Revised Common Lectionary (Semicontinuous)
સુલેમાનનું ગીત.
1 હે દેવ, તમે રાજાને ન્યાય કરવા માટે તમારા જ્ઞાન અને અધિકાર આપો,
અને રાજાનાં પુત્રોને તમારું ન્યાયીપણું આપો.
2 તેઓ તમારા લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
તમારાં ગરીબ લોકોને તેઓ ન્યાય કરશે.
3 પર્વતો અને ડુંગરો ન્યાયીપણે લોકો માટે શાંતિ,
આબાદી ને સમૃદ્ધિ લાવશે.
4 તે લોકોમાં ન્યાય કરશે દીનદુ:ખીઓનો, દરિદ્રીઓનાં દીકરાઓનો ઉદ્ધાર કરશે;
અને જુલમગાર પાપીઓને કચડી નાખશે.
5 તે લોકો, તેઓની પેઢી દર પેઢી આકાશમાં સૂર્ય
અને ચંદ્ર રહે ત્યાં સુધી બીહો અને રાજાને માન આપો.
6 જેમ ખેતરો પર વરસાદ પડે છે,
વરસાદનાં ઝાપટાં જમીન પર પડે છે તેમ રાજા રહે.
7 તેના શાસનકાળમા ન્યાયીઓની આબાદી થશે,
અને જ્યાં સુધી ચંદ્ર રહેશે શાંતિ ટકી રહેશે.
18 ઇસ્રાએલના દેવને, યહોવા દેવને ધન્ય હોજો;
એકલા તેઓ જ આશ્ચર્યકારક કર્મો કરે છે.
19 તેમનાં મહિમાવંત નામની સર્વદા
સ્તુતિ થાઓ! સમગ્ર પૃથ્વી તેમનાં મહિમાથી ભરપૂર થાઓ!
આમીન તથા આમીન!
દિલાસાના શબ્દો
40 તમારા દેવની આ વાણી છે:
“દિલાસો, હા, મારા લોકોને દિલાસો આપો.
2 યરૂશાલેમ, સાથે સૌમ્યતાથી વાત કરો,
તેને જણાવો કે તેના દુ:ખના દહાડા પૂરા થયા છે,
તેના પાપનું પ્રાયશ્ચિત પૂરું થયું છે,
તેણે યહોવાના હાથે તેના બધા દોષોની
બમણી સજા મેળવી છે.”
3 કોઇનો સાદ સંભળાય છે:
“મરુભૂમિમાં યહોવાને માટે રસ્તો તૈયાર કરો;
આપણા દેવને માટે રણમાં સીધો અને સપાટ રાજમાર્ગ બનાવો.
4 બધી ખીણોને પૂરી દો અને બધા પર્વતો
અને ડુંગરોને સપાટ બનાવી દો.
ખરબચડી જમીનને સરખી બનાવી દો.
અને ખાડા-ટેકરાને સપાટ મેદાન બનાવી દો.
5 પછી યહોવાનો મહિમા પ્રગટ થશે
અને સમગ્ર માનવજાત તે જોવા પામશે.
આ યહોવાના મુખના વચન છે.”
6 એક અવાજ કહે છે, “સાદ પાડ.”
હું પૂછું છું, “શો સાદ પાડું?”
જવાબ મળે છે, “સર્વ મનુષ્ય ઘાસ જ છે,
ને તેમનું સર્વ સૌઁદર્ય ખેતરના ફૂલ જેવું છે:
7 દેવના શ્વાસથી ઘાસ ચીમળાઇ જાય છે
અને ફૂલો કરમાઇ જાય છે;
નાશવંત માનવી પણ તેના જેવો જ છે.
8 ઘાસના તણખલાં વચન સૂકાઇ જાય છે, ફૂલો કરમાઇ જાય છે,
પણ આપણા દેવનું વચન સદાકાળ સુધી કાયમ રહે છે.”
