Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 46

નિર્દેશક માટે. કોરાહના કુટુંબનું ગીત. અલામોથ સાથે ગાવાનું.

દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે;
    આપણે અનુભવ કર્યો છે કે,
સંકટ સમયનાં તેઓ સાથી,
    ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે.
માટે જ્યારે પૃથ્વી પર ભારે ધરતીકંપ થાય,
    અને પર્વતો તૂટી ને સમુદ્રમાં પડે, તો પણ આપણે સૌએ ડરવાની જરૂર નથી.
ભલે સમુદ્રનાં પાણી વિશાળકાય મોજાથી ગર્જના કરે,
    ને પર્વતો ધ્રુજી ઉઠે.

ત્યાં એક નદી છે અને ઝરણાંઓ છે જે દેવનાં નગર પરાત્પર
    દેવના પવિત્રસ્થળમાં સુખને વહેતું રાખે છે.
દેવ સ્વયં તે નગરમાં વસે છે.
    દેવ પરોઢિયે તેની સહાય કરશે,
    તેથી નગરનું પતન ક્યારેય નહિ થાય.
ભયથી ધ્રુજશે વિદેશીઓ, અને ડગમગી જશે રાજ્યો;
    જ્યાં યહોવા ગર્જના કરશે એટલે પૃથ્વી ગઇ પીગળી.

આપણી સાથે આકાશી સૈન્યોના અધિકારી યહોવા છે;
    આપણો આશ્રય યાકૂબનાં દેવ આપણી રક્ષા કરે છે.

આવો અને યહોવાના પરાક્રમો જુઓ.
    તેમણે કરેલાં પ્રભાવશાળી કાર્યો જુઓ.
તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે,
    ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે;
    અને રથોને અગ્નિથી સળગાવી દે છે.
10 દેવ કહે છે, “લડાઇ બંધ કરો, નિશ્ચૈ જાણો,
    કે હું દેવ છું, સવેર્ રાષ્ટ્રો મારો આદર કરશે.
    અને હું પૃથ્વી પર સૌથી મહાન માનવામાં આવીશ.”

11 સૈન્યોના યહોવા આપણી સાથે છે,
    યાકૂબનાં દેવ સદા આપણો બચાવ કરે છે.

ઉત્પત્તિ 12:1-9

દેવે ઇબ્રામને બોલાવ્યો

12 યહોવાએ ઇબ્રામને કહ્યું,

“તું તારો દેશ, તારા સગાંસંબંધી,
અને તારા પિતાના પરિવારને છોડી દે
    અને હું બતાવું તે દેશમાં ચાલ્યો જા.
હું તને આશીર્વાદિત કરીશ.
હું તને એક મહાન રાષ્ટ બનાવીશ.
    હું તારા નામને પ્રસિધ્ધ કરીશ.
લોકો તારા નામ દ્વારા
    બીજાને આશીર્વાદ આપશે.
જે લોકો તારું ભલું કરશે તે લોકોને
    હું આશીર્વાદ આપીશ.
પરંતુ જેઓ તને શ્રાપ આપશે તેઓને હું શાપ દઈશ.
    પૃથ્વી પરના બધા મનુષ્યોને આશીર્વાદ આપવા માંટે હું તારો ઉપયોગ કરીશ.”

ઇબ્રામનું કનાન ગમન

ઇબ્રામે યહોવાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેણે હારાન છોડયું. અને લોત તેની સાથે ગયો. તે સમયે ઇબ્રામ 75 વર્ષનો હતો. ઇબ્રામે જયારે હારાન છોડયું ત્યારે તે એકલો ન હતો. ઇબ્રામે પોતાની પત્ની સારાયને અને પોતાના ભાઈના દીકરા લોતને હારાનમાં હતા ત્યારે તેમણે ભેગી કરેલી બધી સંપત્તિને તથા તેમણે રાખેલા બધા નોકરોને સાથે લીધાં અને તેઓ કનાન દેશ જવા નીકળ્યાં અને ત્યાં પહોંચ્યાં. ઇબ્રામે કનાનના પ્રદેશમાં થઇને શખેમ નગર સુધી યાત્રા કરી. અને મોરેહના મોટા વૃક્ષ સુધી ગયો. એ સમયે તે દેશમાં કનાની લોકો વસતા હતા.

યહોવાએ ઇબ્રામને દર્શન આપીને કહ્યું કે, “હું આ દેશ તારા વંશજોને આપીશ.”

આથી યહોવા ઇબ્રામ સામે જે જગ્યાએ પ્રગટ થયો તે જગ્યાએ ઇબ્રામે યહોવાની ઉપાસના માંટે એક વેદી બંધાવી. તે પછી ઇબ્રામે તે જગ્યા છોડી અને તે બેથેલની પૂર્વમાં આવેલા પહાડી પ્રદેશમાં ગયો અને ત્યાં સ્થાયી થયો. પશ્ચિમમાં બેથેલ શહેર અને પૂર્વમાં આય શહેર હતુ, અને ત્યાં તેણે યહોવાને માંટે બીજી એક વેદી બંધાવી. અને ઇબ્રામે યહોવાની પ્રાર્થના કરી. ત્યાંથી ઇબ્રામે ફરી યાત્રાનો આરંભ કર્યો અને નેગેબ તરફ આગળ વધ્યો.

1 કરિંથીઓ 7:17-24

દેવે તમને તેડયા છે તે પ્રમાણે જીવો

17 પરંતુ દરેક વ્યક્તિએ દેવે તેને જે રીતનું જીવન આપ્યું છે, તે રીતે જીવતા રહેવું જોઈએ-એ પ્રકારે કે જે પ્રકારે દેવે જ્યારે તમને તેડયા ત્યારે તમે હતા. આ નિયમ મેં દરેક મંડળીમાં બનાવ્યો. 18 જ્યારે વ્યક્તિને તેડવામાં આવે છે તે સમયે જો તેની સુન્નત થઈ ગઈ હોય, તો પછી તેણે તેની સુન્નતમાં પરિવર્તન કરવું જોઈએ નહિ. જ્યારે તેડવામાં આવે ત્યારે વ્યક્તિ સુન્નત વગરનો હોય, તો પછી તેની સુન્નત થવી જોઈએ નહિ. 19 વ્યક્તિએ સુન્નત કરાવી છે કે નથી કરાવી તે મહત્વનું નથી. દેવની આજ્ઞાઓનું પાલન મહત્વનું છે. 20 દરેક વ્યક્તિને જે સ્થિતિમાં તેડવામાં આવી હોય તેમાં જ તે રહે. 21 દેવે જ્યારે તમને તેડયા ત્યારે તમે જો ગુલામ હો, તો તે બાબતની તમે ચિંતા ન કરો. પરંતુ જો તમે મુક્ત બની શકો, તો મુક્ત બનો. 22 વ્યક્તિ કે જેને પ્રભુએ જ્યારે તેડયો, ત્યારે તે ગુલામ હતો તે પ્રભુમાં મુક્ત છે. તે જ પ્રમાણે જ્યારે તે વ્યક્તિને તેડવામાં આવ્યો ત્યારે તે મુક્ત હતો. હવે ખ્રિસ્તનો સેવક છે. 23 મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે તેથી મનુષ્યોના ગુલામો ન બનો. 24 ભાઈઓ અને બહેનો, દેવથી નવજીવનમાં તમારામાંના પ્રત્યેકને જ્યારે દેવે તેડયા હતા ત્યારે જે રસ્તે તમે હતા તે જ રીતે તમારી જીવન પદ્ધતિનું સાતત્ય જાળવો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International