); Isaiah 49:13-23 (God comforts the suffering); Matthew 18:1-14 (Become like a child) (Gujarati: પવિત્ર બાઈબલ)
Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ કરો!
આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
2 તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
4 આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
5 તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
6 દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
7 હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
9 તમે પર્વતો તથા ડુંગરો;
ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.
13 હે આકાશો, હર્ષનાદ કરો; અને હે પૃથ્વી, તું આનંદ કર;
હે પર્વતો, તમે જયઘોશ કરવા માંડો,
કારણ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે,
અને પોતાની દુ:ખી પ્રજા પર કરુણા દર્શાવી છે.
14 છતાં સિયોનના લોકો કહે છે, “યહોવાએ અમારો ત્યાગ કર્યો છે,
અમારો નાથ અમને ભૂલી ગયો છે.”
15 પરંતુ યહોવા કહે છે,
“કોઇ માતા પોતાના બાળકને કઇં રીતે ભૂલી જઇ શકે?
પોતાના પેટના સંતાનને હેત કરવાનું કઇ રીતે ભૂલી જઇ શકે?
કદાચ માતા ભૂલી જાય,
પણ હું તને નહિ ભૂલું.
16 જો, મેં તને મારી હથેલી પર કોતરી છે,
અને યરૂશાલેમ નગરના કોટકાંગરાને હું સતત સંભાર્યા કરું છું.
17 તને ફરી બાંધનારાઓ થોડા જ સમયમાં આવી પહોંચશે.
અને તારો નાશ કરનારા સર્વને ભગાડી મૂકશે.”
18 જરા ઊંચી નજર કરીને ચારે બાજુ જો!
તારા લોકો કેવા ભેગા મળીને તારી પાસે પાછા આવે છે!
હું યહોવા, મારા પ્રાણનાં સમ ખાઇને પ્રતિજ્ઞા કરું છું કે,
“તું તેમને આભૂષણની જેમ ધારણ કરશે,
અને નવવધૂની જેમ તેમના વડે તારી જાતને શણગારશે.
19 “તું ખેદાન-મેદાન થઇ ગઇ હતી,
તું ખંડેરની ભૂમિ બની ગઇ હતી એ સાચું,
પણ હવે તારા વતનીઓ માટે તારી સરહદ અત્યંત સાંકડી પડશે.
અને તને ખેદાન-મેદાન કરી નાખનારાઓ તો દૂર ચાલ્યા ગયા હશે.
20 દેશવટાના દિવસોમાં જન્મ ધારણ કરનારાં બાળકો પાછાં આવશે અને તેને કહેશે,
‘અમારે વધારે જગાની જરૂર છે!
કેમ કે આ જગા તો ખીચોખીચ ભરાઇ ગઇ છે!’
21 પછી તું મનમાં વિચાર કરશે,
હું તો સંતાન વિહોણી ત્યકતા હતી,
આ બધા બાળકો મને થયા શી રીતે?
‘હું તો એકલીઅટૂલી હતી,
ત્યારે એમને ઉછેર્યા કોણે?
એ આવ્યાં ક્યાંથી?’”
22 યહોવા મારા દેવ કહે છે,
“જુઓ, હું વિદેશીઓ તરફ મારો હાથ ઊંચો કરીશ,
અને લોકો તરફ મારો ધ્વજ રાખીશ.
અને તેઓ તારા પુત્રોને પોતાના ખોળામાં ઊંચકીને
અને તારી પુત્રીઓને ખભા પર
બેસાડીને તારી પાસે પાછા લાવશે.
23 રાજાઓ તેમના પાલકપિતા થશે
અને તેમની રાણીઓ તેમની ધાવ થશે.
તેઓ તને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશે
અને તમારા ચરણની રજ ચાટશે;
ત્યારે તું જાણશે કે, હું યહોવા છું, જેઓ મારી વાટ જુએ છે
તેઓ કદી જ નિરાશ થશે નહિં.”
ઈસુ કહે છે મહાન કોણ
(માર્ક 9:33-37; લૂ. 9:46-48)
18 તે વખતે શિષ્યો ઈસુ પાસે આવ્યા અને પૂછયુ, “આકાશના રાજ્યમાં મોટું કોણ છે?”
2 ઈસુએ એક નાના બાળકને તેની પાસે આવવા કહ્યું અને તેમની વચ્ચે તેને ઊભો રહેવા કહ્યું, 3 પછી શિષ્યોને કહ્યું, “હું તમને સત્ય કહું છું કે જ્યાં સુધી તમે લોકો બદલાશો નહિ અને બાળક જેવા નહિ બનો ત્યાં સુધી તમે આકાશના રાજ્યમાં પ્રવેશ નહિ કરી શકો. 4 તેથી જે કોઈ, પોતાને આ બાળકના જેવું નમ્ર બનાવશે તે આકાશના રાજ્યમાં સૌથી મહાન વ્યક્તિ છે.
5 “જે કોઈ મારા નામે આવા બાળકનો સ્વીકાર કરે છે તે મારો સ્વીકાર કરે છે.
પ્રલોભનો વિષે ચેતવણી
(માર્ક 9:42-48; લૂ. 17:1-2)
6 “પરંતુ જે કોઈ મારા પર વિશ્વાસ કરનાર એક પણ નાનામાં નાની વ્યક્તિને ઠોકર ખવડાવે તે કરતાં એવા માણસના ગળે ઘંટીનું પડ બાંધી અને તેને ઊંડા દરિયામાં ડુબાડી દેવામાં આવે તે વધારે સારું છે. 7 જગતને અફસોસ છે, કારણ કે જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનવાની. પણ તે વ્યક્તિને અફસોસ છે કે જે ઠોકર લાવવા માટે જવાબદાર છે.
8 “એટલે જો તારો હાથ કે પગ તને પાપ કરવા પ્રેરે તો તેને કાપીને ફેંકી દે. કારણ કે બંને હાથ અથવા બંને પગ સહિત અનંત અગ્નિમાં નંખાય તે કરતા અપંગ થઈને અનંતજીવન મેળવવું તે સારું છે. 9 જો તારી આંખ પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દે કારણકે બંને આંખો સહિત તને નરકની આગમાં ફેંકી દેવામાં આવે તેના કરતાં એક આંખે અનંતજીવનમાં પ્રવેશ કરવો તે ઉત્તમ છે.
ઈસુ ખોવાયેલ ઘેટાંની વાર્તા કહે છે
(લૂ. 15:3-7)
10 “સાવધાન રહો, આ નાના બાળકોમાંથી એકનો પણ અનાદર ન થાય, કારણ કે તેઓના દૂતો આકાશમાં હંમેશા મારા બાપની આગળ હોય છે. [11 માણસનો દીકરો ખોવાયેલા લોકોને તારવા આવ્યો છે.]
12 “જો માણસ પાસે 100 ઘેટાં હોય, પણ તેમાંથી એકાદ ઘેટું ખોવાઈ ગયું, તો તે માણસ બાકીના 99 ઘેટાંને ટેકરી પર છોડી એકને શોધવા નીકળશે, બરાબરને? 13 અને એ માણસને જો ખોવાયેલું ઘેટું મળી જાય, તો તે એટલો બધો ખુશ થાય કારણ કે તેને 99 ઘેટાં કરતાં એક ખોવાયેલું ઘેટું મળ્યું તેનો વધુ આનંદ છે, હું તમને સત્ય કહું છું. 14 તમારા આકાશમાંના બાપને આ નાનાઓમાંથી એકને પણ ગુમાવવું ગમશે નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International