Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો?
શું સદાને માટે?
હું નિ:સહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો?
2 આખો દિવસ મારું હૃદય દુ:ખથી ભરાઇ ગયું છે અને હું મારી જાતને પૂછયા કરું છું:
જો તમે મને ભૂલી ગયા હો તો કયાં સુધી મારે વિચારવું કે તમે મને ભૂલી ગયા છો?
કયાં સુધી મારા હૃદયમાં આ દુ:ખનો અનુભવ કરવો?
કયાં સુધી મારા દુશ્મનો મને જીતતા રહેશે?
3 હે યહોવા, મારા દેવ, ધ્યાન દઇ અને મારા સવાલોના જવાબ આપો.
જ્યાં સુધી હું મૃત્યુનિંદ્રામાં ન પડું ત્યાં સુધી મારી આંખોમાં જયોતિ પ્રગટાવો.
4 શત્રુઓને કહેવા દેશો નહિ કે, અમે તેની ઉપર વિજય મેળવ્યો છે.
મારી હાર જોવામાં તેઓને રાજી ન કરતાં.
5 મેં હંમેશા તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે.
તમારી પાસેથી મુકિત મેળવવામાં મારા હૃદયને આનંદ મળશે.
6 યહોવા સમક્ષ હું ગાયન ગાઇશ,
કારણ યહોવાએ મારા પર કૃપા કરી છે.
યહોવાની સ્તુતિ કરો
18 તમારા જેવા દેવ બીજા કોણ છે?
કારણકે તમે તો પાપ માફ કરો છો
અને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો;
તમે પોતાનો ક્રોધ કાયમ રાખતા નથી;
કારણ કે તમે કરુણામાં જ રાચો છો.
19 તમે ફરી એક વખત અમારા ઉપર કૃપા કરશો
અને અમારા અપરાધોને પગ તળે કચડી નાખશો.
અને અમારા બધા પાપોને દરિયામાં પધરાવી દેશો.
20 તમે યાકૂબને વિશ્વાસપાત્ર હશો અને ઇબ્રાહિમને કૃપાપાત્ર હશો જેમ
તમે પ્રાચીન કાળથી અમારા પૂર્વજોને વચન આપ્યુ હતું.
2 સાંભળો! હું પાઉલ છું. હું તમને કહું છું કે સુન્નત કરાવીને તમે નિયમ તરફ પાછા ફરશો, તો પણ તમને ખ્રિસ્તનું કોઈ મહત્વ નથી. 3 ફરીથી હું દરેક માણસને ચેતવું છું: જો તમે સુન્નતને આવકારી, તો તમારે બધા જ નિયમો અનુસરવા જોઈએ. 4 નિયમશાસ્ત્ર થકી જો તમે દેવ સાથે ન્યાયી થવાનો પ્રયત્ન કરશો, તો ખ્રિસ્ત સાથેના તમારા જીવનનો અંત આવશે તમે દેવની કૃપાથી વિમુખ થયા છો. 5 પરતું અમે આશા રાખીએ છીએ. દેવની સાથે ન્યાયી બનીશું. અને અમે આ માટે આત્મા દ્વારા આશાની રાહ જોઈએ છે. 6 જ્યારે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તમય બને છે, ત્યારે તેની સુન્નત થઈ છે કે નહિ તે મહત્વનું નથી. મહત્વનો તે વિશ્વાસ છે, એ પ્રકારનો વિશ્વાસ કે જે તેની જાતે પ્રેમ દ્વારા વ્યક્ત થાય છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International