Revised Common Lectionary (Semicontinuous)
દેવનું આમંત્રણ અને યૂનાનુ આજ્ઞા પાલન
3 પછી યહોવાએ યૂના સાથે બીજી વાર વાત કરી, 2 “ઊભો થા, મહાનગર નિનવેહ જા, હું તને કહું તે બોધ તેમને આપ.”
3 આથી યૂના ઉભો થયો અને યહોવાએ કહ્યું હતું તેમ નિનવેહ ગયો. નિનવેહ બહુ મોટુઁ શહેર હતું. શહેરમાંથી પસાર થતાં ત્રણ દિવસ લાગ્યાં.
4 પ્રથમ દિવસે યૂના શહેરમાં ગયો અને જાહેર કર્યું, “ચાળીસ દિવસ પછી નિનવેહનો નાશ થશે.”
5 નિનવેહના લોકોએ દેવના વચન પર વિશ્વાસ કર્યો; અને તેઓએ ઉપવાસ કરવાનો અને વિશિષ્ટ શોક વસ્ત્રો ધારણ કરવાનો નિર્ણય કર્યો. નાનાથી મોટા બધાંએ આમ કર્યું.
10 દેવે તેમનાઁ કૃત્યો જોયાઁ. તેણે જોયું કે તેઓએ તેમનાઁ દુષ્ટ રસ્તાઓ છોડી દીધાં હતાં. તેથી તેણે તેઓ પર દયા વરસાવી. તેણે વિચાર બદલ્યો અને સજાની યોજના પડતી મૂકી. તેણે તેની યોજના પાર કરી નહિ.
5 મારો આત્મા દેવ સમક્ષ શાંતિથી
અને ધૈર્યથી રાહ જુએ છે.
હું અપેક્ષા રાખુ છુ કે તે મારી રક્ષા કરે;
કારણ, તે એકલોજ મને બચાવી શકે તેમ છે.
6 હા, તે એકલા જ મારા ખડક, તારક અને ગઢ છે,
હું ઉથલાઇ જનાર નથી.
7 ઇશ્વરમાં મારું ગૌરવ તથા તારણ છે,
મારો સાર્મથ્યનો ખડક અને આશ્રય પણ ઇશ્વરમાંજ છે.
8 હે લોકો, દેવનો હંમેશા ભરોસો કરો,
અને તમારી શું મનોકામના છે તે તેને કહો.
આપણા સૌનો આશ્રય દેવ છે.
9 ખરેખર લોકો મદદ કરી શકતા નથી,
દેવની સાથે સરખાવીએ તો, તેઓ કાંઇજ નથી;
ફકત તમારી દમન
અને દબાણથી હવાના એક સુસવાટા સમાન છે.
10 દમન કરીને બળજબરીથી વસ્તુઓ લેવાની તમારી શકિત પર આધાર રાખશો નહિ.
લૂંટ કરીને મેળવવું છે એવું વિચારશો નહિ.
જો તમે ધનવાન બનો તો,
તમારી સંપત્તિ તમને મદદ કરશે એવો આધાર રાખશો નહિ.
11 દેવ એકવાર બોલ્યાં છે, ને મેં બે વાર સાંભળ્યું છે:
“સાર્મથ્ય દેવ પાસે છે.”
12 ઓ યહોવા, કૃપા પણ તમારી જ છે,
તમે પ્રત્યેક વ્યકિતને કર્માનુસાર તેના કર્મનું ફળ આપો છો.
29 ભાઈઓ અને બહેનો, હું સમજું છું કે: આપણી પાસે હવે ઘણો સમય રહ્યો નથી. તે અત્યારથી શરું કરીને, જે લોકો પાસે પત્નીઓ છે તેમણે એ રીતે દેવની સેવામાં તેમનો સમય વ્યતીત કરવો જોઈએ જાણે તેમને પત્નીઓ છે જ નહિ. 30 લોકો, જે વિષાદગ્રસ્ત છે તેમણે એ રીતે જીવવું જાણે કે તેમને કોઈ વિષાદ છે જ નહિ. લોકો જે આનંદિત છે તેમણે એ રીતે જીવવું જાણે તેઓ આનંદિત છે જ નહિ. લોકો જે વસ્તુઓ ખરીદે છે તેમણે એ રીતે જીવવું જાણે તેમની પાસે કશું જ નથી. 31 લોકો જે દુન્યવી વસ્તુઓનો ઉપભોગ કરે તેમણે તે રીતે જીવવું જાણે તે વસ્તુઓનું તેમને કોઈ મહત્વ જ નથી. તમારે આ રીતે જીવવું, કારણ કે આ જગત જે રીતે અત્યારે છે તે ખૂબ ઝડપથી ચાલ્યું જવાનું છે.
ઈસુ કેટલાક શિષ્યોની પસંદગી કરે છે
(માથ. 4:12-17; લૂ. 4:14-15)
14 આ પછી, યોહાનને બંદીખાનામાં મૂકવામાં આવ્યો હતો. ઈસુ ગાલીલમાં ગયો અને દેવ તરફથી સુવાર્તા પ્રગટ કરી. 15 ઈસુએ કહ્યું, “હવે નિશ્ચિત સમય આવી પહોંચ્યો છે. દેવનું રાજ્ય નજીક છે. પસ્તાવો કરો અને દેવની સુવાર્તામાં વિશ્વાસ કરો!”
પ્રથમ શિષ્યોને આમંત્રણ
(માથ. 4:18-22; લૂ. 5:1-11)
16 ઈસુ ગાલીલના સરોવરની બાજુમાં ચાલતો હતો ત્યારે ઈસુએ સિમોનના ભાઈ આંદ્રિયાને જોયો. આ બંને માણસો માછીમારો હતા, અને તેઓ માછલા પકડવા સરોવરમાં જાળ નાખતા હતાં. 17 ઈસુએ તેમને કહ્યું, “મારી પાછળ આવો, ને હું તમને એક જુદા પ્રકારના માછીમારો બનાવીશ. તમે લોકોને ભેગા કરવાનું કામ કરશો, માછલીઓ નહિ.” 18 તેથી સિમોન અને આંદ્રિયાએ તેઓની જાળો છોડી દીધી અને ઈસુની પાછળ ગયા.
19 ઈસુએ ગાલીલ સરોવરની બાજુમાં ચાલવાનું ચાલુ રાખ્યું. તેણે ત્યાં બે વધારે ભાઈઓ, ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાનને જોયા. તેઓ હોડીમાં તેમની માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા. 20 તેમનો પિતા ઝબદી અને તે માણસો જે તેમના માટે કામ કરતાં હતા, તેઓ તે ભાઈઓ સાથે હોડીમાં હતા. જ્યારે ઈસુએ તે ભાઈઓને જોયા, તેણે તેઓને આવવા કહ્યું. તેઓએ તેમના પિતાને છોડ્યા અને ઈસુની પાછળ ગયા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International