Revised Common Lectionary (Semicontinuous)
ખડકમાંથી પાણી
17 ઇસ્રાએલના લોકોના સમગ્ર સમાંજે સીનના રણમાંથી છાવણી ઉઠાવીને યહોવાની આજ્ઞા મુજબ યાત્રા કરતા કરતા આગળ વધીને તેમણે રફીદીમમાં છાવણી નાખી રોકાણ કર્યું. પરંતુ ત્યાં લોકોને પીવા માંટે પાણી પણ દુર્લભ હતું. 2 તેથી લોકોએ મૂસા સાથે તકરાર કરી અને કહ્યું, “અમને પીવા માંટે પાણી આપો.”
એટલે મૂસાએ તેમને કહ્યું, “તમે લોકો માંરી સાથે શા માંટે તકરાર કરો છો? તમે યહોવાની કસોટી શા માંટે કરો છો? તમે એમ સમજો છો કે દેવ આપણી સાથે નથી?”
3 પરંતુ લોકો બહુ તરસ્યા હતા. તેથી તે લોકોએ મૂસા વિરુદ્ધ બડબડાટ કરતાં કહ્યું કે, “તમે અમને, અમાંરાં બાળબચ્ચાંને અને ઢોરઢાંખરને તરસે માંરવા શા માંટે મિસર દેશમાંથી અહીં લઈ આવ્યા?”
4 આથી મૂસાએ યહોવાને પોકાર કર્યો, “આ લોકો સાથે હું શું કરું? તેઓ મને માંરી નાખવા તૈયાર છે.”
5 યહોવાએ મૂસાને કહ્યું, “જા, ઇસ્રાએલના કેટલાક વડીલોને સાથે લઈને તું લોકોની આગળ ચાલતો થા. જે લાકડીથી તેં નાઈલ નદી પર પ્રહાર કર્યો હતો તે તારા હાથમાં રાખજે. 6 જો, હોરેબ પર્વતના એક ખડક ઉપર હું તારી સામે ઊભો રહીશ, પછી તું તે ખડક ઉપર પ્રહાર કરજે, એટલે તે ખડકમાંથી પાણી નીકળશે, જેથી લોકોને પીવા પાણી મળશે.”
ઇસ્રાએલીઓના વડીલોના દેખતાં મૂસાએ તે મુજબ કર્યુ. 7 અને મૂસાએ તે જગ્યાનું નામ માંસ્સાહ અને મરીબાહ રાખ્યું. કારણ કે આ એ જ જગ્યા હતી જ્યાં ઇસ્રાએલના લોકો એની વિરુદ્ધ થયા હતા. અને તેઓએ યહોવાની પરીક્ષા કરી હતી, તે લોકો જાણવા માંગતા હતા કે યહોવા અમાંરી વચ્ચે છે કે નહિ?
1 આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ;
આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ.
2 તેની હજૂરમાં આભારસ્તુતિ સાથે આવીએ;
અને આપણે તેની સમક્ષ સ્તુતિગાન કરીએ.
3 કારણ, યહોવા મહાન દેવ છે;
તે સર્વ દેવો પર મહાન રાજા છે.
4 તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે;
અને ઊંચા પર્વતોના માલિક પણ તે છે.
5 જેણે સમુદ્ર બનાવ્યો અને કોરી ભૂમિ
પણ બનાવી તેમના તે માલિક છે.
6 આવો આપણે તેને ભજીએ અને નમીએ;
ને આપણા કર્તા યહોવાને ઘૂંટણિયે પડીએ.
7 કારણ તે આપણા દેવ છે,
આપણે તેના ચારાના લોક
અને તેના હાથના ઘેટાં છીએ.
આજે જો તમે તેની વાણી સાંભળો તો કેવું સારું!
8 દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં,
પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ.
9 તમારા પિતૃઓએ મારી કસોટી કરી,
પરંતુ પછીથી તેઓએ જોયું કે હું શું કરી શકું છું!”
10 યહોવા દેવ કહે છે, “ચાળીસ વર્ષ સુધી મેં તે પેઢીને સહન કરી છે પણ જ્યારે હું તેમનાથી કંટાળ્યો ત્યારે મેં કહ્યું,
તે લોકો અવિનયી છે.
તેઓએ મારા માર્ગો કદી શીખ્યાં નથી.
11 મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી
કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં,
તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.”
