Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 129

મંદિર ચઢવા માટેનું ગીત.

ઇસ્રાએલને કહેવા દો,
    “મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણાં દુશ્મનો હતાં.”
મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણા દુશ્મનો હતા
    પણ તેઓ મને હરાવી ન શક્યા!
પીઠ પર લાંબા અને ઊંડા કાપા પડ્યા તેટલો માર્યો,
    હળથી ખેતરમાં ચાસ પાડ્યા હોય તેમ.
પરંતુ યહોવા તો ન્યાયી છે,
    દુષ્ટ લોકોએ મને બાંધેલા દોરડાં ને (બંધનોને) તેણે કાપ્યાં છે.
સિયોનને ધિક્કારનારા બધાં અપમાનિત થાઓ
    અને હારીને ભાગી જાય.
તેઓ છાપરા ઉપર અંકુરિત થતા ઘાસ જેવા થાઓ;
    જે વૃદ્ધિ પામ્યાં પહેલા સુકાઇ જાય છે.
જેથી કાપનાર પોતાનો હાથ
    અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે,
    “યહોવાનો આશીર્વાદ તમારા પર હો!
    યહોવાના નામે અમે તમને આશિષ આપીએ છીએ.”

યર્મિયા 38:14-28

સિદકિયાએ યર્મિયાને પ્રશ્ર્ન પૂછયો

14 પછી રાજા સિદકિયાએ પ્રબોધક યર્મિયાને યહોવાના મંદિરમાં ત્રીજા દરવાજે તેડાવી મંગાવ્યો અને તેને કહ્યું, “મારે તને એક વાત પૂછવી છે; મારાથી કશું છુપાવીશ નહિ.”

15 યર્મિયાએ સિદકિયાને કહ્યું, “હું તમને સત્ય હકીકત જણાવીશ તો તું મને મારી નાખશે અને જો હું સલાહ આપુ તો પણ તું મારું સાંભળવાનો નથી.”

16 ત્યારે રાજા સિદકિયાએ ખાનગીમાં યર્મિયાને એવું વચન આપ્યું કે, “આપણને જીવન બક્ષનાર સૈન્યોનો દેવ યહોવાના સમ ખાઇને કહું છું કે, હું તને મારી નાખવા ઇચ્છતા લોકોના હાથમાં સોંપી દઇશ નહિ કે તને મારી નાખવા દઇશ નહિ.”

17 એટલે યર્મિયાએ સિદકિયાને કહ્યું, “ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાનાં આ વચન છે: ‘જો તમે બહાર જઇને બાબિલના રાજાના શરણે જશો, તો તમે તથા તમારું કુટુંબ જીવતાં રહેશો અને આ નગરને અગ્નિથી બાળી નાખવામાં આવશે નહિં. 18 પરંતુ જો તમે બહાર જઇ તેને શરણે નહિ જાઓ, તો તેઓનું સૈન્ય આ નગરને આગ લગાડશે અને તમે તેઓનાં હાથમાંથી બચવા નહિ પામો.’”

19 એટલે રાજા સિદકિયાએ યર્મિયાને કહ્યું, “મને યહૂદિયાના લોકોથી ડર લાગે છે, જેમણે બાબિલના સૈન્યની શરણાગતિ સ્વીકારી છે, મને તેમની બીક લાગે છે. કદાચ મને તેમનાં હાથમાં સોંપી દેવામાં આવે, તેઓ મારી સાથે કેવી રીતે વર્તશે તેની કોને ખબર?”

20 યર્મિયાએ પ્રત્યુત્તર આપ્યો, “તને તેમના હાથમાં સોંપવામાં નહિ આવે. જો તું કેવળ યહોવાને આધીન થશે તો તારું જીવન બચી જશે અને બધા સારા વાનાં થશે. 21 પરંતુ જો તમે બહાર જઇને તાબે થવાની ના પાડશો, તો યહોવાએ મને આવું દિવ્યદર્શન આપ્યું છે: 22 યહૂદિયાના મહેલમાં રહેતી સર્વ સ્ત્રીઓને બહાર લાવવામાં આવશે. અને તેઓને બાબિલના સૈન્યના અધિકારીઓને વહેંચી દેવામાં આવશે; તેઓ જતાં જતાં ગાય છે:

“તમારાં પરમમિત્રોએ તમને ખોટે રસ્તે દોર્યા છે,
    તેમણે તમારી પાસે પોતાનું ધાર્યું કરાવ્યું છે.
તમારા પગ કાદવમાં ફસાઇ ગયા છે.
    અને તેઓ તમને છોડીને ભાગી ગયા છે.

23 “તમારી બધી સ્ત્રીઓને અને તમારા બધાં બાળકોને બાબિલવાસીઓ સમક્ષ લઇ જવામાં આવશે, અને તમે પોતે પણ બચવા નહિ પામો; તમે પણ બાબિલના રાજાના કેદી બનશો અને આ નગરને બાળીને ભસ્મિભૂત કરી દેવામાં આવશે.”

