Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે
તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
2 ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી,
“તેમની કૃપા સદાય રહે છે.”
14 પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે;
તે જ મારું તારણ થયા છે.
15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે,
યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે;
અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.
17 હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ;
અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
18 યહોવાએ મને ભારે શિક્ષા કરી,
પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ;
અને યહોવાનો આભાર માનીશ.
20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે;
યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે;
અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.
22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 આ કાર્ય તો યહોવાથી થયું છે;
આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે;
આપણે તેમાં આનંદોત્સવ કરીએ.
દુનિયાનો આરંભ
1 આરંભમાં દેવે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું. 2 પૃથ્વી ખાલી અને અસ્તવ્યસ્ત હતી. જમીન પર કશું જ ન હતું. સમુદ્ર પર અંધકાર છવાયેલો હતો અને દેવનો આત્માં પાણી પર હાલતો હતો.
પહેલો દિવસ-પ્રકાશ
3 ત્યારે દેવે કહ્યું, “પ્રકાશ પ્રગટો” અને પ્રકાશ પ્રગટયો. 4 દેવે પ્રકાશને જોયો અને તેમણે જાણ્યું કે, તે સારું છે. ત્યારે દેવે પ્રકાશને અંધકારથી જુદો પાડયો. 5 દેવે પ્રકાશનું નામ “દિવસ” અને અંધકારનું નામ “રાત” રાખ્યું.
સાંજ પડી અને પછી સવાર થઇ તે પહેલો દિવસ હતો.
બીજો દિવસ-આકાશ
6 પછી દેવે કહ્યું, “પાણીને બે ભાગમાં જુદું પાડવા માંટે વચ્ચે અંતરિક્ષ થાઓ.” 7 એટલે દેવે અંતરિક્ષ બનાવ્યું અને પાણીને જુદું પાડયું. કેટલુંક પાણી અંતરિક્ષની ઉપર હતું અને કેટલુંક પાણી અંતરિક્ષની નીચે હતું. 8 દેવે અંતરિક્ષને “આકાશ” કહ્યું. પછી સાંજ પડી અને સવાર થઇ તે બીજો દિવસ હતો.
ત્રીજો દિવસ-સૂકી ધરતી અને વનસ્પતિ સૃષ્ટિ
9 પછી દેવે કહ્યું, “પૃથ્વી પરનું પાણી એક જગ્યાએ ભેગું થાઓ જેથી સૂકી જમીન નજરે પડે.” અને એ જ પ્રમાંણે થયું. 10 દેવે સૂકી જમીનને “પૃથ્વી” કહી અને જે પાણી ભેગું થયેલું હતું તે પાણીને “સાગર” કહ્યો. દેવે જોયું કે, તે સારું છે.
11 પછી દેવે કહ્યું, “પૃથ્વી વનસ્પતિ પેદા કરો: અનાજ આપનાર છોડ અને ફળ આપનાર વૃક્ષો પેદા કરો. પ્રત્યેકમાં પોતપોતાની જાતનાં બીજ થાઓ. આ પ્રકારના છોડ પૃથ્વી પર પેદા થાઓ.” અને એ પ્રમાંણે થયું. 12 પૃથ્વીએ અનાજ ઉત્પન્ન કરનાર ઘાસ અને છોડ ઉગાડયા અને એવાં વૃક્ષો અને છોડ ઉગાડયાં જેનાં ફળોની અંદર બીજ હોય છે. પ્રત્યેક છોડવાએ પોતપોતાની જાતનાં બીજ પેદા કર્યા અને દેવે જોયું કે, તે સારું છે.
13 પછી સાંજ પડી અને સવાર થઇ તે ત્રીજો દિવસ હતો.
ચોથો દિવસ-સૂર્ય, ચંદ્ર અને તારા
14 પછી દેવે કહ્યું, “આકાશમાં જયોતિઓ થાઓ. આ જયોતિઓ દિવસોને રાતોથી જુદા પાડશે. આ જયોતિઓનો વિશેષ ચિહનોરૂપે ઉપયોગ થશે. અને વિશેષ સભાઓ જ્યારે શરુ થશે તે દર્શાવશે અને તેનો ઉપયોગ ઋતુઓ, દિવસો અને વર્ષોનો સમય નિશ્ચિત કરવામાં થશે. 15 અને તેઓ પૃથ્વી પર પ્રકાશ પાથરવા માંટે આકાશમાં સ્થિર થાઓ.” અને એમ જ થયું.
16 પછી દેવે બે મોટી જયોતિઓ બનાવી. દેવે તેમાંની મોટી જયોતિને દિવસ પર અમલ કરવા બનાવી અને નાની જયોતિને રાત પર અમલ કરવા બનાવી. દેવે તારાઓ પણ બનાવ્યા. 17 દેવે આ જયોતિઓને આકાશમાં એટલા માંટે રાખી કે, તે પૃથ્વી પર ચમકે. 18 દેવે આ જયોતિઓને આકાશમાં એટલાં માંટે રાખી કે, જેથી તે દિવસ અને રાત પર અમલ ચલાવે. આ જયોતિઓએ પ્રકાશને અંધકારથી જુદો પાડયો અને દેવે જોયું કે, આ સારું છે.
