Revised Common Lectionary (Semicontinuous)
પોતાના વિનાશ પર યરૂશાલેમનો વિલાપ
1 એ શહેર કેવું એકલવાયું પડી રહ્યું છે!
જે એક વાર લોકોથી ધમધમતું હતું,
દેશવિદેશમાં મહાન ગણાતું હતુ,
તે શા માટે વિધવા જેવું થઇ ગયુ?
જે શહેરોની મહારાણી જેવું હતું,
તે બીજી પ્રજાઓનું ગુલામ કેમ થઇ ગયુ?
2 તે રાત્રે પોક મૂકી રડે છે,
ને તેના ગાલે અશ્રુધારા વહે છે;
આશ્વાસન આપનાર કોઇ રહ્યું નથી,
તેણીના મિત્રોએ તેને છેતરી છે
અને તેણી જેઓને ચાહે છે
તેઓ તેના શત્રુ થયા છે.
3 તેઓ વિદેશી પ્રજાઓ વચ્ચે સ્થિર થયા છે.
અને તેમની પાસે વિશ્રામનું સ્થળ નથી.
યહૂદાની પ્રજા દેશવટે ગઇ છે.
તેમને સખત પરિશ્રમ કરવા માટે મજબૂર કરાય છે.
જેઓએ તેમનો પીછો કર્યો હતો તેમણે તેઓને પકડી લીધા છે.
તેઓ ભાગી શક્યા નહિ.
4 સિયોનના માર્ગો આક્રંદ કરે છે,
ત્યાં કોઇ ઉત્સવોમાં આવતું નથી;
તેના દરવાજા ઉજ્જડ થઇ ગયા છે,
ને તેના યાજકો આર્તનાદ કરે છે;
તેની કુમારિકાઓ અતિ ઉદાસ થઇ ગઇ છે,
અને તે શહેર તેની કડવાશ અનુભવે છે.
5 તે શહેરના શત્રુઓ તેના રાજકર્તા થઇ ગયા
અને તે શત્રુઓ સમૃદ્ધ થયા,
તેમનાં અસંખ્ય પાપોના લીધે યહોવાએ તેમને શિક્ષા કરી
અને તેમને ખૂબ દુ:ખ ઉઠાવવા પડ્યા.
તેઓએ તે શહેરના લોકોને પકડીને
તેમને તેમના બંદી બનાવનારની સામે કૂચ કરાવડાવીને બંદીવાસ કર્યા.
6 સિયોનના બધા મહત્વના
લોકોએ તેને છોડી દીધી છે.
સરદારો ચારા વગરનાં હરણો જેવા;
અને તેમને જેઓ પકડે છે
તેમનાથી દૂર ભાગી જવાની શકિત
વગરના થઇ ગયા છે.
19 યાદ કર કે, હું તો માત્ર ગરીબ શરણાથીર્ છું,
અને હું દિવસે દિવસે કડવા અનુભવમાંથી પસાર થાઉં છું.
20 નિરંતર મારું ચિત્ત તેનો જ વિચાર કર્યા કરે છે;
અને હું નાહિમ્મત થઇ જાઉં છું.
21 એ હું મનમાં લાવું છું
અને તેથી જ હું આશા રાખું છું.
22 યહોવાની કરૂણા, ખૂટી પરવારી નથી તેમ જ
તેની દયાનો પણ અંત આવ્યો નથી.
23 દરરોજ સવારે તારી કૃપાઓ નવેસરથી મને મળે છે,
માણસ તારી પર હંમેશા નિર્ભર રહી શકે.
24 મેં કહ્યું, “મારી પાસે જે કંઇ છે તે યહોવા છે.
તેથી હું તેનામાં મારી આશા મૂકું છું.”
25 જે તેનામાં વિશ્વાસ રાખે છે અને જેઓ તેની વાટ જોવાનું ચાલુ રાખે છે.
તેમના માટે યહોવા સારો છે.
26 ચૂપ રહેવું અને યહોવા તમને બચાવે
તેની રાહ જોવી તે સારું છે.
1 અમે બાબિલની નદીઓને કાંઠે બેઠા;
સિયોનનું સ્મરણ થયું ત્યારે અમે રડ્યા.
2 એટલે અમે વીણાઓ વગાડવી બંધ કરી;
અને નેતરના વૃક્ષની ડાળીઓ પર ટાંગી દીધી.
3 અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું,
જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાવ્યું કે,
ફકત તેમને ખુશ કરવા સિયોનનાં ગીતોમાંનું કોઇ એક ગીત ગાઓ.
4 આ વિદેશી ભૂમિ પર આપણે યહોવાના ગીતો
કેવી રીતે ગાઇ શકીએ?
5 હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં તો એવું થાઓ,
“મારો જમણો હાથ તંતુવાદ્યની કળા ભૂલી જાય.”
6 જો હું યરૂશાલેમનું સ્મરણ ન કરું,
અને મારા ઉત્તમ આનંદ કરતાં પણ તેને શ્રેષ્ઠ ન માનું તો
મારી જીભ મારા તાળવાને ચોટી જાય
અને હું ફરી કદી ય ગાઇ શકું નહિ.
