Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 35:1-10

દાઉદનું ગીત.

હે યહોવા, મારી વિરુદ્ધ યુદ્ધ કરનારા સામે તમે યુદ્ધ કરો;
    મારી ઉપરના તેઓના આક્રમણ સામે તમે યુદ્ધ જાહેર કરો.
તમે ઢાલ અને બખતર ધારણ કરી ઊભા રહો,
    અને મારું રક્ષણ કરો.
ભાલો હાથમાં લઇને મારી પાછળ પડેલાને અટકાવો,
    મારા આત્માને ખાત્રીથી કહો કે,
    “તમેજ મારો ઉદ્ધાર કરનાર છો.”

જેઓ મારા જીવના તરસ્યા છે
    તેઓ ફજેત થઇને બદનામ થાઓ;
જેઓ મારું નુકશાન ઇચ્છે છે,
    તેઓ રઝળી પડો અને પાછા હઠો.
તેઓ પવનથી ઊડતાં ભૂંસા જેવા થાય,
    અને તેમને યહોવાનો દૂત હાંકી કાઢો.
હે યહોવા, તેઓનો માર્ગ અંધકારમય ને લપસણો થાઓ;
    યહોવાનો દૂત તેમની પાછળ પડો.
તેઓનું ખરાબ નથી કર્યું છતાં તેઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે,
    વગર કારણે જીવ લેવા ખાડો ખોધ્યો છે.
તેમનાં પર અચાનક વિપત્તિ આવી પડો,
    પોતાના ફાંદામાં તેઓ પોતેજ ફસાઇ જાઓ;
    પોતાના ખોદેલા ખાડામાં પડી તેઓનો સંહાર થાઓ.
પણ હું યહોવાથી આનંદિત થઇશ,
    અને તેમનાં તારણમાં સુખી થઇશ.
10 મારું સમગ્ર વ્યકિતત્વ પોકારશે,
    “હે યહોવા, તમારા જેવું કોણ છે?
જે લાચારને બળવાનથી બચાવે છે,
    અને કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”

ગણના 22:1-21

બલામ અને મોઆબનો રાજા

22 પછી ઇસ્રાએલી લોકો આગળ યાત્રા કરીને મોઆબના મેદાનમાં યર્દન નદીને પૂર્વકાંઠે યરીખોની સામે આવ્યા અને ત્યાં પડાવ નાખ્યો.

2-3 અમોરીઓના જે હાલ ઇસ્રાએલીઓએ કર્યા હતા તે મોઆબના રાજા સિપ્પોરના પુત્ર બાલાકે જોયા, ત્યારે તે અને તેના લોકો ઇસ્રાએલીઓથી થથરી ગયા. એમની બહુ મોટી સંખ્યા જોઈને મોઆવીઓ ભયભીત થઈ ગયા. અને એમણે મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ બળદ ચરામાંનું ઘાસ ખાઈ જાય છે, તેમ આ ધાડા આપણને ખાઈ જશે.” અને તે સમયે સિપ્પોરનો દીકરો બાલક મોઆબનો રાજા હતો.

તેથી રાજા બાલાકે, બયોરના પુત્ર બલામને બોલાવી લાવવા માંટે તેણે તેના માંણસોને મોકલ્યા. તે વખતે બલામ તેના વતનમાં યુફ્રેતિસ નદીને કિનારે પથોરમાં રહેતો હતો; તે તેને આ સંદેશો આપવાના હતા, “મિસરમાંથી સમગ્ર પ્રજા આવી ગઈ છે, તેઓ એટલા બધા છે કે તેઓ સમગ્ર ભૂમિ ઢાંકી દે. તેઓએ માંરી પાસે જ પડાવ નાંખ્યો છે. માંટે તમે આવીને મને મદદ કરો. એ લોકો અમાંરા કરતાં વધારે મજબૂત છે, તેથી કૃપા કરીને તરત આવો અને એ લોકોને શ્રાપ આપો, તો કદાચ હું એ લોકોને હરાવીને દેશમાંથી હાંકી કાઢી શકું, મને ખબર છે કે, તમે જેને આશીર્વાદ આપો છો તેઓની સાથે સારું થાય છે અને તમે જેને શ્રાપ આપો છો તેઓની સાથે ખોટું થાય છે.”

