Revised Common Lectionary (Semicontinuous)
દુનિયાનો આરંભ
1 આરંભમાં દેવે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું. 2 પૃથ્વી ખાલી અને અસ્તવ્યસ્ત હતી. જમીન પર કશું જ ન હતું. સમુદ્ર પર અંધકાર છવાયેલો હતો અને દેવનો આત્માં પાણી પર હાલતો હતો.
પહેલો દિવસ-પ્રકાશ
3 ત્યારે દેવે કહ્યું, “પ્રકાશ પ્રગટો” અને પ્રકાશ પ્રગટયો. 4 દેવે પ્રકાશને જોયો અને તેમણે જાણ્યું કે, તે સારું છે. ત્યારે દેવે પ્રકાશને અંધકારથી જુદો પાડયો. 5 દેવે પ્રકાશનું નામ “દિવસ” અને અંધકારનું નામ “રાત” રાખ્યું.
સાંજ પડી અને પછી સવાર થઇ તે પહેલો દિવસ હતો.
દાઉદનું ગીત.
1 હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો;
તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.
2 યહોવાના ગૌરવ માટે સ્તુતિ કરો.
યહોવાના ભવ્ય નામ માટે તમે ગાઓ તમારા પવિત્ર વસ્રો
પહેરીને આવો અને તેમની ઉપાસના કરો,
આવો અને તેમનું ભજન કરો.
3 યહોવાનો સાદ સમુદ્રો પર ગાજે છે;
ગૌરવવાન દેવ મહાસાગર પર ગર્જના કરે છે.
4 યહોવાનો સાદ તેમની શકિત નિરૂપે છે,
યહોવાનો સાદ તેમનો મહિમા નિરૂપે છે.
5 યહોવાના સાદથી ગંધતરુઓ ભાંગી ગયા છે.
લબાનોનનાં વિશાળ ગંધતરુઓ યહોવા તોડે છે.
6 યહોવા હેમોર્ન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધ્રુજાવે છે.
તે તેમને વાંછરડાની જેમ કૂદાવે છે.
7 યહોવાનો સાદ વીજળીઓને ભેદી અને ગર્જના કરે છે.
8 યહોવાના સાદના પડઘા રણને,
અને કાદેશના રણને ધ્રુજાવે છે.
9 યહોવાનો સાદ દેવદારના વૃક્ષોને ધ્રુજાવે છે
અને બધા ઉપાસના કરનારાઓ તેના મંદિરમાં સ્તુતિ કરે છે.
“યહોવાનો મહિમા થાય.”
10 યહોવા જળપ્રલય સમયે સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા;
અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે.
11 યહોવા પોતાના લોકોને સાર્મથ્ય આપશે,
અને તેઓને શાંતિનો આશીર્વાદ આપશે.
એફેસસમાં પાઉલ
19 જ્યારે અપોલોસ કરિંથના શહેરમાં હતો ત્યારે, પાઉલ એફેસસના શહેરના રસ્તા પર કેટલાક સ્થળોની મુલાકાત લેતો હતો. એફેસસમાં પાઉલને યોહાનના કેટલાક શિષ્યો મળ્યા. 2 પાઉલે તેઓને પૂછયું, “જ્યારે તમે વિશ્વાસ કર્યો ત્યારે તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો?”
આ શિષ્યોએ તેને કહ્યું, “અમે કદી તે પવિત્ર આત્મા વિષે સાંભળ્યું નથી.”
3 તેથી પાઉલે તેઓને પૂછયું, “તમને કેવા પ્રકારનું બાપ્તિસ્મા આપવામા આવ્યું હતું?”
તેઓએ કહ્યું, “તે યોહાને શીખવેલ બાપ્તિસ્મા હતું.”
4 પાઉલે કહ્યું, “લોકો તેમનાં જીવનમાં બદલાણ ઇચ્છે છે તે દર્શાવવા બાપ્તિસ્મા લેવા યોહાને લોકોને કહ્યું. જે તેની પાછળ આવે છે તેના પર વિશ્વાસ કરવાનું યોહાને કહ્યું. તે પાછળ આવનાર વ્યક્તિ તો ઈસુ છે.”
5 જ્યારે તેઓએ આ સાંભળ્યું ત્યારે. તેઓ પ્રભુ ઈસુના નામે બપ્તિસ્મા પામ્યા હતા. 6 પછી પાઉલે તેનો હાથ તેઓના પર મૂક્યો અને પવિત્ર આત્મા તેઓ પર આવ્યો. તેઓ જુદી જુદી ભાષાઓ બોલવા લાગ્યા અને પ્રબૅંેધ કરવા લાગ્યા. 7 ત્યાં લગભગ બાર માણસો આ સમૂહમાં હતા.
4 તેથી યોહાન બાપ્તિસ્ત આવ્યો અને રણપ્રદેશમાં લોકોને બાપ્તિસ્મા આપતો હતો. તેણે લોકોને કહ્યું કે જો તેઓ તેમના જીવનમાં પરિવર્તન ઈચ્છતા હોય તો તે બતાવવા માટે બાપ્તિસ્મા પામે પછી તેમના પાપો માફ કરવામાં આવશે. 5 યહૂદિયા દેશના અને યરૂશાલેમના બધા લોકો યોહાન પાસે આવવા નીકળ્યા. આ લોકોએ કરેલાં પાપોની કબૂલાત કર્યા પછી યર્દન નદીમાં તેઓ યોહાન દ્ધારા બાપ્તિસ્મા પામ્યા.
6 ઊંટના વાળમાંથી બનાવેલાં વસ્ત્રો યોહાન પહેરતો હતો. યોહાન તેની કમરે એક ચામડાનો પટટો બાંધતો હતો. તે તીડો તથા જંગલી મધ ખાતો હતો.
7 યોહાન લોકોને જે ઉપદેશ આપતો હતો તે આ છે: “મારા કરતાં જે વધારે મહાન છે તે મારી પાછળ આવે છે. હું તો તેના ઘૂંટણે પડવા તથા તેના જોડાની દોરી છોડવા માટે પણ યોગ્ય નથી. 8 મેં તમારું પાણીથી બાપ્તિસ્મા કર્યુ. પણ જે વ્યક્તિ આવે છે તે તમારું પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે.”
ઈસુનું બાપ્તિસ્મા
(માથ. 3:13-17; લૂ. 3:21-22)
9 તે વખતે ઈસુ ગાલીલના નાસરેથથી જ્યાં યોહાન હતો તે જગ્યાએ આવ્યો. યોહાને યર્દન નદીમાં ઈસુને બાપ્તિસ્મા આપ્યુ. 10 જ્યારે ઈસુ પાણીમાંથી બહાર આવતો હતો ત્યારે તેણે આકાશ ઊઘડેલું જોયું. પવિત્ર આત્મા ઈસુ પર કબૂતરની જેમ આવ્યો. 11 આકાશમાંથી એક અવાજ આવ્યો અને કહ્યું, “તું મારો વ્હાલો દીકરો અને હું તને ચાહુ છું. હું તારા પર ઘણો પ્રસન્ન થયો છું.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International