Revised Common Lectionary (Semicontinuous)
મંદિરે ચઢવા માટેનું દાઉદનું ગીત.
1 ભાઇઓ સહુ સંપીને રહે તે કેવું સરસ
અને શોભાયમાન છે!
2 તેં માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી
અને તેના વસ્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
3 વળી તે હેમોર્ન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે.
કારણકે, યહોવાએ આપણને સિયોનમાં શાશ્વત જીવનનાં આશીર્વાદ આપ્યાં છે.
નબૂખાદનેસ્સાર રાજાનું સ્વપ્ન
2 રાજા નબૂખાદનેસ્સારને પોતાના રાજ્યકાળના બીજા વર્ષ દરમ્યાન એક ભયાનક સ્વપ્ન આવ્યું; તે ભયથી ધ્રુજી ગયો, તેની ઊંઘ હરામ થઇ ગઇ. 2 તેથી રાજાએ પોતાના સ્વપ્નનો અર્થ સમજાવવા માટે તાત્કાલિક પોતાના બધા જાદુગરો, મંત્રવિદ્યા જાણનારાઓ, અને ભવિષ્યવેત્તાઓને બોલાવવા હુકમ કર્યો. તેઓ રાજા આગળ આવીને ઊભા રહ્યા.
3 એટલે રાજાએ તેમને કહ્યું, “મને એક સ્વપ્ન આવ્યું છે અને મારો જીવ એનો અર્થ જાણવા આતુર છે.”
4 એ લોકોએ અરામી ભાષામાં કહ્યું, “રાજા સદા માટે રહો. રાજા ઘણું જીવો, આપ આ સેવકોને આપનું સ્વપ્ન જણાવો એટલે અમે તેનો અર્થ તમને જણાવી શકીએ.”
5 રાજાએ ખાલદીઓને કહ્યું, “સ્વપ્ન મારા સ્મરણમાંથી જતું રહ્યું છે, મને તે યાદ રહ્યું નથી, તમે મને એ સ્વપ્ન તથા તેનો અર્થ નહિ કહો તો તમારા શરીરના ટુકડે ટુકડા કરવામાં આવશે. અને તમારાં ઘર તોડીને ઇંટો અને કાટમાળનાં ઢગલાઓમાં ફેરવી નાખવામાં આવશે. 6 પરંતુ જો તમે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવશો, તો હું તમને ભેટો ઇનામો અને માનપાનથી આમંત્રીશ. માટે તમે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવો.”
7 ત્યારે તેમણે બીજી વાર કહ્યું, “આપ અમને સ્વપ્ન જણાવો અને અમે આપને તેનો અર્થ જણાવીશું.”
8 રાજાએ કહ્યું, “હું સ્પષ્ટ જોઇ શકું છું કે, તમે વખત મેળવવા ઇચ્છો છો, કારણ, તમે જાણો છો કે, મારો નિર્ણય પાકો છે. 9 પણ જો તમે મને સ્વપ્ન નહિ જણાવશો તો તમને બધાને એક જ સજા થશે. તમે અંદરોઅંદર નક્કી કર્યું છે કે, મારી આગળ તરકટ કરવું, એવી આશાએ કે, જતે દહાડે પરિસ્થિતિ પલટાઇ જાય. આથી તમે મને સ્વપ્ન કહો એટલે હું સમજીશ કે, તમે એનો પણ અર્થ કહી શકશો.”
10 ભવિષ્યવેત્તાઓએ રાજાને જવાબ આપ્યો, “આ પૃથ્વી ઉપર એવો કોઇ નથી, જે આપ જાણવા માંગો છો તે કહી શકે. કોઇ રાજાએ, મહારાજાએ, આજ સુધી કોઇ જાદુગર, કે, મંત્રવિદને આવો સવાલ પૂછયો નથી. 11 આપ અમારી પાસે જે જાણવા માંગો છો તે એવું મુશ્કેલ છે કે, દેવો સિવાય કોઇપણ કહી ન શકે. અને દેવો માણસોની વચ્ચે રહેતા નથી.”
12 આ સાંભળીને રાજા ઘણો ગુસ્સે થઇ ગયો. તેનો રોષ ભભૂકી ઉઠયો અને તેણે બાબિલના બધા સલાહકારોનો વધ કરવાની આજ્ઞા કરી. 13 આથી એવો હુકમ બહાર પાડવામાં આવ્યો કે, બધાં રાજકીય સલાહકારોની હત્યા કરવાની છે. અને તે મુજબ દાનિયેલને અને તેના સાથીઓને હત્યા કરવા માટે લઇ આવવા માણસો મોકલવામાં આવ્યા.
14 રાજાના અંગરક્ષકોનો વડો આર્યોખ બાબિલના વિદ્વાનોની હત્યા કરવા જતો હતો, ત્યારે દાનિયેલે ડહાપણ અને વિવેક વાપરીને તેની પાસે જઇને કહ્યું, 15 “સાહેબ, રાજાસાહેબે આવી કઠોર આજ્ઞા શા માટે કરી છે?”
ત્યારે આર્યોખે તેને બધી વાત જણાવી. 16 તેથી દાનિયેલે રાજાની હાજરીમાં જઇને અરજ કરી કે, આપ મને થોડો સમય આપો, તો હું તમને સ્વપ્ન અને તેનો અર્થ જણાવીશ.
