Revised Common Lectionary (Semicontinuous)
નવો કરાર
31 યહોવા કહે છે, “એ દિવસો આવી રહ્યા છે કે જ્યારે હું ઇસ્રાએલ અને યહૂદિયા સાથે નવો કરાર કરીશ. 32 મેં જ્યારે એમના પિતૃઓને હાથ પકડીને મિસરમાંથી બહાર કાઢયા હતા ત્યારે તેમની સાથે જે કરાર કર્યો હતો તેવો આ કરાર નહિ હોય. હું તેમનો વિશ્વાસુ માલિક હોવા છતાં પણ તેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે.
33 “પરંતુ હવે ઇસ્રાએલના લોકો સાથે જે કરાર કરીશ તે આવો હશે: હું મારા નિયમો તેમના અંતરમાં ઠસાવીશ અને તેમનાં હૃદય પર લખીશ. હું તેમનો દેવ થઇશ. અને તેઓ મારી પ્રજા થશે. 34 તે સમયે યહોવાને ઓળખવા માટે એકબીજાને શીખવવાની જરૂર રહેશે નહિ, કારણ કે ત્યારે નાનાથી મોટા સુધી સૌ કોઇ મને ઓળખશે. હું તેમના દુષ્કૃત્યો માફ કરીશ અને તેમના પાપને ફરી સંભારીશ નહિ.” આ યહોવાના વચન છે.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.જ્યારે નાથાન પ્રબોધક દાઉદને મળ્યો, બાથશેબા સાથે પાપ કર્યા ત્યાર પછી લખાયું છે.
1 હે પ્રેમાળ દયાળુ દેવ!
મારા પર દયા કરો.
તમારી મહાન સહાનુભૂતિથી
મારા પાપો ભૂંસી નાખો.
2 હે યહોવા, મારા અપરાધ
અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.
3 હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું,
હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.
4 મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે,
હા તમારી વિરુદ્ધ;
જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે.
તેથી તમે તમારા નિર્ણયો
અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
5 હું પાપમાં જન્મ્યો હતો,
મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
6 તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા,
મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
7 મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ;
અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.
8 મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં,
જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
9 મારા પાપો તરફ જોશો નહિ,
ભૂંસી નાખો મારા સર્વ પાપ.
10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો,
અને મારા આત્માને મજબૂત કરો!
11 મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ,
અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો.
મારા આત્માને મજબૂત,
તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.
બેથ
9 જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે?
તમારા વચનોને અનુસરીને તે કરી શકે છે.
10 મેઁ મારા ખરા હૃદયથી તને શોધ્યો છે;
તારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દે.
11 મેં તમારા વચન કાળજી પૂર્વક મારા હૃદયમા રાખી મૂક્યા છે;
જેથી, તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
12 યહોવાની સ્તુતિ થાય! કૃપા કરીને
મને તમારા વિધિઓ શીખવો.
13 મારા હોઠોથી હું તમારા બધાં નિયમો વિષે વાત કરીશ.
14 સંપત્તિ કરતાં તમારા નિયમોમાં
મને વધુ આનંદ મળે છે.
15 હું તમારા શાસનોની ચર્ચા કરું છું,
હું તમારા જીવન જીવવાના માર્ગને અનુસરું છું.
16 હું તમારા વિધિઓને માનું છું;
હું તેમને ભૂલી જઇશ નહિ.
5 ઈસુ ખ્રિસ્તે પણ પોતાની જાત માટે પ્રમુખ યાજક થવાની અને મહિમા પ્રાપ્ત કરવા માટે પસંદગી કરી નહોતી. પરંતુ દેવે તેને પસંદ કર્યો. દેવે ખ્રિસ્તને કહ્યું,
“તું મારો પુત્ર છે;
આજે હું તારો પિતા બન્યો છું.” (A)
6 અને શાસ્ત્રમાં દેવે એક જગ્યાએ એમ પણ કહ્યું હતું કે,
7 ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતો ત્યારે તેણે દેવને તેની મદદ માટે મોટે ઘાટે પ્રાર્થના કરી, અને આંસુ સહિત મરણમાંથી તેને છોડાવનાર દેવની પ્રાર્થના કરી. તે દરેક સમયે દેવની ઈચ્છા પ્રમાણે જ કરતો તેથી દેવે તેની પ્રાર્થના સાંભળી. 8 ઈસુ દેવનો પુત્ર હતો. છતાં દુ:ખ સહનના અનુભવથી આજ્ઞાનું પાલન કરવાનું શીખ્યો. 9 આ રીતે પરિપૂર્ણ થઈને, તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને સારું અનંત તારણનું કારણ થયો. 10 અને દેવે ઈસુને મલ્ખીસદેકના ધારા પ્રમાણે પ્રમુખયાજકનું નામ આપ્યું.
