Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 65

નિર્દેશક માટે. પ્રશંસાનું દાઉદનું ગીત.

હે દેવ, સિયોનમાં અમે તમારી સ્તુતિ કરતાં શાંતપણે વાટ જોઇએ છીએ;
    અને અમે અમારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીએ છીએ.
તમે હંમેશા લોકોની પ્રાર્થનાઓ સાંભળો છો,
    અને તેથી બધાં તમારી પાસે પ્રાર્થના સાથે આવશે.
અમારા પાપો અમારા માટે ખૂબ ભારે બન્યાં છે,
    પણ તમે સર્વ પાપોને ભૂંસી નાંખો છો.
તેઓ કે જેઓને તમારા પવિત્ર મંડપનાં આંગણાઓમાં
    તમારી નજીક પહોંચવા તમે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે.
તમારા ઘરની, એટલે તમારા પવિત્ર મંદિરની
    સારી વસ્તુઓથી અમે તૃપ્ત થયા છીએ.
હે અમારા તારણનાં દેવ, ન્યાયીકરણથી
    તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર દેશો;
તમે પૃથ્વીની સર્વ સીમાઓના તથા દૂરનાં સમુદ્રો સુધી,
    તમે સર્વ માનવ જાતનાં એકમાત્ર આશ્રય છો.
દેવે તેમની અદભૂત શકિતથી પર્વતો રચ્યાં.
    તેઓ સાર્મથ્યથી સુસજજીત હતા.
તોફાની “સમુદ્રોને” અને મોજાઓની ગર્જનાને,
    તથા લોકોનાં હુલ્લડને તમે શાંત કરો છો.
આખી પૃથ્વી પરના લોકો દેવનાં મહિમાવંત કાર્યો નિહાળશે, અને આશ્ચર્ય પામશે.
    સૂર્યનાં ઉદય અને અસ્તનાં સ્થળોએ તમે આનંદનાં ગીતો ગવડાવશો.
તમે એ છો જે પૃથ્વીની સંભાળ લે છે
    અને ભૂમિને પાણી આપે છે.
દેવની નદી પાણીથી ભરેલી છે
    જેથી તેના લોકોને સારી ફસલ મળે.
10 તમે ખેતરનાં ચાસોને
    વરસાદનું પાણી આપો છો,
વરસાદનાં ઝાપટાંથી તમે ભૂમિને નરમ કરો છો,
    અને તેમાં થતી ફસલને આશીર્વાદ આપો છો.
11 તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો.
    તમે ઋતુઓના ચક્રને ખૂબ વિપુલતાથી પૂર્ણ કરો છો.
12 વેરાન ખેતરો ઘાસથી ભરાઇ ગયા છે
    અને ઘાસથી ભરેલી ટેકરીઓ આનંદથી ભરાઇ ગઇ છે.
13 વળી ઘાસનાં બીડો ઘેટાઓના ટોળાથી ઢંકાઇ જાય છે,
અને ખીણો ભરપૂર અનાજના પાકથી ઢંકાયેલી છે;
    આખી પૃથ્વી હર્ષનાદનાં પોકાર કરે છે.
    અને હા, તેઓ ગીતો ગાય છે.

યોએલ 2:1-11

દેવ પોતાનો આત્મા રેડશે

સિયોનમાં રણશિંગડું વગાડો,
    મારા પવિત્ર પર્વત પર ભય સૂચવતો ચેતવણીનો સૂર સંભળાવો.
દેશના સર્વ લોકો, થરથરી ઊઠો,
    કારણકે યહોવાનો ન્યાયનો દિવસ આવી રહ્યો છે.
    તે છેક નજીક છે.
અંધકાર અને વિષાદનો તે દિવસ છે.
    વાદળો અને અંધકારનો દિવસ.
પર્વતો પર પથરાતા ઘાટા પડછાયા જેવું બળવાન
    અને વિશાળ સૈન્ય જેવું દેખાય છે.
એવું પહેલાં કદી બન્યું નથી કે, ભવિષ્યમાં કદી જોવા નહિ મળે,
    મોટી તથા બળવાન પ્રજા આવશે.
અગ્નિ તેમની સમક્ષ ભભૂકે છે.
    તેમની પાછળ જવાળાઓ લપકારા મારે છે.
તેમની સમક્ષની ભૂમિ આદમના બગીચા જેવી છે.
    પરંતુ તેઓની પાછળ તે ઉજ્જડ અરણ્ય જેવી છે. હા, કશું જ રહેતું નથી.
તેમનો દેખાવ ઘોડાઓના જેવો છે;
    અને જાણે ઘોડેસવાર હોય તેમ તેઓ દોડે છે.
તેઓ શિખરો પર ગડગડાટ કરતાં,
રથોની જેમ આગળ ઘસી રહ્યાં છે,
    ઘાસ બળતી જવાળાઓના લપકારાની જેમ
અને યુદ્ધભૂમિમાં શકિતશાળી
    સૈનાની જેમ આગળ વધે છે.
તેમને જોતાં પ્રજાઓ ધ્રુજી ઊઠે છે.
    ભયને કારણે સૌના ચહેરા ઉપરથી લોહી ઊડી જાય છે.

