોવા, જેમનાં ચિત્ત ચલિત થતાં નથી,
તેમને તું પૂરેપૂરી શાંતિમાં રાખે છે;
કારણ કે તેઓ તારા પર વિશ્વાસ રાખે છે.
4 સદા યહોવા પર ભરોસો રાખો,
તે જ આપણો સનાતન ખડક છે.
5 તેણે ઊંચી હવેલીઓમાં વસનારાઓને નીચા નમાવ્યાં છે,
તેમના ગગનચુંબી નગરને
તેણે તોડી પાડીને ભોંયભેગુ કરી નાખ્યું છે.
ધૂળભેગું કર્યું છે.
6 તે પગ તળે કચડાય છે, ને દીનદલિતોના પગ તળે તે રોળાય છે.
7 ન્યાયીના માર્ગે ચાલનારનો રસ્તો સુગમ છે;
તમે યહોવા એને સરળ બનાવો છો.
8 અમે તમારા નિયમોને માર્ગે ચાલીએ છીએ,
અને તમારી જ પ્રતિક્ષા કરીએ છીએ,
તમારું નામસ્મરણ એ જ અમારા
પ્રાણની એકમાત્ર ઝંખના છે.
9 આખી રાત હું તમારા માટે ઉત્કંઠિત રહ્યો છું;
મારા ખરા હૃદયથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ;
કારણ કે જ્યારે તમે પૃથ્વીનો ન્યાય કરીને શિક્ષા કરો છો,
ત્યારે લોકો પોતાની દુષ્ટતાથી પાછા ફરે છે અને યોગ્ય માર્ગે વળે છે.
10 પણ દુષ્ટ લોકો પ્રત્યે કૃપા દર્શાવાય,
તો પણ તેઓ નીત્તિમત્તા શીખતા નથી;
સદાચારી લોકોથી ભરેલી આ ભૂમિમાં પણ તેઓ અધર્મ આચરે છે,
અને તમારા ગૌરવનો સહેજ પણ આદર કરતા નથી.
11 હે યહોવા, તમે તમારો હાથ ઉગામ્યો છે,
તો પણ તમારા દુશ્મનો તે જોતા નથી,
તમારા લોકો માટેનો તમારો પ્રેમ કેવો ઉગ્ર છે
તેનું ભાન થતાં તેઓ લજવાય!
તમારા શત્રુઓ માટે રાખી મૂકેલા અગ્નિથી તેઓને ભસ્મ કરો.
12 હે યહોવા, તમે અમને મહેરબાની કરીને સુખ-શાંતિ આપો,
અમારા ખોટા કાર્યો બદલ તમે અમને અત્યાર પહેલા સજા આપી દીધી છે.
દેવ પોતાના લોકોને નવું જીવન આપશે
13 હે અમારા દેવ યહોવા,
તમારા સિવાયના બીજા હાકેમોએ
અમારા ઉપર હકૂમત ચલાવી છે
પણ અમે તો માત્ર તને જ સ્વીકારીએ છીએ.
14 પહેલાં જેઓએ અમારી ઉપર શાસન કર્યું હતું,
તેઓ મૃત્યુ પામ્યાં અને ચાલ્યા ગયા છે;
તેઓ હવે ફરીથી કદી જ પાછા આવી શકે તેમ નથી.
તેમ તેઓની વિરુદ્ધ થયા અને તેઓનો નાશ કર્યો અને તેઓનું નામનિશાન પણ રહ્યું નથી.
15 યહોવાની સ્તુતિ થાઓ!
હે યહોવા, તમે અમારી પ્રજાની વૃદ્ધિ કરી છે,
અમારા દેશના બધા જ સીમાડા વિસ્તાર્યા છે.
કેટલાક સદૂકીઓનો ઈસુને ફસાવવાનો પ્રયત્ન
(માથ. 22:23-33; લૂ. 20:27-40)
18 પછી કેટલાક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા. (સદૂકીઓ માને છે કે કોઈ વ્યક્તિ મૂએલામાંથી ઊઠી શકે નહિ.) સદૂકીઓએ ઈસુને એક પ્રશ્ન પૂછયો. 19 તેઓએ કહ્યું, “ઉપદેશક, મૂસાએ લખ્યું છે કે જો કોઈ પરિણિત માણસ મૃત્યુ પામે અને તેને બાળકો ન હોય, તો પછી તેના ભાઈએ તે સ્ત્રીને પરણવું જોઈએ. પછી તેઓને તેના મૃત ભાઈ માટે બાળકો થશે. 20 ત્યાં સાત ભાઈઓ હતા. પહેલો ભાઈ પરણ્યો પણ મરી ગયો. તેને બાળકો ન હતા. 21 તેથી બીજો ભાઈ તે સ્ત્રીને પરણ્યો. પણ તે પણ મૃત્ય પામ્યો અને તેને બાળકો ન હતા. એ જ બાબત ત્રીજા ભાઈ સાથે બની. 22 બધા સાત ભાઈઓ તે સ્ત્રીને પરણ્યા અને મૃત્યુ પામ્યા. ભાઈઓમાંના કોઈનાથી તે સ્ત્રીને બાળકો ન થયા અને છેલ્લે તે સ્ત્રી પણ મરી ગઈ. 23 પણ બધા સાત ભાઈઓ તેને પરણ્યા હતા તેથી મૃત્યુ પછી જ્યારે પુનરુંત્થાનનો સમય થશે ત્યારે, આ સ્ત્રી કોની પત્ની થશે?”
24 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે આ ભૂલ શા માટે કરી? શાસ્ત્ર શું કહે છે તે તમે નથી જાણતા કારણ કે તમે દેવના સાર્મથ્ય વિષે નથી જાણતા. 25 જ્યારે લોકો મૂએલામાંથી ઊઠશે ત્યારે ત્યાં એકબીજા સાથે લગ્ન કરશે નહિ. તેઓ આકાશમાંના દૂતો જેવા હશે. 26 ખરેખર મૃત્યુ પામેલા લોકો પાછા ઊઠે છે તે વિષે દેવે શું કહ્યું છે તે તમે વાચ્યું છે. જ્યાં મૂસાએ પુસ્તકમાં સળગતી ઝાડી વિષે લખ્યું છે. તે કહે છે કે દેવે મૂસાને આ કહ્યું છે, ‘હું ઇબ્રાહિમનો, ઇસહાકનો અને યાકૂબનો દેવ છું.’ 27 જો દેવે કહ્યું તે તેઓનો દેવ છે, તો પછી તે માણસો ખરેખર મરેલા નથી. તે ફક્ત જીવતા લોકોનો દેવ છે, તમે સદૂકીઓ ખોટા છો!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International