Revised Common Lectionary (Semicontinuous)
સળગતી ઝાડી
3 હવે મૂસા પોતાના સસરાના એટલે મિધાનના યાજક યિથ્રોનાં ઘેટાંબકરાં ચરાવતો અને સાચવતો હતો; એક દિવસ તે ઘેટાંબકરાંને રણની પશ્ચિમ દિશામાં દેવના પર્વત હોરેબ પર દોરી ગયો. 2 ત્યાં યહોવાના દૂતે ઝાડવાંમાંથી નીકળતા ભડકારૂપે તેને દર્શન દીઘાં.
તેણે જોયું તો ઝાડી સળગતી હતી, પણ બળીને ભસ્મ થતી નહોંતી. 3 તેથી મૂસાને વિચાર આવ્યો, “હું નજીક જઈને આ ચમત્કાર જોઉં. આ ઝાડી શા માંટે બળી જતી નથી?”
4 યહોવાએ જોયું કે મૂસા ઝાડીને જોવા આવી રહ્યો છે, તેથી દેવે ઝાડીમાંથી તેને બૂમ પાડી, “મૂસા, મૂસા!”
અને મૂસાએ જવાબ આપ્યો, “હા, હું અહીં છું.”
5 ત્યારે યહોવાએ કહ્યું, “નજીક આવીશ નહિ, પગરખાં ઉતારી નાખ, કારણ કે જ્યાં તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે. 6 હું તારા પિતૃઓ ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબનો દેવ છું.”
અને મૂસાએ પોતાનું મુખ છુપાવી દીઘું. કારણ કે દેવ તરફ જોતાં તેને ડર લાગતો હતો.
7 પછી યહોવાએ કહ્યું, “મેં મિસરમાં માંરા લોકોને દુઃખ સહન કરતાં જોયા છે. તે તેમના મુકાદમો તેમને પીડા કરે છે ત્યારે તેમના રૂદન મેં સાંભળ્યાં છે, તેમની હાડમાંરીની મને ખબર છે. 8 હું તેમને મિસરીઓનાં પંજામાંથી મુક્ત કરાવવા અને તેમને એ દેશમાંથી બીજા એક સારા વિશાળ દેશમાં લઈ જવા માંટે હું નીચે આવ્યો છું. જ્યાં દૂધ મઘની રેલછેલ છે અને જ્યાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ વસે છે. 9 મેં ઇસ્રાએલના લોકોનું રૂદન સાંભળ્યું છે, અને મિસરીઓ તેમના ઉપર જે ત્રાસ અત્યાચાર કરે છે તે મેં નજરે નિહાળ્યા છે. 10 ચાલ, એટલા માંટે હું તને ફારુન પાસે મોકલું છું. જાઓ, તમે ઇસ્રાએલના માંરા લોકોને મિસરમાંથી બહાર લઈ આવો.”
11 પરંતુ મૂસાએ દેવને કહ્યું, “હું કોણ કે ફારુન પાસે જનારો અને ઇસ્રાએલના લોકોને મિસરની બહાર લાવનારો?”
12 પણ દેવે કહ્યું, “હું ચોક્કસ તારી સાથે હોઈશ, અને મેં તને મોકલ્યો છે એની એંધાણી તારા માંટે એ હશે કે જ્યારે તું એ લોકોને મિસરમાંથી બહાર કાઢી લાવીશ પછી તમે સૌ આ પર્વત પર માંરી ઉપાસના કરશો.”
13 મૂસાએ દેવને કહ્યું, “હું ઇસ્રાએલના લોકો પાસે જાઉં અને કહું કે, ‘તમાંરા પિતૃઓના દેવે મને તમાંરી પાસે મોકલ્યો છે.’ અને તેઓ મને પૂછે કે, ‘તેનું નામ શું છે?’ તો માંરે તેમને શો જવાબ આપવો?”
