Revised Common Lectionary (Semicontinuous)
68 “ઇઝરાએલના દેવ પ્રભુની સ્તુતિ કરો.
તે તેમના લોકો પાસે તેઓનો ઉદ્ધાર કરવા આવ્યા છે.
69 દેવના સેવક દાઉદના કુળમાંથી સમર્થ
ઉદ્ધારક આપણા માટે આપ્યો છે.
70 તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા
લાંબા સમય પહેલા આપેલું વચન દેવે પાળ્યું છે.
71 દેવ આપણને આપણા દુશ્મનો
તથા આપણને ધિક્કારનાર સર્વની સત્તામાંથી બચાવશે.
72 દેવે કહ્યું છે કે, તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવશે.
અને આ રીતે તેણો તેનું પવિત્ર વચન યાદ કર્યુ.
73 દેવે આપણા પિતા ઈબ્રાહિમને વચન આપ્યું છે કે તે આપણને આપણા
74 દુશ્મનોની સત્તામાંથી બચાવશે.
તેથી આપણે નિર્ભયપણે તેની સેવા કરી શકીએ.
75 જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી દેવ સમક્ષ ન્યાયી અને પવિત્ર થઈશું.
76 “અને, ઓ! નાના છોકરા! હવે તું પરાત્પર દેવનો પ્રબોધક કહેવાશે.
તું પ્રભુની આગળ ચાલશે, તેને માટે માર્ગ તૈયાર કરશે.
77 તું લોકોને કહીશ કે તેઓને પાપોની માફી મળશે. અને તેઓને બચાવી લેવામાં આવશે.
78 “આપણા દેવની દયા વડે આકાશમાંથી
નૂતન દિવસનું પ્રભાત આપણા પર પ્રગટશે.
79 જે લોકો અંધકાર અને મૃત્યુના ભય નીચે જીવી રહ્યા છે તે લોકોને દેવ મદદ કરશે.
તે આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જશે.”
યરૂશાલેમની હારની ભવિષ્યવાણી
21 પછી જ્યારે સિદકિયા રાજાએ માલ્કિયાના પુત્ર પાશહૂરને તથા માઅસેયા યાજકના પુત્ર સફાન્યાને યર્મિયાની પાસે મોકલીને કહેવડાવ્યું કે, 2 “બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર અમારી સામે યુદ્ધે ચઢયો છે માટે તમે અમારા તરફથી યહોવાને અરજ કરો, કદાચ તે અમારે ખાતર કોઇ ચમત્કાર કરે, જેથી નબૂખાદનેસ્સારને પાછા જવું પડે.”
3 ત્યારે યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ, અને તેમણે તે લોકોને કહ્યું, “સિદકિયાને જઇને કહેજો કે, 4 ઇસ્રાએલનો દેવ યહોવા આ પ્રમાણે કહે છે; ‘કોટની બહાર ઘેરો ઘાલીને પડેલા બાબિલના રાજા અને તેની સૈના સામે તમારા જે યોદ્ધાઓ લડી રહ્યા છે, તેમણે પાછા હઠી શહેરની મધ્યમાં આવવું પડશે.
5 “‘કારણ, હું જાતે ભારે રોષ અને ક્રોધપૂર્વક પૂરા બળ અને પરાક્રમથી તમારી સામે ઝઝુમીશ. 6 આ નગરમાં હું ભયંકર મરકી મોકલીશ અને માણસો તથા પશુઓ મૃત્યુ પામશે. 7 અંતે હું રાજા સિદકિયાને તથા નગરમાં બચી ગયેલાઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દઇશ. અને તે તેમની કત્લેઆમ ચલાવશે અને તેમના પર જરાપણ દયા કે કરૂણા દર્શાવશે નહિ.’
8 “તે તારે કહેવું પડશે તેવું યહોવા કહે છે: ‘હું તમને જીવનના માર્ગ અને મૃત્યુના માર્ગ વચ્ચે પસંદગી કરવાની તક આપું છું. 9 જે કોઇ આ શહેરમાં રહેશે તે યુદ્ધથી, દુકાળથી કે રોગથી મૃત્યુ પામશે, પણ જે કોઇ તમને ઘેરો ઘાલીને પડેલી બાબિલની સૈનાને શરણે જશે તે બચવા પામશે, કઇં નહિ તો યે તે જીવતો તો રહેશે જ. 10 કારણ કે આ નગરનું ભલું નહિ પણ વિનાશ કરવાનો મેં નિરધાર કર્યો છે, તેને બાબિલના રાજાના હાથમાં સોપી દેવામાં આવશે અને બાળીને રાખ કરી દેવામાં આવશે.’” આ યહોવાના વચન છે.
