Revised Common Lectionary (Semicontinuous)
ઇસ્રાએલીઓ માંટે મુસીબત
8 હવે મિસરમાં એક નવા રાજાનું શાસન શરૂ થયું. તે વ્યક્તિને યૂસફ વિષે કશી જ ખબર નહોતી. 9 તે રાજાએ પોતાની પ્રજાને કહ્યું, “ઇસ્રાએલની, પ્રજાને જુઓ, તેમની વસ્તિ પુષ્કળ છે, અને આપણા લોકો કરતાં તે વધુ શક્તિશાળી છે. 10 માંટે હવે આપણે તેમની વિરુદ્ધ કોઈ ચોક્કસ યોજના ઘડવી જોઈએ. જેથી તેઓમાં વધારો થતો અટકી જાય. નહિ તો યુદ્ધ ફાટી નીકળે ત્યારે તેઓ આપણા દુશ્મનો સાથે ભળી જઈને આપણી સામે લડશે અને આપણા દેશમાંથી ભાગી જશે.”
11 એટલા માંટે તેમણે મજૂરી કરાવીને ઇસ્રાએલીઓને દબાવવા માંટે તેમના ઉપર મુકાદમો નીમ્યા. આ રીતે ઇસ્રાએલીઓએ ફારુનને માંટે પીથોમ અને રામસેસ નગરો વખારો માંટે બાંધ્યાં.
12 પણ જેમ જેમ તેમના પર ત્રાસ વધતો ગયો તેમ તેમ તેમની વૃદ્ધિ થતી ગઈ. વિસ્તાર વધતો ગયો અને મિસરના લોકો ઇસ્રાએલી લોકોથી વધારેને વધારે ભયભીત થવા લાગ્યા. 13 આથી તે લોકોએ ઇસ્રાએલીઓ પાસે ચાકરની જેમ સખત મજૂરી કરાવવા માંડી.
14 તેમની પાસે બધીજ જાતની કાળી મજૂરી કરાવવા માંડી. ઈંટ અને ચૂનો પાડવાના તથા ખેતરમાં બધીજ જાતનાં સખત કામો કરાવીને તેમનું જીવન અસહ્ય બનાવી દીઘું.
દેવની અનુગામી દાયણો
15 ત્યાં શિફાહ અને પૂઆહ નામની બે હિબ્રૂ દાયણો હતી. તે હિબ્રૂ દાયણોને મિસરના રાજાએ કહ્યું: 16 “જ્યારે તમે હિબ્રૂ સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા માંટે ખાટલા પાસે જાઓ ત્યારે તેમનાં સંતાનની જાતિ પર ધ્યાન રાખો; છોકરો હોય તો તેને માંરી નાખવો, અને જો છોકરી હોય તો તેને જીવતી રહેવા દેવી.”
17 પરંતુ દાયણો દેવથી ડરીને ચાલનારી અને દેવમાં વિશ્વાસ કરતી હતી, એટલે તેણે મિસરના રાજાની આજ્ઞાનું પાલન ન કરતાં તેઓ છોકરાઓને જીવતા રહેવા દેતી.
18 તેથી મિસરના રાજાએ દાયણોને બોલાવીને કહ્યું, “તમે આવું શા માંટે કર્યું? તમે લોકોએ છોકરાઓને શા માંટે જીવતા રહેવા દીધા?”
19 ત્યારે દાયણોએ ફારુનને કહ્યું, “હિબ્રૂ સ્ત્રીઓ મિસરી સ્ત્રીઓ જેવી નથી. તેઓ સશકત અને ખડતલ હોય છે તેથી દાયણના આવતાં પહેલાં જ બાળકને જન્મ આપી દે છે.” 20 તેથી દેવે એ દાયણોનું ભલું કર્યું. 21 અને હિબ્રૂ પ્રજા પણ સંખ્યામાં અને શક્તિમાં વૃદ્ધિ પામતી રહી.
દાયણો દેવથી ડરીને ચાલતી હતી એટલે તેણે તેમને કુટુંબકબીલાવાળી ઘરવાળી બનાવી. 22 એટલા માંટે ફારુને પોતાના બધા લોકોને આજ્ઞા કરી કે, “હિબ્રૂઓને જન્મેલા પ્રત્યેક છોકરાને નદીમાં ફેંકી દેવા, પણ છોકરીઓને જીવતી રહેવા દેવી.”