14 ત્યારે દેવે મૂસાને કહ્યું, “એમને કહો, ‘હું એ જ છું જે હું છું.’ જ્યારે તમે ઇસ્રાએલના લોકો પાસે જાઓ ત્યારે તેમને કહો, ‘હું એ છું’ જેણે મને તમાંરી પાસે મોકલ્યો છે.” 15 દેવે મૂસાને એ પણ કહ્યું, “તમે લોકોને જે કહેશો તે એ કે, ‘તમાંરા પિતૃઓના દેવ યહોવાઓ, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબના દેવે મને તમાંરી પાસે મોકલ્યો છે. માંરું નામ સદાને માંટે યહોવા રહેશે અને પેઢી દરપેઢી લોકો મને એ નામે જ ઓળખશે.’”
1 યહોવાનો આભાર માનો, તેના નામની સ્તુતિ કરો.
તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.
2 યહોવા સમક્ષ ગાઓ, તેનાં સ્તોત્ર ગાઓ;
તેમનાં સર્વ ચમત્કારોનું મનન કરો અને સૌને તે જણાવો.
3 તમે યહોવાનાં પવિત્ર નામનું અભિમાન કરો;
યહોવાની આરાધના કરનારાઓ આનંદ કરો.
4 યહોવાને તથા તેના સાર્મથ્યને શોધો;
સદા-સર્વદા તમે તેના મુખને શોધો.
5 તેણે જે આશ્ચર્યકારક કર્મો કર્યા છે તે તથા તેનાં ચમત્કરો
અને તેનાં ન્યાયચુકાદા યાદ રાખો.
6 તમે લોકો દેવના સેવક ઇબ્રાહિમના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો.
અને તમે યહોવાની પસંદગીના લોકો છો.
23 પછી યાકૂબ મિસરમાં આવ્યો;
અને ત્યાં હામનાં દેશમાં પોતાના પુત્રોની સાથે રહ્યો.
24 દેવે તેમની વૃદ્ધિ કરી,
અને તેમના દુશ્મનો કરતાં વધારે બળવાન કર્યા.
25 દેવે મિસરવાસીઓને ઇસ્રાએલીઓ વિરુદ્ધ કર્યા;
અને મિસરવાસીઓએ તેનો ધિક્કાર કર્યો અને તેઓને ગુલામ બનાવ્યાં.
26 પણ યહોવાએ પોતાના સેવક મૂસાને તેના પ્રતિનિધિ તરીકે મોકલ્યો
અને તેની સાથે તેમણે યાજક તરીકે પસંદ કરેલા હારુનને મોકલ્યો.
45 તેઓ ભરોસો કરે અને તેનાં વિધિઓનું પાલન કરે
અને તેના માર્ગોને અનુસરે તેથી યહોવાએ આ કર્યુ;
હાલેલૂયા!
9 તમારો પ્રેમ સાચો હોવો જોઈએ. ભુંડું છે તેને ધિક્કારો. માત્ર સારાં જ કર્મો કરો. 10 જે રીતે ભાઈઓ-બહેનો વચ્ચે પ્રેમ હોય છે એ રીતે તમે એક બીજાને પ્રેમ કરો, જેથી તમને એ આત્મીયતાનો અનુભવ થાય. તમે માન-સન્માનની જે અપેક્ષા રાખો છો, તેના કરતાં વધારે માન-સન્માન તમારા ભાઈ-બહેનોને આપવું જોઈએ. 11 દેવનું કાર્ય કરવાની જરૂર હોય ત્યારે તમે આળસુ ન થાઓ. અને જ્યારે દેવની સેવા કરો ત્યારે પૂર્ણ આધ્યાત્મિક ઉત્સાહ સાથે કરો. 12 ઉજજવળ ભવિષ્યની આશા છે તેથી આનંદમાં રહો. જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે ધીરજ રાખો. અને હંમેશા દેવની પ્રાર્થના કરો. 13 દેવના લોકો જેમને મદદની જરૂર છે, તેમના સંતોષ માટે તેમના સહભાગી બનો. એવા લોકોની મહેમાનગતી કરો.
