Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી જાતને તને સોપું છું.
2 હું હમેશા તમારો વિશ્વાસ કરું છું.
તો મારી સાથે કોઇ એવી વસ્તુ
ન બને કે જેથી મારે શરમાવું પડે.
મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહિ.
3 જેઓ યહોવામાં વિશ્વાસ રાખે છે તેઓએ કદી કશાથી પણ શરમાવાનું નહિ.
પણ વિશ્વાસઘાતીઓની માનહાનિ થશે.
તેઓને તેમના વિશ્વાસઘાતથી કોઇ ફાયદો નહિ થાય.
4 હે યહોવા, મને તમારાં માર્ગ બતાવો;
તમારા રસ્તા વિષે મને શીખવો.
5 મને માર્ગદર્શન અને જ્ઞાન આપો; કારણ,
તમે જ માત્ર મને તારણ આપનાર દેવ છો.
હું આખો દિવસ તમારી રાહ જોઉ છુઁ.
6 હે યહોવા, તમારી કૃપા અને તમારી પ્રેમાળ દયાળુતાને યાદ રાખો કારણ તે સનાતન છે.
7 મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો.
હે યહોવા, તમારા શુભ નામને માટે,
તમારી કૃપા અને અનુકંપા સાથે મને યાદ કરો.
8 યહોવા સારા અને પ્રામાણિક છે, તેથી તેઓ પાપીઓને સાચા માર્ગે દોરે છે,
અને તેઓ તેમને શું ન્યાયી અને નિષ્પક્ષ છે તે શીખવે છે.
9 તેઓ નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે
અને તેઓ તેમને તેમના માર્ગે જીવવાનું શીખવે છે.
10 જે લોકો તેનો પવિત્ર કરાર અને કાયદાઓનું પાલન કરે છે
તેમનાં તરફ યહોવા દયાળુ અને વિશ્વાસુ છે.
દાઉદનું ગીત. માસ્કીલ.
1 જેના દોષને માફી મળી છે,
તથા જેનું પાપ ઢંકાઇ ગયું છે
તેને ધન્ય છે અને તે જ સુખી છે.
2 જેને યહોવા દોષિત ગણતા નથી,
અને જેના આત્મામાં કંઇ કપટ નથી
તે માણસ આશીર્વાદિત છે.
3 હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો,
તે દિવસથી મારી વ્યથા વધી ગઇ
અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા.
4 આખો દિવસ અને આખી રાત,
તમારો ભારે હાથ મારા પર હતો.
જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઇ જાય
તેમ મારી શકિત હણાઇ ગઇ હતી.
5 પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો.
મે મારા પાપોને છુપાવવાનું બંધ કર્યુ.
મે પોતાને કહ્યું, “હું મારા પાપો યહોવા સમક્ષ કબૂલ કરીશ.”
અને તમે મારા પાપો બદલ મને ક્ષમા આપી.
6 તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય,
ત્યારે તેઓ પ્રાર્થના કરીને તેમનાં પાપની કબૂલાત કરશે.
અને જો પ્રચંડ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો
પણ તે તેઓ સુધી પહોંચી શકશે નહિ.
7 જીવનનાં સર્વ સંકટોમાં
તમે મારી છુપાવવાની જગા છો,
તમે મને સંકટોમાં ઉગારી લો છો;
મારી આસપાસ તમારા ઉધ્ધારનાં સ્તોત્રો ગવડાવશો.
8 યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે
તારે ક્યાં માર્ગે ચાલવું તે હું તને બતાવીશ,
હું તારો સતત ખ્યાલ રાખીને હું તને હંમેશા સાચો બોધ આપીશ.
9 ધોડા તથા ખચ્ચર જેને કંઇ સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે.
તું તેમનાં જેવો અણસમજુ થઇશ નહિ.”
10 દુષ્ટ લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે;
પણ જેઓ દેવમાં વિશ્વાસ કરે છે, તેઓ તો યહોવાની કૃપાથી ધેરાયેલાં રહેશે.
11 હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ.
હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો.
2 કેટલાએક લોકો પથારીવશ પક્ષઘાતી માણસને ઈસુ પાસે લાવ્યા. ઈસુએ જોયું કે તેઓને વિશ્વાસ છે તેથી ઈસુએ તે પક્ષઘાતી માણસને કહ્યું, “હે યુવાન માણસ, હિમ્મત રાખ. સુખી થા. તારાં બધાંજ પાપ માફ કરવામાં આવે છે.”
3 કેટલાએક શાસ્ત્રીઓએ આ સાંભળ્યું અને અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે, “આ માણસ પોતે જ દેવ હોય તેમ બોલે છે. આ રીતે તે દેવની વિરૂદ્ધ બોલે છે.”
4 ઈસુએ જાણ્યું કે તેઓ શું વિચારે છે તેથી ઈસુએ કહ્યું, “તમે તમારા મનમાં આવા ભૂંડા વિચારો શા માટે કરો છો? 5-6 માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે. પણ આ તમારી આગળ કેવી રીતે સાબિત કરી શકું? તમે એમ ધારતા હશો કે, ‘તારાં પાપ માફ થયાં છે.’ એમ કહેવું સહેલું છે, પણ ખરેખર એમ થયું તે કોઈ જોઈ શક્તું નથી. પણ જો હું એ માણસને એમ કહું, ‘ઊઠ, તારી પથારી લઈને ચાલતો થા,’ તો શું? તો તમે જોઈ શકશો કે ખરેખર મને અધિકાર છે.” તેથી ઈસુએ પક્ષઘાતી માણસને કહ્યું, “ઊભો થા, તારી પથારી ઉપાડ અને તારે ઘેર જા.”
7 અને તે માણસ ઉભો થયો અને ઘેર ચાલ્યો ગયો. 8 લોકોએ આ જોયું અને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને લોકોએ દેવની સ્તુતિ કરી કારણ કે દેવે આવો અધિકાર માણસોને આપ્યો.
ઈસુએ માથ્થીની પસંદગી કરી
(માર્ક 2:13-17; લૂ. 5:27-32)
9 ઈસુ તે રસ્તે થઈને જતો હતો ત્યારે, તેણે કર ઉઘરાવવાની ઓફિસમાં માથ્થી નામના માણસને જોયો. ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ ચાલ.” અને માથ્થી ઊભો થયો અને ઈસુને અનુસર્યો.
10 ઈસુએ માથ્થીના ઘરે તેના શિષ્યો સાથે ભોજન લીધું. ત્યારે ત્યાં કર ઉઘરાવનારા અને પાપીઓ પણ જમતા હતાં. 11 ફરોશીઓએ ઈસુને આવા માણસો સાથે ખાતાં જોયો તેથી તેના શિષ્યોને કહ્યું કે, “તમારો ઉપદેશક કર ઉઘરાવનારા તથા પાપીઓ સાથે શા માટે ભોજન લે છે?”
12 ઈસુએ આ સાંભળીને કહ્યું, “જેઓ તંદુરસ્ત છે તેમને વૈદની જરૂર નથી. જેઓ બિમાર છે તેમને વૈદની જરૂર છે.” 13 ઈસુએ કહ્યું, “તમે શાસ્ત્રનો અર્થ સમજો; ‘હું પશુઓના બલિદાન નથી ઈચ્છતો, હું દયા ઈચ્છું છું,’ હું સારા લોકોને આમંત્રણ આપવા નથી આવ્યો પણ પાપીઓને તેડવા આવ્યો છું.”(A)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International