19 ત્યારે સાંજ થઈને સવાર થઇ. તે ચોથો દિવસ હતો.
ક્યા પ્રકારનું શરીર આપણું હશે?
35 પરંતુ કેટલાએક લોકો કદાચ પૂછશે કે, “મૃત્યુ પામેલા લોકો પુર્નજીવિત કેવી રીતે થાય? તેઓ કેવાં શરીર ધારણ કરીને આવે?” 36 આ બધા મૂર્ખતા ભરેલા પ્રશ્નો છે. જ્યારે તમે કઈક વાવો ત્યારે પ્રથમ જમીનની અંદર તે મૃત્યુ પામે છે અને પછી તે જીવનમાં નવપલ્લવિત થાય છે. 37 અને તમે જે વાવો છો તેનું સ્વરૂપ પછીથી આકાર લેનાર “શરીર” જેવું નહિ હોય. તમે જે વાવ્યું છે તે તો માત્ર ધઉં કે બીજી કોઈ વસ્તુનું બીજ માત્ર છે. 38 પરંતુ દેવ તેના આયોજન પ્રમાણે તેને શરીરનું સ્વરૂપ આપે છે. અને દેવ ભિન્ન-ભિન્ન બીજને તેમનું પોતાનું જુદુ અંગ આપે છે. 39 હાડ-માંસમાંથી બનેલી દરેક વસ્તુઓ તે એક જ હાડ-માંસની નથી: તેથી લોકોનું હાડ-માંસ (શરીર) એક પ્રકારનું હોય છે, જ્યારે પ્રાણીઓનું બીજા એક પ્રકારનું, પક્ષીઓનું શરીર બીજા એક પ્રકારનું અને માછલીઓનું શરીર બીજા એક પ્રકારનું હોય છે. 40 દુન્યવી શરીરો તેમજ સ્વર્ગીય શરીરો પણ ભિન્ન પ્રકારનાં હોય છે. પરંતુ સ્વર્ગીય શરીરોની સુંદરતા એક પ્રકારની છે, જ્યારે દુન્યવી શરીરોની સુદરતા બીજા પ્રકારની છે. 41 સૂર્યનું સૌંદર્ય એક પ્રકારનું છે, જ્યારે ચંદ્રનું બીજા પ્રકારનું. જ્યારે તારાઓની સુંદરતા કઈક જુદી જ છે. તેમજ દરેક તારો પોતાની સુંદરતામાં બીજાથી વિશિષ્ટ છે.
42 જે લોકો મૃત્યુમાંથી ઊભા થશે તેમને માટે પણ આવું જ છે. જે શરીરનું “રોપણ” થયું છે તે તો સડી જશે. પરંતુ જે શરીર મૃત્યુમાંથી ઊઠશે તેનો વિનાશ થશે નહિ. 43 કોઈ પણ પ્રકારના સન્માન વગર શરીરનું “રોપણ” કરવામાં આવે છે, પરંતુ મહિમા સાથે તે પુર્નજીવિત થાય છે. 44 “રોપેલું” શરીર નિર્બળ હોય છે, પરંતુ પુર્નજીવિત શરીર શક્તિશાળી હોય છે. શરીર જે “રોપેલું” છે તે ભૌતિક છે, પરંતુ જે પુર્નજીવિત થયું છે તે શરીર આત્મિક છે.
જેમ ભૌતિક શરીર છે તેમ આત્મિક શરીર પણ છે. 45 પવિત્રશાસ્ત્માં લખ્યું છે કે: “પ્રથમ પુરુંષ (આદમ) સજીવ પ્રાણી થયો.”(A) પરંતુ અંતિમ આદમ એ આત્મા થયો કે જે જીવન પ્રદાન કરે છે. 46 આત્મિક માણસનું આગમન પ્રથમ નથી થતું. ભૌતિક માણસ પહેલા આવે છે, અને પછી આત્મિક માણસ આવે છે. 47 પ્રથમ માણસનું આગમન પૃથ્વીની રજકણમાંથી થયું. જ્યારે બીજા માણસનું આગમન આકાશમાંથી થયું. 48 લોકો પૃથ્વીને આધીન છે તેથી તેઓ પ્રથમ પેલા દુન્યવી માણસ જેવા છે. પરંતુ જે લોકો સ્વર્ગને આધિન છે તે લોકો પેલા સ્વર્ગીય પુરુંષ જેવા છે. 49 આપણને પેલા દુન્યવી માણસ જેવા બનાવ્યા છે. તેથી આપણને પેલા સ્વર્ગીય પુરુંષ જેવા પણ બનાવવામાં આવશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International