11 “વળી યહૂદિયાના રાજા દાઉદના વંશજને યહોવા કહે છે:
‘ધ્યાનથી સાંભળ!
12 હે દાઉદના ઘર, હંમેશા ન્યાય કરો,
જે માણસ જુલ્મીઓના હાથે લૂંટાઇ ગયો છે
તેને તેના હાથમાંથી છોડાવ,
નહિ તો તારાં દુષ્ટકૃત્યોને કારણે
મારો રોષ ભભૂકી ઊઠશે
અને મારો ગુસ્સો જે અગ્નિ જેવો છે
તે હોલવ્યા વગર ભડભડયા કરશે.’
13 “અરે, હે યરૂશાલેમ
હું તારી વિરુદ્ધ થઇ ગયો છું.
ખીણ પર ઝઝૂમતા ખડકની ધારે બેઠેલું
તું એમ કહે છે કે,
‘કોણ મારા પર હુમલો કરી શકે એમ છે,
કોણ મારા ગઢમાં પ્રવેશી શકે એમ છે’”
આ યહોવાના વચન છે.
14 “પરંતુ તારા પાપી કૃત્યોની ઘટતી સજા હું તને કરીશ.
એમ યહોવા કહે છે:
હું જંગલમાં અગ્નિ સળગાવીશ અને તે પોતાના માર્ગમાં આવનાર
સર્વને મહેલ સહિત બાળીને ભસ્મિભૂત કરી નાખશે.”
ઈસુ ખ્રિસ્તનું બલિદાન પાપ નિવારણ માટે
23 આ બધી વસ્તુઓ આકાશમાં છે તે જ સાચી વસ્તુઓની નકલ હતી. અને તે બધાને પશુઓના રક્ત વડે શુદ્ધ કરવામાં આવતી હતી. પરંતુ આકાશની વસ્તુઓને વધારે સારા બલિદાન વડે શુદ્ધ કરવાની જરુંર હતી. 24 વળી ખરેખર નમૂના પ્રમાણે માનવે બનાવેલ પવિત્રસ્થાનમાં ખ્રિસ્ત પ્રવેશ્યો નહિ, પરંતુ ખ્રિસ્ત આકાશમાં દેવની હજૂરમાં ગયો જેથી આપણને મદદ કરી શકે.
25 આ સૌથી વધુ પવિત્રસ્થાનમાં પ્રમુખયાજક વર્ષમાં એક જ વાર પ્રવેશે છે. તે પોતાની સાથે દેવને અર્પણ કરવા રક્ત લાવે છે. પરંતુ ખ્રિસ્તની માફક તે પોતાનું રક્ત અર્પણ કરતો નથી. ખ્રિસ્ત તો આકાશમાં સીધાવ્યો પણ તેને બીજા પ્રમુખ યાજકની માફક વારંવાર રક્ત અર્પણ કરવાની જરૂર રહી નહી. 26 જો એમ હોત તો ખ્રિસ્તને જગતની શરુંઆતથી વારંવાર મરણ સહન કરવું પડ્યું હોત. પરંતુ સદાને માટે પાપનું સામથ્યૅ નષ્ટ કરવા તેણે એક જ વાર પોતાનું બલિદાન આપ્યું.
27 જેમ માણસ એક જ વાર મરણ પામે છે અને પછી તેનો ન્યાયથાય તેવું નિર્માણ થયેલું છે. 28 તેમ ખ્રિસ્તે પણ ઘણા લોકોના પાપ પોતાને માથે લેવા એક જ વખતે બલિદાન આપ્યું અને હવે તે લોકોના પાપ માટે નહિ પરંતુ જેઓ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે તેમનો ઉદ્ધાર કરવા ખ્રિસ્ત બીજી વખત આવનાર છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International