Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાનો આભાર માનો, તેના નામની સ્તુતિ કરો.
તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.
2 યહોવા સમક્ષ ગાઓ, તેનાં સ્તોત્ર ગાઓ;
તેમનાં સર્વ ચમત્કારોનું મનન કરો અને સૌને તે જણાવો.
3 તમે યહોવાનાં પવિત્ર નામનું અભિમાન કરો;
યહોવાની આરાધના કરનારાઓ આનંદ કરો.
4 યહોવાને તથા તેના સાર્મથ્યને શોધો;
સદા-સર્વદા તમે તેના મુખને શોધો.
5 તેણે જે આશ્ચર્યકારક કર્મો કર્યા છે તે તથા તેનાં ચમત્કરો
અને તેનાં ન્યાયચુકાદા યાદ રાખો.
6 તમે લોકો દેવના સેવક ઇબ્રાહિમના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો.
અને તમે યહોવાની પસંદગીના લોકો છો.
7 તેઓ આપણા દેવ યહોવા છે;
તેમના સાચાં નિર્ણયો સમગ્ર પૃથ્વીમાં પ્રસિદ્ધ છે.
8 તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે;
અને હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે.
9 એટલે કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કરેલો;
અને તેમણે ઇસહાક પ્રત્યેની પ્રતિજ્ઞા લીધેલી,
10 તેમણે યાકૂબ માટેના નિયમ તરીકે, તેનું સ્થાપન કર્યું,
અને તેમણે ઇસ્રાએલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો.
11 તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તમને આપીશ;
અને તે સર્વદા તમારું પોતાનું વતન થશે.”
37 તેઓ તેમના લોકોને, તેમના સોના ચાંદી સાથે,
સુરક્ષિત રીતે પાછા લઇ આવ્યાં
અને તેઓમાંથી કોઇ નિર્બળ ન હતું.
38 તેઓ ગયાં ત્યારે મિસરવાસી આનંદ પામ્યાં;
કારણકે તેઓ તેમનાથી ત્રાસ પામ્યા હતાં.
39 યહોવાએ મેઘસ્તંભથી તેઓ પર છાયા કરી;
અને રાત્રે પ્રકાશ માટે અગ્નિસ્તંભ આપ્યો.
40 જ્યારે તેઓએ માંગ્યુ ત્યારે લાવરીઓે લાવ્યાં;
અને આકાશમાંની માન્ના રૂપે રોટલીઓથી તૃપ્ત કર્યા.
41 તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું;
જે નદી થઇને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું.
42 તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા
પોતાના વચનનું સ્મરણ કર્યુ.
43 તેઓ પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને,
ખુશીથી પાછા લઇ આવ્યાં.
44 તેમણે તેઓને પરદેશીઓની ભૂમિ આપી;
અને તે અન્ય લોકોએ બનાવેલી વસ્તુઓ તેમને વારસારૂપે મળી.
45 તેઓ ભરોસો કરે અને તેનાં વિધિઓનું પાલન કરે
અને તેના માર્ગોને અનુસરે તેથી યહોવાએ આ કર્યુ;
હાલેલૂયા!
ઇબ્રાહિમ પુત્રનું બલિદાન આપવા તૈયાર
22 આ બધું થઈ ગયા પછી દેવે ઇબ્રાહિમના વિશ્વાસની કસોટી કરવાનું નકકી કર્યુ. દેવે તેને કહ્યું, “ઇબ્રાહિમ!”
ત્યારે ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “હું આ રહ્યો.”
2 દેવે કહ્યું, “તારા પુત્રને, તારા એકનાએક પુત્રને, જે તને વહાલો છે તે ઇસહાકને લઈને તું મોરિયા પ્રદેશમાં જા. અને ત્યાં હું કહું તે ડુંગર ઉપર તું તેનું દહનાર્પણ કર.”
