Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ઉત્પત્તિ 29:15-28

લાબાનનો યાકૂબ સાથે દગો

15 એક દિવસ લાબાને યાકૂબને કહ્યું, “તું અમાંરે ત્યાં મફતમાં કામ કરતો રહે તે શું યોગ્ય છે? તમે સંબંધી છો, ગુલામ નહિ, બોલો, હું તમને શી મજૂરી આપું?”

16 લાબાનને બે પુત્રીઓ હતી. મોટીનું નામ “લેઆહ” અને નાનીનું નામ રાહેલ હતું.

17 રાહેલ સુંદર હતી અને લેઆહની આંખો સૌમ્ય હતી.[a] 18 યાકૂબ રાહેલને પ્રેમ કરતો હતો. યાકૂબે લાબાનને કહ્યું, “જો તમે તમાંરી નાની પુત્રી રાહેલને માંરી સાથે પરણાવો, તો હું તમાંરે માંટે સાત વર્ષ સુધી કામ કરીશ.”

19 લાબાને કહ્યું, “હું એને બીજા કોઈની સાથે પરણાવું તેના કરતાં તારી સાથે પરણાવું તે એના માંટે સારું છે. તેથી માંરી સાથે રહો.”

20 એટલા માંટે યાકૂબ ત્યાં રહ્યો. અને સાત વર્ષ સુધી લાબાન માંટે કામ કરતો રહ્યો. છતાં એ સાત વરસ તેને સાત દિવસ જેવા લાગ્યા, કારણ કે તે રાહેલને ખૂબ પ્રેમ કરતો હતો.

21 સાત વર્ષ પછી તેણે લાબાનને કહ્યું, “હવે મને રાહેલ સોંપી દો, જેથી હું તેની સાથે લગ્ન કરું. તમાંરે ત્યાં કામ કરવાની માંરી મુદત પૂરી થઈ છે.”

22 તેથી લાબાને તે પ્રદેશના બધા લોકોને ભેગા કર્યા અને ભોજન આપ્યું. 23 તે રાત્રે લાબાન પોતાની પુત્રી લેઆહને યાકૂબ પાસે લાવ્યો. યાકૂબે અને લેઆહએ પરપસ્પર શારીરિક સંબંધ બાંધ્યો. 24 લાબાને પોતાની દાસી ઝિલ્પાહ લેઆહને દાસી તરીકે આપી. 25 સવારે યાકૂબે જોયુ કે, તે લેઆહ સાથે સૂતો હતો. યાકૂબે લાબાનને કહ્યું, “તેં માંરી સાથે છળ કર્યુ છે, હું રાહેલ સાથે લગ્ન કરી શકું તે માંટે મેં તમાંરે ત્યાં કેવો સખત પરિશ્રમ કર્યો છે! તમે મને શા માંટે છેતર્યો?”

26 લાબાને કહ્યું, “અમાંરા દેશમાં મોટી પુત્રી પહેલાં નાની પુત્રીને પરણાવવાનો રિવાજ અમાંરા લોકોમાં નથી. 27 પરંતુ લગ્નોત્સવની વિધિ પૂરા અઠવાડિયા સુધી માંણો, અને હું રાહેલને પણ તારી સાથે પરણાવીશ. પરંતુ એ માંટે તારે બીજા સાત વર્ષ માંરી સેવા કરવી પડશે.”

28 તેથી યાકૂબે તેનો સ્વીકાર કર્યો અને તેણે લેઆહના લગ્નની વિધિનું સપ્તાહ પૂરું કર્યુ. ત્યાર પછી લાબાને પોતાની દીકરી રાહેલ પણ તેને પરણાવી.

ગીતશાસ્ત્ર 105:1-11

યહોવાનો આભાર માનો, તેના નામની સ્તુતિ કરો.
    તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.
યહોવા સમક્ષ ગાઓ, તેનાં સ્તોત્ર ગાઓ;
    તેમનાં સર્વ ચમત્કારોનું મનન કરો અને સૌને તે જણાવો.
તમે યહોવાનાં પવિત્ર નામનું અભિમાન કરો;
    યહોવાની આરાધના કરનારાઓ આનંદ કરો.
યહોવાને તથા તેના સાર્મથ્યને શોધો;
    સદા-સર્વદા તમે તેના મુખને શોધો.
તેણે જે આશ્ચર્યકારક કર્મો કર્યા છે તે તથા તેનાં ચમત્કરો
    અને તેનાં ન્યાયચુકાદા યાદ રાખો.
તમે લોકો દેવના સેવક ઇબ્રાહિમના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો.
    અને તમે યહોવાની પસંદગીના લોકો છો.
તેઓ આપણા દેવ યહોવા છે;
    તેમના સાચાં નિર્ણયો સમગ્ર પૃથ્વીમાં પ્રસિદ્ધ છે.
તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે;
    અને હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે.
એટલે કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કરેલો;
    અને તેમણે ઇસહાક પ્રત્યેની પ્રતિજ્ઞા લીધેલી,
10 તેમણે યાકૂબ માટેના નિયમ તરીકે, તેનું સ્થાપન કર્યું,
    અને તેમણે ઇસ્રાએલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો.
11 તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તમને આપીશ;
    અને તે સર્વદા તમારું પોતાનું વતન થશે.”

