); Proverbs 8:22-31 (Wisdom’s part in creation); 1 John 5:1-12 (Whoever loves God loves God’s child) (Gujarati: પવિત્ર બાઈબલ)
Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ કરો!
આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
2 તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
4 આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
5 તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
6 દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
7 હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
9 તમે પર્વતો તથા ડુંગરો;
ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.
22 “યહોવાએ સૃષ્ટિક્રમનાં આરંભમાં,
લાંબા સમય અગાઉ મારું સર્જન કર્યુ.
23 લાંબા સમય અગાઉ, પૃથ્વીનું સર્જન થયા પહેલાઁ
મારું સ્થાપન કરવામાં આવ્યું હતું.
24 જ્યારે કોઇ સાગરો નહોતા, જ્યારે પાણીથી ભરેલા ઝરણાઓ નહોતા
ત્યારે મારો જન્મ થયો હતો.
25 પર્વતોના પાયા નંખાયા તે પહેલાં,
ડુંગરો થયા તેના પણ પહેલાં મારો જન્મ થયો હતો.
26 હજી યહોવાએ પૃથ્વી સર્જી નહોતી કે ખેતરો પણ સર્જ્યા નહોતાં.
અરે! ધૂળની કણી પણ સર્જી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
27 જ્યારે તેણે આકાશને એને સ્થાને સ્થાપ્યું,
અને સાગર ઉપર ક્ષિતિજને ગોઠવી હતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
28 જ્યારે તેણે અંતરિક્ષને સ્થિર કર્યુ;
અને ઝરણાંને સમુદ્ર નીચે વહાવ્યાં.
29 જ્યારે તેણે સાગરની હદ નક્કી કરી
અને તેનું ઉલ્લંધન કરવાની તેણે મના ફરમાવી.
અને જ્યારે તેણે પૃથ્વીના પાયા નાખ્યા.
30 ત્યારે કુશળ કારીગર તરીકે હું તેની સાથે હતી;
અને હું દિનપ્રતિદિન તેને આનંદ આપતી હતી;
અને આખો વખત હું તેની સામે નૃત્ય કરતી હતી.
31 તેની વસતિવાળી પૃથ્વી પર મને મજા આવતી હતી.
અને માણસોની સંગતમાં મને આનંદ આવતો હતો.
દેવનાં છોકરાં જગત પર વિજય મેળવે છે
5 ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે તેઓ દેવનાં છોકરાં છે. જે વ્યક્તિ પિતાને પ્રેમ કરે છે તે પિતાનાં છોકરાંઓને પણ પ્રેમ કરે છે. 2 આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે દેવનાં છોકરાંઓને પણ પ્રેમ કરીએ છીએ? આપણે જાણીએ છીએ કેમ કે આપણે દેવને પ્રેમ કરીએ છીએ અને આપણે તેની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ. 3 દેવને પ્રેમ કરવો તેનો અર્થ તેની આજ્ઞાઓનું પાલન કરવું. અને દેવની આજ્ઞાઓ આપણા માટે એટલી બધી કઠિણ નથી. 4 શા માટે? કારણ કે પ્રત્યેક વ્યક્તિ જે દેવનું બાળક છે તે જગતમાં વિજય મેળવવા શક્તિમાન છે. 5 તે આપણો વિશ્વાસ છે કે જેણે જગત સામે વિજય મેળવ્યો છે. ફક્ત તે વ્યક્તિ જે વિશ્વાસ કરે છે કે ઈસુ દેવનો દીકરો છે તેના વિના બીજો કોણ જગતને જીતે છે?
દેવ આપણને તેના પુત્ર વિષે કહે છે
6 જે આવ્યો તે ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ પાણી[a] સાથે અને રક્ત[b] સાથે આવ્યો. ઈસુ માત્ર પાણીથી આવ્યો નથી. ના, ઈસુ પાણી અને રક્ત બંનેથી આવ્યો અને આત્મા આપણને કહે છે કે આ સાચુ છે. આત્મા સત્ય છે. 7 તેથી ત્યાં ઈસુ વિશે આપણને કહેનારા ત્રણ સાક્ષીઓ છે: 8 કેમ કે સાક્ષી પૂરનાર ત્રણ છે, એટલે આત્મા, પાણી અને લોહી. આ ત્રણ સાક્ષીઓ છે.
9 તેઓ જે કહે છે તે કંઈક સાચું હોય એવો વિશ્વાસ આપણે લોકો પર કરીએ છીએ. પરંતુ દેવ જે કહે છે તે વધારે મહત્વનું છે. અને દેવે આપણને તેના પોતાના પુત્ર વિશે સાચું કહ્યું છે. 10 જે વ્યક્તિ દેવના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેની પાસે તે સત્ય છે જે દેવે આપણને કહ્યુ છે. જે વ્યક્તિ દેવમાં વિશ્વાસ કરતી નથી તે દેવને જૂઠો પાડે છે. શા માટે? કારણ કે દેવે આપણને તેના પુત્ર વિષે જે કહ્યું તેમાં તે વ્યક્તિ વિશ્વાસ કરતી નથી. 11 દેવે આપણને કહ્યું છે: દેવે આપણને અનંતજીવન આપ્યું છે. અને આ અનંતજીવન તેના પુત્રમાં છે. 12 જે વ્યક્તિ પાસે પુત્ર છે તેની પાસે સાચું જીવન છે. પરંતુ જે વ્યક્તિની પાસે દેવનો પુત્ર નથી, તેની પાસે જીવન નથી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International