Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 86

દાઉદની પ્રાર્થના.

હે યહોવા, મને ધ્યાનથી સાંભળો અને મને ઉત્તર આપો;
    કારણ કે હું નિર્ધન તથા અસહાય છું.
મારા જીવનની રક્ષા કરો,
    કારણ હું તમારો વફાદાર અનુયાયી છું, હે મારા દેવ,
    તમારા પર આસ્થા રાખનાર સેવકને બચાવો.
હે યહોવા, મારા પર દયા કરો,
    કારણ; આખો દિવસ હું તમારી સમક્ષ પોકાર કરું છું.
હે યહોવા, તમારા સેવકને આનંદ આપો;
    હે પ્રભુ, હું મારું જીવન તારા હાથમાં સોંપુ છું.
હે પ્રભુ, તમે ઉત્તમ; અને ક્ષમા કરનાર છો.
    સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે બંધનમુકત પ્રેમ દર્શાવો.
હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
    મારી કૃપા માટેની પ્રાર્થના સાંભળો.
મારા સંકટના ટાણે હું તમને પોકાર કરીશ,
    ને મને ખાતરી છે કે તમે મને ઉત્તર આપશો.
હે યહોવા, અન્ય દેવોમાં તમારા જેવો દેવ કોઇ નથી;
    અને તમારા જેવા પરાક્રમો પણ કોઇનાઁ નથી.
હે યહોવા, તમે જે રાષ્ટ્રોનું સર્જન કર્યુ છે તે બધાં આવીને તમને પ્રણામ કરશે;
    અને તેઓ તમારા નામનો મહિમા ગાશે.
10 કારણ તમે મહાન દેવ છો, અને અદૃભૂત ચમત્કારના કરનાર છો;
    તમે જ એકલાં દેવ છો.
11 હે યહોવા, તમે તમારા માર્ગ શીખવો;
    અને હું તે માર્ગ પર ચાલીશ અને સત્યનું પાલન કરીશ,
તમારા નામનો આદર કરવાને
    મારા હૃદયને એકાગ્ર કરો.
12 હે પ્રભુ, મારા દેવ, મારા પૂર્ણ અંત:કરણથી હું તમારી સ્તુતિ કરીશ;
    અને હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.
13 કારણ, મારા પર તમારી અનહદ કૃપા છે;
    તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે.
14 હે દેવ ઘમંડી અને ઉદ્ધત માણસો મારી સામા થયા છે;
    અને ક્રૂર અને દુષ્ટ માણસો મારો સંહાર કરવા માટે
    મારી પાછળ પડ્યાં છે તેઓ તમારું સન્માન કરતાં નથી.
15 પણ, હે પ્રભુ, તમે તો દયાને કરુણાથી ભરપૂર છો;
    તમે ક્રોધ કરવામાં ધીમા પણ નિરંતર કૃપા અને સત્યતાથી ભરપૂર છો.
16 મારી તરફ ફરો, ને મારા પર દયા કરો;
    તમારા આ દાસને તમારું સાર્મથ્ય આપો.
    મારી રક્ષા કરો, હું તમારો વફાદાર પુત્ર છું.
17 તમારી ભલાઇ ચિન્હ મને આપો; મારા શત્રુઓ તે જોશે અને નિરાશ થશે,
    કારણ હે યહોવા એ તમે છો જેણે મને મદદ કરી છે,
    અને દિલાસો આપ્યો છે.

1 શમુએલનું 9:27-10:8

27 તેઓ શહેરને નાકે આવ્યા, ત્યારે શમુએલે શાઉલને કહ્યું, “તારા ચાકરને આગળ મોકલી દે.” ચાકર ચાલતો થયો. શમુએલે કહ્યું, “તું થોડી વાર અહીં ઊભો રહે. હું તને દેવનો સંદેશો કહું છું.”

શાઉલનો રાજા તરીકે અભિષેક

10 પછી શમુએલે તેલની શીશી લઈને શાઉલના માંથા ઉપર રેડી અને તેને ચુંબન કર્યું. શમુએલે કહ્યું, “યહોવાએ તને ઇસ્રાએલી પ્રજાના રાજા તરીકે અભિષિકત કર્યો છે. તું યહોવાના લોકો પર શાસન કરીશ. આજે તું માંરી પાસેથી વિદાય થશે ત્યારે તને બિન્યામીનના પ્રદેશમાં સેલ્સાહ ખાતે આવેલ ‘રાહેલ’ની કબર નજીક બે માંણસો મળશે. તેઓ તને કહેશે કે, ‘જે ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે મળ્યાં છે. હવે ગધેડાંની બદલે તારા પિતા તારી ચિંતા કરતા હશે. તેઓ વિચાર કરતા હશે કે, માંરા પુત્રને શોધવા હું શું કરું?’”

