Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 145:1-5

દાઉદનું ગીત.

હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ!
    હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!
હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ,
    અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ.
યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
    તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.
પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે;
    અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ;
    હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.

ગીતશાસ્ત્ર 145:17-21

17 યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક
    અને દયાથી ભરપૂર છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે;
    તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.
19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે;
    સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.
20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે;
    પણ દુષ્ટોનો નાશ કરે છે.
21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ;
    તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે!

ઝખાર્યા 1:1-17

યહોવા પોતાના લોકોને પાછા લાવવા ઇચ્છે છે

દાર્યાવેશના અમલના બીજા વર્ષના આઠમા મહિનામાં પ્રબોધક ઇદૃોના પુત્ર બેરેખ્યાના પુત્ર ઝખાર્યા દ્વારા યહોવાનો સંદેશો મળ્યો હતો.

તું એ લોકોને કહે કે, યહોવા તમારા પિતૃઓ પર રોષે ભરાયો હતો; તેથી તું તેઓને કહે કે, સૈન્યોના દેવ યહોવા કહે છે કે, જો તમે પાછા મારે શરણે આવો તો હું તમારી પાસે આવીશ.

તમે તમારા વડીલો જેવા ન થશો, જેઓને પહેલાના પ્રબોધકોએ સાદ પાડીને કહ્યું હતું કે, “સૈન્યોનો દેવ યહોવા તમને તમારાં ખોટા માર્ગોથી અને દુષ્કૃત્યોથી પાછા વાળવા માગે છે. પણ તેમણે ન તો મારું સાંભળ્યું કે ન તો મારા કહેવા પર ધ્યાન આપ્યું.

“તમારા એ પિતૃઓ આજે ક્યાં છે? અને એ પ્રબોધકો કઇં અમર થોડા જ છે? પરંતુ મેં મારા સેવકો પ્રબોધકો મારફતે આપેલી આજ્ઞાઓ અને ચેતવણીઓની અવગણના કરવાથી તમારા પિતૃઓએ અચાનક તેની સજા ભોગવવી પડી. આથી તેઓ નરમ પડ્યા અને કહ્યું, ‘સૈન્યોનો દેવ યહોવાએ આપણને શિક્ષા કરી આપણા વર્તાવ અને કૃત્યોને કારણે આપણી સાથે જે રીતે વર્તવા ધાર્યું હતું તે રીતે તે ર્વત્યા છે.’”

ચાર ઘોડાઓ

દાર્યાવેશના બીજા વર્ષના અગિયારમા મહિનાની, એટલે શબાટ મહિનાની, ચોવીસમી તારીખે ઇદ્દોના પુત્ર બેરેખ્યાના પુત્ર ઝખાર્યા પ્રબોધકની પાસે યહોવાએ બીજો સંદેશો આપ્યો.

તે એ કે મને રાત્રે સંદર્શન થયું, એક માણસ રાતા ઘોડા પર સવાર થયેલો હતો. તે એક ખીણમાં મેંદીના છોડ વચ્ચે ઊભો હતો, અને તેની પાછળ બીજા રાતા; કાબરચીતરા અને સફેદ ઘોડાઓ હતા, હું બોલી ઊઠયો. “આ શું છે, મારા યહોવા?”

એટલે તે દેવદૂતે મને કહ્યું, “એ શું છે એ હું તને જણાવીશ.”

10 ત્યારબાદ મેંદી વચ્ચે ઊભેલા માણસે ઉત્તર આપ્યો, “એમને તો યહોવાએ પૃથ્વી પર ફરીને શું ચાલે છે તે જોવા મોકલેલા છે.”

11 અને તેણે મેંદીના છોડ વચ્ચે ઊભેલા યહોવાના દેવદૂતને કહ્યું, “અમે આખી પૃથ્વીની ચારેતરફ ફરી આવ્યાં છીએ અને સાચે જ આખી દુનિયા શાંતિમાં છે.”

12 ત્યારે યહોવાનો દેવદૂત બોલ્યો, “હે સૈન્યોનો દેવ યહોવા, સિત્તેર વર્ષથી તમે યરૂશાલેમ અને યહૂદિયાના શહેરો ઉપર રોષે ભરાયેલા છો. ક્યાં સુધી તમે એમના પર દયા નહિ કરો?”

