Revised Common Lectionary (Semicontinuous)
1 અમે બાબિલની નદીઓને કાંઠે બેઠા;
સિયોનનું સ્મરણ થયું ત્યારે અમે રડ્યા.
2 એટલે અમે વીણાઓ વગાડવી બંધ કરી;
અને નેતરના વૃક્ષની ડાળીઓ પર ટાંગી દીધી.
3 અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું,
જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાવ્યું કે,
ફકત તેમને ખુશ કરવા સિયોનનાં ગીતોમાંનું કોઇ એક ગીત ગાઓ.
4 આ વિદેશી ભૂમિ પર આપણે યહોવાના ગીતો
કેવી રીતે ગાઇ શકીએ?
5 હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં તો એવું થાઓ,
“મારો જમણો હાથ તંતુવાદ્યની કળા ભૂલી જાય.”
6 જો હું યરૂશાલેમનું સ્મરણ ન કરું,
અને મારા ઉત્તમ આનંદ કરતાં પણ તેને શ્રેષ્ઠ ન માનું તો
મારી જીભ મારા તાળવાને ચોટી જાય
અને હું ફરી કદી ય ગાઇ શકું નહિ.
7 હે યહોવા, બાબિલના સૈન્યે યરૂશાલેમને કબજે કર્યુ
તે દિવસે અદોમીઓએ જે કહ્યું
તે તમે ભૂલી ન જતાં;
તેઓએ કહ્યું હતું, “તેને જમીનદોસ્ત કરી નાખો.”
8 હે બાબિલ તેઁ અમારો નાશ કર્યો છે એ જ રીતે તારો નાશ કરવામાં આવશે જે
માણસ તને યોગ્ય સજા આપે તેને આશીર્વાદ આપ.
9 હા, જે માણસ તારાં બાળકોને ખડક પર અફાળીને મારી નાખશે;
તે ધન્ય કહેવાશે.
13 તને શું કહું? હે યરૂશાલેમનગરી;
હે કુંવારી સિયોનપુત્રી તને કોની ઉપમા આપું?
તને કોની સાથે સરખાવી?
તારી સાગર જેવી વિશાળ વેદનાનો ઉપાય કોણ કરશે?
14 તમારા પ્રબોધકોએ કહ્યું કે
તેમને સંદર્શન થયું હતું પણ તેઓ જુઠું બોલી રહ્યા છે
અને તને છેતરે છે,
અને તને તારા અપરાધો વિષે ન કહીને
તેણે તને સુધરવાની તક જ નહોતી આપી.
15 હે યરૂશાલેમ નગરી, તને જોઇને જતાં લોકો
તાળી પાડીને તારી હાંસી ઊડાવે છે;
માથું ઘુણાવી ફિટકાર વરસાવે છે,
“શું આ એ જ સુંદરતાની મૂર્તિ
અને જગતની આનંદનગરી છે!”
16 તારા શત્રુઓ મોં ઉઘાડી તારી હાંસી ઉડાવે છે,
અને દાંત કચકચાવી ને ફિટકાર વરસાવે છે.
આપણે જ એને પાયમાલ કરી છે,
આપણે આ જ દિવસની રાહ જોતા હતા,
જેની અમને પ્રતિક્ષા હતી
અને અમને તે પ્રાપ્ત થયો છે.
17 યહોવાએ જે વિચાર્યુ તે કર્યું અને તે સાચું પડ્યું;
તેનો ભય, જેમ તેણે પ્રાચીનકાળમાં ચેતવણી આપી હતી
તેમ તેણે નિર્દયપણે ભયંકર વિનાશ કર્યો.
અમને નીચા પડતા જોઇ શત્રુઓને ખુશ કરવા
સારું આ તક આપી છે,
તેણે તમારા શત્રુઓને ઘમંડી બનાવ્યા છે.
18 હે સિયોનનગરી, તું સાદ ઊંચો કર;
ને યહોવાને તારો આર્તનાદ સંભળાવ!
તારી આંખે રાત દિવસ આંસુ વહે છે.
વિસામો ન દે અને આંખને સુકાવા ન દે.
19 તું રાત્રીના પ્રથમ પહોરે ઊઠી,
મોટેથી પ્રાર્થના કર;
અને યહોવા સમક્ષ પાણીની જેમ હૃદય ઠાલવ.
ભૂખથી ચકલે ચકલે મૂર્ચ્છા પામતાં તારાં બાળકનો
જીવ બચાવવા યહોવા આગળ-તારો હાથ તેની ભણી ઊંચા કર.
20 આજુબાજુ જુઓ હે યહોવા!
જો તું કોને દુ:ખી કરી રહ્યો છે?
શું માતાઓ તેમના જ પોતાના બાળકોને ખાય?
શું તારા યાજકો અને પ્રબોધકોને તારા જ પવિત્રસ્થાનમાં મારી નાંખવામાં આવે?