તેણે મોઆબના અને મિદ્યાનના ઉચ્ચકક્ષાના આગેવાનોને સંદેશવાહકો તરીકે મોકલ્યા હતા. જદુમંતરની દક્ષિણા સાથે તેઓએ બલામ પાસે આવીને તેને બાલાકનો સંદેશો કહી સંભળાવ્યો.

બલામે તેઓને કહ્યું, “આજની રાત તમે અહીં રહો, હું તમને યહોવા કહેશે તે જવાબ આપીશ.” તેથી મોઆબના આગેવાનો બલામ સાથે રાત રહ્યા.

તે રાત્રે દેવે બલામ પાસે આવીને પૂછયું, “તારી સાથે આ માંણસો કોણ છે?”

10 બલામે જવાબ આપ્યો, “મોઆબના રાજા સિપ્પોરના પુત્ર બાલાક પાસેથી તેઓ આવ્યા છે. 11 તેમણે કહેવડાવ્યું છે કે મિસરમાંથી એક પ્રજા માંરી સરહદે આવી પહોંચી છે, તેઓ સંખ્યામાં એટલા બધા છે કે તેઓ સમગ્ર ભૂમિ ઢાંકી દે. કૃપા કરીને આવો અને એ લોકોને શ્રાપ આપો, તો હું એ લોકોને હરાવીને દેશમાંથી હાંકી કાઢી શકુ.” 12 દેવે બલામને કહ્યું, “તારે એમની સાથે જવાનું નથી કે તે લોકોને શ્રાપ આપવાનો નથી, કારણ કે મેં તેઓને આશીર્વાદ આપેલા છે.”

13 તેથી બલામે બીજી સવારે વહેલા ઊઠીને બાલાકના કર્મચારીઓને કહ્યું, “તમે તમાંરા દેશમાં પાછા જાઓ, કારણ કે, યહોવાએ મને તમાંરી સાથે આવવાની ના પાડી છે.”

14 તેથી મોઆબના આગેવાનોએ ત્યાંથી નીકળીને પાછા બાલાક પાસે જઈને તેને કહ્યું, “બલામે અમાંરી સાથે આવવાની ના પાડી છે.”

15 બાલાકે ફરીથી પ્રયત્ન કર્યો, અને પહેલાં કરતાં સંખ્યામાં વધારે અને વધારે પ્રતિષ્ઠિત આગેવાનોને મોકલ્યા. 16 એટલે તેમણે બલામ પાસે આવીને જણાવ્યું, “સિપ્પોરના પુત્ર બાલાકે આ મુજબ સેદેશો મોકલ્યો છે. કૃપા કરીને તમે માંરી પાસે જલદી આવી પહોંચવામાં કોઈ અવરોધ ઊભો થવા દેશો નહિ. 17 હું તમને ભારે મોટો બદલો આપીશ અને તમે જે કહેશો તે હું કરીશ, માંટે જરૂર આવશો અને આ લોકોને શ્રાપ આપશો.”

18 બલામે બાલાકના માંણસોને જવાબ આપ્યો, “જો તે મને તેના મહેલમાંનું તમાંમ સોનું અને ચાંદી આપે તોયે હું નાની કે મોટી કોઈ પણ બાબતમાં માંરા દેવ યહોવાની આજ્ઞા વિરુદ્ધ કંઈ કરી શકું તેમ નથી. 19 એટલે આજની રાત પેલા લોકોની જેમ તમે પણ રોકાઈ જાઓ એટલે યહોવાએ પહેલાં જે કહ્યું હતું તે કરતાં કંઈક વિશેષ કહેવું હોય તો તે હું જાણી શકું.”

