Revised Common Lectionary (Semicontinuous)
એથાન એઝાહીનું માસ્કીલ.
1 યહોવાની કૃપા વિષે હું સદા ગાઇશ,
સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ.
2 મે કહ્યું છે, “તમારો સાચો પ્રેમ સદાકાળ અવિચળ છે,
અને તમારી વિશ્વસનીયતા આકાશની જેમ સતત રહે છે.”
3 યહોવા દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા સાથે કરાર કર્યો છે;
અને મારા સેવક દાઉદને વચન આપ્યું છે.
4 ‘તારા સંતાનને હું સદા ટકાવી રાખીશ;
અને વંશપરંપરાગત તારું રાજ્યાસન સ્થિર રાખીશ.’”
19 તમારા ભકતોને તમે દર્શનમાં કહ્યું,
“જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે;
અને એક યુવાનને મેં સામાન્ય લોકોમાંથી પસંદ કરીને ઊંચો કર્યો છે.
20 મારો સેવક દાઉદ મને મળ્યો છે;
મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિકત કર્યો છે.
21 મારો હાથ તેને ટકાવી રાખશે;
અને મારો ભુજ તેને સાર્મથ્ય આપશે.
22 તેનાં શત્રુઓ તેને હરાવીં નહિ શકે.
અને દુષ્ટ લોકો તેની પર વિજય પામી શકશે નહિ.
23 તેમનાં શત્રુઓને તેમની સમક્ષ હું પાડી નાખીશ;
અને હું તેમના દ્વેષીઓનો પણ નાશ કરીશ.
24 પરંતુ મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેમની સાથે ચાલુ રહેશે;
ને હું નિરંતર પ્રેમ રાખીશ;
મારા નામને માટે પણ હું તેમને મહાન બનાવીશ.
25 હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ;
અને નદીઓ પર તેનો જમણો હાથ.
26 તે મને કહેશે; ‘તમે મારા પિતા છો તમે મારું તારણ કરનાર ખડક છો,
તમે મારા દેવ છો જે મને બચાવે છે.’
દેવનો પવિત્ર કોશ યરૂશાલેમમાં ખસેડાયો
6 દાઉદે ફરીથી ઇસ્રાએલમાં આશરે 30,000 માંણસોનું લશ્કર બનાવવા માંટે સર્વમાં સારામાં સારા સૈનિકોને એકઠાં કર્યા. 2 પછી દાઉદ અને તેના માંણસો દેવનો કરારકોશ ત્યાંથી લઈ આવી યરૂશાલેમ ફેરવવાં માંટે યહૂદામાં આવેલા “બાલા” મુકામે ગયો, દેવનો પવિત્ર કોશ દેવના સિંહાસન જેવો છે. તેની ઉપર કરૂબ દેવદૂતોની પ્રતિમાં છે અને યહોવા આ દેવદૂતો પર રાજાની જેમ બેસે છે. 3 દાઉદના માંણસોએ ટેકરી પર આવેલા અબીનાદાબના ઘરમાંથી દેવનો પવિત્રકોશ લઈને નવા ગાડામાં મૂક્યો. અબીનાદાબના પુત્રો ઉઝઝાહ અને આહયો ગાડાઁને હાંકતા હતા.
4 આમ તેઓએ ટેકરી પરના અબીનાદાબના ઘરમાંથી દેવનો પવિત્રકોશ બહાર કાઢી લીધો, ઉઝઝાહ ગાડામાં પવિત્રકોશ સાથે હતો અને આહયો ગાડાઁની આગળ ચાલતો હતો. 5 દાઉદ અને સર્વ ઇસ્રાએલીઓ યહોવા સમક્ષ વીણા, સારંગી, સિતાર, ડફ, કરતાલ, ઝાંઝ તથા સર્વ પ્રકારના સંગીતનાં સાધનો વગાડતા વગાડતા નાચતા ગાતા હતા. 6 જયારે તેઓ નાખોનના ખળા આગળ આવ્યા ત્યારે બળદો ગબડી પડ્યાં અને દેવનો પવિત્રકોશ ગાડામાંથી પડવાનો જ હતો ત્યાં ઉઝઝાહએ પોતાનો હાથ લાંબો કરી કરારકોશ પકડી લીધો. 7 આથી યહોવા ઉઝઝાહ પર ગુસ્સે થયા કેમકે તેણે પવિત્રકોશને અડીને દેવનું અપમાંન કર્યુ હતું તેથી ઉઝઝાહને યહોવાએ માંરી નાખ્યો; અને તે કરારકોશની બાજુમાં મરી ગયો. 8 યહોવાએ જે કર્યું તેને કારણે દાઉદ નારાજ થયો. તેણે તે સ્થળનું નામ “પેરેસ-ઉઝઝાહ” (ઉઝઝાહ પર આવેલો કોપ) પાડયું. આજે પણ તે સ્થળ એ જ નામથી ઓળખાય છે.
9 તે દિવસે દાઉદને યહોવાનો ભય લાગ્યો અને તે બોલ્યો, “પવિત્રકોશને હું અહીંયા કેવી રીતે લાવી શકીશ?” 10 આથી તેણે પવિત્ર કોશને દાઉદનગરમાં નહિ લઈ જવાનો નિર્ણય કર્યો, અને તે તેને ગાથનગરમાં ઓબેદ-અદોમ નામની વ્યકિતને ઘેર રાખ્યો. 11 ત્રણ માંસ સુધી પવિત્રકોશ ઓબેદ-અદોમને ઘેર રહ્યો અને યહોવાએ ઓબેદ-અદોમના કુટુંબને આશીર્વાદ આપ્યા.
દેવનું પુત્ર દ્ધારા બોલવું
1 ભૂતકાળમાં દેવ આપણા પૂર્વજો સાથે પ્રબોધકો દ્ધારા અનેકવાર અનેક પ્રકારે બોલ્યો હતો. 2 અને હવે આ છેલ્લા દિવસોમાં દેવ જે કઈ બોલ્યો તે તેના પુત્ર દ્ધારા આપણી સાથે બોલ્યો છે. દેવે આખી દુનિયા તેના પુત્ર દ્ધારા બનાવી અને તેમાંનું બધું જ દેવે પોતાના પુત્ર દ્ધારા ઉત્પન્ન કર્યું છે. અને પુત્રને સર્વસ્વમાં વારસ, અને માલિક ઠરાવ્યો છે. 3 તે તેના ગૌરવનું તેજ તથા દેવની પ્રકૃતિના આબેહૂબ પ્રતિમા છે. તે પ્રત્યેક વસ્તુઓને પોતાના પરાક્રમી શબ્દો સાથે નિભાવી રાખે છે. પુત્રએ લોકોના પાપોનું શુદ્ધિકરણ કર્યું પછી તે મહાન દેવની જમણી બાજુએ આકાશમાં ઉચ્ચસ્થાને બિરાજમાન છે. 4 તેને દૂતો કરતાં જેટલે દરજજે તે વધારે ચઢિયાતું નામ વારસામાં દેવ દ્ધારા મળ્યું છે, તેટલે દરજજે તે દૂતો કરતાં ચઢિયાતો બન્યો છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International