13 ત્યારે મારી સાથે વાત કરનાર દૂતને યહોવાએ મમતા અને આશ્વાસનભર્યા શબ્દોમાં જવાબ આપ્યો,

14 અને તે દેવદૂતે મને કહ્યું: તું જાહેર કર કે, સૈન્યોનો દેવ યહોવા એમ કહે છે કે,

“મને યરૂશાલેમ અને સિયોન ઉપર એકનિષ્ઠ પ્રેમ છે.
15     જે બીજી પ્રજાઓ સુરક્ષિત પડેલી છે
તેઓના પર હું ખૂબ રોષે ભરાયો છું,
    મેં મારા લોકો પર થોડો ક્રોધ કર્યો
    અને એનો લાભ ઉઠાવી તે પ્રજાઓએ ખૂબજ અત્યાચારો કર્યા.”
16 તેથી યહોવા કહે છે કે, “હું ફરીથી યરૂશાલેમ પર
    દયા દર્શાવીશ અને મારું મંદિર ત્યાં જરૂર બંધાશે,
    અને યરૂશાલેમમાં ત્યાં ફરી બાંધકામ શરૂ થશે.”

17 ફરીથી પોકારીને સૈન્યોનો દેવ યહોવા જાહેર કરે છે,
    “મારા નગરો ફરીથી પ્રગતિ કરશે અને ચોતરફ વૃદ્ધિ પામશે;
અને હજી પણ યહોવા સિયોનને દિલાસો આપશે,
    ને હજી પણ તે યરૂશાલેમને પસંદ કરશે.”

પ્રેરિતોનાં કૃત્યો 22:22-23:11

22 જ્યારે પાઉલે બિનયહૂદિ લોકો પાસે જવાની છેલ્લી વાત કરી ત્યારે લોકોએ ધ્યાનથી સાંભળવાનું બંધ કર્યુ. તેઓ બધાએ બૂમો પાડી, “તેને મારી નાખો! તેને પૃથ્વી પરથી દૂર કરો! આવા માણસને જીવતો રહેવા દેવો ના જોઈએ!” 23 તેઓએ બૂમો પાડી અને તેઓના ડગલા ફેંકી દીધા. તેઓએ હવામાં ધૂળ ફેંકી. 24 પછી સરદારે સૈનિકોને પાઉલને લશ્કરના મકાનમાં લઈ જવા કહ્યું. તેણે પાઉલને મારવા માટે સૈનિકોને કહ્યું. તે પાઉલ પાસે કહેવડાવવા ઈચ્છતો હતો કે લોકો શા માટે આમ તેની વિરૂદ્ધ બૂમો પાડતા હતા. 25 તેથી સૈનિકો પાઉલને બાંધીને મારવાની તૈયારી કરતા હતા. પણ પાઉલે લશ્કરી સૂબેદારને કહ્યું, “શું તમને જે દોષિત સાબિત થયેલ નથી તે રોમન નાગરિકને મારવાનો અધીકાર છે?”

26 જ્યારે સૂબેદાર આ સાંભળ્યું, તે સરદાર પાસે ગયો. તે સરદારે કહ્યું, “તું શું કરે છે તે તું જાણે છે? આ માણસ રોમન નાગરિક છે!”

27 સરદાર પાઉલ પાસે આવ્યો અને પૂછયું, “શું તું રોમન નાગરિક છે?”

પાઉલે જવાબ આપ્યો, “હા.”

28 સરદારે કહ્યું, “મેં રોમન નાગરિક થવા માટે ઘણા પૈસા આપ્યા છે.”

પણ પાઉલે કહ્યું, “હું તો જન્મથી જ રોમન નાગરિક છું.”

29 ત્યારે જેઓ તેને પ્રશ્રો કરવાની તૈયારીમાં હતા. તેઓ તરત પાઉલને મૂકીને જતા રહ્યા. તે સરદારને ભય હતો કારણ કે તેણે પાઉલને સખત બાંધ્યો હતો અને પાઉલ એક રોમન નાગરિક હતો.

યહૂદિ આગેવાનો સમક્ષ પાઉલનું વક્તવ્ય

30 બીજે દિવસે યહૂદિઓ પાઉલની વિરૂદ્ધ શા માટે બોલતા હતા. તેનું કારણ જાણવા માટે સરદારે નક્કી કર્યુ. તેથી તેણે મુખ્ય યાજકોને અને યહૂદિઓની ન્યાયસભાને હાજર થવા હુકમ કર્યો. તે સરદારે પાઉલની સાંકળો છોડી. પછી તે પાઉલને બહાર લાવ્યો અને તેઓની સભા આગળ પાઉલને ઊભો રાખ્યો.

