Revised Common Lectionary (Semicontinuous)
વિશ્વાસીઓનો ભાગ
32 વિશ્વાસીઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું. સમૂહનો કોઇ પણ વ્યક્તિ તેઓની પાસે જે વસ્તુઓ હતી તેની માલિકી તરીકેનો દાવો તેમાંના કોઈએ કર્યો નહિ. તેને બદલે તેઓ દરેક વસ્તુના ભાગ કરી વહેંચતા. 33 મહાન સાર્મથ્યથી પ્રેરિતોએ લોકોને કહ્યું કે પ્રભુ ઈસુ ખરેખર મૃત્યુમાંથી ઉઠ્યો છે. અને દેવે બધા વિશ્વાસીઓને ઘણા આશીર્વાદ આપ્યા હતા. 34 તેઓ બધાને તેઓને જરુંરી બધું મળ્યું હતું. દરેક માણસે પોતાની માલિકીનાં ખેતરો અને મકાનો વેચી નાખ્યાં. 35 તેઓએ પૈસા લાવીને પ્રેરિતોને આપ્યા. પછી દરેક વ્યક્તિને તેની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ આપવામાં આવી.
મંદિરે ચઢવા માટેનું દાઉદનું ગીત.
1 ભાઇઓ સહુ સંપીને રહે તે કેવું સરસ
અને શોભાયમાન છે!
2 તેં માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી
અને તેના વસ્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
3 વળી તે હેમોર્ન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે.
કારણકે, યહોવાએ આપણને સિયોનમાં શાશ્વત જીવનનાં આશીર્વાદ આપ્યાં છે.
1 હવે અમે તમને જગતના આરંભકાળ પહેલા જે કોઈ વસ્તુઓનું અસ્તિત્વ હતું તે વિષે કહીએ છીએ આ અમે સાંભળ્યું છે, અમે પોતાની આંખો વડે જોયું છે, અમે નિહાળ્યું છે, અમે અમારા હાથે સ્પર્શ કર્યો છે. અમે તમને તે શબ્દ (ખ્રિસ્ત) જે જીવન આપે છે તે વિષે લખીએ છીએ. 2 તે જીવન અમને બતાવ્યું છે. અમે તે જોયું છે. અમે તે વિષે સાક્ષી આપી શકીએ છીએ. હવે અમે તમને તે જીવન વિષે કહીએ છીએ. તે જીવન જે અનંતકાળનું છે. આ તે જીવન છે જે દેવ બાપ સાથે હતું. દેવે આપણને આ જીવન બતાવ્યું છે. 3 હવે અમે તમને જે કંઈ જોયું છે અને સાંભળ્યુ છે તે કહીએ છીએ. શા માટે? કારણ કે અમે તમને અમારી સાથે ભાગીદાર બનાવવા ઈચ્છીએ છીએ. જેથી દેવ બાપ અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્ત સાથે અમને જે આનંદ અને સંગત મળ્યાં છે તેના તમે પણ ભાગીદાર બનો. 4 અમે તમને આ બાબત લખીએ છીએ તેથી તમારો પણ આનંદ અમારી સાથે સંપૂર્ણ થાય.
દેવ આપણા પાપો માફ કરે છે
5 અમે દેવ પાસેથી સાચો સંદેશો સાંભળ્યો છે. હવે અમે તે તમને કહીએ છીએ દેવ પ્રકાશ છે. દેવમાં અંધકાર નથી. 6 તેથી જો આપણે કહીએ કે આપણને દેવ સાથે સંગત છે અને આપણે અંધકારમાં જીવીએ તો પછી આપણે જૂઠાં છીએ. આપણે સત્યને અનુસરતા નથી. 7 દેવ પ્રકાશમાં છે. આપણે પણ પ્રકાશમાં જીવવું જોઈએ, જો આપણે પ્રકાશમાં જીવીએ તો, પછી આપણે એકબીજાની સાથે સંગતંમાં છીએ. અને જ્યારે આપણે પ્રકાશમાં જીવીએ છીએ, તો તેના પુત્ર ઈસુનું રકત આપણને સધળાં પાપમાંથી શુદ્ધ કરે છે.
8 જો આપણે કહીએ કે આપણામાં પાપ નથી તો, આપણે આપણી જાતને મૂર્ખ બનાવીએ છીએ, અને સત્ય આપણી અંદર નથી. 9 પણ જો આપણે આપણાં પાપો કબૂલ કરીએ છીએ, તો દેવ આપણાં પાપ માફ કરશે. આપણે દેવ પર વિશ્વાસ કરી શકીએ છીએ. દેવ જે સત્ય છે તે જ કરે છે. આપણે કરેલા બધાં ખોટાં કામોમાંથી દેવ આપણને શુધ્ધ કરે છે. 10 જો આપણે કહીએ કે આપણે પાપ કર્યું નથી, તો આપણે દેવને જૂઠાં ઠરાવીએ છીએ આપણે દેવનાં સાચા વચનનો સ્વીકાર કરતાં નથી.
