Revised Common Lectionary (Semicontinuous)
ઘરમાં વિપત્તિઓનાં વાદળ
8 હવે બાળક મોટો થયો અને તેને ધાવણ છોડાવવામાં આવ્યું. તે દિવસે ઇબ્રાહિમે એક મોટી ઉજવણી કરી. 9 પછી મિસરી દાસી હાગારથી ઇબ્રાહિમને એક પુત્ર થયો હતો. એક વાર સારાએ હાગારના પુત્રને ઇસહાકની મશ્કરી કરતા જોયો. 10 તેથી સારાએ ઇબ્રાહિમને કહ્યું, “આ દાસી સ્ત્રી તથા તેના પુત્રને અહીંથી કાઢી મૂકો, આપણા મૃત્યુ પછી આપણી સંપત્તિનો માંલિક ઇસહાક જ થશે. હું નથી ઈચ્છતી કે, આ દાસીનો દીકરો માંરા દીકરા ઇસહાક સાથે વારસ થાય.”
11 આ બધી વાતોથી ઇબ્રાહિમ બહુજ દુ:ખી થયો. તે પોતાના પુત્ર ઇશ્માંએલને કારણે ખૂબ દુ:ખી હતો. 12 પરંતુ દેવે ઇબ્રાહિમને કહ્યું, “એ પુત્રને કારણે તથા દાસી સ્ત્રીને કારણે મનમાં દુ:ખી થઈશ નહિ. સારા તને જે કંઈ કહે તે તેના કહ્યાં પ્રમાંણે કર. કારણ કે તારો વંશવેલો ઇસહાકથી ચાલુ રહેશે. 13 પરંતુ હું તારા દાસીપુત્રને પણ આશીર્વાદ આપીશ અને હું એ દાસ્ત્રીના પુત્રને પણ મોટો પરિવાર આપીશ, અને તે પરિવારનું પણ એક મોટું રાષ્ટ બનાવીશ. કારણ કે એ તારું સંતાન છે.”
14 તેથી બીજે દિવસે વહેલી સવારે ઇબ્રાહિમે રોટલા અને પાણીના મશક લઈને હાગારને આપ્યાં અને છોકરાંને ખભે ચઢાવીને તેને વિદાય કરી. તે ચાલી ગઈ અને બેર-શેબાના રણમાં ભટકવા લાગી.
15 થોડા સમય પછી હાગારની મશકનું પાણી ખૂટી ગયું ત્યારે તેણે તે બાળકને એક નાના ઝાડ નીચે છોડી દીધું. 16 હાગાર ત્યાંથી થોડા અંતરે ગઇ અને નીચે બેઠી. હાગારે વિચાર્યું કે, ત્યાં પાણી નથી તેથી તેણીનો પુત્ર મૃત્યુ પામશે. તેણી તેને મૃત્યુ પામતો જોવા નહોતી ઈચ્છતી. તેણી ત્યાં બેઠી હતી ત્યારે રડવા લાગી.
17 દેવે બાળકને રડતો સાંભળ્યો. અને આકાશમાંથી એક દૂતે હાગારને બોલાવી તેણે હાગારને પૂછયું, “હાગાર, તારે શી સમસ્યા છે? દેવે બાળકને રડતો સાંભળ્યો છે, ડરીશ નહિ, 18 ઊઠ, બાળકને ઉપાડી લે, અને તેનો હાથ પકડ અને તેને દોરવ, કારણ કે, હું તેનાથી એક મહાન રાષ્ટ બનાવવાનો છું.”
19 પછી દેવે હાગારને પાણીથી ભરેલો કૂવો દેખાય તેવું કર્યુ. તે ત્યા ગઇ અને મશકમાં પાણી ભરી લીધું. અને બાળકને પાણી પાયું.
20 બાળક જયાં સુધી મોટો ન થયો ત્યાં સુધી દેવ તેની સાથે રહ્યો. તે રણપ્રદેશમાં રહેતો હતો અને તેથી તે ધનુષ્ય ચલાવતા શીખ્યો અને નિપુણ શિકારી થઈ ગયો. 21 તેની માંતા તેના માંટે મિસરની વહુ લાવી અને તેઓએ પારાનના રણમાં રહેવાનું ચાલુ રાખ્યું.
દાઉદની પ્રાર્થના.
1 હે યહોવા, મને ધ્યાનથી સાંભળો અને મને ઉત્તર આપો;
કારણ કે હું નિર્ધન તથા અસહાય છું.
2 મારા જીવનની રક્ષા કરો,
કારણ હું તમારો વફાદાર અનુયાયી છું, હે મારા દેવ,
તમારા પર આસ્થા રાખનાર સેવકને બચાવો.