21 વૃદ્ધો અને બાળકો રસ્તાની ધૂળમાં રઝળે છે,
મારી કન્યાઓ અને યુવાનો તરવારનો ભોગ બન્યા છે;
તારા રોષને દિવસે તેં તેમનો સંહાર કર્યો છે;
તમે નિર્દયપણે, તેઓને રહેંસી નાખ્યાં છે.
22 જાણે કે ઉત્સવનો દિવસ હોય તેમ,
તેં ચારે બાજુથી મારા ભયંકર દુશ્મનોને બોલાવ્યા છે.
તારા રોષને દિવસે
કોઇ છટકવા ન પામ્યા.
તેમણે લાડથી ઉછરેલાં સહુને વધેરી નાખ્યાં છે
અને શત્રુઓએ કોઇનેય જીવતો રાખ્યો નથી.
દેવનાં છોકરાં જગત પર વિજય મેળવે છે
5 ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે તેઓ દેવનાં છોકરાં છે. જે વ્યક્તિ પિતાને પ્રેમ કરે છે તે પિતાનાં છોકરાંઓને પણ પ્રેમ કરે છે. 2 આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે દેવનાં છોકરાંઓને પણ પ્રેમ કરીએ છીએ? આપણે જાણીએ છીએ કેમ કે આપણે દેવને પ્રેમ કરીએ છીએ અને આપણે તેની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ. 3 દેવને પ્રેમ કરવો તેનો અર્થ તેની આજ્ઞાઓનું પાલન કરવું. અને દેવની આજ્ઞાઓ આપણા માટે એટલી બધી કઠિણ નથી. 4 શા માટે? કારણ કે પ્રત્યેક વ્યક્તિ જે દેવનું બાળક છે તે જગતમાં વિજય મેળવવા શક્તિમાન છે. 5 તે આપણો વિશ્વાસ છે કે જેણે જગત સામે વિજય મેળવ્યો છે. ફક્ત તે વ્યક્તિ જે વિશ્વાસ કરે છે કે ઈસુ દેવનો દીકરો છે તેના વિના બીજો કોણ જગતને જીતે છે?
હવે આપણી પાસે અનંતજીવન છે
13 હું આ પત્ર, જે દેવના પુત્રમાં વિશ્વાસ કરે છે એવા તમને લોકોને લખું છું. જેથી તમે જાણશો કે હવે તમારી પાસે અનંતજીવન છે. 14 આપણે દેવ પાસે શંકા વગર આવી શકીએ છીએ. એનો અર્થ એ છે કે આપણે દેવ પાસે તેની ઈચ્છાનુસાર કંઈ પણ માગીએ તો દેવ આપણને સાંભળે છે. 15 દરેક વખતે આપણે તેની પાસે માગીએ છીએ ત્યારે દેવ આપણને ધ્યાનથી સાંભળે છે. તેથી આપણે જાણીએ છીએ કે તેની પાસે આપણે જે માગીએ તે વસ્તુઓ તે આપણને આપે છે.
16 ધારો કે કોઇ વ્યક્તિ ખ્રિસ્તમાં તેના ભાઇ અથવા બહેનને પાપ કરતા જુએ છે (પાપ કે જે મરણકારક નથી) તો તે વ્યક્તિ એ તેની બહેન અથવા ભાઇ જે પાપ કરે છે તેઓના માટે પ્રાર્થના કરવી જોઈએ. પછી ભાઈ કે બહેનને દેવ જીવન આપશે. જેમનું પાપ અનંત મૃત્યુમાં દોરી જતુ નથી એવા લોકો વિશે હું વાત કરું છું. એવું પણ પાપ છે જે મરણકારક છે. તે વિશે હું કહેતો નથી કે પ્રાર્થના કરવી. 17 ખોટું કરવું તે હંમેશા પાપ છે. પરંતુ એવું પણ પાપ છે જે અનંત મૃત્યુ તરફ દોરી જતું નથી.
18 આપણે જાણીએ છીએ કે કોઇ પણ વ્યક્તિ જે દેવનો બાળક બન્યો છે તે પાપ કર્યા કરતો નથી. દેવનો પુત્ર દેવના બાળકને સુરક્ષિત રાખે છે.[a] શેતાન પણ તે વ્યક્તિને ઈજા કરી શકતો નથી. 19 આપણે જાણીએ છીએ કે આપણે દેવના છીએ. પરંતુ શેતાન આખી દુનિયાને કાબુમાં રાખે છે 20 અને આપણે જાણીએ છીએ કે દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત આવ્યો છે. દેવના પુત્રએ આપણને સમજ આપી છે. હવે આપણે દેવને ઓળખી શકીએ છીએ. દેવ જે સાચો છે. અને આપણું જીવન તે સાચા દેવ અને તેના પુત્રમાં છે, ઈસુ ખ્રિસ્ત તે જ ખરો દેવ છે, અને તે અનંતજીવન છે. 21 તેથી, વહાલાં બાળકો, તમારી જાતને જૂઠા દેવોથી દૂર રાખો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International