શમુએલ કહ્યું, “પછી ત્યાંથી તું તાબોરના મોટા ઓક વૃક્ષ સુધી ચાલ્યો જજે. ત્યાં જતાં તને યહોવાની ઉપાસના કરવા જતા ત્રણ માંણસો મળશે. તેઓ આ વસ્તુઓ લઇ જતા હશે: પહેલા જુવાને બકરીઓ ઉપાડેલી હશે, બીજાએ ત્રણ રોટલા ઉપાડ્યા હશે અને ત્રીજાએ દ્રાક્ષારસની એક શીશી ઉપાડેલી હશે. ત્યાં તેઓ તને પ્રણામ કરીને તને બે રોટલા આપશે. તારે એ બે રાટેલા તેમની પાસેથી સ્વીકારી લેવા. ત્યારબાદ તારે ‘ગિબેય ઇલોહિમ’ જવુ જયાં પલિસ્તી કિલ્લો છે, ત્યાં તને ઢોલ, શરણાઈ, વીણા અને વાંસળી વગાડતા ઉપાસનાસ્થાનેથી ઊતરતા પ્રબોધકોનો સંઘ મળશે, અને તેઓ પ્રબોધ કરતા ખબર પડશે, એ વખતે યહોવાનો આત્માં ઘણા બળ સાથે તારામાં સંચારિત થશે. ત્યારબાદ તું બીજી વ્યકિતમાં બદલાઇ જઇશ. આ પ્રબોધકો સાથે તું પ્રબોધ કરીશ. જ્યારે આ બધી ઘટનાઓ બને ત્યારે તને જે સૂઝે તે તારે કરવું. કારણ, તને દેવનો સાથ હશે.

“તું માંરા પહેલાં ગિલ્ગાલ ચાલ્યો જજે. પછી હું તને ત્યાં મળવા આવીશ. ત્યાં હું તને દહનાર્પણો તથા શાંત્યર્પણો અર્પણ કરીશ. પણ તારે સાત દિવસ સુધી માંરી રાહ જોવી; પછી હું આવીશ અને તને કહીશ કે તારે શું કરવું.”

2 કરિંથીઓ 6:14-7:1

બિન ખ્રિસ્તીઓ વિષે ચેતવણી

14 જે લોકો અવિશ્વાસી છે તેવા તમે નથી. તેથી તેઓની સોબત ન રાખો. સારા અને નરસાનું સહઅસ્તિત્વ નથી હોતું. પ્રકાશને અંધકાર સાથે સંગત ન હોઈ શકે. 15 ખ્રિસ્ત અને શેતાન વચ્ચે કોઈ કરાર કેવી રીતે હોઈ શકે? વિશ્વાસીને અવિશ્વાસી સાથે શો ભાગ હોય? 16 દેવના મંદિર અને મૂર્તિઓ વચ્ચે કોઈ જાતનો કરાર હોઈ શકે? આપણે જીવતા દેવનું મંદિર છીએ, જેમ દેવ કહે છે કે:

“હું તેઓની સાથે જીવીશ અને તેઓની સાથે ચાલીશ,
હું તેઓનો દેવ થઈશ, અને તેઓ મારા લોક થશે.” (A)

17 “તેથી તે લોકોથી વિમુખ થાઓ
    અને તમારી જાતને તેઓનાથી જુદી તારવો, એમ પ્રભુ કહે છે.
જે કઈ નિર્મળ નથી તેનો સ્પર્શ ન કરો,
    અને હું તમને અપનાવીશ.” (B)

18 “હું તમારો પિતા થઈશ,
    અને તમે મારા દીકરા દીકરીઓ થશો, એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે.” (C)

પ્રિય મિત્રો, દેવ તરફથી આપણને આ વચનો મળ્યાં છે. તેથી આપણે આપણી જાતને નિર્મળ બનાવવી જોઈએ-કોઈ પણ વસ્તુ જે શરીર કે આત્માને મલિન બનાવે, આપણે તેનાથી મુક્ત જીવન પદ્ધતિમાં યથાર્થ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે આપણે દેવનો આદર કરીએ છીએ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International