Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 યહોવા મારા પાલનકર્તા છે.
તેથી મને કશી ખોટ પડશે નહિ.
2 તે મને લીલાં બીડમાં સુવાડે છે
અને મને શાંત જળની તરફ દોરી જાય છે.
3 તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે.
તેમનાં નામનો મહિમા વધે તે માટે
તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
4 મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ;
કારણ હે યહોવા, તમે મારી સાથે છો,
તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
5 તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો.
અને મારા માથા પર તેલ રેડો છો.
મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
6 તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે;
અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.
ઇસ્રાએલના સાચા ઘેટાંપાળક
34 પછી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના રાજકર્તાઓને મારા તરફથી સાવધાન કરીને તેમને કહેજે કે, આ યહોવા મારા માલિકના વચન છે: ‘હે ઇસ્રાએલના ઘેટાંપાળકો, તમારું આવી બન્યું! તમારે ઘેટાંનું પાલનપોષણ કરવું ન જોઇએ? તમે તો પોતાનું જ લાલનપાલન કરીને સ્વાર્થ સાધો છો. 3 તમે દૂધ પી જાઓ છો, ઊનના કપડાં પહેરો છો અને તાજામાજાં ઘેટાંને મારીને ખાઓ છો, પણ તમે ઘેટાંને ખવડાવતા નથી. 4 તમે પાતળાની કાળજી રાખી નથી, માંદાની સાચવણી કરી નથી, ઘવાયેલાને પાટાપિંડી કરી નથી, જેઓ ભટકી ગયા છે તેઓની તમે શોધ કરી નથી અને તેઓને પાછા લાવ્યા નથી, પરંતુ તેમના ઉપર બળજબરી અને સખતાઇથી શાસન ચલાવ્યું છે.
5 “‘તેથી પાળક વિના તેઓ વિખેરાઇ ગયા અને જંગલી પ્રાણીઓનો શિકાર બન્યા છે. 6 મારા ઘેટાં ડુંગરે ડુંગરે અને પર્વતે પર્વતે રખડતાં ફરે છે. ઘેટાંબકરાંના ટોળાં આખા દેશમાં વેરવિખેર થઇ ગયા છે. કોઇને તેમની પડી નથી કે કોઇ તેમને શોધવા જતું નથી.’”
7 માટે હે પાળકો, યહોવાનું વચન સાંભળો: 8 “મારાં ઘેટાં જંગલી પ્રાણીઓનો શિકાર બન્યા છે, તેમનો કોળિયો બન્યા છે, કારણ, તેમનો કોઇ પાળક નથી. મારા પાળકોને ઘેટાંની કશી પડી નથી. ઘેટાંને ખવડાવવાને બદલે તેઓ પોતાનું પેટ ભરવાની જ કાળજી રાખે છે.”
9 તેથી ઓ પાળકો, તમે યહોવાનું વચન સાંભળો, હું યહોવા જીવના સમ ખાઇને કહું છું કે, 10 “હું તમારી વિરુદ્ધ છું, હું મારા ઘેટાં માટે તમને જવાબદાર ઠરાવીશ. પાળક તરીકે હું તમને દૂર કરીશ. જેથી પાળકો પોતાનું પોષણ કરી શકે નહિ, હું મારા ઘેટાંઓને તમારા મુખમાંથી છોડાવી લઇશ અને મારા ઘેટાં તમારો ખોરાક બનશે નહિ.”
11 યહોવા મારા માલિક કહે છે: “હું પોતે જ મારા ઘેટાંને શોધી કાઢીશ અને તેઓની સંભાળ રાખીશ. 12 પોતાનાં ઘેટાં આજુબાજુ વેરવિખેર થઇ ગયા હોય ત્યારે ભરવાડ જેમ તેમને શોધવા જાય છે તેમ હું મારા ઘેટાંને શોધવા જઇશ અને તેમને સુરક્ષિત પાછા લાવીશ. જ્યારે તેઓ ગભરાઇ ગયા હોય અને અંધારા વાદળીયા દિવસે ખોવાઇ ગયા હોય. 13 જ્યાં તેઓ વિખેરાઇ ગયા છે તે દેશમાંથી અને પ્રજાઓમાંથી હું તેઓને પાછા લાવીશ અને તેઓને પોતાના દેશ ઇસ્રાએલમાં ઘરે પાછા લાવીશ. ઇસ્રાએલના પર્વતો પર નદીના કાંઠે તથા ફળદ્રુપ જગ્યાઓમાં હું તેઓનું પોષણ કરીશ. 14 હું તેઓને ચારાની સારી જગ્યાઓમાં લઇ જઇશ. ઇસ્રાએલના પર્વતોની ઊંચાઇઓ તેઓ માટે ચરવાની જગ્યા થશે. ત્યાં લીલા બીડમાં શાંતિથી તેઓ સૂઇ જશે. હું તેઓને ઇસ્રાએલના પર્વતોના રસાળ બીડોમાં લાવીશ. 15 હું જાતે મારા ટોળાને ચારીશ અને આરામ કરાવીશ.” આ હું યહોવા માલિક કહું છું.
16 “ખોવાયેલાની હું શોધ કરીશ, આડે રસ્તે ચઢી ગયેલાને હું રસ્તે લાવીશ, ઘવાયેલાને હું પાટાપિંડી કરીશ, પાતળાંને બળ આપીશ; પણ તંદુરસ્ત અને મજબૂત હશે તેમનો હું નાશ કરીશ, અને સારી રીતે તેઓને ચરાવીશ.”
આકાશમાં આનંદ
(માથ. 18:12-14)
15 ઘણા કર ઉઘરાવનારાઓ અને પાપી લોકો ઈસુને ધ્યાનથી સાંભળવા આવ્યા. 2 પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ફરિયાદ કરવાની શરુંઆત કરી. “જુઓ! આ માણસ (ઈસુ) પાપીઓને આવકારે છે અને તેઓની સાથે ખાય છે!”
3 પછી ઈસુએ તેઓને આ વાર્તા કહી: 4 “ધારોકે તમારામાંના કોઈ એક પાસે 100 ઘેટાં છે, પણ તેઓમાનું એક ખોવાઇ જાય છે. પછી તે બીજા 99 ઘેટાં એકલાં મૂકીને ખોવાયેલા ઘેટાંને શોધવા નીકળશે. તે માણસ જ્યાં સુધી તે ખોવાયેલું ઘેટું પાછું નહિ મળે ત્યાં સુધી તેની શોધ ચાલુ રાખશે. 5 અને જ્યારે તે ઘેટાંને શોધી કાઢે છે ત્યારે તે ખૂબ ખુશ થાય છે. તે માણસ તે ઘેટાંને તેના ખભે બેસાડી તેને ઘેર લઈ જાય છે. 6 તે તેના મિત્રો અને પાડોશીઓ પાસે જાય છે અને તેઓને કહે છે; ‘મારી સાથે આનંદ કરો, કારણ કે મને મારું ખોવાયેલું ઘેટું જડ્યું છે.’ 7 એ જ પ્રમાણે, હું તમને કહું છું, જ્યારે એક પાપી પસ્તાવો કરે છે ત્યારે આકાશમાં વધારે આનંદ થાય છે. જે 99 સારા લોકો જેમને પસ્તાવો કરવાની જરૂર નથી તેઓનાં કરતાં જો એક પાપી પસ્તાવો કરે છે તો તેથી વધારે આનંદ થાય છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International