Revised Common Lectionary (Semicontinuous)
હબાક્કુકની દેવ સમક્ષ ફરિયાદ
1 દેવે હબાક્કુક પ્રબોધકને સંદર્શન દ્વારા આપેલો સંદેશો:
2 હે યહોવા, ક્યાં સુધી હું તમને બોલાવ્યા કરું અને તમે સાંભળો જ નહિ, “હિંસા” આ હિંસા માટે હું પોકાર કરું છું, તો પણ તમે મને બચાવતા નથી. 3 તું શા માટે મને આવા અન્યાયનો સાક્ષી બનાવે છે, અને શા માટે આવાં દુષ્કૃત્યો સહી લે છે? મારી આંખ સામે જ વિનાશ અને હિંસા ઝઘડા અને ટંટા થઇ રહ્યાં છે; 4 અને કાયદાનો અમલ થતો નથી, તેથી કદી અદલ ન્યાય મળતો નથી; સદાચારી લોકોને દુષ્ટ લોકોએ ઘેરી લીધા છે; તેથી કુટિલ ન્યાય થાય છે.
2 “હવે હું મારી ચોકી પર ઊભો રહીશ,
ને બુરજ પર ઊભો રહીને જોયાઁ કરીશ કે તે મારી સાથે શું બોલે છે,
ને તે મને ઠપકો આપે ત્યારે તે શું જવાબ આપશે?”
હબાક્કુકને દેવનો જવાબ
2 ત્યારે યહોવાએ મને કહ્યું, “હું તને જે કંઇ કહું તે તકતી ઉપર ચોખ્ખા અક્ષરે એવી રીતે લખી નાખ, જેથી કોઇ પણ તે સહેલાઇથી વાંચી શકે; 3 આજે હું જે બધી યોજનાઓ તને કહું છું તે નક્કી કરેલા સમય માટે છે. આ સંદર્શન અંત માટે કહે છે, તે ખોટું પડશે નહિ. જો તે વધારે સમય લે છે એમ લાગે તો રાહ જોજે, કારણ કે આ બાબતો અચૂક બનશે જ. મોડું નહિ થાય. 4 ગવિર્ષ્ઠ માણસ તરફ જુઓ, તેનો આત્મા તેનામાં પ્રામાણિક નથી; પરંતુ સાચો ન્યાયી માણસ તેની વફાદારીને કારણે જીવશે.”
સાદે
137 હે યહોવા, તમે ન્યાયી છો,
તમારા ન્યાયવચનો યથાર્થ છે.
138 તમે તમારા સાક્ષ્યો અમને આપ્યા,
ખરેખર અમે તેમનો વિશ્વાસ કરી શકીએ.
139 તમારા માટેનો મારો ઉત્સાહ મને ક્ષીણ કરી રહ્યો છે,
કારણ મારા શત્રુઓ તમારા નિયમોને ભૂલી ગયાં છે.
140 તમારા શબ્દો તદૃન નિર્મળ છે;
અને તેથી આ તમારો સેવક તમારા શબ્દોને ચાહે છે.
141 જો કે હું યુવાન છું અને લોકો મને માન આપતાં નથી,
હું તમારા શાસનોને કદી ભૂલી જતો નથી.
142 તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે;
તમારો નિયમ સાચા અને વિશ્વસનીય છે.
143 મને ઉપાધિઓ અને આપત્તિઓએ જકડી લીધો છે.
પરંતુ તમારી આજ્ઞામાં મારી પ્રસન્નતા રહે છે.
144 તમારા સાક્ષ્યો સદાકાળ ન્યાયયુકત છે,
માટે મને સમજણ આપ, જેથી હું જીવતો રહીશ.
1 પાઉલ, સિલ્વાનુસ અને તિમોથી તરફથી થેસ્સલોનિકામાં રહેતી મંડળીને કુશળતા હો.
તમે લોકો આપણા દેવ બાપ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આઘિન છો.
2 દેવ બાપ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમારા પર કૃપા તથા શાંતિ થાઓ.
