Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવા સમક્ષ નવું ગીત ગાઓ!
સમગ્ર પૃથ્વી પર સર્વત્ર એ ગીત ગાઓ, યહોવા સમક્ષ ગાઓ.
2 તેમના નામને ધન્યવાદ આપો;
દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો.
3 પ્રજાઓને તેના મહિમા વિષે જણાવો
અને બધા લોકોને તેમના ચમત્કારો વિષે કહો.
4 કારણ, યહોવાની મહાનતા અવર્ણનીય છે;
અને તે બહુ સ્તુત્ય છે; તેજ માત્ર ભયાવહ દેવ;
સર્વ “દેવોની” ઉપર છે.
5 લોકોના સર્વ “દેવો,” મૂર્તિઓ માત્ર છે;
પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા છે.
6 ભવ્યતા અને મહિમા તેમની સામે ચમકે છે.
સાર્મથ્ય અને સૌન્દર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
7 હે વિશ્વની સર્વ પ્રજાઓ, યહોવા એકલા જ છે મહિમાવાન અને પરાક્રમી;
તે તમે કબૂલ કરો ને તેમને માન આપો.
8 યહોવાને ઘટે છે ગૌરવ જે તે તેમને આપો,
તેમની આરાધના કરવાને તમારા અર્પણો લઇને તેનાં આંગણામાં જાઓ.
9 પવિત્રતાની સુંદરતા ધારણ કરી, યહોવાની ઉપાસના કરો;
અને ધ્રૂજો સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ.
10 પ્રજાઓની વચ્ચે જાહેર કરો, યહોવા એ છે જે જગત પર શાસન કરે છે અને ટકાવી રાખે છે,
તેથી તેનો વિનાશ થશે નહિ.
બધાં લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
11 આકાશો આનંદ પામો! હે પૃથ્વી,
સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા હર્ષથી પોકારો.
12 ખેતરો અને તેમાં જે કઇં ઊગે છે તે સર્વ સુખી થાઓ.
હે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષ સાથે ગાઓ.
13 પૃથ્વીનો ન્યાય કરવાને,
યહોવા આવે છે;
તે સર્વ પ્રજાઓનો ન્યાય સત્યતાએ કરશે;
અને જગતનો યથાર્થપણે.
8 યહોવા કહે છે, “મારી પ્રતિક્ષા કરો, હું પ્રજાઓ પર આરોપ મૂકવા ઊભો થાઉં તે દિવસની રાહ જુઓ, કારણ કે પ્રજાઓને અને રાજ્યોને એકઠાં કરીને તેમના પર મારો બધો ગુસ્સો અને સંતાપ વરસાવવાનો મેં નિર્ધાર કર્યો છે. મારા માત્ર ક્રોધને લીધે પૃથ્વી ખાખ થઇ જશે. 9 ત્યારબાદ હું બધા લોકોને પવિત્ર હોઠ આપીશ, જેથી તેઓ મારું નામ લઇ શકે અને ખભેખભા મિલાવીને મારી સેવા કરે. 10 વેરવિખેર થઇ ગયેલા મારા ભકતો ઠેઠ કૂશની નદીઓની સામે પારથી પણ મારે માટે અર્પણ લઇ આવશે.
11 “હે યરૂશાલેમ, તે દિવસે તમે મારી સામે બળવો પોકારીને જે જે દુષ્કૃત્યો કર્યાં છે, તેને માટે તમારે શરમાવું નહિ પડે. કારણ કે તે વખતે હું તમારા અભિમાની અને ઉદ્ધત નાગરિકોને હાંકી કાઢીશ; પછી તારા લોકો મારા પવિત્રપર્વત પર ઉદ્ધતાઇભર્યુ વર્તન કરી સકશે નહિ. 12 પરંતુ હું તમારામાં એવા જ લોકોને રહેવા દઇશ જે નમ્ર અને દીન હોય; અને તેઓ મારા નામ પર વિશ્વાસ રાખશે. 13 ઇસ્રાએલના બાકી રહેલા લોકો તે પછી દુષ્ટ કામ કરશે નહિ, અસત્ય બોલશે નહિ, અને અપ્રામાણિકતાથી કાર્ય કરશે નહિ. તેઓ સદા શાંતિ અને આરામદાયક રીતે રહેશે અને તેમને કોઇનોય ભય રહેશે નહિ.”
5 નિયમ દ્વારા દેવ સાથે ન્યાયી થવા સંબંધમાં મૂસા લખે છે, “જે દરેક વ્યક્તિ નિયમનું પાલન કરે છે, તે નિયમની બાબતોનું પાલન કરવાથી જીવન મેળવશે.”(A) 6 પરંતુ વિશ્વાસના માર્ગે યોગ્યતા મેળવવા વિષે શાસ્ત્ર આમ કહે છે: “તમે પોતે આવું ન કહેશો, ‘ઉપર આકાશમાં કોણ જશે?’” (આનો અર્થ એ છે કે, “ખ્રિસ્તને પ્રાપ્ત કરવા અને તેને પૃથ્વી પર પાછો નીચે લાવવા આકાશમાં કોણ જશે?”) 7 “અથવા તમે આમ પણ પૂછશો નહિ, ‘કે પૃથ્વીના કે ઊડાણમાં કોણ ઊતરશે?’” (એનો અર્થ છે, “નીચે પાતાળમાં મૃત્યુલોકમાં જઈને મૃત્યુમાંથી ખ્રિસ્તને પૃથ્વી પર કોણ લઈ આવશે?”)
8 શાસ્ત્ર જે કહે છે તે આ છે: “દેવનો સંદેશ તો તમારી પાસે છે; તે તમારા મુખમાં અને હૃદયમાં છે.” તે સંદેશ તે જ વિશ્વાસનો સંદેશ છે, કે જે અમે લોકોને કહીએ છીએ.(B) 9 જો તમે તમારી મુખવાણીનો ઉપયોગ આમ કહેવા માટે કરશો કે, “ઈસુ પ્રભુ છે,” અને જો તમે તમારા મનમાં માનશો કે દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડયો છે, તો તમારું તારણ થશે. 10 હા, અમે અમારા હૃદયોથી માનીએ છીએ, અને તેથી અમને ન્યાયી ઠરાવાયા છે. અને, “અમે એમાં માનીએ છીએ.” એમ કહેવા માટે અમે અમારી મુખની વાણીનો ઉપયોગ કરીએ છીએ; અને તેથી આપણું તારણ થયું છે.
11 હા, ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ તેનામાં વિશ્વાસ કરે છે તેને શરમાવું નહિ પડે.”(C) 12 એ ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ,” કારણ કે યહૂદિઓ અને બિન-યહૂદિઓ વચ્ચે કોઈ ભેદભાવ નથી. એ જ પ્રભુ સૌ લોકોને પ્રભુ છે. પ્રભુમાં વિશ્વાસ રાખનાર સૌ લોકોને પ્રભુ અનેક આશીર્વાદ આપે છે. 13 હા, શાસ્ત્ર કહે છે, “પ્રભુમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ તારણ પામશે.”(D)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International