Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે;
અને તમે મારા વિષે બધું જાણો છો.
2 મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો;
મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો.
3 તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું.
હું જે બધું કરું છું તે તમે જાણો છો.
4 હું બોલું તે અગાઉ તમે જાણો છો,
કે હું શું કહેવા ઇચ્છુ છું.
5 તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે;
અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.
6 આવું જ્ઞાન મને તો અતિ ભવ્ય અને અદૃભૂત છે;
તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.
13 મારું અંત:કરણ તમે ઘડ્યુઁ છે,
અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે.
14 ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ;
માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ;
હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે!
15 જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇને[a] મારી રચના થતી હતી
ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા
અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.
16 તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ
જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો.
પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા,
તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા.
અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!
17 હે દેવ, તારા વિચારો મારા માટે કેટલાં કિંમતી છે!
દેવ તમે ઘણું બધું જાણો છો!
18 જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય,
અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ!
યહોશુઆનું મૃત્યુ
6 યહોશુઆએ લોકોને તેમના ઘરે પાછા મોકલી દીધાં. તેથી સર્વ કુળસમૂહના ઈસ્રાએલી લોકો તેમના ઘરે પાછા ગયા અને પોતાની ભૂમિનો કબજો લીધો. 7 જયારે યહોશુઆ જીવતા હતાં અને ઈસ્રાએલના વડીલો જેઓ યહોવાએ કરેલા મહાન કાર્યોના સાક્ષી હતાં, અને જેઓ યહોશુઆથી લાંબુ જીવ્યા હતાં, ત્યાં સુધી લોકો યહોવાની સેવા કરતા રહ્યાં. 8 એકસો દસ વર્ષની ઉંમરે નૂનનો પુત્ર યહોશુઆ, યહોવાનો સેવક મૃત્યુ પામ્યો. 9 તેને ગાઆશ પર્વતની ઉત્તરે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવેલી ભૂમિમાં જે તિમ્નાથ હેરેસની જમીન તેના હિસ્સામાં આવી હતી ત્યાં દફનાવવામાં આવ્યો.
10 તેના પછી આ આખી પેઢી ગુજરી ગઈ. બીજી પેઢી આવી, તેને ન હતી યહોવાની ખબર કે ન હતી ઈસ્રાએલીઓ માંટે તેણે કરેલાં ઉમદા કાર્યોની ખબર. 11 તેઓએ યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યુ અને અન્ય બઆલ દેવની મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા. 12 યહોવાએ કરેલી મદદને કારણે તેઓ મિસરમાંથી બહાર આવી ગયા. પણ તેઓએ તેમના પિતૃઓને મદદ કરનાર દેવ યહોવાને છોડી દીધા અને તેમની આસપાસના દેવોની પૂજા કરવા લાગ્યા. અન્ય દેવોની પૂજા કરીને તેઓએ યહોવાને કોપ વધારી દીધો. 13 તે લોકોએ યહોવાની ઉપાસના છોડીને બઆલ દેવ અને આશ્તારોથ દેવોની પૂજા કરવા માંડી.
14 યહોવાનો પ્રકોપ ઈસ્રાએલીઓ સામે ભભૂકી ઊઠયો અને તેણે તેઓને શત્રુઓના હાથમાં સોંપી દીધા, જેઓ તેમને લૂંટતા રહ્યાં; તેણે તેમને આસપાસના શત્રુઓને હવાલે કરી દીધા અને ઈસ્રાએલીઓ તેમની સામે ટકી શક્યા નહિ, 15 ઈસ્રાએલી લોકો પોતાના શત્રુઓ સામે યુદ્ધ કરવા જતા ત્યારે યહોવાનો હાથ તેઓની વિરુદ્ધ રહેતો, યહોવાએ તે લોકોને ચેતવણી આપી હતી અને પ્રતિજ્ઞા લીધી હતી કે પોતે આ પ્રમાંણે કરશે. પરિણામે ઈસ્રાએલીઓ ભારે આફતમાં આવી પડયા.
