Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે
તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
2 ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી,
“તેમની કૃપા સદાય રહે છે.”
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ;
અને યહોવાનો આભાર માનીશ.
20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે;
યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે;
અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.
22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 આ કાર્ય તો યહોવાથી થયું છે;
આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે;
આપણે તેમાં આનંદોત્સવ કરીએ.
25 હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને તારણ આપો;
હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો.
26 યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે;
યહોવા મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.
27 યહોવા તે જ દેવ છે અને તે અમારો પ્રકાશ છે.
બલિદાન માટે બાંધેલા ઘેટાને વેદીના શિંગ તરફ લઇ જતાં ઉત્સવના સરઘસમાં તમે બધાં જોડાઇ જાઓ.
28 તમે મારા યહોવા, હું તમારો આભાર માનીશ;
તમે મારા દેવ છો, હું તમને મોટા માનીશ.
29 યહોવાનો આભાર માનો, તે ઉત્તમ છે;
અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.
10 યહોવા કહે છે તે આ પ્રમાણે છે: “આ દેશમાં, જે, તું કહે છે કે નાશ પામ્યું છે, માણસો અને પ્રાણીઓ વગરના યહૂદિયાના શહેરોમાંથી અને યરૂશાલેમની શેરીઓમાંથી જે હવે નિર્જન છે, ત્યાં ફરી એક વખત અવાજો સંભળાશે. 11 વરવધૂના કિલ્લોલ કરતાં અવાજો અને યહોવા માટેના આભારઅર્પણોના આનંદિત ગીતો ફરી સંભળાશે. તે લોકો કહેશે, ‘સૈન્યોનો દેવ યહોવાનો સૌ માનો આભાર, એ છે ભલાઇનો ભંડાર, એની કરૂણા અપરંપાર’ લોકો આ પ્રમાણે કહેશે. કારણ કે હું ફરીથી યહૂદિયા માટે સારી વસ્તુઓ કરીશ.” આ યહોવાના વચન છે.
12 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “આ જગ્યામાં એનાં માનવ કે પશુની વસ્તી વગરનાં ખંડેર ગામોં ફરીથી ઘેટાંબકરાંને આરામ કરાવતા ભરવાડોનું આશ્રયસ્થાન થશે. 13 પહાડી દેશમાં, શફેલાહના ગામોમાં અને નેગેબ અને બિન્યામીન પ્રદેશમાં, યહૂદિયાના ગામોમાં અને યરૂશાલેમની નજીકના સ્થળોએ ફરીવાર ઘેટાં ગણતા ઘેટાંપાળકોના હાથ નીચેથી ઘેટાં પસાર થશે.”
સારી શાખા
14 યહોવા કહે છે કે, “એવો દિવસ આવશે કે ઇસ્રાએલ તથા યહૂદિયાના હકમાં સર્વ સારું કરવાનું મેં આપેલું વચન હું પૂર્ણ કરીશ. 15 તે સમયે હું દાઉદના કુળનો એક સાચો જ વંશજ પેદા કરીશ. જે નીતિ અને ન્યાયીપણાથી રાજ કરશે. 16 તે સમયે યહૂદિયા તથા યરૂશાલેમના લોકો સમૃદ્ધ થશે અને તેઓ સુરક્ષામાં જીવશે. ‘યહોવા આપણું ન્યાયીપણું’ એ તેઓનું નામ હશે.”
ઈસુ ફરીથી તેના મૃત્યુ વિષે કહે છે
(માથ. 20:17-19; લૂ. 18:31-34)
32 ઈસુ અને તેની સાથેના લોકો યરૂશાલેમ જતા હતા. ઈસુ લોકોને દોરતો હતો. ઈસુના શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. પણ પેલા લોકો જે તેની પાછળ આવતા હતા તેઓ બીતાં હતા. ઈસુએ ફરીથી બાર પ્રેરિતોને ભેગા કર્યા. અને તેઓની સાથે એકલા વાત કરી. ઈસુએ યરૂશાલેમમાં શું થશે તે તેઓને કહ્યું. 33 ઈસુએ કહ્યું, “આપણે યરૂશાલેમ તરફ જઈએ છીએ. માણસના દિકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે. યાજકો અને શાસ્ત્રીઓ કહેશે કે માણસના દિકરાએ મરવું જોઈએ. તેઓ બિનયહૂદિ લોકોને માણસનો દિકરા સોંપશે. 34 તે લોકો તેની મશ્કરી કરશે અને તેના પર થૂંકશે, તેઓ તેને ચાબૂકથી મારશે અને તેને મારી નાખશે. પરંતુ તેના મૃત્યુ પછી ત્રીજા દિવસે તે પાછો ઊઠશે.”
એક આંધળા માણસને ઈસુનું સાજા કરવું
(માથ. 20:29-34; લૂ. 18:35-43)
46 પછી તેઓ યરેખોના ગામમાં આવ્યા. ઈસુ તેના શિષ્યો અને બીજા ઘણા લોકો સાથે તે ગામની વિદાય લેતા હતા. બર્તિમાય નામનો એક આંધળો માણસ (તિમાયનો પુત્ર) રસ્તાની બાજુમાં બેઠો હતો. આ માણસ હંમેશા પૈસાની ભીખ માંગતો હતો. 47 આંધળા માણસે સાંભળ્યું કે નાઝરેથનો ઈસુ બાજુમાંથી પસાર હતો. તે આંધળા માણસે બૂમ પાડી, “ઈસુ, દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!”
48 ઘણા લોકોએ આંધળા માણસની ટીકા કરી. તેઓએ તેને નહિ બોલવા કહ્યું. પરંતુ આંધળો માણસ વધારે ને વધારે બૂમો પાડવા લાગ્યો. “દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!”
49 ઈસુ ઊભો રહ્યો અને કહ્યું, “તે માણસને અહીં આવવા કહો.”
તેથી તેઓએ આંધળા માણસને બોલાવ્યો. તેઓએ કહ્યું, “હિમ્મત રાખ! ઊભો થા! ઈસુ તને બોલાવે છે.” 50 આંધળો માણસ ઝડપથી ઊભો થયો. તેણે તેનો ડગલો ત્યાં મૂક્યો અને ઈસુ તરફ ગયો.
51 ઈસુએ માણસને પૂછયું, “મારી પાસે તું શું કરવાની ઈચ્છા રાખે છે?”
આંધળો માણસ બોલ્યો, “ઉપદેશક, મારી ઈચ્છા ફરી દેખતા થવાની છે.”
52 ઈસુએ કહ્યું, “જા, તું તારા વિશ્વાસને કારણે સાજો થઈ ગયો છે.” પછી તે માણસ ફરીથી દેખતો થયો. તે રસ્તામાં ઈસુને અનુસર્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International