3 હે યહોવા, મારા પર દયા કરો,
કારણ; આખો દિવસ હું તમારી સમક્ષ પોકાર કરું છું.
4 હે યહોવા, તમારા સેવકને આનંદ આપો;
હે પ્રભુ, હું મારું જીવન તારા હાથમાં સોંપુ છું.
5 હે પ્રભુ, તમે ઉત્તમ; અને ક્ષમા કરનાર છો.
સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે બંધનમુકત પ્રેમ દર્શાવો.
6 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
મારી કૃપા માટેની પ્રાર્થના સાંભળો.
7 મારા સંકટના ટાણે હું તમને પોકાર કરીશ,
ને મને ખાતરી છે કે તમે મને ઉત્તર આપશો.
8 હે યહોવા, અન્ય દેવોમાં તમારા જેવો દેવ કોઇ નથી;
અને તમારા જેવા પરાક્રમો પણ કોઇનાઁ નથી.
9 હે યહોવા, તમે જે રાષ્ટ્રોનું સર્જન કર્યુ છે તે બધાં આવીને તમને પ્રણામ કરશે;
અને તેઓ તમારા નામનો મહિમા ગાશે.
10 કારણ તમે મહાન દેવ છો, અને અદૃભૂત ચમત્કારના કરનાર છો;
તમે જ એકલાં દેવ છો.
16 મારી તરફ ફરો, ને મારા પર દયા કરો;
તમારા આ દાસને તમારું સાર્મથ્ય આપો.
મારી રક્ષા કરો, હું તમારો વફાદાર પુત્ર છું.
17 તમારી ભલાઇ ચિન્હ મને આપો; મારા શત્રુઓ તે જોશે અને નિરાશ થશે,
કારણ હે યહોવા એ તમે છો જેણે મને મદદ કરી છે,
અને દિલાસો આપ્યો છે.
પાપમાં મૂએલા પણ ખ્રિસ્તમાં જીવન
6 તો તમે શું એમ માનો છો કે આપણે પાપ કરવાનું ચાલુ રાખવું જોઈએ, જેથી દેવની વધુ ને વધુ કૃપા આપણા પર ઉતરે? 2 ખરેખર, ના! આપણે આપણા પાપમય જીવન માટે મૃત્યુ પામ્યા છીએ. તો પછી પાપી જીવન જીવવાનું આપણે કેવી રીતે ચાલુ રાખી શકીએ? 3 જ્યારે આપણે બાપ્તિસ્મા પામ્યા હતા ત્યારે આપણે સૌ ખ્રિસ્ત ઈસુ સાથે એકરૂપ થયા હતા, એ તમે શું ભૂલી ગયા છો? આપણા બાપ્તિસ્માથી આપણે તેના મૃત્યુ સાથે ભાગીદાર બન્યા હતા. 4 કારણ કે જ્યારે આપણું બાપ્તિસ્મ થયું ત્યારે આપણે પણ તેની સાથે મરણમાં દટાયા અને તેના મૃત્યુમાં ભાગીદાર થયા. આ રીતે બાપના મહિમાથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ઊભો થયો તેમ આપણે પણ ઊભા થઈ શકીશું અને નવું જીવન જીવીશું.
5 ખ્રિસ્ત મૃત્યુ પામ્યો, અને આપણે પણ આપણા મૃત્યુથી ખ્રિસ્ત સાથે જોડાયા છીએ. તેથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ફરી પુનરૂત્થાન પામ્યો તેમ આપણે પણ મૃત્યુમાંથી ફરી પુનરૂત્થાન પામીને તેની સાથે જીવનમાં એકરૂપ થઈશું. 6 આપણે જાણીએ છીએ કે વધસ્તંભ પર ખ્રિસ્તના મૃત્યુની સાથે જ આપણા જૂનાં માણસપણાનો અંત આવ્યો હતો. આપણા પાપમય ભૂતકાળની કોઈ અસર નવા જીવન પર ન પડે, અને (વળી પાછા) આપણે પાપના ગુલામ ન બનીએ માટે આમ થયું. 7 જે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેને મૃત્યુની સત્તામાંથી મુક્ત કરવામાં આવે છે.
