Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. કોરાહના કુટુંબનું ગીત. અલામોથ સાથે ગાવાનું.
1 દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે;
આપણે અનુભવ કર્યો છે કે,
સંકટ સમયનાં તેઓ સાથી,
ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે.
2 માટે જ્યારે પૃથ્વી પર ભારે ધરતીકંપ થાય,
અને પર્વતો તૂટી ને સમુદ્રમાં પડે, તો પણ આપણે સૌએ ડરવાની જરૂર નથી.
3 ભલે સમુદ્રનાં પાણી વિશાળકાય મોજાથી ગર્જના કરે,
ને પર્વતો ધ્રુજી ઉઠે.
4 ત્યાં એક નદી છે અને ઝરણાંઓ છે જે દેવનાં નગર પરાત્પર
દેવના પવિત્રસ્થળમાં સુખને વહેતું રાખે છે.
5 દેવ સ્વયં તે નગરમાં વસે છે.
દેવ પરોઢિયે તેની સહાય કરશે,
તેથી નગરનું પતન ક્યારેય નહિ થાય.
6 ભયથી ધ્રુજશે વિદેશીઓ, અને ડગમગી જશે રાજ્યો;
જ્યાં યહોવા ગર્જના કરશે એટલે પૃથ્વી ગઇ પીગળી.
7 આપણી સાથે આકાશી સૈન્યોના અધિકારી યહોવા છે;
આપણો આશ્રય યાકૂબનાં દેવ આપણી રક્ષા કરે છે.
8 આવો અને યહોવાના પરાક્રમો જુઓ.
તેમણે કરેલાં પ્રભાવશાળી કાર્યો જુઓ.
9 તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે,
ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે;
અને રથોને અગ્નિથી સળગાવી દે છે.
10 દેવ કહે છે, “લડાઇ બંધ કરો, નિશ્ચૈ જાણો,
કે હું દેવ છું, સવેર્ રાષ્ટ્રો મારો આદર કરશે.
અને હું પૃથ્વી પર સૌથી મહાન માનવામાં આવીશ.”
11 સૈન્યોના યહોવા આપણી સાથે છે,
યાકૂબનાં દેવ સદા આપણો બચાવ કરે છે.
જ્ઞાનનું સ્તવન
8 જ્ઞાન બોલાવે છે
અને સમજણ મોટેથી બૂમો પાડે છે.
2 ડુંગરની ટોચે,
રસ્તે ઘાટે, ચોરેચૌટે
3 અને શહેરમાં પ્રવેશવાના દરવાજા
આગળ ઊભાં ઊભાં તે મોટે સાદે કહે છે:
4 “હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું;
હું પ્રત્યેક માણસને સાદ પાડું છું.
5 હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો,
અને હે મૂર્ખાઓ તમે સમજણ હોવાનું શીખો.
6 સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું.
અને જે સાચું છે તે જ હું તમને શીખવીશ.
7 હું સાચું જ બોલીશ,
જૂઠાને હું ધિક્કારું છું.
8 મારા મુખના સઘળા શબ્દો પ્રામાણિક છે,
હું તમને જૂઠ્ઠું કે ગેર માર્ગે દોરનારું નહિ બોલું.
9 સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે.
અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે.
10 રૂપાને બદલે મારી સલાહ લો
અને ઉત્તમ સોનાને બદલે જ્ઞાન પ્રાપ્ત કરો.
11 કારણ કે જ્ઞાન રત્નો કરતા વધારે મૂલ્યાવાન છે.
એની તોલે મોંઘામાં મોંઘી વસ્તુ પણ ન આવે.
જ્ઞાન શું કરે છે
12 “હું જ્ઞાન છું,
વિવેકબુદ્ધિ મારી સાથે રહે છે,
અને હું જ્ઞાન અને ચતુરાઇ ધરાવું છું.
13 યહોવાનો ભય એટલે પાપને ધિક્કારવું,
અભિમાન, ઉદ્ધતાઇ, કુમાર્ગ,
અને વાંકાબોલાપણાને હું ધિક્કારું છું.
14 મારી પાસે સારી સલાહ અને જ્ઞાન છે.
મારી પાસે ઊંડી સમજ અને શકિત છે.
15 મારે લીધે જ રાજાઓ રાજ્ય કરે છે
અને રાજકર્તાઓ ન્યાય તોલે છે.
16 મારે લીધે રાજકુમારો શાસન કરે છે
અને ઊમદા લોકો સાચો ચુકાદો આપે છે.
17 મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું.
અને જે ઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.
18 ધન અને સન્માન મારા હાથમાં છે.
મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે.
19 મારા ફળ સોના કરતાં ચડિયાતા છે.
અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ટ છે.
20 હું સદાચારને માર્ગે ચાલું છું,
મારો રસ્તો ન્યાયનો છે.
21 મારા પર પ્રેમ રાખનારને હું સમૃદ્ધિ આપું છું
અને તેમના ભંડારો ભરપૂર કરું છું.
ઈસુની તેના બાર પ્રેરિતોની પસંદગી
(માથ. 10:1-4; લૂ. 6:12-16)
13 પછી ઈસુ ટેકરી પર ગયો. ઈસુએ કેટલાક માણસોને તેની પાસે આવવા કહ્યું. ઈસુને જે માણસો જોઈતા હતા તે આ હતા. આ માણસો ઈસુ પાસે ગયા. 14 ઈસુએ બાર માણસો પસંદ કર્યા અને તેઓને પ્રેરિતો કહ્યાં. ઈસુની ઈચ્છા આ બાર માણસો તેની સાથે રહે એવી હતી. અને તેની ઈચ્છા તેઓ બધાને જુદી જુદી જગ્યાએ ઉપદેશ માટે મોકલવાની હતી. 15 અને ઈસુની ઈચ્છા હતી કે આ માણસો લોકોમાંથી ભૂતોને બહાર કાઢવાનો અધિકાર પામે. 16 ઈસુએ પસંદ કરેલા બાર માણસોના નામ આ છે.
સિમોન (ઈસુએ તેનું નામ પિતર આપ્યું).
17 ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાન (ઈસુએ તેઓને બને-રગેસ એટલે “ગર્જનાના પુત્રો” નામ આપ્યા);
18 આંદ્રિયા,
ફિલિપ,
બર્થોલ્મી,
માથ્થી,
થોમા,
અલ્ફીનો દીકરો યાકૂબ,
થદી તથા સિમોન કનાની તથા
19 યહૂદા ઈશ્કરિયોત કે જેણે ઈસુને દગો દીધો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International