Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ કરો!
આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
2 તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
4 આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
5 તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
6 દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
7 હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
9 તમે પર્વતો તથા ડુંગરો;
ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.
5 “હું માતાના ગર્ભમાં હતો ત્યારથી યહોવાએ મને પોતાનો સેવક નીમ્યો હતો,
જેથી હું યાકૂબના વંશજોને, ઇસ્રાએલના લોકોને,
પાછા એને ચરણે લાવું.
તેણે મારો મહિમા કર્યો
અને મને બળ આપ્યું.” આ યહોવા કહે છે:
6 “ઇસ્રાએલને મારા માટે પુન:સ્થાપિત કરવા ઉપરાંત
તું વધારે કામ કરીશ,
પૃથ્વીની સર્વ પ્રજાઓમાં તારણ પહોંચાડવા
હું તને તેઓ માટેનો પ્રકાશ બનાવીશ.”
7 જેને લોકો ધૃણાની નજરે જુએ છે,
જેનો તિરસ્કાર સર્વ પ્રજાઓ કરે છે,
જે અન્યાયી શાસકોનો ગુલામ છે,
તેને ઇસ્રાએલનો ઉદ્ધારક પવિત્ર દેવ કહે છે,
“તને જોઇને રાજામહારાજાઓ માનપૂર્વક ઊભા થઇ જશે,
અને સરદારો પગે પડશે,”
એકવચની, અને તને પસંદ કરનારા ઇસ્રાએલના પવિત્ર દેવને પ્રતાપે આ થશે.
મુકિતનો દિવસ
8 યહોવા કહે છે,
“તમારો બચાવ કરવાનો સમય આવશે
ત્યારે હું તમારા પ્રત્યે ભલાઇ દેખાડીશ
અને તમારા સહાય માટેના પોકારો હું સાંભળીશ,
હું તમારું રક્ષણ કરીશ અને સર્વ લોકો સાથેના
મારા કરારના મધ્યસ્થ તમને બનાવીશ,
ઉજ્જડ થયેલી જગામાં
હું તમને ફરીથી વસાવીશ.
9 હું બંદીવાનોને કહીશ,
‘જાઓ તમે મુકત છો!’
અને જેઓ અંધકારમાં છે તેઓને કહીશ,
‘બહાર પ્રકાશમાં આવો!’
તેઓ પર્વત પર ચરનારા ઘેટાં જેવા થશે.
10 તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ;
તેઓને લૂ તથા તાપ વેઠવા પડશે નહિ.
કારણ કે યહોવા પોતાની ભલાઇથી તેઓને દોરતા રહેશે
અને તેમને પાણીના ઝરા આગળ લઇ જશે.
11 હું દરેક પર્વતને સપાટ
રસ્તો બનાવી દઇશ
અને દરેક માર્ગને પૂરીને સરખો કરીશ,
12 “જુઓ, મારા લોકો ઉત્તરના
તથા પશ્ચિમના તેમજ દક્ષિણના પ્રદેશોમાંથી પાછા ફરશે.”
13 હે આકાશો, હર્ષનાદ કરો; અને હે પૃથ્વી, તું આનંદ કર;
હે પર્વતો, તમે જયઘોશ કરવા માંડો,
કારણ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે,
અને પોતાની દુ:ખી પ્રજા પર કરુણા દર્શાવી છે.
14 છતાં સિયોનના લોકો કહે છે, “યહોવાએ અમારો ત્યાગ કર્યો છે,
અમારો નાથ અમને ભૂલી ગયો છે.”
15 પરંતુ યહોવા કહે છે,
“કોઇ માતા પોતાના બાળકને કઇં રીતે ભૂલી જઇ શકે?
પોતાના પેટના સંતાનને હેત કરવાનું કઇ રીતે ભૂલી જઇ શકે?
કદાચ માતા ભૂલી જાય,
પણ હું તને નહિ ભૂલું.
ઈસુના શિષ્યો જ તેનું કુટુંબ
(માર્ક 3:31-35; લૂ. 8:19-21)
46 ઈસુ જ્યારે લોકોને વાત કરી રહયો હતો ત્યારે તેની સાથે વાત કરવાની ઈચ્છાથી તેની મા અને ભાઈઓ ઘરની બહાર ઊભા રહ્યા હતા. 47 એક માણસે ઈસુને આવીને કહ્યું, “તારી મા અને ભાઈઓ તારી સાથે વાત કરવાની ઈચ્છાથી તારી રાહ જોઈને બહાર ઊભા રહ્યાં છે.”
48 ઈસુએ ઉત્તર આપ્યો, “કોણ મારી મા અને કોણ મારા ભાઈઓ?” 49 પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ આંગળી ચીંધી ને કહ્યું, “જુઓ! આ લોકો જ મારી મા અને મારા ભાઈઓ છે. 50 મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે જે વર્તે છે તે જ મારા ભાઈ, બહેન, અને મા છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International