8 આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામ્યા તેથી આપણે માનીએ છીએ કે આપણે તેની સાથે નવુ જીવન પામીશું. 9 મૃત્યુમાંથી ખ્રિસ્તને પુર્નજીવિત કરવામાં આવ્યો હતો. આપણે જાણીએ છીએ કે તે હવે ફરીથી કદી મૃત્યુ પામી શકશે નહિ. હવે તેના પર મૃત્યુની કોઈ સત્તા નથી. 10 હા, જ્યારે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો ત્યારે તે જ સમયે મૃત્યુની સત્તાને પરાસ્ત કરવા મર્યો હતો તે સદાને માટે પૂરતું હતું. હવે તે જીવે છે, એટલે દેવના સંબંધમાં તે જીવે છે. 11 એ જ પ્રમાણે, તમારી ઉપર પણ પાપની સત્તાનો હવે અંત આવ્યો છે. અને ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવ-પ્રાપ્તિ સારું તમે હવે જીવંત છો, એવું તમારી જાત વિષે તમે વિચારો.
24 “ચેલો તેના ગુરુંથી મોટો નથી કે દાસ એના શેઠ કરતાં ચડિયાતો નથી. 25 ચેલાઓ પોતાના ગુરૂ જેવા બનવામાં અને દાસે તેના શેઠ જેવા બનવામાં સંતોષ માનવો જોઈએ. જો ઘરના ધણીને જ બાલઝબૂલ (શેતાન) કહેવામાં આવે તો પછી ઘરના બીજા સભ્યોને કેવા નામથી સંબોધશે!
પ્રભુથી ડરો, લોકોથી નહિ
(લૂ. 12:2-7)
26 “આથી લોકોથી ન ડરો કારણ કે જે કંઈક છુપાવેલું છે તે જાહેર કરવામાં આવશે. જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ થશે. 27 હું તમને અંધકારમાં જે કહું છું તે તમે અજવાળામાં જાહેર કરો, અને મેં જે તમને કાનમાં કહ્યું, તે બધું તમે બધાજ લોકોને જાહેરમાં કહો.
28 “જેઓ તમારા દેહનો નાશ કરી શકે છે પરંતુ તમારા આત્માને મારી શક્તા નથી, તેવા લોકોથી બિલકુલ ન ડરો. ફક્ત પ્રભુથી જ ડરો. કારણ કે તે તમારા આત્માને અને શરીરને નરકમાં ધકેલી શકે છે. 29 એક પૈસામાં બે નાનાં પક્ષીઓ વેચાય છે પરંતુ તમારા બાપની ઈચ્છા વગર કોઈ એક પણ પક્ષી ધરતી પર નહિ પડી શકે. 30 દેવને તો ખબર છે કે તમારા માથા ઉપર વાળ કેટલા છે. 31 તેથી ડરો નહિ. તમારું મૂલ્ય તો એવાં નાનાં પક્ષીઓ કરતાં અધિક છે.
લોકોને તમારા વિશ્વાસ વિષે કહો
(લૂ. 12:8-9)
32 “જે કોઈ બીજા લોકોની સામે મારામાં વિશ્વાસની કબૂલાત કરશે તો, હું પણ આકાશમાંના બાપની આગળ એ મારો છે તેમ જાહેર કરીશ. 33 પરંતુ જ્યારે કોઈ માણસ બીજા લોકોની સામે મારામાં તેના વિશ્વાસને કબૂલ ન કરે, તો તેનો હું નકાર કરીશ. અને હું આકાશમાંના બાપની સમક્ષ તે મારો છે એવું જાહેર કરીશ નહિ.
ઈસુ વિષે લોકોનો અસ્વીકાર
(લૂ. 12:51-53; 14:26-27)
34 “એમ ન માનતા કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું, શાંતિ તો નહિ, પણ હું તલવાર લઈને આવ્યો છું.
35-36 ‘હું પુત્રને તેના પિતાની વિરૂદ્ધ,
પુત્રીને તેની મા વિરૂદ્ધ,
અને વહુને તેની સાસુ વિરૂદ્ધ કરવા આવ્યો છું.
મનુષ્યના શત્રું તો તેમના ઘરના લોકો જ બનશે.’[a]
37 “જે કોઈ મારા કરતાં વધારે તેના માતાપિતાને પ્રેમ કરે છે અને જે કોઈ મારા કરતાં તેમના દીકરા કે દીકરીને પ્રેમ કરે છે તે મારો શિષ્ય થવાને લાયક નથી. 38 જે માણસ તેને આપવામાં આવેલ વધસ્તંભનો સ્વીકાર કરતો નથી તો તે મારો શિષ્ય થવા માટે યોગ્ય નથી. 39 જે માણસ મારા કરતાં તેના જીવનને વધારે પ્રેમ કરે છે તે સાચું જીવન ગુમાવી દેશે. પણ જે મારા માટે જીવન અર્પણ કરી શકશે તેજ સાચું જીવન પ્રાપ્ત કરી શકશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International