Revised Common Lectionary (Semicontinuous)
21 શું તમે અજ્ઞાત છો?
તમે સાંભળ્યું નથી?
તમને અગાઉથી કહ્યું નહોતું?
પૃથ્વીનો પાયો કોણે નાખ્યો એ તમને ખબર નથી?
22 તે તો સૃષ્ટિના નભોમંડળ પર બિરાજમાન એવા દેવ છે.
એની નજરમાં તો પૃથ્વી પરના લોકો ક્ષુદ્ર કીડી જેવા છે!
તેમણે આકાશને ચંદરવાની જેમ ફેલાવ્યું છે,
અને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે.
23 તે જગતનો ન્યાય કરે છે, તે પૃથ્વીના અધિપતિઓને વિસાત વિનાના કરી દે છે
અને જગતના રાજકર્તાઓને શૂન્યમાં મેળવી દે છે.
24 હજી હમણાંજ માંડ રોપાયા હોય.
માંડ વવાયા હોય.
માંડ તેમણે ધરતીમાં મૂળ નાખ્યાં હોય,
ત્યાં તો તેમના પર તેઓ ફૂંક મારે છે અને તેઓ કરમાઇ જાય છે;
વાવાઝોડું આવી તેમને તરણાંની જેમ ઘસડી જાય છે.
25 વળી પવિત્ર યહોવા પૂછે છે, “તમે મારી સરખામણી કોની સાથે કરશો?
મારી બરોબરી કોણ કરી શકે છે?”
26 આકાશ તરફ ષ્ટિ કરો અને વિચારો કે
એ બધાં ગ્રહ નક્ષત્રોને કોણે સર્જ્યા છે?
જે તેમને લશ્કરની જેમ ગણી ગણીને લઇ આવે છે
અને એ બધાંને નામ દઇને બોલાવે છે તેનું સાર્મથ્ય એટલું પ્રચંડ છે,
તેની શકિત એટલી પ્રબળ છે કે
તેમાંનું કોઇ પણ હાજર થયા વગર રહેતું નથી.
27 તો પછી હે યાકૂબ તું શા માટે ફરિયાદ કરે છે,
હે ઇસ્રાએલ! તું શા માટે કહે છે કે,
“મારા માર્ગની યહોવાને ખબર નથી,
હું ન્યાય માગું છું તેના પર એ ધ્યાન આપતા નથી?”
28 શું તમે હજુ પણ સમજતાં નથી?
હજુ પણ તમે એ જાણી શક્યા નથી કે
યહોવા તે સનાતન દેવ છે,
તે આ વિશાળ વિશ્વના સર્જનહાર છે,
એ કદી થાકતા નથી કે હારતા નથી;
તેના જ્ઞાનનો તાગ કોઇ પામી શકે તેમ નથી.
29 તે થાકેલા તથા નિર્ગત થયેલાંને પુષ્કળ જોર
અને નિર્બળને બળ આપે છે.
30 તરુણો કદાચ થાકીને હારી જાય,
ભરયુવાનીમાં આવેલા પણ લથડીને પટકાઇ પડે,
31 પરંતુ યહોવા પર વિશ્વાસ રાખનારાઓને નવું બળ મળી રહે છે.
તેઓ ગરૂડના જેવી પાંખો ઉપર ઊડે છે;
તેઓ દોડે છે પણ થાકતા નથી, તેઓ આગળ ને આગળ ધપતા રહે છે,
કદી હારતા નથી કે નથી નિર્ગત થતા.
1 તે ભલા છે માટે યહોવાની સ્તુતિ થાઓ.
આપણા દેવનાં સ્તુતિગીતો ગાઓ.
કારણકે તે સારું અને ગમતું છે.
2 યહોવા યરૂશાલેમને બાંધે છે;
તે ઇસ્રાએલી લોકો જેઓ બંદીવાન બનાવાયા હતાં તેઓને ભેગા કરશે અને પાછા લાવશે.
3 હૃદયભંગ થયેલાઓને તે સાજાઁ કરે છે;
અને તે તેઓના ઘા રૂઝવે છે અને પાટા બાંધે છે.
4 તે તારાઓની ગણતરી કરે છે;
અને તેઓને નામ દઇને બોલાવે છે.
5 આપણા પ્રભુ કેવા મહાન છે!
તેમના સાર્મથ્યનો પાર નથી!
તેમના જ્ઞાનની કોઇ સીમા નથી.
6 યહોવા નમ્રજનોને આધાર આપે છે;
પરંતુ દુષ્ટોને અપમાનિત કરે છે.
7 યહોવાએ કરેલા ઉપકારો માટે તેમનો આભાર માનો;
આપણા યહોવાના સિતાર સાથે સ્તોત્રગીત ગાઓ.
8 તે આકાશને વાદળોથી ઢાંકે છે;
પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે;
તે પહાડો પર ઘાસ ઉગાડે છે.
9 પશુઓને તેમજ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને
પણ તે જ ખોરાક આપે છે.
10 દેવની ખુશી યુદ્ધના ઘોડાઓની શકિતમાં
અને બળવાન સૈનિકોમાં નથી.
11 પણ જેઓ તેમનો ભય રાખે છે;
ને યહોવાની કૃપા માટે વાટ જુએ છે;
તેથી યહોવા ખુશ રહે છે.
20 અન્ય કોઇ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યુ નથી;
અન્ય પ્રજાઓએ તેમની આજ્ઞાઓ જાણી નથી.
યહોવાની સ્તુતિ થાઓ.