ઈસુ આપણો મદદગાર છે
2 મારાં વહાલાં બાળકો, હું આ પત્ર તમને લખું છું જેથી તમે પાપ કરશો નહિ. પણ જો કાઈ વ્યક્તિ પાપ કરે છે, તો આપણી પાસે આપણી મદદમાં ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે ઈસુ દેવ બાપ આગળ આપણો બચાવ કરે છે. 2 ઈસુના દ્વારા આપણા પાપો દૂર કરવામાં આવે છે. અને કેવળ આપણાં જ નહિ, સમગ્ર જગતનાં પાપો દૂર કરનાર તે જ છે.
તેના શિષ્યોને ઈસુના દર્શન
(માથ. 28:16-20; માર્ક 16:14-18; લૂ. 24:36-49)
19 અઠવાડિયાના પહેલા દિવસે તે સાંજે બધા શિષ્યો ભેગા થયા હતા. બારણાંઓને તાળા હતાં, કારણ કે, તેઓ યહૂદિઓથી ડરતાં હતા. પછી ઈસુ તેઓની વચ્ચે આવ્યો અને ઊભો રહ્યો ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!” 20 આમ કહ્યાં પછી ઈસુએ શિષ્યોને તેના હાથ અને તેની કૂખ બતાવી. જ્યારે તેઓએ પ્રભુને જોયો ત્યારે ખૂબ ખુશ થયા.
21 પછી ઈસુએ ફરીથી કહ્યું, “તમને શાંતિ થાઓ!” પિતાએ મને મોકલ્યો છે. તે જ રીતે હવે, હું તમને મોકલું છું. 22 આમ કહ્યાં પછી તેણે શિષ્યો પર શ્વાસ નાખ્યો. ઈસુએ કહ્યું, “પવિત્ર આત્મા પામો. 23 જો તમે લોકોના પાપોને માફ કરશો, તો પછી તેઓનાં પાપોની માફી મળશે. જો તમે લોકોનાં પાપોને માફ નહિ કરો તો, પછી તેઓનાં પાપ માફ થશે નહિ.”
થોમાને ઈસુના દર્શન
24 થોમા (દીદુમસ કહેવાતો) જ્યારે ઈસુ આવ્યો ત્યારે બીજાઓની સાથે તે નહોતો. થોમા તે બારમાંનો એક હતો. 25 બીજા શિષ્યોએ થોમાને કહ્યું, “અમે પ્રભુને જોયો છે.” થોમાએ ઉત્તર આપ્યો, “જ્યા સુધી હું તેના હાથમાં ખીલાંના ઘા ના જોઉં ત્યાં સુધી હું વિશ્વાસ કરીશ નહિ. તેના હાથોના ઘા જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા વિના તથા તેની કૂખમાં મારો હાથ મૂક્યા વિના હું વિશ્વાસ કરીશ નહિ.”
26 એક અઠવાડિયા પછી ફરીથી શિષ્યો ઘરમાં હતા. થોમા તેઓની સાથે હતો. બારણાંઓને તાળાં હતાં. પરંતુ ઈસુ આવ્યો અને તેઓની વચ્ચે આવીને ઊભો. ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!” 27 પછી ઈસુએ થોમાને કહ્યું, “તારી આંગળી અહીં મૂક. મારા હાથો તરફ જો. તારો હાથ અહીં મારી કૂખમાં મૂક. શંકા કરવાનું બંધ કરી વિશ્વાસ કરવાનું શરું કર.”
28 થોમાએ ઈસુને કહ્યું, “મારા પ્રભુ અને મારા દેવ!”
29 ઈસુએ થોમાને કહ્યું, “તેં વિશ્વાસ કર્યો કારણ કે તેં મને જોયો. જે લોકો મને જોયા વિના વિશ્વાસ કરે છે તેઓને ધન્ય છે.”
યોહાને આ પુસ્તક શા માટે લખ્યું
30 ઈસુએ બીજા ઘણા ચમત્કારો કર્યા જે તેના શિષ્યોએ જોયા. આ ચમત્કારો આ પુસ્તકમાં લખેલા નથી. 31 છતાં આ વાતો લખી છે તેથી તમે વિશ્વાસ કરો કે ઈસુ જ ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે. પછી, વિશ્વાસ કરવાથી, તેના નામ દ્વારા તમે જીવન પ્રાપ્ત કરી શકશો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International