Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ કરો!
આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
2 તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
4 આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
5 તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
6 દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
7 હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
9 તમે પર્વતો તથા ડુંગરો;
ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.
મંદિર પર યર્મિયાનો બોધ
26 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યની શરૂઆતમાં યહોવાએ યર્મિયાને આ પ્રમાણે કહ્યું, 2 “આ યહોવાના વચન છે: મંદિરના પ્રાંગણમાં ઊભા રહીને, યહૂદિયાના ગામોમાંથી જે લોકો મંદિરમાં ઉપાસના કરવા આવે છે, તે બધાને મેં તને જે કહેવા કહ્યું છે તે એક પણ શબ્દ ભૂલ્યા વગર કહેજે. 3 કારણ કે કદાચ તેઓ તે સાંભળે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરે અને તેઓનાં દુષ્ટ કાર્યોને લીધે જે સર્વ શિક્ષા હું તેઓ પર રેડી દેવાને તૈયાર છું. તે હું તેઓ પર ન મોકલું. 4 વળી યહોવાએ મને કહ્યું, ‘તું એમને કહેજે, આ યહોવાના વચન છે. જો તમે મારું કહ્યું નહિ કરો, અને તમારા માટે ઠરાવેલ નિયમશાસ્ત્રનું પાલન નહિ કરો, 5 તથા મેં વારંવાર મોકલેલા મારા જે સેવકો, પ્રબોધકોને તમે કદી સાંભળ્યા નથી. તેમનાં વચનો નહિ સાંભળો. 6 તો આ મંદિરના હું શીલોહ જેવા હાલ કરીશ અને દુનિયાની પ્રત્યેક પ્રજામાં યરૂશાલેમને હું શાપરૂપ કહીશ.’”
7 યાજકો, પ્રબોધકો અને સર્વ લોકોએ યર્મિયાને યહોવાના મંદિરમાં આ બધા વચનો કહેતા સાંભળ્યો. 8 યહોવાએ તેને જે પ્રમાણે હુકમ કર્યો હતો તે મુજબ કહેવાનું યર્મિયાએ જ્યારે પૂરૂં કર્યુ કે તરતજ યાજકોએ, પ્રબોધકોએ અને બધા લોકોએ, તેને પકડ્યો અને કહ્યું, “તું હમણા જે બોલ્યો છે તેના કારણે તું મૃત્યુ પામીશ. 9 તેં શા માટે યહોવાના નામે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી કે, આ મંદિરની હાલત શીલોહ જેવી થશે અને આ શહેર વેરાન અને વસ્તી વગરનું થઇ જશે?” બધા લોકો યહોવાના મંદિરમાં યર્મિયાને ઘેરી વળ્યા.
12 ત્યારે યર્મિયાએ પોતાના બચાવમાં કહ્યું, “આ નગર તથા મંદિરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચારવા માટે યહોવાએ મને મોકલ્યો છે. મેં જે કહ્યું છે તેનો પ્રત્યેક શબ્દ તેમણે મને આપ્યો છે. 13 માટે હવે તમારાં આચરણ અને કર્મો સુધારો અને તમારા દેવ યહોવાનું કહ્યું સાંભળો, તો કદાચ તે તમારા પર જે આફત ઉતારવાની પોતે ધમકી આપી હતી તે ઉતારવાનું માંડી વાળે. 14 જ્યાં સુધી આ બાબત મને લાગુ પડે છે, હું તો તમારા હાથમાં છુ. તમને જે યોગ્ય અને તાકિર્ક લાગે તે મને કરો. 15 પણ એટલું ખાતરીથી માનજો કે જો તમે મને મારી નાખશો, તો તમે આ શહેર અને એના બધા વતનીઓ એક નિર્દોષ માણસના પ્રાણ લીધાના અપરાધી ઠરશો. કારણ યહોવાએ મને ખરેખર આ બધું તમને કહી સંભળાવવા મોકલ્યો છે.”
સ્તેફનના વિરોધી યહૂદિઓ
8 સ્તેફનને મહાન આશીર્વાદ પ્રાપ્ત થયો. દેવે સ્તેફનને ચમત્કારો કરવાનું અને લોકોને દેવની સાબિતીઓ બતાવવાનું સાર્મથ્ય આપ્યું. 9 પરંતુ કેટલાક યહૂદિઓ આવ્યા અને સ્તેફનની સાથે દલીલો કરી. આ યહૂદિઓ સભામાંના હતા. તે સભા લિબર્તીની માટેની હતી. (આ સભા કુરેનીના યહૂદિઓ માટેની તથા આલેકસાંદ્રિયાના યહૂદિઓ માટેની હતી.) કિલીકિયા અને આસિયાના યહૂદિઓ તેઓની સાથે હતા. તેઓ બધાએ આવીને સ્તેફન સાથે દલીલો કરી. 10 પરંતુ સ્તેફન આત્માની પ્રેરણાથી જ્ઞાન સાથે બોલતો. તેના શબ્દો એટલા મક્કમ હતા કે યહૂદિઓ તેની સાથે દલીલો કરી શક્યા નહિ.
