Revised Common Lectionary (Semicontinuous)
પાણીના ઝરણાં અને પુણ્યપંથ
35 તે દિવસોમાં મરુભૂમિ આનંદોલ્લાસથી નાચી ઉઠશે, સૂકી તરસી ધરતી સુંદર ફૂલોથી ખીલી ઉઠશે, આનંદોદ્ગારથી ગાજી ઊઠશે. 2 તે ખીલશે અને તેને ફૂલો આવશે અને આનંદથી ભરેલી હશે અને ગુંજતી હશે. તેને લબાનોન પર્વતની સુંદર ભવ્યતા અને કામેર્લ પર્વત તથા શારોનની લીલીછમ ધરતીનો વૈભવ પ્રાપ્ત થશે; કારણ કે તેઓ યહોવાનો મહિમા, આપણા દેવની ભવ્યતા જોશે.
3 જેઓ હારેલા છે તેમને હિંમત આપો, જેઓ ડગમગી રહ્યા છે તેઓને સ્થિર કરો, ભયભીત થયેલાઓને કહો કે, હિંમત રાખો! 4 જેઓ ચિંતાતુર છે, “તેઓને કહો દ્રઢ થાઓ, ડરશો નહિ;” જુઓ, તમારા દેવ! તમારો ઉદ્ધાર કરવા અને તમારા શત્રુઓને સજા કરવા આવે છે. 5 પરંતુ જ્યારે તે આવશે ત્યારે અંધજનોની આંખો ઊઘડી જશે અને બહેરાઓના કાન ખૂલી જશે. 6 લૂલાં-લંગડાં હરણાની જેમ તેઓ ઠેકડા મારશે અને મૂંગાની જીભ મોટેથી હર્ષનાદ કરીને ગાવા માંડશે. તે વખતે મરુભુમિમાં વહેળા વહેવા લાગશે. 7 લોકો વહેળાને જોશે, ધગધગતી રેતીના સરોવર બની જશે, અને સૂકી ભૂમિના ઝરણાં બની જશે. જ્યાં શિયાળવાનો વાસ છે તે વેરાન ભૂમિમાં ચારેબાજુ લીલોતરી ઊગી નીકળશે.
8 તેમાં થઇને એક રાજમાર્ગ જતો હશે અને તે, “પવિત્રતાનો માર્ગ” કહેવાશે. એના પર કોઇ અપવિત્ર માણસ ચાલશે નહિ. કોઇપણ યાત્રી, એક મૂર્ખ પણ ત્યાં તે રસ્તા પર ભૂલો પડી જશે નહિ. 9 ત્યાં કોઇ સિંહ નહિ હોય કે કોઇ જંગલી પ્રાણી ત્યાં ભટકતું નહી હોય. માત્ર ઉદ્ધાર પામેલાઓ જ તેના પર ચાલશે.
10 યહોવાએ જે લોકોની ખંડણી ચૂકવી છે; તેઓ અનંતકાળ સુધી આનંદના ગીતો ગાતાં આ માર્ગે થઇને સિયોનમાં પોતાને ઘેર જશે. કારણ કે તેઓનાં સર્વ દુ:ખો અને તેમની પાછળ હષોર્લ્લાસ હશે; દુ:ખ અને શોક જતા રહેશે.
5 જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે;
અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
6 યહોવાએ પૃથ્વી તથા આકાશો,
સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે,
તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
7 તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે,
તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે.
યહોવા કેદીઓને મુકત કરાવે છે.
8 યહોવા આંધળાને દેખતાઁ કરે છે;
યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે,
કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
9 યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે;
અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે;
પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન,
તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે.
યહોવાની સ્તુતિ થાઓ!
મરિયમ દેવની સ્તુતિ કરે છે
46 પછી મરિયમે કહ્યું,
47 “મારો આત્મા પ્રભુની સ્તુતિ કરે છે.
મારું હ્રદય આનંદ કરે છે કારણ કે દેવ મારો તારનાર છે.
48 દેવે તેની સામાન્ય
અને દીન સેવિકા પર કૃપાદષ્ટિ કરી છે.
હવે પછી,
બધા લોકો કહેશે કે હું આશીર્વાદીત છું,
49 કારણ કે સર્વસમર્થ દેવે મારા માટે મહાન કાર્યો કર્યા છે.
તેનું નામ પવિત્ર છે.
50 જે લોકો તેની સ્તુતિ કરે છે તેના ઉપર દેવ હંમેશા તેની દયા દર્શાવે છે.
51 દેવે તેના હાથોનું સામથ્યૅ બતાવ્યું છે.
તેણે અહંકારીઓને તેઓના મનની યોજનાઓ સાથે વેર વિખેર કરી નાખ્યા છે.
52 દેવે રાજ્યકર્તાઓને રાજ્યશાસન પરથી ઉતારી પાડ્યા છે,
અને તેણે દીન માણસોને ઊંચા કર્યા છે.