16 સુવાર્તા પ્રગટ કરવી તે મારા અભિમાનનું કારણ નથી સુવાર્તા પ્રગટ કરવી એ તો મારી ફરજ છે – એ મારે કરવું જ જોઈએ. જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો એ મારા માટે ઘણું અનુચિત હશે. 17 જો મારી પોતાની પસંદગીથી હું સુવાર્તા પ્રગટ કરું તો હું પુરસ્કારને પાત્ર છું. પરંતુ મારી પાસે કોઈ વિકલ્પ નથી. મારે સુવાર્તા પ્રગટ કરવી જ જોઈએ. મને સોંપવામાં આવેલી ફરજ માત્ર હું બજાવું છું. 18 તો મને ક્યો પુરસ્કાર મળે છે? મારો પુરસ્કાર આ છે: કે જ્યારે હું સુવાર્તા આપું છું, હું વિનામૂલ્ય આપું છું. અને આ રીતે વળતર મેળવવાના મારા અધિકારનો હું ઉપયોગ કરતો નથી કે જે સુવાર્તાનો ઉપદેશ આપવા માટે મને આપવામાં આવ્યો છે.
19 હું સ્વતંત્ર છું. હું કોઈ વ્યક્તિને આધિન નથી. પરંતુ મેં મારી જાતને બધાની ગુલામ બનાવી છે. હું આમ જેટલા બની શકે તેટલા વધારે લોકોનો ઉદ્ધાર કરવા માટે કરું છું. 20 હું યહૂદિઓ સાથે યહૂદિ જેવો થયો છું. યહૂદિઓનો ઉદ્ધાર કરવા હું આમ કરું છું. હું મારી જાતે નિયમને આધીન નથી. પરંતુ એ લોકો કે જેઓ નિયમને આધિન છે, પણ તેઓ માટે હું એક કે જે નિયમને આધિન છે તેના જેવો હું બન્યો. 21 જે લોકો નિયમ વગરના છે તેઓને માટે હું જે નિયમ વગરના છે તેવો હું બન્યો છું. હું આમ નિયમ વગરના લોકોનો ઉદ્ધાર કરવા માટે કહું છું. (પરંતુ ખરેખર, હું દેવના નિયમ વગરનો નથી – હું ખ્રિસ્તના નિયમને આધિન છું.) 22 જે લોકો નિર્બળ છે, તેઓ પ્રત્યે હું નિર્બળ બનું છું, કે જેથી હું તેઓના ઉદ્ધાર માટે મદદ કરી શકું. હું સર્વ લોકો માટે બધું જ બન્યો છું. મેં આમ કર્યુ કે જેથી દરેક સંભવિત રીતે હું લોકોનો ઉદ્ધાર કરી શકું. 23 મેં આ બધી વસ્તુઓ સુવાર્તાને કારણે કરી. મેં આ બધી વસ્તુઓ કરી છે કે જેથી સુવાર્તાના આશીર્વાદનો હું સહભાગી થઈ શકું.
ઈસુ ઘણા લોકોને સાજા કરે છે
(માથ. 8:14-17; લૂ. 4:38-41)
29 ઈસુ અને તેના શિષ્યોએ સભાસ્થાન છોડ્યું. તેઓ યાકૂબ અને યોહાન સાથે સિમોન અને આંદ્રિયાના ઘરમાં ગયા. 30 સિમોનની સાસુ બિમાર હતી. તે પથારીમા હતી અને તેને તાવ હતો. ત્યાંના લોકોએ ઈસુને તેના વિષે કહ્યું. 31 તેથી ઈસુ તેની પથારી પાસે ગયો. ઈસુએ તેનો હાથ પકડ્યો અને તેને ઉભા થવામાં મદદ કરી. તેનો તાવ ઉતરી ગયો અને તે સાજી થઈ ગઈ. પછીથી તેણે તેઓની સેવા કરવી શરું કરી.
32 તે રાત્રે સૂર્યાસ્ત થયા પછી લોકો ઘણા માંદા લોકોને ઈસુ પાસે લાવ્યા તથા જેઓને ભૂતો વળગેલા હતા તેવા લોકોને પણ લાવ્યા હતા. 33 શહેરના બધાજ લોકો તે ઘરનાં બારણા આગળ ભેગા થયા. 34 ઈસુએ ઘણા લોકો જેઓ જુદા જુદા રોગથી પીડાતા હતા તે બધાને સાજા કર્યા. ઈસુએ ઘણાં ભૂતોને કાઢ્યાં. પણ ઈસુએ ભૂતોને બોલવા દીધાં નહિ, કારણ કે ભૂતો જાણતા હતા કે તે કોણ હતો.
ઈસુની સુવાર્તા આપવાની તૈયારી
(લૂ. 4:42-44)
35 બીજી સવારે, ઈસુ ઘણો વહેલો ઉઠ્યો. જ્યારે અંધારું હતું ત્યારે ઈસુએ ઘર છોડ્યું. તે એકાંત જગ્યાએ એકલો પ્રાર્થના કરવા ગયો. 36 પાછળથી, સિમોન અને તેના મિત્રો ઈસુની શોધમાં નીકળ્યા. 37 તેઓએ ઈસુને શોધ્યો અને કહ્યું, “બધા જ લોકો તારી રાહ જોઈ રહ્યા છે!”
38 ઈસુએ જવાબ આપ્યો, “આપણે બીજી કોઈ જગ્યાએ જવું જોઈએ. આપણે અહીંના આજુબાજુના બીજાં ગામોમાં જઇએ, હું તે સ્થળોએ પણ ઉપદેશ આપી શકુ તે માટે આવ્યો છું.” 39 તેથી ઈસુએ ગાલીલમાં સર્વત્ર મુસાફરી કરી. સભાસ્થાનોમાં તેણે ઉપદેશ કર્યો, અને તેણે દુષ્ટાત્માઓને લોકોને છોડીને જવા ફરજ પાડી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International