11 તેથી યહૂદિઓએ કેટલાક માણસોને કહેવા માટે ઊભા કર્યા, “અમે સાંભળ્યું છે કે સ્તેફન, મૂસા અને દેવની વિરૂદ્ધ બોલ્યો.” 12 આમ કરીને આ યહૂદિઓએ લોકોને, વડીલો તથા શાસ્ત્રીઓને મૂંઝવણમાં મૂંક્યા. તેઓ એટલા બધા ઉશ્કેરાયા કે તેઓએ આવીને સ્તેફનને પકડી લીધો. તેઓ તેને યહૂદિઓના બોધકોની સભામાં લઈ ગયા.
13 યહૂદિઓ સભામાં કેટલાક માણસોને લાવ્યા. તેઓએ આ માણસોને સ્તેફન વિષે જૂઠું બોલવાનું કહ્યું. તે માણસોએ કહ્યું, “આ માણસ (સ્તેફન) હંમેશા આ પવિત્ર જગ્યા માટે ખરાબ કહે છે અને હંમેશા તે મૂસાના નિયમશાસ્ત્ર વિરૂદ્ધ દુર્ભાષણ કરે છે. 14 અમે તેને કહેતાં સાંભળ્યો છે કે ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે. તેણે એમ પણ કહ્યું છે કે મૂસાએ આપણને જે રીતરિવાજો આપ્યા છે તેને ઈસુ બદલી નાખશે.” 15 સભામાં બેઠેલા બધા લોકો સ્તેફન તરફ એકી નજરે જોઈ રહ્યા. તેનો ચહેરો એક દૂતના જેવો દેખાતો હતો અને તેઓએ તે જોયો.
51 પછી સ્તેફને કહ્યું, “ઓ હઠીલા યહૂદિ આગેવાનો, તમે તમારા હ્રદય દેવને અર્પણ કર્યા નથી! તમે તેને ધ્યાનથી સાંભળતા પણ નથી. તમે હંમેશા પવિત્ર આત્મા તમને જે કહે છે તેઓનો વિરોધ કરો છો. તમારા પૂર્વજોએ આમ કર્યુ અને તમે પણ એમ જ કરો છો. 52 તમારા પૂર્વજોએ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક પ્રબોધકને સતાવ્યા છે. તે પ્રબોધકોએ તે ન્યાયીના (ખ્રિસ્ત) આગમન વિષે આગળથી ખબર આપી હતી. પરંતુ તમારા પૂર્વજોએ તે પ્રબોધકોને મારી નાખ્યા. અને હવે બીજા એક ન્યાયીથી વિમુખ થઈને તમે તેને મારી નાખ્યો. 53 તમે એ લોકો છો જેને મૂસા દ્ધારા નિયમો પ્રાપ્ત થયા. દેવે તમને આ નિયમો દૂતો દ્ધારા આપ્યા. પરંતુ તમે આ નિયમ પાળ્યો નહિ!”
સ્તેફનનું મૃત્યુ
54 યહૂદિ આગેવાનોએ સ્તેફનની આ બાબતો સાંભળી. તેઓ ગુસ્સે થયા. યહૂદિ આગેવાનો એવા ગાંડા થઈ ગયા હતા કે તેઓ સ્તેફન સામે દાંત પીસવા લાગ્યા. 55 પરંતુ સ્તેફન તો પવિત્ર આત્માથી ભરપૂર હતો. સ્તેફને આકાશમાં ઊચે જોયું. તેણે દેવનો મહિમા જોયો. તેણે ઈસુને જમણી બાજુએ ઊભેલો જોયો. 56 સ્તેફને કહ્યું, “જુઓ! હું આકાશને ખુલ્લું જોઉં છું અને માણસના દીકરાને દેવની જમણી બાજુએ ઊભેલો જોઉં છું!”
57 પછી બધા યહૂદિ આગેવાનોએ મોટા અવાજે બૂમો પાડી. તેઓએ તેઓના હાથો વડે તેઓના કાન બંધ કરી દીધા. તેઓ બધા સ્તેફન તરફ એક સાથે દોડ્યા. 58 તેઓ તેને શહેર બહાર લઈ ગયા અને તે મૃત્યુ પામ્યો ત્યાં સુધી તેના તરફ પથ્થરો ફેંક્યા. જે માણસો સ્તેફન વિરૂદ્ધ ખોટું બોલતા હતા તેઓએ તેના કપડાં શાઉલ નામના જુવાન માણસ પાસે મૂક્યા હતા. 59 પછી તેઓ સ્તેફનને પથ્થરો મારતા હતા. પરંતુ સ્તેફન તો પ્રાર્થના કરતો હતો. તેણે કહ્યું, “પ્રભુ ઈસુ, મારા આત્માનો સ્વીકાર કર!” 60 તેણે ઘૂંટણે પડીને બૂમ પાડી, “પ્રભુ આ પાપ માટે તેઓને દોષ દઈશ નહિ!” આમ કહ્યા પછી સ્તેફન અવસાન પામ્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International