દેવ સાથે ન્યાયી
5 આપણા વિશ્વાસને કારણે આપણે દેવ સાથે ન્યાયી થયા છીએ. તેથી, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ સાથે આપણો સુલેહ-શાંતિનો સંબંધ સ્થાપિત થયો છે. 2 હાલમાં આપણે જે આનંદ અનુભવીએ છીએ તે કૃપામાં વિશ્વાસ દ્વારા ઈસુએ આપણને આપ્યો છે. આપણે દેવના મહિમામાં ભાગીદાર થઈશું તે આશા માટે આપણને ગર્વ છે. 3 આ બાબતમાં જે કઈ વિપત્તિઓ છે તેનો આપણે સ્વીકાર કરેલો જ છે. આપણે આ વિપત્તિઓને આનંદપૂર્વક શા માટે સ્વીકારીએ છીએ? કારણ કે આપણે જાણીએ છીએ કે આ વિપત્તિઓ, જ આપણને વધારે ધીરજવાન બનાવે છે. 4 આપણી ધીરજ, એ આપણી દૃઢ મક્કમતાની સાબિતી છે. આ સાબિતી આપણને આશા આપે છે. 5 આ આશા આપણને કદી પણ નિરાશ નહિ કરે એ કદી પણ નિષ્ફળ નહિ જાય. એમ શા કારણે? કેમ કે દેવે આપણા હૃદયમાં તેનો પ્રેમ વહેવડાવ્યો છે. “પવિત્ર આત્મા” દ્વારા દેવે આપણને આ પ્રેમ અર્પણ કર્યો છે. દેવ તરફથી ભેટરૂપે એ “પવિત્ર આત્મા” આપણને પ્રાપ્ત થયો છે.
6 ખ્રિસ્તના રક્તથી આપણે દેવ સાથે ન્યાયી થયા છીએ. આપણે જ્યારે ખૂબ નિર્બળ હતા ત્યારે આપણા માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો. આપણે દેવથી વિમુખ જીવન જીવી રહ્યા હતા, ત્યારે યોગ્ય સમયે ખ્રિસ્ત આપણા વતી મૃત્યુ પામ્યો. 7 બીજો કોઈ માણસ ગમે એટલો સારો હોય તો પણ એનું જીવન બચાવી લેવા કોઈ મરી જાય એવી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે. કોઈ માણસ બહુજ સારો હોય તો તેના માટે બીજો કોઈ માણસ કદાચ મરવા તૈયાર થઈ જાય. 8 પરંતુ આપણે જ્યારે પાપી હતા, ત્યારે આપણા વતી ખ્રિસ્ત મરણ પામ્યો. દેવ આપણા પર પુષ્કળ પ્રેમ કરે છે, એ વાત દેવે આ રીતે દર્શાવી.
9 ખ્રિસ્તના રક્ત દ્વારા આપણે દેવ સાથે ન્યાયી થયા. આમ ખ્રિસ્ત દ્વારા જ દેવના કોપથી આપણે ચોક્કસ બચી જઈશું. 10 હું એમ કહેવા માંગુ છું કે જ્યારે આપણે દેવથી વિમૂખ હતા, ત્યારે દેવે પોતાના દીકરાના મૃત્યુ દ્વારા આપણને મિત્રતા બક્ષી. જ્યારે હવે આપણે દેવના મિત્રો છીએ ત્યારે તે આપણને સૌને તેના દીકરાના જીવન દ્વારા બચાવશે. 11 હાલમાં આપણે જે આનંદ અનુભવીએ છીએ તે કૃપામાં વિશ્વાસ દ્વારા ઈસુએ આપણને આપ્યો છે. આપણે દેવના મહિમામાં ભાગીદાર થઈશું તે આશા માટે આપણને આનંદ છે.
5 ઈસુ સમરૂનમાં સૂખાર નામના શહેરમાં આવ્યો. આ શહેર એક ખેતર નજીક હતું, જે યાકૂબે તેના દીકરા યૂસફને આપ્યું હતું. 6 ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ તેની લાંબી યાત્રાથી થાક્યો હતો. તેથી ઈસુ કૂવાની બાજુમાં બેઠો. તે વેળા લગભગ બપોર હતી. 7 એક સમરૂની સ્ત્રી પાણી મેળવવા માટે તે કૂવાની નજીક આવી. ઈસુએ તેણીને કહ્યું, “કૃપા કરીને મને પીવા માટે થોડું પાણી આપ.” 8 (ઈસુના શિષ્યો ખાવાનું ખરીદવા માટે ગામમાં ગયા હતા ત્યારે આ બન્યું.)
