Revised Common Lectionary (Semicontinuous)
બેથ
9 જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે?
તમારા વચનોને અનુસરીને તે કરી શકે છે.
10 મેઁ મારા ખરા હૃદયથી તને શોધ્યો છે;
તારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દે.
11 મેં તમારા વચન કાળજી પૂર્વક મારા હૃદયમા રાખી મૂક્યા છે;
જેથી, તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
12 યહોવાની સ્તુતિ થાય! કૃપા કરીને
મને તમારા વિધિઓ શીખવો.
13 મારા હોઠોથી હું તમારા બધાં નિયમો વિષે વાત કરીશ.
14 સંપત્તિ કરતાં તમારા નિયમોમાં
મને વધુ આનંદ મળે છે.
15 હું તમારા શાસનોની ચર્ચા કરું છું,
હું તમારા જીવન જીવવાના માર્ગને અનુસરું છું.
16 હું તમારા વિધિઓને માનું છું;
હું તેમને ભૂલી જઇશ નહિ.
મૂર્તિપૂજા પર પ્રહાર – દેવ માત્ર એક
44 યહોવા કહે છે, “હે યાકૂબ, મારા સેવક, ઇસ્રાએલ, મારા પસંદ કરેલા, મને સાંભળ. 2 હું જ તારો સર્જનહાર છું, જ્યારથી તું જનમ્યો હતો ત્યારથી હું તને મદદ કરી રહ્યો છું. હે યાકૂબ, મારા સેવક, મારા પસંદ કરાયેલા યશુરૂન, હું તને આ કહું છું તું ભયભીત થઇશ નહિ.
3 “હું તમારી તરસ છીપાવવા ભૂમિ પર પુષ્કળ પાણી વરસાવીશ. સૂકી ધરતી પર ઝરણાં વહાવીશ. તારી સંતતિ ઉપર હું મારી શકિત ઉતારીશ. તારા વંશજો પર મારા આશીર્વાદ વરસાવીશ. 4 તેઓ વહેતાં ઝરણાંની ધારે પાણીમાં ઊગી નીકળતા ઘાસની જેમ તથા નદી કાંઠે ઊગી નીકળતા નેતરના ઝાડોની જેમ વૃદ્ધિ પામશે,
5 “તેથી તેઓ બધા પોતાને યહોવાના સેવક અને યાકૂબના વંશજો તરીકે ઓળખાવવામાં ગૌરવ લેશે. તેઓ કહેશે કે તેઓ યહોવાની માલિકીના છે અને ‘ઇસ્રાએલીઓ’ તરીકે ઓળખાય.”
6 ઇસ્રાએલનો રાજા અને તેના ઉદ્ધારક સૈન્યોના દેવ યહોવા આ પ્રમાણે કહે છે: “હું જ આદિ છું અને હું જ અંત છું; મારા સિવાય કોઇ બીજો દેવ નથી. 7 આવનાર ભવિષ્યમાં શું બનશે તે વિષે તમને મારા સિવાય કોણ કહી શકે છે? જો કોઇ કહી શકે તેમ હોય તો તેઓને કહેવા દો અને તેઓનું પરાક્રમ સાબિત કરવા દો. પ્રાચીનકાળથી જે પ્રમાણે મેં કર્યુ છે તેમ તેઓને કરવા દો.
8 “ઓ મારા લોકો, ગભરાશો નહિ, ડરશો નહિ, પ્રાચીનકાળથી મેં એ બધું કહ્યું નથી? મેં જાહેર નથી કર્યુ? તમે મારા સાક્ષી છો. મારા સિવાય અન્ય કોઇ દેવ છે? મારા સિવાય બીજો કોઇ ખડક નથી.”
પિતરનું લોકોને ભાષણ
14 પછી પિતર અગિયાર બીજા પ્રેરિતો સાથે ઊભો રહ્યો. તે એટલા મોટા અવાજે બોલ્યો કે જેથી બધા લોકો સાંભળી શકે. તેણે કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ તથા યરૂશાલેમમાં તમારામાંના બધા જે રહો છો, હું તમને કંઈક કહીશ, જે જાણવાની તમારે જરુંર છે. કાળજીપૂર્વક સાંભળો. 15 આ માણસો તમે ધારો છો એમ પીધેલા નથી; હજુ સવારના નવ વાગ્યા છે! 16 પણ યોએલ પ્રબોધકે જે બાબત માટે લખ્યું હતું તે આજે તમે અહીં થતું જુઓ છો. યોએલ પ્રબોધકે જે લખ્યું છે તે આ છે:
17 ‘દેવ કહે છે કે:
છેલ્લા દિવસોમાં, હું મારો આત્મા બધા લોકો પર રેડી દઈશ.
તમારા પુત્રો અને પુત્રીઓ પ્રબોધ કરશે.
તમારા જુવાનોને સંદર્શનો થશે.
તમારા વૃદ્ધોને ખાસ સ્વપ્નો આવશે.
18 તે સમયે, હું મારા સેવક-સેવિકાઓ પર મારો આત્મા રેડીશ
અને તેઓ પ્રબોધ કરશે.
19 હું ઊચે આકાશમાં આશ્ચર્યજનક કામો બતાવીશ.
હું નીચે પૃથ્વી પર તેના અદભૂત ચિહનો આપીશ.
ત્યાં લોહી, અગ્નિ, અને ધુમાડાના ગોટેગોટા દેખાડીશ.
20 સૂર્યનું પરિવર્તન અંધકારમાં થશે,
અને ચંદ્ર લાલ લોહી જેવો બનશે.
પછી પ્રભુનો મહાન તથા પ્રસિધ્ધ દિવસ આવશે.
21 અને પ્રત્યેક માણસ જે પ્રભુમાં વિશ્વાસ કરશે ત તારણ પામશે.’(A)
22 “મારા યહૂદિ ભાઈઓ, આ શબ્દો ધ્યાનથી સાંભળો: નાસરેથનો ઈસુ એક ઘણો વિશિષ્ટ માણસ હતો. દેવે તમને આ સ્પષ્ટ દર્શન કરાવ્યું છે. દેવે પરાક્રમો અને આશ્ચર્યો તથા ચમત્કારોથી તે સાબિત કર્યુ છે. તે ઈસુ દ્ધારા કરવામાં આવ્યું હતું. તમે બધાએ આ બાબતો જોઈ છે. તેથી તમે જાણો છો કે આ સાચું છે. 23 તમને ઈસુ સોંપવામાં આવ્યો, અને તમે તેની હત્યા કરી. દુષ્ટ માણસોની સહાયથી તમે ખીલા ઠોકીને ઈસુને વધસ્તંભે જડાવ્યો. પણ દેવ તો જાણતો હતો કે આ બધું થવાનું છે. આ દેવની યોજના હતી. ઘણા સમય પહેલા દેવે આ યોજના ઘડી હતી. 24 ઈસુએ મૃત્યુની વેદના સહન કરી, પણ દેવે તેને એ બધી વેદનાઓમાંથી મુક્ત કર્યો. દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો. મૃત્યુ ઈસુને પકડી શક્યું નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International