3 તેથી ઇબ્રાહિમ સવારે વહેલો ઊઠયો અને તેણે ગધેડા પર જીન નાખ્યું. ઇબ્રાહિમે તેના પુત્ર ઇસહાક અને બે નોકરોને સાથે લીધા. ઇબ્રાહિમે યજ્ઞ માંટે લાકડાં કાપીને તૈયાર કર્યા. અને પછી દેવે કહ્યું હતું તે જગ્યાએ જવા નીકળ્યા. 4 ત્રણ દિવસના પ્રવાસ પછી ઇબ્રાહિમે ઉપર જોયું અને જે જગ્યાએ એ જતાં હતા તે જગ્યા દૂર નજરે પડી. 5 પછી ઇબ્રાહિમે પોતાના નોકરોને કહ્યું, “તમે અહીં ગધેડા પાસે રહો, હું માંરા પુત્રને તે જગ્યાએ લઈ જઈશ અને ઉપાસના વિધી કરીશ, પછી અમે પાછા આવીશું.”
6 ઇબ્રાહિમે યજ્ઞ માંટેનાં લાકડાં લીધાં અને પોતાના પુત્ર ઇસહાકના ખભા પર ચઢાવ્યાં. અને ઇબ્રાહિમે પોતાના હાથમાં અગ્નિ અને છરો લીધો પછી ઇબ્રાહિમ અને તેનો પુત્ર બંને ઉપાસના માંટે તે જગ્યાએ એક સાથે ગયા.
7 ઇસહાકે પોતાના પિતા ઇબ્રાહિમને કહ્યું, “પિતાજી!”
ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “હા, બેટા, શું છે?”
ઇસહાક બોલ્યો, “જુઓ, અગ્નિ અને લાકડાં હું જોઉં છું. પણ દહનાર્પણ માંટે ઘેટું કયાં છે?”
8 ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “બેટા, દહનાર્પણ માંટેનું ઘેટું દેવ જાતે જ આપણને પૂરું પાડશે.”
તેથી, તેઓ બંને આગળ વધ્યા. 9 જયારે તેઓ દેવે કહેલી જગ્યાએ આવી પહોંચ્યા ત્યારે ઇબ્રાહિમે એક વેદી તૈયાર કરી, તેના પર લાકડાં ગોઠવ્યાં અને પોતાના પુત્ર ઇસહાકને બાંધીને વેદી પરનાં લાકડાં ઉપર ચઢાવી દીધો. 10 પછી ઇબ્રાહિમે પોતાનો છરો કાઢયો અને પુત્રનો વધ કરવાની તૈયારી કરી.
11 ત્યારે યહોવાના દૂતે ઇબ્રાહિમને રોકયો. દેવદૂતે આકાશમાંથી બોલાવ્યો. “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!”
ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “જી!”
12 દેવદૂતે કહ્યું, “તારા પુત્રને માંરીશ નહિ, તેને કોઇ સજા કરીશ નહિ, મેં જોયું કે, તું દેવનો આદર કરે છે અને તેની આજ્ઞાનું પાલન કરે છે. મેં જોઇ લીધું છે કે, તું તારા એકના એક પુત્રને માંરા માંટે બલિ ચઢાવતાં ખચકાયો નથી.”
13 ઇબ્રાહિમે ઊંચી નજર કરીને જોયું તો તેની પાછળ ઝાડીમાં એક ઘેટો શિંગડા ભરાઈ જવાથી ફસાઈ ગયો હતો. ઇબ્રાહિમે તેને પકડયો અને પોતાના પુત્રને બદલે દહનાર્પણ તરીકે ચઢાવ્યો. અને ઇબ્રાહિમનો પુત્ર બચી ગયો. 14 તેથી ઇબ્રાહિમે તે જગ્યાનું નામ “યહોવા-યિરેહ”[a] પાડયું. આજે પણ લોકો કહે છે, “આ પર્વત પર યહોવાને જોઇ શકાય છે.”