તારણ: દેવના શુભ સમાચાર
9 હે સિયોનને માટે શુભ સમાચાર લાવનારા!
તું પર્વતની ટોચે ચઢી જા, મોટા સાદે પોકાર કર!
હે યરૂશાલેમ માટે શુભ સમાચાર લાવનારા લોકો,
તમારાં અવાજ ઊંચા કરો, ગભરાશો નહિ,
યહૂદીયાના નગરોને કહો,
“આ તમારા દેવ છે!”
10 જુઓ, મારા માલિક યહોવા તેમના પૂરા સાર્મથ્ય સહિત પધારે છે,
તે પોતાના મજબૂત હાથથી દરેકને પોતાના શરણે આવવા માટે દબાણ કરે છે.
તે તેની પ્રજાને વળતર તરીકે પોતાની સાથે લાવે છે,
અને આ પ્રજા જે તેના કામનો બદલો છે, તેઓ તેની આગળ ચાલે છે.
11 તે ગોવાળની જેમ પોતાના ટોળાંનું પાલન કરે છે;
તે પોતાના હાથમાં હલવાનોને ઊંચકી લેશે
અને વિયાએલી ઘેટીઓને હળવે હળવે દોરી જશે.
યોહાનનું લોકોને ઈસુ વિષે કહેવું
(માથ. 3:1-12; માર્ક 1:1-8; લૂ. 3:1-9, 15-17)
19 યરૂશાલેમના યહૂદિઓએ કેટલાક યાજકોને તથા લેવીઓને યોહાન પાસે મોકલ્યા. યહૂદિઓએ તેઓને યોહાનને પૂછવા માટે મોકલ્યા, “તું કોણ છે?” 20 યોહાન સ્પષ્ટ બોલ્યો. યોહાને ઉત્તર આપવાની ના પાડી નહિ, યોહાને સ્પષ્ટતાપૂર્વક કહ્યું, “હું ખ્રિસ્ત નથી.” યોહાને લોકોને આ વાત કહી.
21 યહૂદિઓએ યોહાનને પૂછયું, “તો પછી તું કોણ છે? તું એલિયા છે?”
યોહાને ઉત્તર આપ્યો, “ના હું એલિયા નથી.”
યહૂદિઓએ પૂછયું, “તુ પ્રબોધક છે?”
યોહાને ઉત્તર આપ્યો, “ના હું પ્રબોધક નથી.”
22 પછી તે યહૂદિઓએ કહ્યું, “તું કોણ છે? અમને તારા વિષે કહે. જેથી અમને જેણે મોકલ્યા છે તેને અમે ઉત્તર આપી શકીએ, તું તારા માટે શું કહે છે?”
23 યોહાને તેઓને યશાયા પ્રબોધકના શબ્દો કહ્યા,
“હું રાનમાં બૂમો પાડતી વ્યક્તિની વાણી છું;
‘પ્રભુ માટે સીધો રસ્તો તૈયાર કરો.’” (A)
24 આ યહૂદિઓને ફરોશીઓમાંથી મોકલવામાં આવ્યા હતા. 25 આ માણસોએ યોહાનને કહ્યું, “તું કહે છે કે તું ખ્રિસ્ત નથી. તું કહે છે તું એલિયા કે પ્રબોધક પણ નથી. પછી તું શા માટે લોકોને બાપ્તિસ્મા આપે છે?”
26 યોહાને ઉત્તર આપ્યો, “હું લોકોનું પાણીથી બાપ્તિસ્મા કરું છું. પણ અહીં તમારી સાથે એક વ્યક્તિ છે જેને તમે જાણતા નથી. 27 તે વ્યક્તિ જે મારી પાછળ આવે છે, હું તેના જોડાની દોરી છોડવા જેટલો પણ યોગ્ય નથી.”
28 યર્દન નદીને પેલે પાર આ બધી વસ્તુઓ બેથનિયામાં બની. આ જગ્યાએ યોહાન લોકોનું બાપ્તિસ્મા કરતો હતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International