Revised Common Lectionary (Semicontinuous)
5 મારો આત્મા દેવ સમક્ષ શાંતિથી
અને ધૈર્યથી રાહ જુએ છે.
હું અપેક્ષા રાખુ છુ કે તે મારી રક્ષા કરે;
કારણ, તે એકલોજ મને બચાવી શકે તેમ છે.
6 હા, તે એકલા જ મારા ખડક, તારક અને ગઢ છે,
હું ઉથલાઇ જનાર નથી.
7 ઇશ્વરમાં મારું ગૌરવ તથા તારણ છે,
મારો સાર્મથ્યનો ખડક અને આશ્રય પણ ઇશ્વરમાંજ છે.
8 હે લોકો, દેવનો હંમેશા ભરોસો કરો,
અને તમારી શું મનોકામના છે તે તેને કહો.
આપણા સૌનો આશ્રય દેવ છે.
9 ખરેખર લોકો મદદ કરી શકતા નથી,
દેવની સાથે સરખાવીએ તો, તેઓ કાંઇજ નથી;
ફકત તમારી દમન
અને દબાણથી હવાના એક સુસવાટા સમાન છે.
10 દમન કરીને બળજબરીથી વસ્તુઓ લેવાની તમારી શકિત પર આધાર રાખશો નહિ.
લૂંટ કરીને મેળવવું છે એવું વિચારશો નહિ.
જો તમે ધનવાન બનો તો,
તમારી સંપત્તિ તમને મદદ કરશે એવો આધાર રાખશો નહિ.
11 દેવ એકવાર બોલ્યાં છે, ને મેં બે વાર સાંભળ્યું છે:
“સાર્મથ્ય દેવ પાસે છે.”
12 ઓ યહોવા, કૃપા પણ તમારી જ છે,
તમે પ્રત્યેક વ્યકિતને કર્માનુસાર તેના કર્મનું ફળ આપો છો.
યર્મિયાની પાંચમી ફરિયાદ
7 પછી મેં કહ્યું, “હે યહોવા, તમે મને યુકિતપૂર્વક છેતર્યો છે.
તમારા સંદેશાઓ આપવા માટે તમે મને દબાણ કર્યુ.
કારણ કે મારા કરતાં તમે અતિ બળવાન છો.
પરંતુ હવે હું બધા દિવસો હાંસીપાત્ર થયો છું અને સર્વ લોકો મારી મશ્કરી કરે છે.
8 કેમ કે જ્યારે જ્યારે હું બોલું છું ત્યારે ત્યારે ઘાટાં પાડીને એક જ વાત કહેવાની છે,
‘હિંસા અને વિનાશ!’ હે યહોવા,
તારી વાણી સંભળાવવાને કારણે આખો દિવસ મારે હાંસી
અને નામોશી સહન કરવી પડે છે.”
9 હું જો એમ કહું કે, “હવે હું યહોવાને સંભારીશ નહિ,
એને નામે બોલું જ નહિ.”
તો તારી એ વાણી મારા અંગે અંગમાં ભંડારાયેલી આગની જેમ
મારા અંતરમાં ભડભડી ઊઠે છે;
અને હું તેને કાબૂમાં રાખવા મથું છું,
પણ નથી રાખી શકતો.
10 ચારે બાજુથી હું તેઓની ધમકીઓ
ઉચ્ચારાતી સાંભળું છું
અને મને ડર લાગે છે,
તેઓ કહે છે, “આપણે ફરિયાદ કરીશું.
જેઓ મારા મિત્રો હતા તેઓ સાવધાનીથી મને નિહાળે છે કે,
ક્યારે ભયંકર ભૂલ કરી બેસું.
તે પોતે જ ફસાઇ જશે અને ત્યારે આપણે
તેના પર આપણું વૈર વાળીશું.
તેઓ આ પ્રમાણે કહે છે.”
11 પરંતુ મહાન યોદ્ધાની જેમ યહોવા મારી પડખે ઊભા છે.
તે પરાક્રમી તથા ભયાવહ છે.
મારા જુલમગારો ઠોકર ખાશે,
તેઓ નહિ ફાવે, તેઓ નિષ્ફળ જતાં ભારે ફજેત થશે;
તેઓ બધી રીતે અપમાનિત થશે
અને સદાને માટે તેઓ પર કલંક લાગશે.
12 હે સૈન્યોના દેવ યહોવા,
તમે સતનું પારખું કરો છો,
મારા મનનો અને હૃદયનો તાગ લો છો;
અને હું ઇચ્છું છું કે હું તમને એમના પર બદલો વાળતા જોવા પામું,
કારણ કે મેં મારો દાવો ફકત તમને સોંપ્યો છે.
13 યહોવાના ગીત ગાઓ,
એમનાં ગુણગાન કરો.
કારણ, તેણે દુષ્ટોના હાથમાંથી
દરિદ્રીઓનું જીવન ઉગારી લીધુ છે.
ઈસુનું આગમન થશે
3 મારા મિત્રો, તમને લખેલ મારો આ બીજો પત્ર છે. તમારા પ્રામાણિક માનસને કઈક સ્મરણ કરાવવા મેં બંને પત્રો તમને લખ્યા છે. 2 પવિત્ર પ્રબોધકોએ ભૂતકાળમાં જે વાણી ઉચ્ચારેલી તેનું હું તમને સ્મરણ કરાવવા ઈચ્છું છું. અને આપણા પ્રભુ અને તારનારે આપણને જે આજ્ઞા આપેલી તેનું પણ સ્મરણ કરાવવા ઈચ્છું છું. તમારા પ્રેરિતો દ્ધારા તે અમને આપી હતી.
3 અંતિમ દિવસોમા શું થશે તે સમજવું તમારા માટે મહત્વનું છે. લોકો તમારી સામે હસશે. તેઓ પોતાને ગમતી દુર્વાસના પ્રમાણે ચાલશે જેનો તેઓ આનંદ માણશે. 4 એ લોકો કહેશે કે, “તેણે આગમનનું વચન આપ્યું હતું. તે ક્યા છે? આપણા પૂર્વજો અવસાન પામ્યા. પરંતુ દુનિયા તો જે રીતે તેનું સર્જન કરવામાં આવ્યું ત્યારે હતી તે જ રીતે ચાલુ છે.”
5 પરંતુ ઘણા લાબાં સમય પહેલા જે બન્યું હતું તેને તે લોકો યાદ રાખવા માગતા નથી. આકાશ ત્યાં હતું, અને દેવે પાણી વડે પાણીમાંથી પૃથ્વીનું સર્જન કર્યુ. આ બધું જ દેવના વચન દ્વારા બન્યું. 6 પછી તે જગત પાણીમા ડૂબીને નાશ પામ્યું. 7 અને અત્યારે દેવનું તે જ વચન આકાશ અને પૃથ્વીને ટકાવી રાખે છે કે જે આપણી પાસે છે. આ પૃથ્વી અને આકાશ અગ્નિથી નાશ કરવા માટે ટકાવી રાખવામાં આવ્યા છે. પૃથ્વી અને આકાશ ન્યાયના દિવસ સુધી ટકાવી રખાશે અને પછી તેનો અને જેઓ દેવની વિરુંદ્ધ છે તે બધા જ લોકોનો નાશ થશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International