24 એટલે સિદકિયાએ યર્મિયાને કહ્યું, “આ વચનોની કોઇને ખબર ન પડે, નહિ તો તારું આવી જ બન્યું જાણજે. 25 જો અમલદારોને ખબર પડે કે, હું તારી સાથે વાત કરતો હતો તો આપણે શું ચર્ચા કરી છે તે જાણવા માટે તેઓ તને મારી નાખવાની ધમકી પણ આપે. 26 છતાં તું કેવળ એટલું જ કહેજે કે, યહોનાથાનના ઘરમાં આવેલી કેદમાં મને પાછો મોકલે નહિ, હું ત્યાં મરી જઇશ, તેવી વિનંતી મેં રાજાને કરી હતી.”

27 બધા અમલદારોએ યર્મિયા પાસે આવીને તેને પૂછયું, અને તેણે રાજાએ તેને કહ્યું હતું તે પ્રમાણે જ બરાબર તેમને કહ્યું. તેઓ છાનામાના ચાલ્યા ગયા, કારણ તેમણે વાતચીત સાંભળી નહોતી.

28 યરૂશાલેમને જીતી લેવામાં આવ્યું ત્યાં સુધી યર્મિયા રક્ષકઘરના ચોકમાં જ રહ્યો.

1 કરિંથીઓ 6:1-11

ખ્રિસ્તીઓ વચ્ચે મૂલવણીની સમસ્યાઓ

જ્યારે તમારામાંની એક વ્યક્તિને તકરાર હોય, તો શા માટે તમે ન્યાયાધીશો પાસે કાયદાની અદાલતોમાં જાઓ છો? તે માણસો દેવ સાથે ન્યાયી હોતા નથી. તો શા માટે તે લોકોને તમે શું ન્યાયી છે તેનો નિર્ણય કરવા દો છો? તમારે તો શરમાવું જોઈએ! શા માટે તમે સંતોને કોણ ન્યાયી છે તેનો નિર્ણય કરવા દેતા નથી? નિશ્ચિત રીતે તમે જાણો જ છો કે સંતો જ જગતનો ન્યાય કરશે. તો જો તમે જગતનો ન્યાય કરશો તો પછી આવી નજીવી વાતને ન્યાય કરવા માટે તમે સક્ષમ છો જ. તમે જાણો છો કે ભવિષ્યમાં આપણે દૂતોને ન્યાય કરીશું. તેથી નિશ્ચિત રીતે આપણે આ જીવનની બાબતોની મૂલવણી કરી શકીએ છીએ. તેથી તમારી જો અસંમતિ હોય તો તેનો ન્યાય થવો જોઈએ, શા માટે તમે આ બાબતો તે લોકો સધી લઈ જાઓ છો કે જે મૈંડળીના ભાગરૂપ નથી? તે લોકો મૈંડળી માટે કોઈ વિસાતમાં નથી. તમને શરમાવવા હું આમ કહી રહ્યો છું. નિશ્ચિત રીતે તમારામાંથી બે ભાઈઓ વચ્ચેની ફરિયાદ દૂર કરી શકે તેવો કોઈ જ્ઞાની માણસ તમારા જૂથમાં હશે! પરંતુ હવે એક ભાઈ બીજા ભાઈની વિરૂદ્ધમાં ન્યાયાલયમાં જાય છે. લોકો જે વિશ્વાસુ નથી તેવા લોકોને તમે તમારા મુકદમાનો ન્યાય કરવાનું કહો છો!

જે કાનૂની કાર્યવાહી તમે એકબીજા વિરૂદ્ધ કરી છે તે પૂરવાર કરે છે કે તમે ક્યારનાય પરાજિત થઈ ચૂક્યા છો. એના બદલે તો કોઈ વ્યક્તિને તમે તમારા વિરૂદ્ધ કઈક ખોટું કરવા દીધું હોત તો સારું થાત! તમે કોઈને તમારી જાતને છેતરવા દીઘી હોત તો સારું થાત! પરંતુ તમે તમારી જાતેજ ખોટા કામ કરો છો અને છેતરો છો! અને તે પણ તમે ખ્રિસ્તના જ તમારા પોતાના ભાઈઓ સાથે આમ કરો છો!

9-10 તમે નિશ્ચિત રીતે જાણો છો કે લોકો અપકૃત્યો કરશે તે દેવનાં રાજ્યને પ્રાપ્ત નહિ કરી શકે. મૂર્ખ ન બનો. આ લોકો દેવનું રાજ્ય નહિ મેળવી શકે: લોકો કે જે તેમની જાતનો બીજા માણસો દ્વારા જાતીય ઉપયોગ થવા દે છે, લોકો કે જે મૂર્તિ પૂજા કરે છે, લોકો કે જે વ્યભિચાર કરે છે, જે પુરુંષો પોતાની જાતને અન્ય પુરુંષોને સોંપે છે એટલે કે પુરુંષ બીજા પુરુંષ સાથે સજાતીય સંબંધ પ્રસ્થાપિત કરે છે, લોકો જે ચોરી કરે છે, લોકો કે જે સ્વાર્થી છે, લોકો કે જે મધપાનથી ચકચૂર બને છે, લોકો કે જે બીજા લોકોની નિંદા કરે છે, લોકો કે જે બીજાને છેતરે છે. 11 ભૂતકાળમાં, તમારામાંના કેટલાએક આવા હતા. પરંતુ તમારું શુદ્ધિકરણ કરવામાં આવ્યું, અને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા અને દેવના આત્મા દ્વારા દેવ સાથે ન્યાયી બનાવવામાં આવ્યા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International