Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે;
અને તમે મારા વિષે બધું જાણો છો.
2 મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો;
મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો.
3 તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું.
હું જે બધું કરું છું તે તમે જાણો છો.
4 હું બોલું તે અગાઉ તમે જાણો છો,
કે હું શું કહેવા ઇચ્છુ છું.
5 તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે;
અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.
6 આવું જ્ઞાન મને તો અતિ ભવ્ય અને અદૃભૂત છે;
તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.
13 મારું અંત:કરણ તમે ઘડ્યુઁ છે,
અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે.
14 ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ;
માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ;
હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે!
15 જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇને[a] મારી રચના થતી હતી
ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા
અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.
16 તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ
જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો.
પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા,
તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા.
અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!
17 હે દેવ, તારા વિચારો મારા માટે કેટલાં કિંમતી છે!
દેવ તમે ઘણું બધું જાણો છો!
18 જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય,
અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ!
16 ત્યારબાદ યહોવાએ ઈસ્રાએલીઓ ઉપર ન્યાયાધીશો નીમ્યા. અને તેઓએ તેમને શત્રુઓના હાથમાંથી ઉગારી લીધા. 17 પણ તેમણે તે ન્યાયાધીશોનું પણ સાંભળ્યું નહી. તેઓ દેવ પ્રત્યેની વફાદારી છોડી દઈને અન્ય દેવદેવીઓને માંનવા લાગ્યા અને એમની પૂજા કરવા લાગ્યા. તેમના પિતૃઓ યહોવાની આજ્ઞા પ્રમાંણે રહેતા હતાં, પણ આ લોકોને આ ગમ્યું નહિ અને તેઓએ યહોવાના હુકમો માંનવાનું બંધ કરી દીધું.
18 જયારે જયારે યહોવા તેમના ઉપર કોઈ ન્યાયાધીશ નીમતા ત્યારે તેઓ તેની સાથે રહેતા, તેણે તેઓની કાળજી લીધી અને તેમનું તેમના શત્રુઓથી રક્ષણ કર્યુ. તેણે તેઓની ઉપર દયા બતાવવા આમ કર્યુ કારણકે તેઓના શત્રુઓ દ્વારા તેમના ઉપર જુલમો અને અત્યાચારો થયાં હતાં. 19 ન્યાયાધીશના અવસાન પછી તેઓ યહોવાથી દૂર ફરી ગયા અને પોતાના પિતૃઓથી પણ વધારે ભ્રષ્ટ થઈ ગયાં, તેઓ અન્ય દેવની પૂજા કરતાં, તેમને પગે લાગતા; તેઓએ પોતાના દુષ્ટ માંર્ગોથી પાછા ફરવાનો ઈન્કાર કરી દીધો.
20 આથી ફરીથી યહોવાનો કોપ ઈસ્રાએલીઓ ઉપર ભભૂકી ઊઠતો, તે કહેતા, “આ પ્રજાએ મેં એમના પિતૃઓને પાળવા કહેલા કરારનો ભંગ કર્યો છે. મેં કરેલી આજ્ઞાઓનું પાલન તેમણે કર્યું નથી. 21 તેથી યહોશુઆ મૃત્યુ પામ્યા તે વખતે જે જે પ્રજાઓ જીતવાની બાકી હતી તેઓને હવે હું હાંકી કાઢીશ નહિ. 22 અને એ રીતે, ઈસ્રાએલીઓ પોતાના પિતૃઓના પગલાને અનુસરશે કે નહિ, તેની હું કસોટી કરીશ.” 23 તેથી યહોવાએ એ પ્રજાઓને પોતાની ભૂમિમાંથી હાંકી કાઢયા વિના તેમને ત્યાં રહેવા દીધાં. તેણે તેમને યહોશુઆના હાથમાં પણ સોંપી દીધા નહોતા, અને તેણે ઈસ્રાએલીઓને તેઓનો નાશ કરવા દીધો નહિ.
16 પાઉલ ઊભો થયો. તેણે તેનો હાથ ઊચો કર્યો અને કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ અને બીજા લોકો તમે જે સાચા દેવની ભક્તિ કરો છો, કૃપા કરીને મને સાંભળો! 17 ઈસ્ત્રાએલના દેવે આપણા પૂર્વજોને પસંદ કર્યા છે. તેઓ મિસર દેશમાં અજ્ઞાત રીતે રહેતા હતા, ત્યારે તે સમય દરમ્યાન દેવે તેના લોકોને સફળ થવામાં મદદ કરી. દેવ તેઓને તે દેશમાંથી વધારે સાર્મથ્યથી બહાર લાવ્યો. 18 અને 40 વરસ સુધી દેવે રણમાં તેઓનું વર્તન ધીરજપૂર્વક સહન કર્યું. 19 દેવે કનાનની ભૂમિનાં સાત રાષ્ટ્રોનો વિનાશ કર્યો. 20 આ બધું લગભગ 450 વર્ષમાં બન્યું.
“આ પછી, દેવે આપણા લોકોને શમુએલ પ્રબોધકના સમય સુધી ન્યાયાધીશો આપ્યા. 21 પછી તે લોકોએ રાજાની માંગણી કરી. તેથી દેવે તેઓને કીશનો દીકરો શાઉલ આપ્યો. શાઉલ બિન્યામીનના કુળનો હતો. તે 40 વર્ષ રાજા રહ્યો. 22 પછી દેવે શાઉલને દૂર કરીને દાઉદને રાજા બનાવ્યો. દેવે દાઉદ વિષે જે કહ્યું તે આ છે, ‘દાઉદ, એ યશાઇનો દીકરો કે જે તેના વિચારોમાં મારા જેવો છે. હું તેની પાસે જે કરાવવા ઇચ્છું છું તે બધુંજ તે કરશે.’
23 “દેવે દાઉદના વંશમાંથી એકને ઈસ્રાએલનો તારનાર તરીકે ઊભો કર્યો. તે વંશજ ઈસુ છે. દેવે આ કરવાનું વચન આપ્યું. 24 ઈસુના આગમન પહેલા, યોહાને બધા યહૂદિ લોકોને બોધ આપ્યો. તેઓ પુસ્તાવો ઈચ્છે છે તે બતાવવા માટે યોહાને તે લોકોને બાપ્તિસ્મા લેવા કહ્યું. 25 જ્યારે યોહાન તેનું કાર્ય પુરું કરતો હતો, ત્યારે તેણે કહ્યું, ‘હું કોણ છું એ વિષે તમે શું ધારો છો? હું તે ખ્રિસ્ત નથી. તે મોડેથી આવશે. હું તો તેના જોડા છોડવાને પણ યોગ્ય નથી.’
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International