20 રાત્રી દરમ્યાન દેવે આવીને બલામને કહ્યું, “જો આ લોકો તને બોલાવવા આવ્યા હોય, તો તું ઝટ ઊઠીને તેમની સાથે જા, પણ હું તને કહું એટલું જ તું કરજે, અને તેનું ધ્યાન રાખજે.”

બલામ અને તેની ગધેડી

21 આથી બલામ બીજી સવારે પોતાની ગધેડી ઉપર જીન બાંધીને મોઆબના આગેવાનો સાથે ગયો.

પ્રેરિતોનાં કૃત્યો 21:17-26

પાઉલની યાકૂબની મુલાકાત

17 યરૂશાલેમમાં વિશ્વાસીઓ અમને જોઈને ઘણા પ્રસન્ન થયા. 18 બીજે દિવસે, પાઉલ અમારી સાથે યાકૂબની મુલાકાતે આવ્યો. બધાજ વડીલો પણ ત્યાં હતા. 19 પાઉલે તે બધાને અભિનંદન પાઠવ્યા. પછીથી તેણે તેઓને દેવે બિનયહૂદિ લોકોમાં તેમની પાસે કેવી રીતે સેવા કરાવી તે વિગતે કહ્યું. તેણે તેઓને દેવે તેઓના મારફત જે બધું કરાવ્યું હતું તે બિનયહૂદિઓમાં પણ કહ્યું.

20 જ્યારે આગેવાનોએ આ વાતો સાંભળી, તેઓએ દેવની સ્તુતિ કરી. પછી તેઓએ પાઉલને કહ્યું, “ભાઈ, તું જોઈ શકે છે કે હજારો યહૂદિઓ વિશ્વાસીઓ બન્યા છે. પણ તેઓ વિચારે છે કે મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરવું તે ઘણું અગત્યનું છે. 21 આ યહૂદિઓએ તારા બોધ વિષે સાંભળ્યું છે. યહૂદિઓ જે બિનયહૂદિઓના દેશમાં રહે છે તેમને મૂસાના નિયમશાસ્ત્રનો ત્યાગ કરવાનું કહે છે. તેઓએ સાંભળ્યું છે કે તું તે યહૂદિઓને તેમનાં બાળકોને સુન્નત નહિ કરાવવા અને યહૂદિઓના રિવાજોનું પાલન ન કરવા કહે છે.

22 “અમારે શું કરવું? અહીંના યહૂદિ વિશ્વાસીઓ જાણશે કે તું આવ્યો છે. 23 તેથી તારે શું કરવું તે અમે કહીશું અમારા ચાર માણસોએ દેવ આગળ પ્રતિજ્ઞા કરી છે. 24 આ માણસોને તારી સાથે લે અને તેઓના શુદ્ધિકરણ સમારંભમાં ભાગીદાર બન. તેમનો ખર્ચ આપ. પછી તેઓ તેમનાં માથા મૂંડાવે, આમ કર અને તે પ્રત્યેક વ્યક્તિને સાબિત કરાવશે કે તેઓએ તારા વિષે સાંભળેલી વાતો સાચી નથી. તેઓ જોશે કે તું તારા જીવનમાં મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરે છે.

25 “અમે બિનયહૂદિ વિશ્વાસીઓને પત્ર મોકલી દીધેલ છે. પત્રમાં કહ્યું છે:

‘મૂર્તિઓને અર્પણ કરેલ ભોજન ખાવું નહિ. લોહીને ચાખવું નહિ.

ગૂંગળાવીને મારી નાખેલાં પશુઓને ખાવા નહિ.

વ્યભિચારનું પાપ કરો નહિ.’”

પાઉલની ધરપકડ

26 પછી પાઉલે તે ચાર માણસોને સાથે લીધા. બીજે દિવસે પાઉલે શુદ્ધિકરણ સમારંભના દિવસો ક્યારે પૂર્ણ થશે તેની જાહેરાત કરી. છેલ્લે દિવસે તેઓમાંના દરેકને માટે અર્પણ ચઢાવવામાં આવશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International