Revised Common Lectionary (Semicontinuous)
1 અમે બાબિલની નદીઓને કાંઠે બેઠા;
સિયોનનું સ્મરણ થયું ત્યારે અમે રડ્યા.
2 એટલે અમે વીણાઓ વગાડવી બંધ કરી;
અને નેતરના વૃક્ષની ડાળીઓ પર ટાંગી દીધી.
3 અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું,
જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાવ્યું કે,
ફકત તેમને ખુશ કરવા સિયોનનાં ગીતોમાંનું કોઇ એક ગીત ગાઓ.
4 આ વિદેશી ભૂમિ પર આપણે યહોવાના ગીતો
કેવી રીતે ગાઇ શકીએ?
5 હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં તો એવું થાઓ,
“મારો જમણો હાથ તંતુવાદ્યની કળા ભૂલી જાય.”
6 જો હું યરૂશાલેમનું સ્મરણ ન કરું,
અને મારા ઉત્તમ આનંદ કરતાં પણ તેને શ્રેષ્ઠ ન માનું તો
મારી જીભ મારા તાળવાને ચોટી જાય
અને હું ફરી કદી ય ગાઇ શકું નહિ.
7 હે યહોવા, બાબિલના સૈન્યે યરૂશાલેમને કબજે કર્યુ
તે દિવસે અદોમીઓએ જે કહ્યું
તે તમે ભૂલી ન જતાં;
તેઓએ કહ્યું હતું, “તેને જમીનદોસ્ત કરી નાખો.”
8 હે બાબિલ તેઁ અમારો નાશ કર્યો છે એ જ રીતે તારો નાશ કરવામાં આવશે જે
માણસ તને યોગ્ય સજા આપે તેને આશીર્વાદ આપ.
9 હા, જે માણસ તારાં બાળકોને ખડક પર અફાળીને મારી નાખશે;
તે ધન્ય કહેવાશે.
યહોવાની ઉપાસના
5 હે યહોવા, અમારા પર શું શું વીત્યું છે તેનું સ્મરણ કર;
ને અપમાન પર નજર કર.
2 દેશ વિદેશીઓના હાથમાં ગયો છે,
અમારા ઘરબાર પારકાઓના કબજામાં ગયા છે.
3 અમે અનાથ અને નબાપા થઇ ગયા છીએ,
ને અમારી માતાઓ વિધવા થઇ ગઇ છે.
4 પીવાના પાણીના પૈસા આપવા પડે છે.
અને લાકડાં પણ વેચાતાં લેવા પડે છે.
5 અમારી ડોક પર ઝૂંસરી મૂકી
અમને પશુની જેમ હાંકવામાં આવે છે.
અમે હવે અનહદ થાકી ગાય છીએ;
અમને વિશ્રામ મળતો નથી.
6 અમારે પેટ ભરીને રોટલો મેળવવા માટે મિસર
અને આશ્શૂર સામે હાથ જોડવા પડ્યા.
7 પાપ કરનારા અમારા પિતૃઓ રહ્યા નથી.
અમારે તેમના પાપની સજા ભોગવવી પડે છે.
8 શાસન કરે છે ગુલામો અમારા પર.
તેમના હાથમાંથી અમને છોડાવનાર કોઇ નથી.
9 જીવને જોખમે અમારે રોટલો મેળવવો પડે છે;
વગડામાં તરવારનું જોખમ છે.
10 દુકાળની ભડભડતી અગનજાળથી
અમારી ચામડી ભઠ્ઠી જેવી તપી ગઇ છે.
11 અમારી સ્ત્રીઓનો સિયોનમાં બળાત્કાર થાય છે,
અને કુમારીકાઓનો યહૂદાના નગરોમાં.
12 અમારા આગેવાનોને તેમના હાથ વડે લટકાવી દેવામાં આવે છે,
અને વડીલોને કોઇ માન આપતું નથી.
13 જુવાનો પાસે ચક્કી પીસાવવામાં આવે છે.
