Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ!
હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!
2 હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ,
અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ.
3 યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.
4 પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે;
અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
5 હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ;
હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.
17 યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક
અને દયાથી ભરપૂર છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે;
તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.
19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે;
સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.
20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે;
પણ દુષ્ટોનો નાશ કરે છે.
21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ;
તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે!
યાજક યહોશુઆને મુગટ મળે છે
9 મેં યહોવાનો સંદેશો સાંભળ્યો જે નીચે પ્રમાણે છે; 10 “બાબિલથી હેલ્દાય, ટોબિયા અને યદાયામાં યહૂદી બંદીવાનોએ આણેલી ભેટસોગાદો લઇ તે જ દિવસે તું સફાન્યાના પુત્ર યોશિયાને ઘેર જા. 11 અને તેણે આપેલાં ચાંદી અને સોનું લઇ એક મુગટ ઘડાવી તે મુખ્યયાજક યહોસાદાકના પુત્ર યહોશુઆના માથે મૂકજે. 12 અને તેને કહેજે કે, સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે.
‘આ રહ્યો એ માણસ જેનું નામ “શાખા” છે.
અને એ જ્યાં છે ત્યાં ફૂલશેફાલશે
અને યહોવાનું મંદિર ફરી બંધાવશે.
13 એ જ યહોવાનું મંદિર ફરી બંધાવશે, કીર્તિ પામશે,
પોતાના રાજ્યાસન પર બેસશે
અને રાજવી અધિકારથી અમલ ચલાવશે.
તેના રાજસિંહાસનની બાજુમાં તેને મદદગાર તરીકે
અને શાંતિથી સાથે કામ કરવા યાજક ઊભા રહેશે.’
14 પછી એ મુગટ હેલ્દાય, ટોબિયા, યદાયા અને સફાન્યાના પુત્ર હેનની યાદગીરી તરીકે યહોવાના મંદિરમાં રહેશે.”
15 દૂરદૂરથી માણસો આવીને યહોવાનું મંદિર બાંધવામાં મદદ કરશે, અને ત્યારે તમને ખાતરી થશે કે સૈન્યોનો દેવ યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. જો તમે તમારા દેવ યહોવાની આજ્ઞાનું પાલન કરશો તો આ બધું સાચું પડશે.
પાઉલે કરેલો બચાવ
10 હાકેમે પાઉલને બોલવા માટે ઇશારો કર્યો. તેથી પાઉલે જવાબ આપ્યો. “નામદાર હાકેમ ફેલિકસ, હું જાણું છું કે આ દેશનો તું લાંબા સમય સુધી ન્યાયાધીશ રહ્યો છે. તેથી હું ખુશીથી મારો બચાવ મારી જાતે તારી સમક્ષ રજૂ કરું છું. 11 હું ફક્ત બાર દિવસ પહેલા જ યરૂશાલેમમાં ભજન કરવા ગયો. તું તારી જાતે જ શોધી શકે છે કે આ સાચું છે. 12 આ યહૂદિઓ જે મારા પર તહોમત મૂકે છે તેઓએ મને મંદિરમાં કોઇની સાથે દલીલ કરતા જોયો નથી. મેં સભાસ્થાનોમાં કે બીજી કોઇ શહેરની જગ્યાએ લોકોને ભેગા કરીને ઉશ્કેર્યા નથી. 13 આ યહૂદિઓ મારી સામે કોઇ આક્ષેપો સાબિત કરી શકે તેમ નથી. તેઓ હવે મારી વિરૂદ્ધ બોલે છે.
14 “પણ હું તને આ કહીશ. હું અમારા પૂર્વજોના દેવની ભક્તિ, ઈસુના માર્ગના શિષ્યો તરીકે કરું છું. યહૂદિઓ કહે છે કે ઈસુનો સાચો માર્ગ નથી. પણ મને મૂસાના નિયમશાસ્ત્રમાં શીખવેલ પ્રત્યેક વાતોમાં વિશ્વાસ છે. અને પ્રબોધકોનાં પુસ્તકોમાં જે લખાણ છે તે બધી વસ્તુઓમાં પણ મને વિશ્વાસ છે. 15 યહૂદિઓને દેવમાં આશા છે તે જ આશા મને છે. અને યહૂદિઓમાં અહી બધાજ ન્યાયી, અન્યાયી પુનરુંત્થાન પામશે. 16 તેથી હું હંમેશા મને જેમાં વિશ્વાસ છે તે કરવા પ્રયત્ન કરું છું. તે દેવ અને માણસો સમક્ષ સાચું છે એમ માનીને તેમ કરવા પ્રયત્ન કરું છું.
17-18 “હું ઘણાં વર્ષોથી યરૂશાલેમથી દૂર હતો. તેથી હું મારા લોકો જે ગરીબ છે અને બલિદાનો અર્પણ કરે છે. તેમને લેવા પાછો આવ્યો છું. જ્યારે કેટલાએક યહૂદિઓએ મને મંદિરમાં જોયો ત્યારે હું આ કરતો હતો. મેં શુદ્ધિકરણનો ઉત્સવ પૂર્ણ કર્યો. ત્યાં મારી આજુબાજુ કોઇ ટોળું ન હતું. અને મેં કોઇ જાતની ગરબડ ઊભી કરી ન હતી. 19 પણ આસિયાના કેટલાએક યહૂદિઓ ત્યાં હતા. તેઓએ અહીં તારી સમક્ષ ઊભા રહેવું જોઈએ. જો મેં ખરેખર કોઇ ખોટું કર્યુ હોય તો આસિયાના પેલા યહૂદિઓ જે છે તેણે મારા પર તહોમત મૂકવું જોઈએ. તેઓ ત્યાં હતા! 20 જ્યારે હું યરૂશાલેમમાં યહૂદિઓની ન્યાયસભામાં ઊભો હતો ત્યારે તેઓએ મારામાં કશું ખોટું જોયું હોય તો આ યહૂદિઓને અહીં પૂછો. 21 જ્યારે હું તેની આગળ ઊભો ત્યારે મેં એક વાત જરુંર કરી. મેં કહ્યું, ‘તુ આજે મારો ન્યાય કરે છે કારણ કે મને વિશ્વાસ છે કે લોકો મૃત્યુમાંથી પુનરુંત્થાન પામશે!’”
22 ફેલિકસ ઈસુના માર્ગ વિષે લગભગ ઘણું બધું સમજ્યો. તેણે ન્યાયનું કામ બંધ રખાવી અને કહ્યું, “જ્યારે સરદાર લુસિયાસ અહીં આવશે ત્યારે હું આ બાબતનો નિર્ણય કરીશ.” 23 ફેલિકસે લશ્કરના અમલદારને પાઉલને રક્ષણમાં રાખવા કહ્યું. પણ તેણે અમલદારને થોડીક સ્વતંત્રતા આપવા કહ્યું. અને પાઉલના મિત્રોને પાઉલની જરુંરિયાતની વસ્તુઓ લાવી આપવાની છૂટ આપવા કહ્યું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International