3 અમે તમારા માટે હમેશા દેવની આભારસ્તુતિ કરીએ છીએ. અને અમારે તેમ કરવું જોઈએ કારણ કે તેમ કરવું યથાર્થ છે. તે યથાર્થ છે કારણ કે તમારા બધાનો વિશ્વાસ અને એકબીજા માટેનો પ્રેમ દિનપ્રતિદિન વધી રહ્યો છે. 4 તેથી બીજી દેવની મંડળીઓ આગળ અમે તમારાં વખાણ કરીએ છીએ. અમે કહીએ છીએ કે કઈ રીતે તમે તમારા વિશ્વાસમાં દૃઢ બનવાનું ટકાવી રાખ્યું છે. તમારી ઘણી રીતે સતાવણી કરવામાં આવી છે, અને ઘણી મુશ્કેલીઓ તમે સહન કરી છે પરંતુ નિષ્ઠા પ્રતિ તમે અચળ રહ્યાં છો.
11 તેથી અમે હમેશા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ કે તમને જીવવા મળેલ તેડાને યોગ્ય થઈ ચાલો માટે દેવ તમને સહાય કરે. તમારામાં રહેલું સૌજન્ય તમને સારું કાર્ય કરવા પ્રેરે છે અને તમારો વિશ્વાસ તમને કર્તવ્યનિષ્ઠ બનાવે છે. અને અમે પ્રાર્થના કરીએ છીએ કે દેવનું સાર્મથ્ય તમને આમ વધુ ને વધુ કરવા માટે મદદરૂપ બનો. 12 અમે આ બધા માટે પ્રાર્થના કરીએ છીએ કે જેથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ તમારામાં મહિમાવાન થાય. અને તેના થકી તમે મહિમાવાન બનો. આ મહિમા આપણા દેવ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી પ્રાપ્ત થાય છે.
જાખ્ખી
19 ઈસુ યરેખોના શહેરમાં થઈને જતા હતો. 2 યરેખોમાં જાખ્ખી નામનો માણસ રહેતો હતો. તે ઘણો શ્રીમંત અને કર ઉઘરાવનાર મુખ્ય માણસ હતો. 3 તેણે પણ ઈસુને જોવાની ઈચ્છા હતી. ત્યાં બીજા ઘણા લોકો હતા તેઓની ઈચ્છા પણ ઈસુને જોવાની હતી. જાખ્ખી એટલો ઠીંગણો હતો કે લોકોની ભીડમાં જોઈ શકતો નહિ. 4 તેથી ઈસુ જે જગ્યાએ આવવાનો હતો તે જાણીને તે ત્યાં દોડી ગયો. પછી જાખ્ખી એક ગુલ્લરના ઝાડ પર ચડ્યો જેથી તે ઈસુને જોઈ શકે.
5 જ્યારે ઈસુ તે જગ્યાએ આવ્યો ને ઊચે જોયું તો ત્યાં ઝાડ પર જાખ્ખીને જોયો. ઈસુએ તેને કહ્યું કે, “જાખ્ખી, જલદી નીચે આવ! હું આજે તારે ઘેર રહેવાનો છું.”
6 પછી જાખ્ખી જલ્દી નીચે આવ્યો. ઈસુને તેને ઘેર આવકારીને તે ખુશ થયો. 7 બધા લોકોએ આ જોયું. તેઓએ ફરિયાદ કરવાની શરુંઆત કરી. “જુઓ, ઈસુ કેવા માણસ સાથે રહે છે. જાખ્ખી એક પાપી છે!”
8 જાખ્ખીએ પ્રભુને કહ્યું, “હું સારું કરવા ઈચ્છું છું. હું મારી સંપત્તિનો અડધો ભાગ ગરીબોને આપીશ. જો કોઈ વ્યક્તિને છેતરી હશે તો હું તેને ચારગણું વધારે પાછું આપીશ!”
9 ઈસુએ કહ્યું કે, “આ એક સજ્જન માણસ છે. સાચે જ તે ઈબ્રાહિમના પરિવારનો છે. તેથી આજે જાખ્ખીનું તેનાં પાપોમાંથી તારણ થયું છે! 10 માણસનો દીકરો ખોવાયેલા માણસોને શોધવા અને તેઓને તારવા આવ્યો છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International