17 પછી દાનિયેલે ઘરે જઇને તેના સાથીદારો હનાન્યા, મીશાએલ, અને અઝાર્યાને સર્વ વાત સમજાવી. 18 અને તેણે તેઓને કહ્યું, આપણે સ્વર્ગાધિપતિ દેવને પ્રાર્થના કરીએ, જેથી તે દયા લાવીને આપણને આ રહસ્યનો ભેદ જણાવે, અને આપણે બાબિલના રાજકીય સલાહકારો ભેગા મરવું પડે નહિ.
19 ત્યારબાદ રાત્રીના સમયે સંદર્શનમાં દેવે દાનિયેલને રાજાનું સ્વપ્ન તથા તેના રહસ્યનો ભેદ જણાવ્યો અને તેણે સ્વર્ગાધિપતિ દેવની આ પ્રમાણે પ્રશંશા કરી.
20 “આવનારા યુગો સુધી દેવની સ્તુતિ થાઓ!
એ જ જ્ઞાન અને શકિતનો ભંડાર છે.
21 કાળનો અને ઋતુચક્રનો એ જ નિયામક છે.
એ જ રાજાઓને પદષ્ટ કરે છે
અને ગાદીએ બેસાડે છે.
જ્ઞાનીને જ્ઞાન
અને વિદ્વાનને વિદ્યા આપનાર છે.”
22 તે માણસના ઊંડા રહસ્યોને ખુલ્લા કરે છે.
તે જાણે છે કે, અંધારામાં શું છે.
પ્રકાશ તેની સાથે રહે છે.
23 હે મારા પિતૃઓના દેવ,
હું તમારો આભાર માનું છું અને તમારી સ્તુતિ કરું છું, કારણ,
તમે જ મને જ્ઞાન અને શકિત આપી છે,
તમે મને રાજાનું સ્વપ્ન અને તેનો અર્થ જણાવ્યો છે.
પિતર અને યોહાનનું વિશ્વાસીઓમાં પાછા જવું
23 પિતર અને યોહાને યહૂદિ આગેવાનોની સભાનો ત્યાગ કર્યો અને તેઓ પોતાના સમૂહમાં ગયા. તેઓએ મુખ્ય યાજકો અને વડીલ યહૂદિ આગેવાનોએ તેમને જે કંઈ કહ્યું હતું તે બધું સમૂહને કહ્યું. 24 જ્યારે વિશ્વાસીઓએ આ સાંભળ્યું ત્યારે તેઓ બધાએ પ્રાર્થના કરી અને એ જ વિનંતી કરી. “પ્રભુ, પૃથ્વી, આકાશ, સમુદ્ર અને જે બધી વસ્તુઓ જગતમાં છે તેને ઉત્પન્ન કરનાર તું જ છે. 25 અમારો પૂર્વજ દાઉદ તારો સેવક હતો. પવિત્ર આત્માની સહાયથી તેણે આ શબ્દો લખ્યા:
‘શા માટે રાષ્ટ્રો બૂમો પાડે છે?
શા માટે વિશ્વના લોકો દેવની વિરૂદ્ધ યોજના ઘડે છે? તે નિરર્થક છે!
26 ‘પૃથ્ની પરના રાજાઓ તેઓની જાતે લડવા સજજ થયા છે,
અને બધા અધિકારીઓ પ્રભુની (દેવ) વિરૂદ્ધ અને તેના ખ્રિસ્તની વિરૂદ્ધ ભેગા થયા છે.’(A)
27 જ્યારે અહીં યરૂશાલેમમાં ઈસુની વિરૂદ્ધ હેરોદ, પોંતિયુસ પિલાત, રાષ્ટ્રો અને બધા યહૂદિ લોકો આવીને ભેગા મળ્યા ત્યારે ખરેખર આ બાબતો બની. ઈસુ તારો પવિત્ર સેવક છે. તે એક છે જેને તેં ખ્રિસ્ત બનાવ્યો છે. 28 આ લોકો જે ઈસુની વિરૂદ્ધ આવીને ભેગા મળ્યા છે જેથી તારી યોજના પૂર્ણ થઈ. તારા સાર્મથ્ય અને તારી ઈચ્છાથી તે બન્યું. 29 અને હવે, પ્રભુ, તેઓ શું કહે છે તે સાંભળ, તેઓ અમને ધમકાવે છે! પ્રભુ, અમે તારા સેવકો છીએ. તું અમારી પાસે જે કહેવડાવવા ઇચ્છતો હોય તે અમે ભય વગર બોલીએ તેમાં અમને સહાય કર. 30 તારું સાર્મથ્ય બતાવીને અમને સાર્મથ્યવાન થવામાં મદદ કર. માંદા લોકોને સાજા કર, સાબિતીઓ આપ, અને ઈસુના નામના અદભૂત સાર્મથ્યથી તે અદભૂત ચમત્કારો થવા દે, જે તારો પવિત્ર સેવક છે.”
31 વિશ્વાસીઓની પ્રાર્થના પછી તેઓ જ્યાં ભેગા થયા હતા તે મકાન હાલ્યું. તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા. અને તેઓએ દેવનો સંદેશો નિર્ભય રીતે કહેવાનું ચાલુ કર્યું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International