Revised Common Lectionary (Semicontinuous)
23 હે સિયોનના લોકો, ખુશ થાઓ,
તમારા યહોવા દેવના નામે આનંદ કરો;
કારણકે તે તમારી સાથેના સંબંધના
પ્રસ્થાપનના ચિહનરૂપે શરદઋતુનાં વરસાદો મોકલી રહ્યો છે.
તે તમારા માટે વરસાદ વરસાવશે.
ફરીથી, તે વસંત અને શરદઋતુમાં વરસાદ વરસાવશે.
24 ફરી ખળીઓ ઘઉંથી ભરાઇ જશે
અને કુંડો જૈતતેલ અને દ્રાક્ષારસથી ઊભરાશે.
25 “મેં મારું મહાન વિનાશક તીડોનું લશ્કર તમારી વિરૂદ્ધ મોકલ્યું હતું-સામૂહિક તીડો,
ફુદકતાં તીડો, વિનાશક તીડો, અને કાપતાં તીડો.
તેમના દ્વારા નષ્ટ થયેલો પાક હું તમને પાછો આપીશ.
26 તમે ચોક્કસ ઘરાઇને ખાશો
અને યહોવા દેવના નામની સ્તુતિ કરશો;
જે તમારી સાથે અદ્ભૂત રીતે ર્વત્યા છે
અને મારા લોકો ફરી કદી લજ્જિત નહિ થાય.
27 પછી તમને ખબર પડશે કે,
હું ઇસ્રાએલમાં છું, ને હું તમારો દેવ યહોવા છું,
ને બીજું કોઇ નથી;
અને મારા લોકો કદી લજ્જિત થશે નહિ.”
બધાં લોકોને પોતાનો આત્મા આપવાની દેવની પ્રતિજ્ઞા
28 “ત્યાર પછી,
હું મારો આત્મા બધા લોકો પર રેડીશ.
તમારા પુત્રો અને પુત્રીઓ પ્રબોધ કરશે,
તમારા ઘરડાંઓ સ્વપ્નો જોશે
અને યુવાનોને સંદર્શનો થશે.
29 વધુમાં, તે સમયે હું મારો આત્મા તમારા દાસો
અને દાસીઓ ઉપર રેડીશ.
30 વળી હું પૃથ્વી પર અને આકાશમાં આશ્ચર્યજનક નિશાનીઓ મૂકીશ,
લોહી અને અગ્નિ તથા ધુમાડાના સ્તંભો
31 યહોવાનો મહાન અને ભયંકર દિવસ આવે
તે પહેલાઁ સૂર્ય અંધકારરૂપ
અને ચંદ્ર લોહીરૂપ થઇ જશે.
32 તે સમયે એમ થશે કે, જે કોઇ યહોવાને બોલાવશે તે ભાગી જશે,
કારણ, યહોવાએ કહ્યું હતું કે,
યરૂશાલેમમાં અને સિયોન પર્વત પર દીર્ધજીવીઓ થશે,
અને યરૂશાલેમમાં બાકી રહેલાઓમાંથી જેને યહોવા બોલાવે.
તેઓ ઉગરી જશે.
નિર્દેશક માટે. પ્રશંસાનું દાઉદનું ગીત.
1 હે દેવ, સિયોનમાં અમે તમારી સ્તુતિ કરતાં શાંતપણે વાટ જોઇએ છીએ;
અને અમે અમારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીએ છીએ.
2 તમે હંમેશા લોકોની પ્રાર્થનાઓ સાંભળો છો,
અને તેથી બધાં તમારી પાસે પ્રાર્થના સાથે આવશે.
3 અમારા પાપો અમારા માટે ખૂબ ભારે બન્યાં છે,
પણ તમે સર્વ પાપોને ભૂંસી નાંખો છો.
4 તેઓ કે જેઓને તમારા પવિત્ર મંડપનાં આંગણાઓમાં
તમારી નજીક પહોંચવા તમે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે.
તમારા ઘરની, એટલે તમારા પવિત્ર મંદિરની
સારી વસ્તુઓથી અમે તૃપ્ત થયા છીએ.
5 હે અમારા તારણનાં દેવ, ન્યાયીકરણથી
તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર દેશો;
તમે પૃથ્વીની સર્વ સીમાઓના તથા દૂરનાં સમુદ્રો સુધી,
તમે સર્વ માનવ જાતનાં એકમાત્ર આશ્રય છો.
6 દેવે તેમની અદભૂત શકિતથી પર્વતો રચ્યાં.
તેઓ સાર્મથ્યથી સુસજજીત હતા.
7 તોફાની “સમુદ્રોને” અને મોજાઓની ગર્જનાને,
તથા લોકોનાં હુલ્લડને તમે શાંત કરો છો.
8 આખી પૃથ્વી પરના લોકો દેવનાં મહિમાવંત કાર્યો નિહાળશે, અને આશ્ચર્ય પામશે.
સૂર્યનાં ઉદય અને અસ્તનાં સ્થળોએ તમે આનંદનાં ગીતો ગવડાવશો.
9 તમે એ છો જે પૃથ્વીની સંભાળ લે છે
અને ભૂમિને પાણી આપે છે.
દેવની નદી પાણીથી ભરેલી છે
જેથી તેના લોકોને સારી ફસલ મળે.
