Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 119:97-104

મેમ

97 તમારા નિયમો પર હું કેવો પ્રેમ રાખું છું!
    હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.
98 મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે;
    કારણકે મારી પાસે સર્વદા છે.
99 મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે
    કારણ કે હું તમારા સાક્ષ્યો વિષે અભ્યાસ અને ચર્ચા કરતો રહું છું.
100 વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું;
    કારણકે મેં તમારા નિયમો પાળ્યાં છે.
101 હું તમારું વચન પાળી શકું તે માટે મેં
    મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પણ પાછા વાળ્યા છે.
102 તમારા ન્યાયી વચનોને મેં ત્યજ્યા નથી;
    કારણકે તમે મને તે શીખવ્યા છે.
103 મારી રૂચિને તમારાં વચનો કેવા મીઠાઁ લાગે છે!
    મારા મુખને તે મધથીય વધુ મીઠાઁ લાગે છે.
104 તમારાં શાસનોથી મને સમજણ મળે છે;
    માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.

યર્મિયા 31:15-26

15 યહોવાએ ફરીથી મારી સાથે વાત કરીને કહ્યું,
“રામાહમાં ભારે રૂદનનો અવાજ સંભળાય છે,
    રાહેલ પોતાનાં સંતાનો માટે ઝૂરે કરે છે.
તેને સાંત્વન આપી શકાય તેમ નથી.
    કારણ કે તેનાં સંતાનો મૃત્યુ પામ્યા છે.”

16 પરંતુ યહોવા કહે છે: “રૂદન બંધ કરો,
    આંસુ લૂછી નાખો,
તારાં કષ્ટો વ્યર્થ નહિ જાય,
    તારા બાળકો દુશ્મનના દેશમાંથી પાછા આવશે.
17 તારા ભવિષ્ય માટે આશા છે;
    તારાં સંતાનો પોતાના શહેરમાં પાછાં આવશે,”
    એમ યહોવા કહે છે.
18 “મેં સ્પષ્ટ રીતે એફ્રાઇમના નિસાસા સાંભળ્યા છે,
    ‘તમે મને સખત સજા કરી છે;
    પણ જેમ વાછરડાને ઝૂંસરી માટે પલોટવો પડે છે
તેમ મને પણ સજાની જરૂર હતી,
    મને તમારી તરફ પાછો વાળો અને પુન:સ્થાપિત કરો,
    કારણ કે ફકત તમે જ મારા યહોવા દેવ છો.
19 મને જ્યારે સમજાયુ કે મેં શું કર્યું છે,
    ત્યારે મેં મારી જાંઘપર થબડાકો મારી;
    હું લજ્જિત અને અપમાનિત થયો છું,
કારણ કે, જ્યારે હું જુવાન હતો
    ત્યારે મેં બંદનામીવાળા કામો કર્યા હતા.’”
20 યહોવા કહે છે,
“હે ઇસ્રાએલ, તું ખરેખર મારો લાડકો દીકરો છે!
    તું મને વહાલો છે!
હું તને ગમે તેટલી વાર ધમકાવું તોય પાછો તને યાદ કરું છું,
    અને મારું હૃદય તને ઝંખે છે.
હું ચોક્કસ તારા પર અનુકંપા બતાવીશ.

21 “જ્યારે તું બંદીવાસમાં જાય ત્યારે રસ્તામાં ઇસ્રાએલનો માર્ગ સૂચવતાં નિશાન કર.
    અને માર્ગદર્શક સ્તંભો બનાવ.
તું જે રસ્તે ગઇ હતી
    તે બરાબર ધ્યાનમાં રાખ.
કારણ કે હે ઇસ્રાએલની કુમારી,
    તું ફરીથી તારાં નગરોમાં અહીં પાછી ફરશે.
22 હે જક્કી ભટકી ગયેલી દીકરી,
    તું ક્યાં સુધી અવઢવમાં રહીશ?

“કેમકે યહોવાએ પૃથ્વી પર એક નવી વાત પેદા કરી છે.
    કોઇ સ્ત્રી પુરુષનું રક્ષણ કરે તેવી તે અદ્વિતીય વાત છે.”

23 આ ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના વચન છે: “હું યહૂદિયાં અને તેના નગરોનું ભાગ્ય ફેરવી નાખીશ અને તેથી તેઓ ફરીથી આ વચનો ઉચ્ચારશે કે, ‘નીતિવંતોનું રહેઠાણ એવો પવિત્રપર્વત, યહોવા તમને આશીર્વાદિત કરો!’

24 “અને યહૂદિયા તથા તેના બધા ગામોમાં ખેડૂતો અને ભરવાડો ભેગા રહેશે. 25 હાં, હું થાકેલા જીવને વિશ્રામ આપીશ અને જેઓ નબળા થઇ ગયા છે તેમને મજબૂત બનાવીશ.”

26 ત્યારબાદ યર્મિયા જાગ્યો, તેણે કહ્યું, “આ ઊંઘ મને મીઠી લાગી.”

માર્ક 10:46-52

એક આંધળા માણસને ઈસુનું સાજા કરવું

(માથ. 20:29-34; લૂ. 18:35-43)

46 પછી તેઓ યરેખોના ગામમાં આવ્યા. ઈસુ તેના શિષ્યો અને બીજા ઘણા લોકો સાથે તે ગામની વિદાય લેતા હતા. બર્તિમાય નામનો એક આંધળો માણસ (તિમાયનો પુત્ર) રસ્તાની બાજુમાં બેઠો હતો. આ માણસ હંમેશા પૈસાની ભીખ માંગતો હતો. 47 આંધળા માણસે સાંભળ્યું કે નાઝરેથનો ઈસુ બાજુમાંથી પસાર હતો. તે આંધળા માણસે બૂમ પાડી, “ઈસુ, દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!”

48 ઘણા લોકોએ આંધળા માણસની ટીકા કરી. તેઓએ તેને નહિ બોલવા કહ્યું. પરંતુ આંધળો માણસ વધારે ને વધારે બૂમો પાડવા લાગ્યો. “દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!”

49 ઈસુ ઊભો રહ્યો અને કહ્યું, “તે માણસને અહીં આવવા કહો.”

તેથી તેઓએ આંધળા માણસને બોલાવ્યો. તેઓએ કહ્યું, “હિમ્મત રાખ! ઊભો થા! ઈસુ તને બોલાવે છે.” 50 આંધળો માણસ ઝડપથી ઊભો થયો. તેણે તેનો ડગલો ત્યાં મૂક્યો અને ઈસુ તરફ ગયો.

51 ઈસુએ માણસને પૂછયું, “મારી પાસે તું શું કરવાની ઈચ્છા રાખે છે?”

આંધળો માણસ બોલ્યો, “ઉપદેશક, મારી ઈચ્છા ફરી દેખતા થવાની છે.”

52 ઈસુએ કહ્યું, “જા, તું તારા વિશ્વાસને કારણે સાજો થઈ ગયો છે.” પછી તે માણસ ફરીથી દેખતો થયો. તે રસ્તામાં ઈસુને અનુસર્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International