આ “યોદ્ધાઓ” પાયદળની જેમ દોડે છે,
    અને પ્રશિક્ષણ પામેલા સૈનિકોની જેમ ભીંતો ઉપર ચઢી જાય છે.
તેઓ બધા એક હરોળમાં ખસે છે
    અને તેમની હરોળથી હટતાં નથી.
તેઓ એકબીજાને ધક્કો નથી મારતાં
    અને હરોળમાં રહે છે.
જ્યારે તેઓ શસ્ત્રો સમક્ષ પડે ત્યારે,
    તેઓ ક્રમ તોડતાં નથી.
તેઓ શહેરમાં ઉમટયા છે.
    તેઓ દીવાલોની એક તરફથી બીજી તરફ દોડે છે.
તેઓ મકાનોની અંદર ચઢી જાય છે.
    અને બારીઓમાંથી ચોરની જેમ પ્રવેશે છે.
10 ધરતી તેમની આગળ ધ્રુજે છે અને આકાશ થરથરે છે,
    સૂર્ય અને ચંદ્ર કાળા પડી જાય છે અને તારાઓ તેજસ્વીતા ગુમાવે છે.
11 યહોવા તેના સૈન્યદળોને આજ્ઞાઓ આપે છે.
    તેમનું સૈન્ય મોટું છે,
અને તેમની આજ્ઞા પાળનારાઓ શકિતશાળી છે.
    યહોવાનો ન્યાયનો દિવસ ભયંકર
અને બિહામણો છે.
    એની સામે કોણ ટકી શકે?

2 તિમોથી 3:10-15

છેલ્લી સૂચનાઓ

10 પરંતુ મારા વિષે તો તું બધું જાણે છે. હું જે શીખવું છું અને જે રીતે હું રહું છું તે તને ખબર છે. મારા જીવનનો હેતું તું જાણે છે. મારો વિશ્વાસ, મારો પ્રેમ અને મારી ધીરજથી તું પરિચિત છે. હું મારો પ્રયત્ન કદીય છોડતો નથી, એ તું જાણે છે. 11 મેં જે સતાવણી અને યાતનાઓ સહન કરી છે તે વિષે તને ખબર છે. અંત્યોખ, ઈકોનિયામાં, અને લુસ્ત્રામાં મારી સાથે જે બન્યું હતું તે તું જાણે છે. એ સ્થળોએ મેં કેવી કેવી સતાવણી સહન કરી હતી, એ તને ખબર છે. પરંતુ એ બધી મુશ્કેલીઓમાં પ્રભુએ જ મારો છુટકારો કર્યો છે. 12 દરેક વ્યક્તિ દેવની ઈચ્છા મુજબ ખ્રિસ્ત ઈસુમાં જીવન સમર્પિત કરી જીવવાનો પ્રયત્ન કરશે તે દરેક વ્યક્તિની સતાવણી કરવામાં આવશે. 13 જે દુષ્ટ લોકો બીજાને છેતરે છે તે લોકો વધુ ને વધુ ખરાબ થતા જશે. તેઓ બીજા લોકોને મૂર્ખ બનાવશે, પરંતુ તેઓ પોતે પણ મૂર્ખ બનશે.

14 પરંતુ જે વાતો તું શીખ્યો છે તેને અનુસરવાનું તારે ચાલુ રાખવું જોઈએ. તું જાણે છે કે એ બધી વતો સાચી છે. તું એ બાબતો શીખવનારાઓ પર પૂરો વિશ્વાસ રાખી શકે છે એની તને ખબર છે. 15 તું બાળક હતો ત્યારનો પવિત્ર શાસ્ત્રથી પરિચિત છે. એ પવિત્રશાસ્ત્ર[a] તને વિવેકબુદ્ધિવાળો બનાવવાની ક્ષમતા ધરાવે છે અને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ દ્ધારા તારણના માર્ગે જવા એ વિવેકબુદ્ધિ તને ઉપયોગી નીવડશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International