53 પ્રભુએ ભૂખ્યાં લોકોને સારા વાનાંથી તૃપ્ત કર્યા છે.
પણ તેણે જે લોકો ધનવાન અને સ્વાર્થી છે તેઓને ખાલી હાથે પાછા કાઢ્યા છે.
54 દેવ ઈસ્ત્રાએલના બચાવ માટે આવ્યો છે. દેવે તેની સેવા માટે ઈસ્ત્રાએલના લોકોને પસંદ કર્યા છે.
દેવે તેમને મદદ કરી છે અને એમના પર દયા બતાવી છે.
55 દેવે આપણા પૂર્વજ ઈબ્રાહિમ અને તેનાં સંતાનોને આપેલું વચન હંમેશા પાળ્યું છે.”
ધીરજવાન બનો
7 ભાઈઓ અને બહેનો, ધીરજ રાખો, પ્રભુ ઈસુ આવશે; તેથી તે સમય સુધી ધીરજ રાખો. ખેડૂતો ધીરજવાન છે. ખેડૂત પોતાનો મૂલ્યવાન પાક જમીનમાંથી ઊંગે ત્યાં સુધી રાહ જુએ છે. ખેડૂત ધીરજથી પોતાના પાકને મળનાર પ્રથમ વરસાદ અને અંતિમ વરસાદની રાહ જુએ છે. 8 તમારે પણ ધીરજવાન થવું જોઈએે, આશા ન છોડશો. પ્રભુ ઈસુ ઘણો જલ્દી આવી રહ્યો છે. 9 ભાઈઓ અને બહેનો, એક બીજાની વિરૂદ્ધ ફરિયાદ ન કરો. જો તમે ફરિયાદ કરતા નહિ અટકાશો, તો તમે દોષિત થશો. ન્યાયાધીશને આવવાની તૈયારી છે!
10 ભાઈઓ અને બહેનો, જે પ્રબોધકો એ પ્રભુ વિશે વાત કરેલી તેના ઉદાહરણને અનુસરો. તેઓએ ઘણી ખરાબ વસ્તુઓ સહન કરી, પણ તેઓએ ધીરજ રાખી.
2 યોહાન બાપ્તિસ્ત જેલમાં હતો. ઈસુ જે કંઈ કરતો હતો તે વિષે તેણે સાંભળ્યું એટલે યોહાને તેના શિષ્યોમાંના કેટલાએકને ઈસુ પાસે મોકલ્યાં. 3 યોહાનના શિષ્યોએ આવીને ઈસુને પૂછયુ કે, “યોહાને જે માણસ વિષે કહ્યું તે આવી રહ્યો છે તે તું છે કે અમારે બીજા માણસની રાહ જોવાની છે?”
4 ઈસુએ તેમને કહ્યું કે, “તમે યોહન પાસે પાછા જાવ અને અહીં જે કાંઈ જોયું અને સાંભળ્યું, તે વિષે યોહાનને જાણ કરો. 5 આંધળા ફરી દેખતાં થયા છે; પાંગળા ચાલતા થયા છે; રક્તપિત્તિયા સાજા થઈ ગયા છે; બહેરા સાંભળતા થયા છે; અને મરણ પામેલા જીવનમાં ફરી બેઠા થયા છે. આ સુવાર્તા ગરીબ લોકોને જણાવવામાં આવી છે. 6 જે વ્યક્તિ મારો સ્વીકાર કરવા શક્તિમાન છે તેને ધન્ય છે.”
7 યોહાનના શિષ્યો પાછા ફરવા તૈયાર થયા, ઈસુએ લોકોને શું જોવા ઈચ્છો છો તે પૂછયું અને કહ્યું, “તમે ઉજજડ પ્રદેશમાં યોહાન પાસે ગયા ત્યારે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુંને જોવા ગયા હતા? ના! 8 તો તમે ત્યાં શું જોવા ગયા હતાં? શું જેણે ખૂબ સારા વસ્ત્રો પહેર્યા હતા તેવા માનવીને? ના! આવા સુંદર કપડા પહેરે છે તે તો રાજાના રાજમહેલમાં રહે છે. 9 તો પછી તમે શું જોવા ગયા હતાં? શું દેવના પ્રબોધકને જોવા ગયા હતાં? હા, હું તમને કહું છું, યોહાન તો પ્રબોધક કરતાં ઘણો અધિક છે. 10 યોહાન વિષે લખ્યું છે તે આ છે:
‘ધ્યાનથી સાંભળો! હું મારા દૂતને તારી આગળ મોકલું છું.
તે તમારા માટે માર્ગ તૈયાર કરશે.’ (A)
11 “હું તમને સત્ય કહું છું કે આજદિન સુધીમાં પૃથ્વી પર જન્મયા છે તેમાં યોહાન જેવો કોઈ ઉત્પન્ન થયો નથી, પણ આકાશના રાજ્યમાં સૌથી નાનો છે તે યોહાન કરતાં પણ મોટો છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International