પાઉલ તેની સેવાનું સમર્થન કરે છે
10 હું પાઉલ છું અને હું તમને વિનવું છું. હું ખ્રિસ્તની નમ્રતા અને મમતાથી તમને વિનવું છું. કેટલાએક લોકો કહે છે કે જ્યારે હું તમારી સાથે હોઉં છું. ત્યારે દીન હોઉં છું, અને તમારાથી દૂર હોઉં છું. ત્યારે હિંમતવાન હોઉં છું. 2 કેટલાએક લોકો વિચારે છે કે અમે દુન્યવી પધ્ધતિથી જીવીએ છીએ. જ્યારે હું આવું ત્યારે આવા લોકો સાથે ઘણા નીડર થવાની મારી યોજના છે. હું તમને વિનવું છું કે હું જ્યારે આવું ત્યારે તેવી જ નીડરતાનો ઉપયોગ તમારી સાથે કરવાની મારે જરૂર પડશે નહિ. 3 અમે આ દુનિયામાં જીવીએ છીએ. પરંતુ જે રીતે દુનિયા ઝઘડે છે તે રીતે અમે ઝઘડતા નથી. 4 દુનિયા વાપરે છે તેના કરતાં જુદા પ્રકારના શસ્ત્રોથી અમે લડીએ છીએ. અમારા શસ્ત્રમાં દેવનું સાર્મથ્ય છે. દુશ્મનના મજબૂત સ્થાનનો આ શસ્ત્ર નાશ કરી શકે છે. અમે લોકોના વાદવિવાદનો નાશ કરીએ છીએ. 5 અને દરેક વસ્તુ જે દેવના જ્ઞાનની વિરૂદ્ધ ઉદભવે છે તેનો અમે નાશ કરીએ છીએ. અમે દરેક વિચારને કબજે કરી, તેને ત્યજી ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. 6 જે આજ્ઞાંકિત નથી તેવી દરેક વ્યક્તિને શિક્ષા કરવા અમે તૈયાર છીએ. પણ પ્રથમ તમે સંપૂર્ણ આજ્ઞાંકિત બનો.
7 તમારી સામેની હકીકતોને તમારે જોવી જોઈએ. જો વ્યક્તિ એમ વિચારતી હોય કે તે ખ્રિસ્તનો છે. તો તેણે એ પણ યાદ રાખવું જોઈએ કે તેની જેમ અમે પણ ખ્રિસ્તમાં છીએ. 8 એ સાચું છે કે અમે મુક્ત રીતે પ્રભુએ અમને આપેલ સાર્મથ્ય વિષે બડાઈ મારીએ છીએ. પરંતુ તેણે આ સાર્મથ્ય તમને સુદઢ બનાવવા અમને આપ્યુ છે, નહિ કે તમને ક્ષતિ પહોંચાડવા. તેથી તે બડાઈ માટે હું શરમ નથી અનુભવતો. 9 હું એમ નથી ઈચ્છતો કે તમે એમ ધારો કે મારા પત્રો વડે હું તમને ડરાવવા માગું છું. 10 કેટલાએક લોકો કહે છે કે, “પાઉલના પત્રો શક્તિશાળી અને મહત્વના છે. પરંતુ જ્યારે તે અમારી પાસે હોય છે, ત્યારે તે નિર્બળ હોય છે. અને તેની વાણીમાં કશુંજ નથી.” 11 તે લોકોએ આ જાણવું જોઈએ: અમે અત્યારે તમારી સાથે નથી; તેથી પત્રો દ્વારા આ વસ્તુ અમે કહીએ છીએ. પરંતુ જ્યારે અમે ત્યાં તમારી સાથે હોઈશું ત્યારે અમે એજ પ્રભાવ દર્શાવીશું જે અમે પત્રમાં દર્શાવ્યો છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International