બાળક મૂસા
2 લેવીઓના ઘરનો એક પુરુષ જઈને પોતાની જાતની કન્યાને પરણ્યો હતો. 2 તે સ્ત્રી ગર્ભવતી થતાં તેને પુત્ર અવતર્યો. પુત્ર રૂપાળો હતો તેથી તેણે તે બાળકને ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો. 3 પણ પછી તેને સંતાડી રાખવાનું શક્ય ન રહ્યું એટલે તેણે નેતરનો એક કરંડિયો લીધો, તેને ડામરથી લીપ્યો જેથી તે તરતો રહે. તેમાં બાળકને સુવાડીને કરંડિયો તે નદી કિનારે બરુઓમાં મૂકી આવી. 4 પછી તે છોકરાનું શું થાય છે, તે જોવા માંટે તેની બહેનને દૂર ઊભી રાખી.
5 હવે પછી એવું બન્યું કે ફારુનની કુવરી નદીમાં સ્નાન કરવા માંટે આવી અને તેની દાસીઓ નદી કિનારે આમતેમ ફરવા લાગી. કુવરીએ બરુઓમાં પેલો કરંડિયો જોઈને પોતાની દાસીને મોકલીને તે મંગાવી લીધો. 6 પછી તેણે ઉધાડીને જોયું, તો અંદર એક બાળક રડતું હતું, તેથી તેને તેના પર દયા આવી.
7 અને તેને કહ્યું, “આ કોઈ હિબ્રૂનું બાળક હોવું જોઈએ. પછી તે બાળકની બહેને ફારુનની દીકરીને કહ્યું, હું જઈને કોઈ હિબ્રૂ ઘાવને બોલાવી લાવું જે બાળકની સાચવણી કરે અને તેના લાલનપાલન કરવા માંટે તમાંરી મદદ કરે?”
8 ફારુનની કુવરીએ કહ્યું, “જા, બોલાવી લાવ.”
એટલે તે છોકરી જઈને બાળકની માંને બોલાવી લાવી.
9 કુવરીએ તેને કહ્યું, “આ બાળકને લઈ જા અને માંરા વતી તેની સાચવણી કર અને તેને ઘવડાવ. હું તને તે બદલ પગાર આપીશ.”
તેથી સ્ત્રી તેનું બાળક લઈ ગઈ અને તેની સાચવણી કરી. 10 પછી તે બાળક મોટું થયું એટલે તે તેને ફારુનની કુંવરી આગળ લઈ આવી અને તેણે તેને પુત્રની જેમ રાખ્યો. “મેં એને પાણીમાંથી બહાર કાઢયો હતો, ‘એમ કહીને કુવરીએ પુત્રનું નામ મૂસા રાખ્યું.’”
મંદિર પર ચઢવા માટેનું દાઉદનું ગીત.
1 ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે;
જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
2 હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો
ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
3 તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત;
અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.
4 ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત;
અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.
5 તે અભિમાની માણસોએ અમને
પાણીમાં ડૂબાડી દીધા હોત.
6 યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા,
અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.
7 જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય;
તેમ અમારા જીવ બચી ગયા છે;
જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.
8 આકાશ અને પૃથ્વીના સર્જનહાર;
યહોવા જ અમારા મદદગાર છે.
તમારું જીવન દેવને સમર્પિત કરો
12 હે ભાઈઓ તથા બહેનો, હું તમને વિનંતી કરું છું કે હવે તમે કઈક કરો. દેવે આપણા પ્રત્યે પુષ્કળ દયા દર્શાવી છે. તેથી દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તમારું અર્પણ માત્ર પ્રભુ અર્થે જ થાય, અને તેથી દેવ પ્રસન્ન થશે. તમારું અર્પણ દેવની સેવાનો આધ્યાત્મિક માર્ગ છે. 2 આ દુનિયાના લોકો જેવા થવા માટે તમે તમારા જીવનનું પરિવર્તન કરશો નહિ. પરંતુ નવી વિચાર-શૈલી અપનાવીને તમે તમારા જીવનમાં પૂર્ણ રીતે આંતરિક પરિવર્તન પામો, તો જ દેવ તમારા માટે શું ઈચ્છે છે તે તમે નક્કી કરી શકશો અને તે સ્વીકારી શકશો. તમે જાણી શકશો કે કઈ વસ્તુઓ સારી છે અને દેવને પ્રિય છે, અને કઈ વસ્તુઓ સંપૂર્ણ છે.