9 તે સમરૂની સ્ત્રીએ ઉત્તર આપ્યો, “મને નવાઈ લાગે છે કે તું મારી પાસે પીવાનું પાણી માગે છે! તું એક યહૂદિ છે અને હું એક સમરૂની સ્ત્રી છું!” (યહૂદિઓ સમરૂનીઓ જોડે સંબંધ રાખતા નથી.)
10 ઈસુએ ઉત્તર આપ્યો, “દેવ જે દાન આપે છે તે વિષે તું જાણતી નથી અને તારી પાસે પાણી માંગનાર હું કોણ છું તે પણ તું જાણતી નથી. જો તું આ દાન જાણતી હોત તો તું માગત અને મેં તને જીવતું પાણી આપ્યું હોત.”
11 તે સ્ત્રીએ કહ્યું, “પ્રભુ, તું તે જીવતું પાણી ક્યાંથી મેળવીશ? તે કૂવો ઘણો ઊંડો છે. અને તારી પાસે પાણી કાઢવાનું કંઈ નથી. 12 તું અમારા પિતા (પૂર્વજ) યાકૂબ કરતાં મોટો છે? યાકૂબે અમને આ કૂવો આપ્યો. તેણે પોતે તેમાંથી પાણી પીધું. તેના દીકરાઓ અને તેનાં બધાં પશુઓએ આ કૂવામાંથી પાણી પીઘું.”
13 ઈસુએ ઉત્તર આપ્યો, “પ્રત્યેક વ્યક્તિ જે આ પાણી પીએ છે તે ફરીથી તરસ્યો થશે. 14 પણ જે વ્યક્તિ, હું આપું તે પાણી પીએ છે તે ફરીથી કદાપિ તરસ્યો થતો નથી. પણ જે પાણી હું તેને આપીશ, તે પાણી તે વ્યક્તિમાં વહેતા પાણીનો ઝરો થશે. તે પાણી તે વ્યક્તિમાં અનંતજીવન સુધી ઝર્યા કરશે.”
15 તે સ્ત્રીએ ઈસુને કહ્યું, “પ્રભુ, મને એ પાણી આપ. પછી હું કદાપિ ફરીથી તરસી થઈશ નહિ. અને મારે વધારે પાણી મેળવવા પાછા અહીં આવવું પડે નહિ.”
16 ઈસુએ તેને કહ્યું, “જા તારા પતિને બોલાવી લાવ અને પછી પાછી અહીં આવ.”
17 સ્ત્રીએ ઉત્તર આપ્યો, “પણ મારે પતિ નથી.”
ઈસુએ તેને કહ્યું, “તેં બરાબર કહ્યું છે કે તારે પતિ નથી. 18 ખરેખર તારે પાંચ પતિઓ હતા. પણ તું હમણાં જે માણસ સાથે રહે છે તે તારો પતિ નથી. તેં મને સાચું કહ્યું છે.”
19 તે સ્ત્રીએ કહ્યું, “પ્રભુ, હું જોઈ શકું છું કે તું એક પ્રબોધક છે. 20 અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે યહૂદિઓ કહો છો કે યરૂશાલેમ એ તે જ જગ્યા છે જ્યાં લોકોએ ભજન કરવું જોઈએ.”
21 ઈસુએ કહ્યું, “બાઈ, મારું માન! હવે એવો સમય આવે છે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂશાલેમમાં પિતા (દેવ) નું ભજન નહિ કરશો. 22 તમે સમરૂનીઓ, તમે જે જાણતા નથી તેને ભજો છો. અમે યહૂદિઓ જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ, યહૂદિઓમાંથી ઉદ્ધાર આવે છે. 23 હવે તે સમય આવે છે જ્યારે સાચા ભજનારાઓ આત્માથી તથા સત્યતાથી પિતાને ભજશે. હવે તે સમય અહીં છે. અને આ પ્રકારના લોકો તેના ભજનારા થાય તેમ પિતા ઈચ્છે છે. 24 દેવ આત્મા છે. તેથી જે લોકો દેવને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ.”
25 તે સ્ત્રીએ કહ્યું, “હું જાણું છું કે મસીહ આવે છે.” (મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે) “જ્યારે મસીહ આવશે ત્યારે તે આપણને બધું સમજાવશે.”