15 યહોવાના દૂતે આકાશમાંથી બીજી વાર ઇબ્રાહિમને સાદ કરીને કહ્યું. 16 દેવદૂતે કહ્યું, “યહોવાની આ વાણી છે: હું માંરી જાતના સમ લઉં છું કે, તેં આ કામ માંરે માંટે કર્યુ છે, અને તારા પુત્રને, તારા એકના એક પુત્રને મને બલિ ચઢાવતાં તું ખચકાયો નથી. 17 તેથી હું જરૂર તને આશીર્વાદ આપીશ. હું આકાશના તારા જેટલા, દરિયાકાંઠાની રેતી જેટલા તારા વંશજો વધારીશ. અને તારા વંશજો પોતાના દુશ્મનોને કબજે કરશે. 18 અને તારા વંશજો દ્વારા ધરતી પરની તમાંમ પ્રજા આશીર્વાદ પામશે, કારણ કે તેં માંરું કહ્યું માંન્યું છે અને તે પ્રમાંણે કર્યુ છે.”
19 પછી ઇબ્રાહિમ પોતાના નોકરો પાસે પાછો આવ્યો. તેઓ સાથે મળીને બેર-શેબા ગયા અને ઇબ્રાહિમ બેર-શેબામાં જ રહ્યો.
વિશ્વાસ
11 વિશ્વાસ એટલે આપણે જે વસ્તુની આશા રાખીએ છીએ તેની ખાતરી છે. જે વસ્તુઓ આપણે જોઈ શકતા નથી છતાં આપણે જાણીએ છીએ કે તે સત્ય છે, તેનો જ અર્થ વિશ્વાસ. 2 પુરાતન સમયમાં જીવતા લોકો પર દેવ ખૂબ જ ખુશ હતો કારણ તેઓને દેવમાં વિશ્વાસ હતો.
3 વિશ્વાસના આધારથી જ આપણે જાણીએ છીએ કે સમગ્ર જગતની રચના દેવની આજ્ઞા પ્રમાણે થઈ છે એનો અર્થ એ થયો કે આપણે જે કાંઇ જાણીએ છીએ તે કોઈ અદશ્ય શક્તિ દ્ધારા બનાવવામાં આવેલું છે.
13 આ બધાજ માણસો મરણ પામ્યા ત્યાં સુધી દેવે વચનો આપ્યાં તેમાંથી કાંઇજ મેળવી શક્યા નહિ છતાં વિશ્વાસથી જીવ્યા, તેઓએ પેલાં વચનો દુરથી જોયા. અને તેમનું સ્વાગત કર્યુ અને તેઓએ એ પણ જાણ્યું કે આ પૃથ્વી અમારું કાયમી ઘર નથી, અહીં તો અમે માત્ર મુસાફરો જ છીએ. 14 આ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ એક દેશની શોધમાં છે જે તેમનો પોતાનો દેશ છે. 15 જો તેઓ એવા દેશ વિષે વિચારતા હોય કે જેને તેમણે છોડી દીધો છે, તો તે એ દેશમાં ફરી પાછા આવી શક્યા હોત. 16 પણ એ માણસો એક વધુ સારા દેશની કે જે સ્વર્ગીય દેશ હશે તેની રાહ જોઈને બેઠા હતા. એટલે દેવને તેમનો દેવ કહેવામાં કોઈ સંકોચ ન હતો. તેણે એ લોકો માટે એક શહેર તૈયાર કરી રાખ્યું છે.
17-18 દેવે ઈબ્રાહિમના વિશ્વાસની કસોટી કરી. જ્યારે તેની કસોટી થઈ ત્યારે, ઇબ્રાહિમે વિશ્વાસથી ઈસહાકનું બલિદાન આપ્યું. એટલે જેને વચનો આપવામાં આવ્યાં હતાં ને જેને કહેવામાં આવ્યું હતું કે, ઈસહાકથી તારો વંશ ગણાશે, તેણે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું. 19 ઈબ્રાહિમ માનતો હતો કે દેવ મૂએલાંઓને પાછા ઉઠાડી શકે છે, અને ખરેખર દેવે જ્યારે ઈબ્રાહિમને ઈસહાકનું બલિદાન આપતા રોક્યો, ત્યારે તે તેને મૂએલામાંથી પાછા બોલાવવા જેવું હતું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International