અને છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે.
14 વડીલો હવે ચોરે બેસતા નથી.
જુવાનિયાઓએ ગાવાનું છોડી દીધું છે
15 અમારા અંતરનો આનંદ મરી પરવાર્યો છે.
અમારાં નૃત્યો આક્રંદમાં પરિણમ્યા છે.
16 અમારે માથેથી મુગટ પડી ગયો છે,
દુર્ભાગ્ય અમારૂ! કારણકે અમે પાપ કર્યા છે.
17 આને કારણે અમારા હૃદય બીમાર થઇ ગયા છે,
અને આને લીધે અમારી આંખોએ અંધારા આવી ગયા છે.
18 કારણકે સિયોનનો પર્વત ઉજ્જડ થઇ ગયો છે એ જગ્યા,
જ્યાં શિયાળવાં શિકારની શોધમાં ભટકે છે.
19 પણ, યહોવા, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે.
પેઢી-દરપેઢી રાજ્યાસન ચાલુ રહે છે.
20 તું શા કારણે અમને ભૂલી જાય છે?
તેં શા માટે આટલા બધા દિવસ સુધી અમારો ત્યાગ કર્યો છે?
21 અમને પાછા લઇ લે, હે યહોવા!
ત્યારે અમે ફરીથી તારા થઇ જઇશું.
અમને નવું જીવન આપ જેવું તેં ઘણા વર્ષ પહેલા કર્યું હતું.
22 પણ તેં અમને સંપૂર્ણ નકાર્યા છે;
તું અમારા પર બહુ કોપાપમાન થયો છે.
નિષ્ફળ અંજીરી
(માથ. 21:18-19)
12 બીજે દિવસે, જેવું તેઓએ બેથનિયા છોડ્યું, ઈસુ ભૂખ્યો થયો હતો. 13 ઈસુએ દૂર એક અંજીરીનું ઝાડ જેને પાંદડા આવ્યાં હતાં તે જોયું. તેથી ઈસુ તે ઝાડ પાસે ગયો કે કદાચ તેને તે પરથી કઈ મળે, પણ ઈસુએ તે ઝાડ પર કોઈ અંજીર જોયા નહિ. ત્યાં ફક્ત પાંદડાઓ હતાં. કેમ કે અંજીરોની ઋતુ ન હતી. 14 તેથી ઈસુએ તે ઝાડને કહ્યું, “લોકો તારા પરથી ફરી કદી ફળ ખાશે નહિ.” ઈસુના શિષ્યોએ તેને આ કહેતા સાંભળ્યું.
ઈસુ વિશ્વાસનું સામથ્યૅ બતાવે છે
(માથ. 21:20-22)
20 બીજી સવારે ઈસુ તેના શિષ્યો સાથે ચાલતો હતો. તેઓએ અંજીરીનું ઝાડ જોયું. ઈસુ આગલા દિવસે જે વિષે બોલ્યો હતો. એ અંજીરનું વૃક્ષ તેના મૂળ સાથે સૂકાઇ ગયેલું જોયું. 21 પિતરે વૃક્ષનું સ્મરણ કરીને ઈસુને કહ્યું, “ઉપદેશક, જો! ગઈકાલે, તે કહ્યું કે અંજીરનું વૃક્ષ મૂળમાંથી સૂકાઇ જશે. હવે તેં સૂકું અને મરેલું છે!”
22 ઈસુએ ઉત્તર આપ્યો, “દેવમાં વિશ્વાસ રાખો. 23 હું તમને સત્ય કહું છું. તમે આ પર્વતને કહી શકો છો, ‘જા, દરિયામાં પડ.’ અને જો તમને તમારા મનમાં શંકા ના હોય અને વિશ્વાસ હોય કે તમે જે કહેશો તે બનશે તો દેવ તે તમારા માટે કરશે. 24 તેથી હું તમને કહું છું કે પ્રાર્થનામાં જે સર્વ તમે માગો છો, તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખે, તો તે તમને મળશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International