10 તમે ખેતરનાં ચાસોને
વરસાદનું પાણી આપો છો,
વરસાદનાં ઝાપટાંથી તમે ભૂમિને નરમ કરો છો,
અને તેમાં થતી ફસલને આશીર્વાદ આપો છો.
11 તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો.
તમે ઋતુઓના ચક્રને ખૂબ વિપુલતાથી પૂર્ણ કરો છો.
12 વેરાન ખેતરો ઘાસથી ભરાઇ ગયા છે
અને ઘાસથી ભરેલી ટેકરીઓ આનંદથી ભરાઇ ગઇ છે.
13 વળી ઘાસનાં બીડો ઘેટાઓના ટોળાથી ઢંકાઇ જાય છે,
અને ખીણો ભરપૂર અનાજના પાકથી ઢંકાયેલી છે;
આખી પૃથ્વી હર્ષનાદનાં પોકાર કરે છે.
અને હા, તેઓ ગીતો ગાય છે.
6 કેમ કે હું અત્યારે પેયાર્પણ તરીકે રેડાઉં છું. અને મારો પ્રયાણકાળ પાસે આવી ગયો છે. 7 હું સારી લડાઇ લડ્યો છું. મેં દોડ પૂરી કરી છે. મેં વિશ્વાસ રાખ્યો છે. 8 હવે મારે સાંરું ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તેથી એ મુગટ મને મળશે કારણ કે હું દેવ સાથે ન્યાયી છું. પ્રભુ તો એવો ન્યાયાધીશ છે કે જે યોગ્ય જ ન્યાય કરે છે. તે દિવસે પ્રભુ મને તે મુગટ આપશે. હા! તે મને મુગટ આપશે. પ્રભુના પ્રગટ થવાની ઇચ્છા રાખનારા અને તેની પ્રતિક્ષા કરનારા સર્વ લોકોને પ્રભુ તે મુગટ આપશે.
16 પહેલી વાર જ્યારે મેં મારો બચાવ કર્યો, ત્યારે મને કોઈએ મદદ ન કરી. દરેક જણ મને છોડીને ચાલ્યા ગયા હતા. મારી પ્રાર્થના છે કે દેવ તેઓને માફ કરે. 17 પરંતુ પ્રભુ મારાં પક્ષમાં ઊભો રહ્યો. બિન-યહૂદિઓને હું સુવાર્તા સંપૂર્ણ રીતે જણાવી શકું એ માટે પ્રભુએ મને પૂરતી શક્તિ આપી. સૌ બિનયહૂદિઓ તે સુવાર્તા સાંભળે એવી પ્રભુની ઈચ્છા હતી. સિંહ નાં મોઢાંમાથી મને બચાવી લેવામાં આવ્યો. 18 જ્યારે કોઇ પણ વ્યક્તિ મને ઇજા કરવાનો પ્રયત્ન કરશે ત્યારે પ્રભુ મારો બચાવ કરશે. પ્રભુ મને તેના સ્વર્ગીય રાજ્યમાં સુરક્ષિત રીતે લઈ જશે. પ્રભુનો મહિમા સર્વકાળ હો.
દેવ સાથે સારા બનવું
9 ત્યાં કેટલાએક લોકો હતા તેઓ વિચારતા કે તેઓ ઘણા સારા છે. આ લોકો એવી રીતે વર્તતા કે જાણે તેઓ બીજા લોકો કરતાં વધારે સારા છે. ઈસુએ આ વાર્તાનો ઉપયોગ તેઓને શીખવવા માટે કર્યો. 10 “એક વખત બે જણા મંદિરમાં પ્રાર્થના કરવા માટે ગયા. એક ફરોશી હતો તે અને બીજો કર ઉઘરાવનાર હતો. 11 ફરોથી કર ઉઘરાવનારથી દૂર ઊભો રહ્યો. જ્યારે ફરોશીએ તેની પ્રાર્થનામાં કહ્યું કે, ‘ઓ દેવ, હું બીજા લોકો જેટલો ખરાબ નથી, તે માટે તારો આભાર માનું છું. હું ચોરી કરનાર, છેતરનારા કે વ્યભિચાર કરનારા માણસો જેવો નથી. હું કર ઉઘરાવનાર અધિકારી કરતાં વધારે સારો છું તે માટે તારો આભારમાનું છું. 12 હું સારો છું, હું અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરું છું, અને મારી બધી કમાણીનો દશમો ભાગ આપુ છું!’
13 “જકાત ઉઘરાવનાર પણ એકલો ઊભો રહ્યો. પણ જ્યારે એણે પ્રાર્થના કરી, ત્યારે તેણે ઊચે આકાશ તરફ જોયું પણ નહિ. દાણીએ છાતી કૂટીને કહ્યું કે, ‘ઓ દેવ, મારા પર દયા કર, હું એક પાપી છું!’ 14 હું તમને કહું છું, જ્યારે આ માણસ તેની પ્રાર્થના પૂરી કરીને ઘરે ગયો, તે દેવ પાસે ન્યાયી હતો. પણ તે ફરોશી જે પોતાને બીજા કરતા વધારે સારો સમજતો હતો તે દેવ પાસે ન્યાયી ઠર્યો નહોતો. પ્રત્યેક વ્યક્તિ પોતાની જાતને મહત્વની બનાવે છે તેને નીચી કરવામાં આવશે. પણ જે વ્યકિત પોતાની જાતને નીચી કરે છે તે માનવંતી બનાવાશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International