26 પછી ઈસુએ કહ્યું, “જે વ્યક્તિ હમણાં તારી સાથે વાત કરે છે. હું તે મસીહ છું.”
27 તે સમયે ઈસુના શિષ્યો ગામમાંથી પાછા આવ્યા. તેઓ અજાયબી પામ્યા હતા કારણ કે તેઓએ ઈસુને તે સ્ત્રી સાથે વાત કરતો જોયો. પણ તેઓમાંના કોઈએ પૂછયું નહિ, “તારે શું જોઈએ છે?” અથવા “તું શા માટે તેની સાથે વાત કરે છે?”
28 પછી તે સ્ત્રી તેની પાણીની ગાગર ત્યાં મૂકીને ગામમાં પાછી ફરી. તેણે ગામમાં જઈને લોકોને કહ્યું, 29 “એક માણસે મેં જે કંઈ કર્યુ હતું તે બધું મને કહ્યું, આવો, તેને જુઓ, તે જ ખ્રિસ્ત હોવો જોઈએ.” 30 તેથી તે લોકોએ તે ગામ છોડ્યું અને ઈસુને જોવા ગયા.
31 જ્યારે તે સ્ત્રી ગામમાં હતી. ઈસુના શિષ્યો તેને વિનંતી કરતા હતા, “રાબ્બી જમ!”
32 પણ ઈસુએ ઉત્તર આપ્યો, “મારી પાસે ખાવા ખોરાક છે પણ તમે તેના વિષે જાણતા નથી.”
33 તેથી શિષ્યોએ પોતાની જાતને પૂછયું, “શું કોઈ ઈસુ માટે કંઈ ખાવાનું લાવ્યા હશે?”
34 ઈસુએ કહ્યું, “જેણે મને મોકલ્યો છે, તેની ઈચ્છા પૂરી કરવી, અને તેનું કામ પૂર્ણ કરવું, એ મારું અન્ન છે. 35 જ્યારે વાવો છો ત્યારે તમે વારંવાર હંમેશા કહો છો, ‘અનાજના દાણા ભેગા કરતાં પહેલા ચાર મહિના રાહ જોવાની છે.’ પણ હું તમને કહું છું, તમારી આંખો ખોલો, લોકો તરફ જુઓ, તેઓ હવે પાક માટે તૈયાર ખેતરો જેવાં છે. 36 છતાં પણ, હમણા તે વ્યક્તિ પાકની કાપણી કરે છે તેને ચુકવણી પણ કરવામાં આવેલ છે. તે અનંતજીવન માટે પાકને ભેગો કરે છે. તેથી જે વ્યક્તિ વાવે છે તે કાપણી કરનાર વ્યક્તિ સાથે સુખી થઈ શકે છે. 37 તે સાચું છે જે આપણે કહીએ છીએ, ‘એક વ્યક્તિ વાવે છે, પણ બીજી એક વ્યક્તિ પાકની કાપણી કરે છે.’ 38 મેં તમને પાકની કાપણી કરવા મોકલ્યા છે. જેને માટે તમે કામ કર્યુ નથી. બીજા લોકોએ કામ કર્યુ અને તમે તેઓનાં કામમાંથી ફળ મેળવો છો.”
39 તે ગામના ઘણા સમરૂની લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો. તે સ્ત્રીએ ઈસુ વિષે તેઓને જે કહ્યું તેને કારણે તેઓએ વિશ્વાસ કર્યો. તેણીએ તેઓને કહ્યું, “તેણે (ઈસુએ) જે બધું મેં કર્યું, તે મને કહ્યું,” 40 તે સમરૂનીઓ ઈસુ પાસે ગયા. તેઓએ ઈસુને તેઓની સાથે રહેવા વિનંતી કરી. તેથી ઈસુ ત્યાં બે દિવસ રહ્યો. 41 ઈસુએ જે વાતો કહીં, તેને કારણે ઘણા વધારે લોકોએ વિશ્વાસ કર્યો.
42 તે લોકોએ તે સ્ત્રીને કહ્યું, “તેં અમને જે કહ્યું તેને કારણે પ્રથમ અમે ઈસુમાં વિશ્વાસ કર્યો. પણ હવે અમે વિશ્વાસ કર્યો કારણ કે અમે અમારી જાતે તેને સાંભળ્યો. હવે અમે જાણ્યું કે તે નિશ્ચય એ જ છે જે જગતનો ઉદ્ધારક છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International