Revised Common Lectionary (Semicontinuous)
68 “ઇઝરાએલના દેવ પ્રભુની સ્તુતિ કરો.
તે તેમના લોકો પાસે તેઓનો ઉદ્ધાર કરવા આવ્યા છે.
69 દેવના સેવક દાઉદના કુળમાંથી સમર્થ
ઉદ્ધારક આપણા માટે આપ્યો છે.
70 તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા
લાંબા સમય પહેલા આપેલું વચન દેવે પાળ્યું છે.
71 દેવ આપણને આપણા દુશ્મનો
તથા આપણને ધિક્કારનાર સર્વની સત્તામાંથી બચાવશે.
72 દેવે કહ્યું છે કે, તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવશે.
અને આ રીતે તેણો તેનું પવિત્ર વચન યાદ કર્યુ.
73 દેવે આપણા પિતા ઈબ્રાહિમને વચન આપ્યું છે કે તે આપણને આપણા
74 દુશ્મનોની સત્તામાંથી બચાવશે.
તેથી આપણે નિર્ભયપણે તેની સેવા કરી શકીએ.
75 જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી દેવ સમક્ષ ન્યાયી અને પવિત્ર થઈશું.
76 “અને, ઓ! નાના છોકરા! હવે તું પરાત્પર દેવનો પ્રબોધક કહેવાશે.
તું પ્રભુની આગળ ચાલશે, તેને માટે માર્ગ તૈયાર કરશે.
77 તું લોકોને કહીશ કે તેઓને પાપોની માફી મળશે. અને તેઓને બચાવી લેવામાં આવશે.
78 “આપણા દેવની દયા વડે આકાશમાંથી
નૂતન દિવસનું પ્રભાત આપણા પર પ્રગટશે.
79 જે લોકો અંધકાર અને મૃત્યુના ભય નીચે જીવી રહ્યા છે તે લોકોને દેવ મદદ કરશે.
તે આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જશે.”
18 તે માટે યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમ વિષે યહોવા કહે છે કે,
“તે મૃત્યુ પામશે ત્યારે તેનું કુટુંબ તેને માટે શોક કરશે નહિ,
ઓ મારા ભાઇ!
અથવા ઓ મારી બહેન!
એવું બોલીને રડશે નહિ.
તેની પ્રજા પણ તેના મૃત્યુની નોંધ લેશે નહિ.
‘મારા માલિક! મારા રાજા!’
એમ કહીને કોઇ રડશે નહિ.
19 એક ગધેડાંના જેવી તેની અંતિમ યાત્રા થશે,
તેને ઘસડીને યરૂશાલેમના દરવાજા બહાર નાખી આવશે.
20 “હે યરૂશાલેમની પ્રજા, લબાનોનના પહાડ પર જઇને હાંક માર!
બાશાનમાં જઇને પોકાર કર!
અબારીમ પર્વત પરથી હાંક માર!
કારણ, તારા બધા મિત્રો પાયમાલ થઇ ગયા છે.
21 “જ્યારે તુ સમૃદ્ધ થતો હતો;
ત્યારે મેં તારી સાથે વાત કરી હતી, પણ તેં કહ્યું,
હું નહિ સાંભળુ.
તારી યુવાનીથી માંડીને તું આ રીતે વર્તતી આવી છે,
તેં કદી મારું કહ્યું કર્યું નથી.
22 તારા સર્વ આગેવાનો પવન દ્વારા ઘસડાઇ જશે.
તારા સર્વ મિત્રોને ગુલામો
તરીકે દેશવટે લઇ જવામાં આવશે,
આખરે તારી દુષ્ટતાને કારણે
તારી બદનામી થશે,
ને તું શરમ અનુભવશે.
23 “લબાનોનના એરેજવૃક્ષો મધ્યે ભવ્ય
મહેલમાં સુખચેનથી રહેવું ઘણું સારું છે.
પરંતુ પ્રસૂતાની વેદનાની જેમ તારા પર આફત આવશે
ત્યારે તારી દશા, કેવી દયાજનક હશે!”
રાજા કોન્યાહ વિરુદ્ધ ન્યાય
24 જેમ સાચે જ હું જીવું છું, એવું યહોવા કહે છે, “જો યહૂદિયાના રાજા, યહોયાકીન રાજા યહોયાકીમના પુત્ર, જો તું મારા જમણા હાથ પરની વીંટી હોત, તો મેં તેને મારા હાથમાંથી દૂર કર્યો હોત. 25 તું જેનાથી ડરે છે અને જે તારો જીવ લેવા તાકે છે તે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર અને તેના સૈન્યના હાથમાં સોંપી દઇશ. 26 હું તને તથા તારી માતાને આ દેશમાંથી બહાર ફેંકી દઇશ. અને તમે પરદેશી ભૂમિમાં મૃત્યુ પામશો. 27 અને તમે જ્યાં પાછાં જવા માટે ઝૂરતાં હશો તે ભૂમિમાં કદી જવા પામશો નહિ.”
28 મેં કહ્યું, આ માણસ કોન્યા,
એટલે ફૂટેલા અને ફેંકી દીધેલા ઘડા જેવો છે.
તેને તથા તેનાં બાળકોને દૂરના અજાણ્યા પ્રદેશમાં ફેંકી દેવામાં આવ્યા છે.
અને એક એવી ભૂમિમા નાંખી દેવામાં આવ્યા છે જેને તેઓ જાણતા પણ નથી.
29 હે ભૂમિ, ભૂમિ, ભૂમિ!
તું યહોવાના વચન સાંભળ!
30 યહોવા કહે છે: “‘લખી રાખોકે આ માણસને સંતાન નહી થાય.
જીવનમાં એ કદી સફળ નહિ થાય.
એ કોઇ વંશજ નહિ મૂકી જાય,
જે દાઉદના રાજ્યાસન પર
બેસે અથવા ફરીથી યહૂદીઓ પર રાજ કરે.’”
દેવના રાજ્યમાં કોણ પ્રવેશ કરશે?
(માથ. 19:13-15; માર્ક 10:13-16)
15 કેટલાએક લોકો તેમનાં નાનાં બાળકોને ઈસુ પાસે લાવ્યા જેથી ઈસુ તેઓનેં સ્પર્શ કરી શકે. પણ જ્યારે શિષ્યોએ આ જોયું ત્યારે તેઓએ લોકોને આમ નહિ કરવા કહ્યું. 16 પણ ઈસુએ તે નાના બાળકોને તેની પાસે બોલાવ્યા અને તેના શિષ્યોને કહ્યું, “નાનાં બાળકોને મારી પાસે આવવા દો. તેઓને અટકાવશો નહિ, કારણ કે દેવનું રાજ્ય જે આ નાનાં બાળકો જેવા છે તેઓના માટે છે. 17 હું તમને સાચું કહું છું, કે, જે કોઈ દેવનું રાજ્ય બાળકની જેમ નહિ સ્વીકારે, તે તેમાં નહિ જ પેસશે!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International