23 પાઉલે યહૂદિઓની ન્યાયસભાની સભા તરફ જોઈને કહ્યું, “ભાઈઓ, હું મારું જીવન દેવ સમક્ષ શુદ્ધ અંત:કરણથી જીવ્યો છું, હંમેશા મને જે સાચું લાગ્યું હતું તે જ મેં કર્યુ છે.” અનાન્યા પ્રમુખ યાજક ત્યાં હતો. અનાન્યાએ પાઉલને સાંભળ્યો અને જે માણસો પાઉલની નજીક ઊભા હતા તેઓને તેના મોં પર મારવા કહ્યું. પાઉલે અનાન્યાને કહ્યું, “દેવ તને પણ મારશે. તું એક ગંદી દિવાલ જેવો છે જે સફેદ ધોળેલી છે. તું ત્યાં બેસે છે અને મારો ન્યાય મૂસાના નિયમશાસ્ત્રનો ઉપયોગ કરીને કરે છે. પણ તું તેઓને મને મારવાનું કહે છે અને તે મૂસાના નિયમની વિરૂદ્ધ છે.”

પાઉલની નજીક ઊભેલા તે માણસોએ તેને કહ્યું, “તું દેવના પ્રમુખ યાજકને આવું કહી શકે નહિ. તું એનું અપમાન કરે છે.”

પાઉલે કહ્યું, “ભાઈઓ, એ પ્રમુખ યાજક છે તે હું જાણતો નહોતો. તે ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે, કે ‘તમારે તમારા લોકોના અધિકારી વિષે ખરાબ બોલવું જોઈએ નહિ.’(A)

સભામાંના કેટલાએક માણસો સદૂકિઓ અને બીજા કેટલાએક ફરોશીઓ હતા. તેથી પાઉલને વિચાર આવ્યો. તેણે તેઓના તરફ બૂમ પાડી, “મારા ભાઈઓ, હું ફરોશી છું અને મારા પિતા પણ ફરોશી હતા. હું અહીં કસોટી પર છું કારણ કે મને આશા છે કે લોકો મૃત્યુમાંથી ઉઠશે!” જ્યારે પાઉલે આમ કહ્યું, ત્યાં ફરોશીઓ અને સદૂકિઓની વચ્ચે એક મોટી તકરાર થઈ. સમૂહમાં ભાગલા પડ્યા હતા.

7-8 (સદૂકિઓ માનતા હતા કે મૃત્યુ પછી લોકો ફરીથી જીવતા થઈ શકે નહિ. સદૂકિઓ શીખવે છે કે દૂત અથવા આત્મા પણ નથી. પરંતુ ફરોશીઓ આ બધી વસ્તુઓમાં માને છે.) આ બધા યહૂદિઓએ વધારે મોટા સાદે બૂમો પાડવાની શરૂઆત કરી, શાસ્ત્રીઓ અને કેટલાએક જે ફરોશીઓ હતા તેઓ ઊભા થયા અને દલીલો કરી, “અમને આ માણસમાં કંઈ ખોટું જોવા મળ્યું નથી! દમસ્કના રસ્તા પર કદાચ દૂતે કે આત્માએ તેને કંઈ કહ્યું હોય!”

10 દલીલોમાંથી તકરાર શરૂ થઈ. સરદારને બીક હતી કે યહૂદિઓ પાઉલના ટુકડે ટુકડા કરશે. તેથી સરદારે સૈનિકોને નીચે જવાનું કહ્યું અને આ યહૂદિઓ પાસેથી પાઉલને દૂર લઈ જઈને લશ્કરના કિલ્લામાં લઈ જવા માટે કહ્યું.

11 બીજી રાત્રે પ્રભુ ઈસુ આવ્યો અને પાઉલની બાજુમાં ઊભો રહ્યો. તેણે કહ્યું, “હિંમત રાખ! તેં યરૂશાલેમમાં લોકોને મારા વિષે કહ્યું છે. તારે રોમમાં પણ ત્યાંના લોકોને મારા વિષે કહેવા માટે જવાનું છે!”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International