ગીતશાસ્ત્ર 105:45

45 તેઓ ભરોસો કરે અને તેનાં વિધિઓનું પાલન કરે
    અને તેના માર્ગોને અનુસરે તેથી યહોવાએ આ કર્યુ;

હાલેલૂયા!

ગીતશાસ્ત્ર 128

મંદિરે ચઢવાનું ગીત.

જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે;
    તે સર્વને ધન્ય છે.

તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે.
    તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.
તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે;
    તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.
યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
    તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો.
તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે.

ઇસ્રાએલને શાંતિ થાઓ.

રોમનો 8:26-39

26 વળી, પવિત્ર આત્મા પણ આપણને સહાય કરે છે. આપણે ઘણા નિર્બળ છીએ, પરંતુ આપણી નિર્બળતાને દૂર કરવા પવિત્ર આત્મા આપણને મદદ કરે છે. આપણે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ એ પણ આપણે તો જાણતા નથી. પરંતુ આપણા વતી પવિત્ર આત્મા પોતે દેવ સાથે વાત કરે છે. આપણા માટે પવિત્ર આત્મા દેવને વિનવે છે. શબ્દો જેને વ્યક્ત કરી ન શકે એવી ઊડી લાગણીથી પવિત્ર આત્મા (આપણા વતી) દેવ સાથે વાર્તાલાપ કરે છે. 27 અંતકરણને પારખનાર દેવ આત્માના મનમાં શું છે તે જાણે છે. કારણ કે પવિત્ર આત્મા લોકોના હૃદયમાં જોઈ શકે છે અને અંત:કરણમાં શું છે તે પણ જાણે છે, કારણ કે તેના પોતાના લોકો વતી દેવ જે ઈચ્છે છે તે આત્મા દેવને કહે છે.

28 આપણે જાણીએ છીએ કે જે લોકો દેવને ચાહે છે તેમના બધાજ કાર્યોમાં દેવ તેઓના ભલા માટે કામ કરે છે. તે લોકો દેવની ખાસ પસંદગી પામેલા છે, કેમ કે દેવની એવી યોજના હતી. 29 દુનિયાની રચના કરી તે પહેલાં દેવ એ લોકોને ઓળખતો હતો. અને દેવે એવો પણ નિર્ણય કર્યો હતો કે એ લોકો તેના દીકરા જેવા થાય. અનેક ભાઈઓ અને બહેનોમાં ઈસુ સર્વ પ્રથમ જન્મેલો સૌથી મોટો ગણાશે. 30 પોતાના દીકરા જેવા થવા લોકોને દેવે નિમંત્રણ આપ્યું. અને એ લોકોને પોતાની સાથે ન્યાયી બનાવ્યા અને પોતાની સાથે રહેવાની યોગ્યતા આપી. જેઓને ન્યાયી ઠરાવ્યા તેઓને મહિમાવંત પણ કર્યા.

ખ્રિસ્ત ઈસુ પર દેવનો પ્રેમ

31 તો હવે આ વિષે આપણે શું કહીશું? જો દેવ આપણી સાથે છે તો આપણને કોઈ પણ વ્યક્તિ હરાવી શકશે નહિ. 32 આપણા માટે તો દેવ કઈ પણ કરી શકશે. આપણા માટે કઈ પણ સહન કરવા માટે તેણે પોતાનો દીકરો આપ્યો. પોતાના દીકરાને પણ દેવે દુ:ખ સહન કરવા દીધું, આપણા સૌના કલ્યાણ માટે દેવે પોતાનો દીકરો પણ સોંપી દીધો, તો તે કૃપા કરીને આપણને તેની સાથે બધુંએ કેમ નહિ આપશે? 33 દેવે પસંદ કરેલા લોકો પર કોણ દોષ મૂકી શકશે? કોઈ નહિ! દેવ જ છે કે જે લોકોને ન્યાયી બનાવે છે. 34 કોણ કહી શકશે કે દેવના લોકો અપરાધી છે? કોઈ પણ નહિ! આપણા માટે ખ્રિસ્ત ઈસુએ મૃત્યુ સ્વીકાર્યું, પરંતુ એમાં જ કાંઈ બધું આવી જતું નથી. મૃત્યુમાંથી તેને ઊભો કરવામાં આવ્યો હતો. હવે તે દેવને જમણે હાથે છે અને આપણા વતી આપણા ઉદ્ધાર માટે દેવને વિનંતી કરી રહ્યો છે. 35 શું ખ્રિસ્તના પ્રેમમાંથી કોઈ પણ વસ્તુ આપણને જુદા પાડી શકશે? ના! શું વિપત્તિ, કે વેદના કે સતાવણી કે, દુષ્કાળ કે, નગ્નતા કે જોખમ કે, તલવાર? અપણને ખ્રિસ્તના પ્રેમમાંથી જુદા પાડી શકશે? ના! તો શું સમસ્યાઓ અથવા ખ્રિસ્તના દુશ્મનો દ્વારા ઊભી કરાતી મુશ્કેલીઓ અને જુલ્મ આપણને ખ્રિસ્તના પ્રેમથી જુદા કરી શકશે? ના! આપણી પાસે જો ખોરાક કે કપડાં નહિ હોય તો તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના! જોખમ કે મૃત્યુ પણ આવે તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના! 36 શાસ્ત્રોમાં લખ્યું છે તેમ:

“તારે (ખ્રિસ્તને) લીધે અમે તો હંમેશા મૃત્યુના જોખમ નીચે છીએ.
    લોકો તો એમ જ માને છે કે અમારું મૂલ્ય કતલ કરવા લાયક ઘેટાંથી વિશેષ કાંઈ નથી.” (A)

37 દેવ દ્વારા જેણે આપણા પર પ્રેમ દર્શાવ્યો છે, તેના દ્વારા આ બધી બાબતોમાં આપણને સંપૂર્ણ વિજય પ્રાપ્ત થયો છે. 38-39 હા, મને તો ખાતરી છે કે દેવના પ્રેમથી આપણને કોઈ પણ વસ્તુ જુદા કરી શકતી નથી. મૃત્યુ, જીવન, દૂતો, અધિકારીઓ, વર્તમાન, ભવિષ્ય, કોઈ પણ સત્તા કે શક્તિ, આપણા ઉપર કે આપણી નીચે કે સજાર્યેલ જગતમાં સૌથી વધ શક્તિશાળી હોય એવું કોઈ તત્વ કે કોઈ પણ વસ્તુ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં રહેલા દેવના પ્રેમથી આપણને કદી પણ જુદા પાડી શકશે નહિ.

માથ્થી 13:31-33

ઈસુ બીજી દૃષ્ટાંત કથાઓ સાથે શિક્ષણ આપે છે

(માર્ક 4:30-34; લૂ. 13:18-21)

31 પછી ઈસુએ લોકોને બીજુ દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય રાઈના બી જેવું છે જેને માણસે લઈને તેના ખેતરમાં વાવ્યું. 32 બધા જ બી કરતાં તે સૌથી નાનું છે. પણ તે જ્યારે ઉગે છે ત્યારે બગીચાનાં બધાજ છોડ કરતાં બધારે મોટું બને છે અને તે વૃક્ષ બને છે. અને પક્ષીઓ ત્યાં આવીને ડાળીઓમાં માળા બાંધે છે.”

33 પછી તેણે બીજુ દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય ખમીર જેવું છે, એક સ્ત્રીએ ત્રણ ગણાં લોટમાં ખમીર ભેળવ્યું જ્યાં સુધી બધાજ લોટને આથો આવી ખમીર તૈયાર ન થયું ત્યાં સુધી તે રહેવા દીઘું.”

માથ્થી 13:44-52

ધન ભંડાર અને મોતીની વાર્તા

44 “આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા ખજાના જેવું છે એક દિવસ જ્યારે માણસને તે ખજાનો મળ્યો ત્યારે ખૂબ ખુશ થયો અને તે જ ખેતરમા ધનનો ખજાનો સંતાડી દીઘો. અને તે ખેતર ખરીદવા પોતાની પાસે જે કઈ હતું, તે બધુંજ વેચી દીધું.

45 “વળી, આકાશનું રાજ્ય સુંદર સાચા મોતીની શોધ કરવા નીકળેલા એક વેપારી જેવું છે. 46 એક દિવસે તે વેપારીએ આ વિશિષ્ટ મૂલ્યવાન મોતી જોયું ત્યારે તે ગયો અને તેની પાસે જે કઈ હતુ તે બધુ વેચી દીધું અને તે ખરીદી લીધું.

માછલીની જાળની વાર્તા

47 “અને આકાશનું રાજ્ય એક જાળ જેવું છે, જેને સરોવરમાં નાખીને બધીજ જાતની માછલીઓ પકડી હતી. 48 જ્યારે જાળ પૂરી માછલીઓથી ભરાઈ ગઈ ત્યારે તેણે જાળને પાણીમાંથી બહાર કાઢી સારી માછલીઓ ટોપલીઓમાં ભરી દીઘી. અને ખરાબ માછલીઓને ફેંકી દીઘી. 49 સૃષ્ટિના અંત સમયે પણ આવું જ થશે. દૂતો આવીને દુષ્ટ માણસોને સારા માણસોથી જુદા પાડશે. 50 દૂતો દુષ્ટ માણસોને ધગધગતા અગ્નિમાં ફેંકી દેશે જ્યાં એ લોકો કલ્પાંત કરશે અને દુ:ખથી તેમના દાંત પીસશે અને દુ:ખી થશે.”

51 પછી ઈસુએ તેના શિષ્યોને પૂછયું, “હવે તમે આ બધી બાબતો સમજો છો?”

શિષ્યોએ કહ્યું, “હા, અમે સમજીએ છીએ.”

52 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “જે શાસ્ત્રીઓ આકાશના રાજ્ય વિષે જાણે છે એ એક એવા ઘર ઘણી છે કે જે તેના કોઠારમાંથી નવી અને જુની વસ્તુઓ બહાર કાઢી નાખે છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International