Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. આસાફના સ્તુતિગીતોમાંનુ.
1 હે દેવ, વિદેશી રાષ્ટ્રોએ તમારા લોકો પર આક્રમણ કર્યુ છે.
અને તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યુ છે.
અને તેમણે યરૂશાલેમ તારાજ કર્યુ છે.
2 તેઓએ તમારા સેવકોનાં મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યાં છે
અને તેઓએ તમારા વફાદાર અનુયાયીઓના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓ છોડ્યા છે.
3 તેઓએ, યરૂશાલેમની આસપાસ, પાણીની રેલની જેમ રકત વહેવડાવ્યું છે;
ત્યાં મૃતદેહોને દફનાવનાર કોઇ નથી.
4 અમારી આસપાસ આવેલી પ્રજાઓ અમારી નિંદા,
તિરસ્કાર કરે છે, અને અમારા પડોશીઓ મશ્કરી કરે છે.
5 હે યહોવા, તમે અમારા ઉપર ક્યાં સુધી કોપાયમાન રહેશો?
તમારા કોપનો અગ્નિ ક્યાં સુધી સળગતો રહેશે?
6 તમે જે વિદેશીઓ જાણતા નથી તેઓ ઉપર તમારો ક્રોધ ઉતારો,
જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી.
7 કારણ તેઓએ યાકૂબનો વિનાશ કર્યો છે
અને તેના વતનને ઉજ્જડ કર્યુ છે.
8 હે યહોવા, અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ;
અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ કારણ,
અને બહુ દુર્દશામાં આવી પડ્યાં છીએ.
9 હે અમારા તારણના દેવ,
અમારી સહાય કરો,
તમારા નામના મહિમાને માટે,
હે દેવ અમારી રક્ષા કરો,
તમારા નામની માટે,
અમને અમારા પાપોની માફી આપો.
10 વિદેશીઓ શા માટે એવું કહે છે કે,
“ક્યાં છે તેઓના દેવ?”
તેઓએ તમારા લોકોનું લોહી વહેવડાવ્યું છે,
તેમને એવી રીતે શિક્ષા કરો કે અમારી આંખો જુએ અને લોકો તેના વિષે જાણે.
11 બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો;
તમારા હાથના પરાક્રમે મૃત્યુદંડ પામેલાઓનું રક્ષણ કરો.
12 હે યહોવા, જે અમારા પડોશી રાષ્ટ્રો તમારું અપમાન કરે છે,
તેઓને તમે સાતગણી સજા કરો.
13 પછી નિરંતર અમે તમારી આભારસ્તુતિ કરીશું,
તમારા લોક તથા ચારાના ઘેટાઁ
પેઢી દર પેઢી તમારું સ્તવન કરીશું.
શાંતિના શાસનનું આગમન
4 હવે પાછલા દિવસોમાં યહોવાના મંદિરનો પર્વત બીજા
બધા પર્વતો કરતાં ઊંચો કરવામાં આવશે,
જે બીજાં બધાં શિખરો પર થશે,
તે બીજા ડુંગરો કરતાં ઊચો કરવામાં આવશે.
2 ઘણાં જુદા જુદા દેશના લોકો ત્યાં ચાલ્યાં આવશે અને કહેશે કે,
“ચાલો આપણે યહોવાના પર્વત ઉપર,
યાકૂબના વંશના દેવનામંદિરે જઇએ;
જે આપણને તેના પોતાના જીવનમાર્ગ વિષે શીખવશે
અને પછી આપણે તેના માર્ગે ચાલીશું.”
કારણકે નિયમશાસ્ત્ર સિયોનમાંથી બહાર પડશે
અને યહોવાનાં વચન યરૂશાલેમ તરફથી પ્રગટ થનાર છે.
3 તે ઘણા લોકોને ન્યાય કરશે,
દૂરના બળવાન લોકો માટે નિર્ણયો કરશે;
ત્યારે લોકો પોતાની તરવારો
ટીપીને હળની કોશો બનાવશે;
અને ભાલાઓનાં દાંતરડા બનાવશે.
પ્રજાઓ એકબીજા સામે તરવાર ઉગામશે નહિ કે
ફરીથી કદી યુદ્ધનું પ્રશિક્ષણ લેશે નહિ.
4 પણ પ્રત્યેક મનુષ્ય પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે
તથા પોતપોતાની અંજીરી નીચે બેસશે;
અને તેમને કોઇનો ભય રહેશે નહિ,
કારણ કે આ સૈન્યોનો દેવ યહોવાના મુખના વચન છે.
5 પ્રત્યેક પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે,
અને અમે પણ સર્વકાળ હંમેશા, અમારા સૈન્યોનો દેવ યહોવા દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.
છેલ્લા અનર્થ સાથે દૂત
15 પછી મેં આકાશમાં બીજું એક આશ્ચર્યકારક ચિન્હ જોયું, તે મહાન અને આશ્ચર્યકારક હતું ત્યાં સાત દૂતો સાત વિપત્તિઓ લાવ્યા હતા. (આ છેલ્લી વિપત્તિઓ છે, કારણ કે આ વિપત્તિઓ પછી દેવનો કોપ પૂર્ણ થાય છે.)
2 મેં જોયું, જે અગ્નિમિશ્રિત કાચના સમુદ્ર જેવું હતું. બધા લોકો જેઓએ પ્રાણી પર, અને તેની મૂર્તિ અને તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો. તેઓ તે સમુદ્રની બાજુમાં ઊભા હતા. આ લોકો પાસે વીણા હતી જે દેવે તેઓને આપી હતી. 3 તેઓએ દેવના સેવક મૂસાનું અને હલવાનનું ગીત ગાયું:
“હે સર્વશક્તિમાન પ્રભુ દેવ,
તારાં કાર્યો મહાન તથા અદભૂત છે.
હે યુગોના રાજા
તારા માર્ગો ન્યાયી અને સત્ય છે.
4 હે પ્રભુ બધા લોકો તારાથી બીશે.
બધા લોકો તારા નામની સ્તુતિ ગાશે!
કારણ કે માત્ર તું એકલો જ પવિત્ર છે.
બધા લોકો આવશે અને તારી આગળ આરાધના કરશે,
કારણ કે તે સ્પષ્ટ છે કે તું જે કરે છે તે ન્યાયી છે.”
5 આ પછી મેં આકાશમા એક મંદિર (દેવની હાજરીની પવિત્ર જગ્યા) જોયું, તે મંદિર ઉઘાડું હતું 6 અને સાત વિપત્તિઓ સાથે સાત દૂતો મંદિરમાંથી બહાર આવ્યા. તેઓએ સ્વચ્છ ચળકતાં શણનાં વસ્ત્રો પહેરેલાં હતાં. તેઓએ તેઓની છાતીની આજુબાજુ સોનાના પટ્ટા પહેર્યા હતા. 7 પછી ચાર જીવંત પ્રાણીઓમાંથી એક જીવંત પ્રાણીએ સાત દૂતોને સોનાનાં સાત પ્યાલા આપ્યાં. તે પ્યાલાઓ સદાસર્વકાળ જીવંત એવા દેવના કોપથી ભરેલાં હતાં. 8 તે મંદિર દેવ મહિમાના તથા તેના પરાક્રમના ધુમાડાથી ભરાયેલું હતું. જ્યાં સુધી સાત દૂતોની સાત વિપત્તિઓ પૂરી ન થઈ ત્યાં સુધી મંદિરમાં કોઈ પ્રવેશ કરી શક્યું નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International