Revised Common Lectionary (Semicontinuous)
8 આખી પૃથ્વી પરના લોકો દેવનાં મહિમાવંત કાર્યો નિહાળશે, અને આશ્ચર્ય પામશે.
સૂર્યનાં ઉદય અને અસ્તનાં સ્થળોએ તમે આનંદનાં ગીતો ગવડાવશો.
9 તમે એ છો જે પૃથ્વીની સંભાળ લે છે
અને ભૂમિને પાણી આપે છે.
દેવની નદી પાણીથી ભરેલી છે
જેથી તેના લોકોને સારી ફસલ મળે.
10 તમે ખેતરનાં ચાસોને
વરસાદનું પાણી આપો છો,
વરસાદનાં ઝાપટાંથી તમે ભૂમિને નરમ કરો છો,
અને તેમાં થતી ફસલને આશીર્વાદ આપો છો.
11 તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો.
તમે ઋતુઓના ચક્રને ખૂબ વિપુલતાથી પૂર્ણ કરો છો.
12 વેરાન ખેતરો ઘાસથી ભરાઇ ગયા છે
અને ઘાસથી ભરેલી ટેકરીઓ આનંદથી ભરાઇ ગઇ છે.
13 વળી ઘાસનાં બીડો ઘેટાઓના ટોળાથી ઢંકાઇ જાય છે,
અને ખીણો ભરપૂર અનાજના પાકથી ઢંકાયેલી છે;
આખી પૃથ્વી હર્ષનાદનાં પોકાર કરે છે.
અને હા, તેઓ ગીતો ગાય છે.
37 તેથી યાકૂબે સફેદ, બદામ, અને ચિનારની લીલી સોટીઓ લઈને તેને છોલીને સોટીઓનો સફેદ ભાગ ખુલ્લો કરીને સફેદ પટા પાડયા. 38 યાકૂબે પાણી પીવડાવવાની જગ્યાએ ઘેટાંબકરાંની સામે છોલેલી સોટીઓ રાખી, ઘેટાંબકરાં પાણી પીવા આવતાં ત્યારે તેઓ જોતા. 39 પછી જયારે બકરીઓ ડાળીઓની પાસે સવાણે આવતી એટલે તેમને કાબરચીતરાં ચટાપટાવાળાં અને ટપકાંવાળાં અને કાળા બચ્ચાં અવતર્યા.
40 યાકૂબે કાબરચીતરાં અને કાળાં ઘેટાંઓને બીજા બધાંથી જૂદા પાડયાં. એ રીતે યાકૂબે પોતાનાં પશુઓને લાબાનનાં પશુઓથી જુદાં પાડયાં. તેણે પોતાનાં ઘેટાંઓને લાબાનનાં ઘેટાંઓ સાથે ભળવા દીધા નહિ. 41 જયારે જયારે ટોળામાંનાં મજબૂત ઘેટાંબકરાં જોતા ત્યારે તે તેમની આગળ નીકોમાં અને હવાડાઓમાં પેલી સોટીઓ મૂકતો, જેથી તેઓ સોટીઓ આગળ ગર્ભધાન કરે; 42 પણ ટોળામાંનાં નબળાં ઘેટાંબકરાં માંટે તે નીકમાં કે, હવાડામાં સોટીઓ મૂકતો નહિ, આથી નબળાં ઘેટાં બકરાં લાબાનનાં રહ્યાં અને સશકત મજબૂત ઘેટા યાકૂબનાં થયાં. 43 આમ, યાકૂબ ખૂબ શ્રીમંત થઈ ગયો અને તેની પાસે ઘેટાં બકરાંનાં મોટા મોટા ટોળાં, નોકર ચાકરો, દાસદાસીઓ, ઊંટો અને ગધેડાં થયાં. તે ખૂબ સમૃધ્ધ બન્યો.
દેવનાં સર્વ હથિયારો સજો
10 મારા પત્રને પૂરો કરતાં હું તમને પ્રભુમાં અને તેના સાર્મથ્યના બળમાં શક્તિમાન થવા કહું છું. 11 દેવનું સંપૂર્ણ બખ્તર (રક્ષણ) પહેરો કે જેથી તમે શેતાનની દુષ્ટ ચાલબાજી સામે લડી શકો. 12 આપણું આ યુદ્ધ આ પૃથ્વીના લોકો સામે નથી. પરંતુ આપણે તો અંધકારના અધિપતિઓની, અધિકારીઓ અને તેઓની સત્તાઓ સામે આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો સામે આપણે લડી રહ્યા છીએ. 13 અને તેથી તમે દેવનાં સર્વ હથિયારો સજી લો કે, જેથી ભૂંડા દિવસે તમે દઢે ઊભા રહી શકો અને તમે યુદ્ધ પૂરું કર્યા પછી પણ શક્તિવર્ધક હશો.
14 તેથી સત્યથી તમારી કમર બાંધો; અને પ્રામાણિક જીવન જીવીને તમારી છાતીનું રક્ષણ કરો. 15 અને તમારા પગે શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી જોડાં ધારણ કરો કે જેથી તમે શક્તિપૂર્વક ઊભા રહી શકો. 16 અને વિશ્વાસની ઢાલનો પણ ઉપયોગ કરો કે જેથી તમે દુષ્ટતા બળતા ભાલાઓ હોલવી શકશો. 17 દેવના તારણને તમારા ટોપ તરીકે અપનાવો. અને આત્માની તલવાર, જે દેવનું વચન છે તે લો. 18 હમેશા આત્મામાં પ્રાર્થના કરો. હરવખત પ્રાર્થના તથા વિનંતી કરો અને તમારો જરૂરી બધી જ વસ્તુની યાચના કરો. આમ કરવા માટે હમેશા તૈયાર રહો. નિરુસ્તાહી થઈ છોડી ના દો અને પ્રભુના બધા સંતો માટે પ્રાર્થના કરો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International