3 દેવે મને એક વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. તેથી જ તો તમારામાંની દરેક વ્યક્તિને મારે કઈક કહેવાનું છે. તમે એવું ન માની લો કે તમે ખરેખર જેવા છો તેના કરતાં તમે વધારે સારા છો. તમે ખરેખર જેવા છો તેવા તમારી જાતને ઓળખો. દેવે તમને કઈ જાતનો વિશ્વાસ આપ્યો છે, એના આધારે નક્કી કરો કે તમે કોણ છો! 4 આપણામાંના દરેક માનવને એક શરીર છે, અને એ શરીરને ઘણાં અવયવો છે. આ બધાં અવયવો એક જ પ્રકારનું કાર્ય કરતાં નથી. 5 આપણી સાથે એમ જ છે, જો કે આપણે લોકો ઘણા છીએ. પરંતુ આપણે ઘણા હોવા છત્તાં ખ્રિસ્તમાં એક શરીર છીએ. અને અરસપરસ એકબીજાનાં અવયવો છીએ.
6 આપણ સૌને જુદાં જુદાં કૃપાદાનો મળેલ છે. આપણા પર થએલ દેવની કૃપાને કારણે પ્રત્યેક કૃપાદાન આપણને પ્રાપ્ત થયેલ છે. જો કોઈ વ્યક્તિને પ્રબોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય તો એ વ્યક્તિએ પૂરા વિશ્વાસથી પ્રબોધ કરવો જોઈએ. 7 જો કોઈ વ્યક્તિને સેવા કરવાનું કૃપાદાન હોય, તો તેણે માનવોની સેવા કરવી જોઈએ. કોઈ વ્યક્તિને શિક્ષણ આપવાનું કૃપાદાન હોય. તો તેણે લોકોને શિક્ષણ આપવામાં મંડયા રહેવું. 8 જો કોઈ વ્યક્તિને એવું કૃપાદાન મળ્યું હોય કે તે બીજા લોકોને આશ્વાસન આપી શકે, તો તેણે દુ:ખી લોકોને આશ્વાસન આપવું જોઈએ. અન્ય લોકોને મદદરૂપ થવા કોઈ વ્યક્તિને દાન આપવાની ક્ષમતા પ્રાપ્ત થઈ હોય, તો તેણે ઉદારતાથી દાન કરવું જોઈએ. કોઈ વ્યક્તિમાં અધિકારી થવાની આવડત હોય, તો તેણે સારો અધિકાર ચલાવવા સખત શ્રમ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિમાં અન્ય લોકો પ્રત્યે દયા દર્શાવવાનું કૃપાદાન મળ્યું હોય તો તેણે ઉમંગથી એ કાર્ય ઉપાડી લેવું જોઈએ.
પિતર કહ્યુ, ઈસુ તે ખ્રિસ્ત છે
(માર્ક 8:27-30; લૂ. 9:18-21)
13 જ્યારે ઈસુ કૈસરિયા ફિલિપ્પી પ્રદેશમાં આવ્યો તો તેણે તેના શિષ્યોને પૂછયું કે, “માણસનો દીકરો કોણ છે એ વિષે લોકો શું કહે છે?”
14 શિષ્યોએ કહ્યું, “કેટલાક લોકો કહે છે કે તું યોહાન બાપ્તિસ્ત છે. બીજા લોકો કહે છે કે, તું એલિયા[a] છે. થોડા લોકો કહે છે તું યર્મિયા[b] અથવા બીજા પ્રબોધકમાંનો એક છે.”
15 પછી ઈસુએ તેના શિષ્યોને પૂછયું, “તમે શું કહો છો, હું કોણ છું?”
16 સિમોન પિતરે ઉત્તર આપ્યો, “તું પોતે મસીહ, જીવતા દેવનો દીકરો છે.”
17 ઈસુએ ઉત્તર આપ્યો; “યૂના પુત્ર સિમોન તને ધન્ય છે કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ મારા આકાશમાં બાપે તને એ જણાવ્યું છે. 18 હું તને કહું છું કે તું પિતર છે, આ ખડક પર હું મારી મંડળી બાંધીશ, અને તે મંડળીની સામે હાદેસની સત્તાનું[c] જોર ચાલશે નહિ. 19 હું તને આકાશના રાજ્યની ચાવીઓ આપીશ. તું જેને પૃથ્વી પર બંધનકર્તા ગણશે તે જ આકાશમાં બંધનકર્તા રહેશે. અને પૃથ્વી પર તું જે બંધનકર્તા નથી તેમ જાહેર કરીશ તે આકાશમાં બંધનકર્તા થશે નહિ.”
20 પછી તે ખ્રિસ્ત છે તેવું કોઈને પણ નહિ જણાવવા ઈસુએ તેના શિષ્યોને ચેતવણી આપી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International