ઈસુ જીવન અને મૃત્યુ વિષે વાત કરે છે
20 ત્યાં કેટલાક ગ્રીક લોકો પણ હતા. પાસ્ખાપર્વમાં જે લોકો યરૂશાલેમથી આવેલા હતા તે ભજન કરવા ગયા. 21 આ ગ્રીક લોકો ફિલિપ પાસે ગયા. (ફિલિપ ગાલીલના બેથસૈદાનો હતો.) ગ્રીક લોકોએ કહ્યું, “સાહેબ, અમારી ઈચ્છા ઈસુને મળવાની છે.” 22 ફિલિપે આવીને આન્દ્રિયાને કહ્યું. પછી આન્દ્રિયા અને ફિલિપ ગયા અને ઈસુને કહ્યું.
23 ઈસુએ તેઓને કહ્યું, “માણસના દીકરાને મહિમાવાન થવાનો સમય આવ્યો છે. 24 હું તમને સત્ય કહું છું એક ઘઉંનો દાણો જમીન પર પડે છે અને મરી જાય છે. પછી તે ઊગે છે અને ઘણા બીજ બનાવે છે. પણ જો તે કદી મરી નહિ જાય, તો પછી તે ફક્ત એક સાદો દાણો જ રહેશે. 25 જે વ્યક્તિ તેના પોતાના જીવ પર પ્રીતિ કરે છે તે જીવન ગુમાવે છે. પરંતુ જે વ્યક્તિ આ દુનિયામાં પોતાના જીવને ધિક્કારે છે તે જીવન ને ટકાવે છે. તેને અનંતજીવન પ્રાપ્ત થશે. 26 જે વ્યક્તિ મારી સેવા કરે છે તેણે મને અનુસરવું જોઈએ. પછી મારો સેવક હું જ્યાં જ્યાં હોઈશ ત્યાં તે પણ મારી સાથે હશે. મારા પિતા જે લોકો મારી સેવા કરે છે તેઓને સન્માન આપશે.
ઈસુ તેના મૃત્યુ વિષે વાત કરે છે
27 “હવે હું ઘણો વ્યાકુળ થયો છું. મારે શું કહેવું જોઈએ? મારે એમ કહેવું, ‘પિતા, મને આ વિપત્તિના સમયમાંથી બચાવ?’ ના! હું આ વખતે આના માટે જ આવ્યો છું તેથી મારે દુ:ખ સહેવું જોઈએ. 28 પિતા, તારા નામનો મહિમા થાઓ!”
પછીથી એક વાણી આકાશમાંથી આવી, “મેં તેના નામનો મહિમા કર્યો છે. હું ફરીથી તે કરીશ.”
29 ત્યાં ઊભેલા લોકોએ તે વાણી સાંભળી. પેલા લોકોએ કહ્યું, તે ગર્જના હતી.
પણ બીજા લોકોએ કહ્યું, “એક દૂતે ઈસુ સાથે વાત કરી!”
30 ઈસુએ લોકોને કહ્યું, “તે વાણી તમારા માટે હતી મારા માટે નહિ. 31 હવે જગતનો ન્યાય કરવાનો સમય છે. હવે આ જગતનો શાસક (શેતાન) બહાર ફેંકાઇ જશે. 32 મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે અને જ્યારે આ બનશે ત્યારે હું બધા લોકોને મારી તરફ ખેંચીશ.” 33 ઈસુએ પોતાનું મૃત્યુ કેવી રીતે થશે તે દર્શાવવા આ કહ્યું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International