14 જે લોકો તમારું ખરાબ કરતા હોય, તેમના વિષે ફક્ત સારું જ બોલો. એમને શાપ ન આપો, પરંતુ એમને આશીર્વાદ જ આપો. 15 બીજાના આનંદમાં આનંદી થાઓ, અને બીજાના દુ:ખમાં તમે એમના સહભાગી બનો. 16 એક બીજા સાથે હળીમળીને રહો અને શાંતિથી જીવો, અભિમાની બનશો નહિ. બીજા લોકોને મન જે માણસો અગત્યના ન હોય, તેવાની મિત્રતા કરવા તૈયાર રહો. મિથ્યાભિમાની ન બનો.
17 જો કોઈ તમને નુક્સાન કરે તો તેને નુક્સાન પહોંચાડીને વેર વાળવાની વૃત્તિ ન રાખો. બધા લોકો જેને સારા કાર્યો તરીકે સ્વીકારે છે, એવા કાર્યો જ તમે કરો. 18 સૌ લોકો સાથે શાંતિથી જીવવા માટે તમારા તરફથી બને તેટલો સારામાં સારો પ્રયત્ન કરો. 19 હે મારા મિત્રો, જ્યારે લોકો તમને નુકસાન કરે ત્યારે એમને શિક્ષા કરવાનો પ્રયત્ન ન કરો. દેવના પોતાના કોપથી એમને શિક્ષા કરે ત્યાં સુધી રાહ જુઓ. શાસ્ત્રમાં લખેલું છે: “પાપીઓને શિક્ષા કરનાર હું જ એક માત્ર છું; હું તેમનો બદલો લઈશ,”(A) એમ પ્રભુ કહે છે. 20 પરંતુ તમારે આમ કરવું જોઈએ:
“જો તારો દુશ્મન ભૂખ્યો હોય
તો એને ખવડાવ.
જો તારો દુશ્મન તરસ્યો હોય
તો તેને પાણી પા;
આ રીતે તું એ માણસને શરમિંદો બનાવી શકીશ.” (B)
21 ભૂંડાથી તું હારી ન જા, પણ સારાં કર્મો કરીને તારે ભૂંડાનો પરાજય કરવો.
ઈસુના મરણની આગાહી
(માર્ક 8:31–9:1; લૂ. 9:22-27)
21 પછી ઈસુ તે સમયથી તેના શિષ્યોને કહેવા લાગ્યો કે, તેણે યરૂશાલેમ જવું પડશે. ત્યાં વડીલો તથા મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ દ્વારા ઘણી બાબતો સહન કરવી પડશે. તેણે તેઓને સમજાવ્યું કે તેને મારી નાખવામાં આવશે અને ત્રણ દિવસ પછી તે ફરીથી મરણમાંથી સજીવન થશે.
22 પિતર ઈસુને એક બાજુ લઈ ગયો અને કહેવા લાગ્યો, “તને દેવ બધી બાબતોથી બચાવે, પ્રભુ! તારી સાથે આવું બનશે નહિ!”
23 ઈસુ પિતર તરફ ફર્યો અને કહ્યું, “અરે શેતાન, તું મારાથી દૂર ચાલ્યો જા; તું દેવની રીતે નહિ પણ માણસની રીતે વિચારે છે.”
24 પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “જો કોઈ વ્યક્તિ મારી પાછળ આવવા માંગે છે તો તેણે પોતાની જાતને ભૂલી જઈ તેણે પોતાની વધસ્તંભ ઊઠાવીને મારી પાછળ ચાલવું પડશે. 25 જે માણસ પોતાનું જીવન બચાવવા ઈચ્છે, તે પોતાનું જીવન ગુમાવશે, પણ મારે લીધે જે પોતાનું જીવન ગુમાવશે, તે તેનું જીવન બચાવશે. 26 જો કોઈ એક માણસ આખું જગત મેળવે, પણ જો તેનું જીવન ગુમાવે તો તે શા કામનું? અથવા માણસ પોતાના જીવનને બદલે શું આપશે? 27 માણસનો દીકરો પોતાના બાપના મહિમાએ પોતાના દૂતો સુદ્ધાં આવશે, તો તે સમયે તે પ્રમાણે તેનો બદલો આપશે. 28 હું તમને સત્ય કહું છું, અહીં ઊભેલામાંથી કેટલાક લોકો માણસના દીકરાને તેના રાજ્ય સાથે આવતો જુએ ત્યાં સુધી જીવતા રહેશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International