Revised Common Lectionary (Semicontinuous)
ભાગ પાંયમો
(ગીત 107–150)
1 યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે;
અને તેમની કૃપા સર્વકાળપર્યંત ટકે છે.
2 જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ,
કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.
3 પૃથ્વીના દૂર દૂરનાં ખૂણે ખૂણેથી
અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશામાંથી તેમણે પોતાના લોકોને સાથે ભેગા કર્યા.
4 કેટલાંક ઉજ્જડ માર્ગે રણમાં ભટકતાં હતાં
અને તેઓને વસવા નગર ન મળ્યું.
5 તેઓ ભૂખ્યા અને તરસ્યા હતાં,
અને નબળા પડી રહ્યાં હતાં.
6 પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર કર્યો,
અને યહોવાએ તેઓને દુ:ખમાંથી છોડાવ્યાં.
7 યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.
8 દેવની કૃપા માટે તથા માનવ જાત માટે તેમણે કરેલાં અદભૂત કાર્યો
માટે માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું!
9 કારણ કે તે તરસ્યા આત્માને સંતોષે છે,
અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાઁથી તૃપ્ત કરે છે.
10 કારણ કે તેઓએ દેવના વચનોની સામે બંડ પોકાર્યુ હતું
તેમણે પરાત્પર દેવના બોધનો તિરસ્કાર કર્યો હતો.
11 કેટલાંક લોકોને અંધારી જેલમાં સળિયા પાછળ
તાળું મારીને કેદ કરવામાં આવ્યાં હતા.
12 તેઓ તેમની મુશ્કેલીઓથી
નરમ થઇ ગયાં છે.
તેઓ લથડીને નીચે પડ્યાં,
છતાં તેમને મદદ કરનાર કોઇ ન હતું.
13 તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર કર્યો;
એટલે તેણે તેઓને દુ:ખમાંથી તાર્યા.
14 તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી કાઢી લાવ્યાં;
અને બંધન તોડી નાખ્યાઁ.
15 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
16 તેણે બંદીખાનાના પિત્તળના દરવાજા તોડી નાખ્યા
અને તેઓની લોખંડની ભૂંગળો પણ તોડી નાખી.
ઇસ્રાએલપુત્રો અરણ્યમાં જાય છે
22 પછી મૂસા ઇસ્રાએલના લોકોને રાતા સમુદ્રથી આગળ લઈ ગયો. અને તેઓ ત્યાંથી નીકળીને શૂરના અરણ્યમાં ગયા; તેઓ ત્રણ દિવસ અરણ્યમાં ચાલ્યા. છતાં પાણી ન મળ્યાં. 23 પછી તેઓ માંરાહ નામની જગ્યાએ આવી પહોંચ્યા પણ ત્યાંના પાણી પણ ના પી શક્યા, કારણ કે તે કડવા હતા. એને લીધે આ જગ્યાનું નામ માંરાહ પડયું.
24 પછી તે બધા લોકોએ મૂસાની વિરુદ્ધ બબડાટ કરતાં કહ્યું કે, “આપણે પીશું શું?”
25 એટલે મૂસાએ યહોવાને પોકાર કર્યો એટલે યહોવાએ તેને ઝાડનું એક થડ બતાવ્યું. પછી મૂસાએ તે પાણીમાં નાખ્યું અને પાણી મીઠું થઈ ગયું.
ત્યાં દેવે લોકોને ન્યાય કર્યો તથા એક વિધિ તથા એક નિયમ ઠરાવ્યો. અને ત્યાંજ તેમની કસોટી કરી. 26 યહોવાએ કહ્યું, “તમે લોકો તમાંરા દેવની યહોવાની વાણી ધ્યાનપૂર્વક સાંભળશો, અને તેની નજરમાં જે સારું હોય તે કરશો. અને તેની આજ્ઞાઓ માંથે ચઢાવશો. અને માંરા બધા કાનૂનોનું પાલન કરશો તો મેં મિસરીઓ ઉપર જે રોગો મોકલ્યા હતા તેમાંનો કોઈ તમાંરા ઉપર મોકલીશ નહિ. કારણ કે હું યહોવા તમાંરા રોગોનો કરનાર છું. તમને સાજા હરનાર છું.”
27 પછી તે લોકો એલીમ આવી પહોંચ્યા, ત્યાં બાર પાણીના ઝરા હતા અને 70 ખજૂરીઓ ઝાડ હતાં, તેથી પાણીની નજીક તેઓએ પડાવ નાખ્યો.
ઈસુ મૂસા કરતાં મહાન
3 તેથી તમારે બધાએ ઈસુ વિષે વિચાર કરવો જોઈએ. દેવે ઈસુને આપણી પાસે મોકલ્યો અને તે આપણા વિશ્વાસનો પ્રમુખ યાજક છે. હું તમને આ કહું છું, મારા પવિત્ર ભાઈઓ અને બહેનો, તમને સર્વને દેવે તેડ્યા છે. 2 દેવે ઈસુને આપણી પાસે મોકલ્યો છે અને તેને આપણો મુખ્ય યાજક બનાવ્યો છે. મૂસાની જેમ ઈસુ પણ દેવને વફાદાર હતો. દેવના ઘરમાં દેવ તેની પાસે જે કરાવવા ઈચ્છતો હતો તે બધું તેણે કર્યું. 3 જ્યારે મનુષ્ય મકાન બાંધે છે, ત્યારે લોકો મકાન બાંધનારને ખુબ માન આપે છે. તેમ ઈસુ મૂસા કરતાં માન આપવાને વધુ યોગ્ય ઠર્યો. 4 દરેક મકાન કોઈ એક મનુષ્ય બાંધે છે, પરંતુ દેવે તો આખી દુનિયાનું સર્જન કર્યું છે. 5 મૂસા સેવકની જેમ ખૂબજ વફાદાર હતો. દેવ જે ભવિષ્યમાં કહેવાનો છે તે (મૂસાએ) તેણે કહ્યું. 6 પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો. આપણે વિશ્વાસીઓ દેવનું ઘર (કુટુંબ) છીએ. જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું અભિમાન ચાલુ રાખીએ, તો આપણે દેવનું ઘર છીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International