7 હે યહોવા, બાબિલના સૈન્યે યરૂશાલેમને કબજે કર્યુ
તે દિવસે અદોમીઓએ જે કહ્યું
તે તમે ભૂલી ન જતાં;
તેઓએ કહ્યું હતું, “તેને જમીનદોસ્ત કરી નાખો.”
8 હે બાબિલ તેઁ અમારો નાશ કર્યો છે એ જ રીતે તારો નાશ કરવામાં આવશે જે
માણસ તને યોગ્ય સજા આપે તેને આશીર્વાદ આપ.
9 હા, જે માણસ તારાં બાળકોને ખડક પર અફાળીને મારી નાખશે;
તે ધન્ય કહેવાશે.
1 ઈસુ ખ્રિસ્તના પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હો. દેવની ઇચ્છાથી હું પ્રેરિત બન્યો છું. ખ્રિસ્ત ઈસુમાં જીવન વિષે જે વચન છે તે વિષે લોકોને જણાવવા દેવે મને મોકલ્યો છે.
2 હવે તિમોથીને સંબોધન કરું છું. તું તો મારા પ્રિય પુત્ર સમાન છે.
દેવ-પિતા તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તને કૃપા, દયા અને શાંતિ પ્રાપ્ત થાઓ.
આભારસ્તુતિ અને પ્રોત્સાહન
3 રાત-દિવસ હંમેશા મારી પ્રાર્થનાઓમાં હું તને યાદ કરું છું. એ પ્રાર્થનાઓમાં તારા માટે હું દેવની આભારસ્તુતિ કરું છું. મારા પૂર્વજો જેની સેવા કરતા હતા તે એ જ દેવ છે. હું જે જાણું છું તે સાચું છે એમ સમજી, મેં હંમેશા એ દેવની સેવા કરી છે. 4 તારાં આંસુઓ સંભારતાં તને મળવાનું મને ઘણું મન થાય છે જેથી મારું હૈયું આનંદથી છલકાઇ જાય. 5 તારો સાચો વિશ્વાસ પણ મને યાદ આવે છે. તારી દાદી લોઈસ અને તારી માતા યુનિકા સૌ પ્રથમ એવો જ વિશ્વાસ ધરાવતાં હતાં. હું જાણું છું કે એ જ વિશ્વાસ હવે તું ધરાવે છે. 6 માટે હું તને યાદ દેવડાવા ઈચ્છું છું કે, જ્યારે મેં મારા હાથો તારા માથા પર મૂક્યા, દેવે તને તે કૃપાદાન આપ્યું. જેમ એક નાની સરખી જ્યોત ધીરે ધીરે મોટા અગ્નિમાં પરિવર્તન પામે છે, તેમ દેવે તને આપેલ તે ખાસ કૃપાદાન વધુ ને વધુ ખીલે અને તું એનો ઉપયોગ કરે એમ હું ઈચ્છું છું. 7 કેમ કે દેવે આપણને ભયનો આત્મા નહિ, પણ સાર્મથ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુધ્ધિનો આત્મા આપ્યો છે.
8 તેથી આપણા પ્રભુ ઈસુ વિષે લોકોને કહેતાં તું શરમ કે સંકોચ ન રાખીશ. અને મારા માટે પણ તારે શરમિંદા બનવાની જરૂર નથી કેમ કે હું પ્રભુને ખાતર જ કેદમાં છું. પરંતુ એ સુવાર્તાને લીધે તું પણ મારી સાથે દુ:ખ સહન કર એ સહન કરવા દેવ આપણને સાર્મથ્ય આપે જ છે.
9 દેવે આપણને તાર્યા છે અને આપણને તેના સંતો બનાવ્યા છે. આપણા પોતાના પ્રયત્નને કારણે એ થયું નથી. ના! તેની કૃપાને કારણે દેવે આપણને બચાવ્યા અને આપણને તેના સંતો બનાવ્યા કારણ કે એવી દેવની ઈચ્છા હતી. સમયનો પ્રારંભ થયો તે પહેલા ખ્રિસ્ત ઈસુ ધ્વારા દેવે એ કૃપા આપણને આપેલી હતી. 10 અત્યાર સુધી એ કૃપા આપણને પ્રગટ થઈ ન હતી. જ્યારે આપણો તારનાર ખ્રિસ્ત ઈસુ આવ્યો ત્યારે આપણને તેની કૃપા પ્રગટ થઈ. ઈસુએ મરણને નાબૂદ કર્યુ અને આપણને જીવન મેળવવાનો માર્ગ બતાવ્યો. હા! સુવાર્તા દ્ધારા ઈસુએ આપણને અવિનાશી જીવન પ્રાપ્ત કરવાનો માર્ગ દેખાડ્યો.
11 તે સુવાર્તાના પ્રચાર માટે, સુવાર્તાના પ્રેરિત તથા ઉપદેશક થવા માટે મારી પસંદગી કરવામાં આવી હતી. 12 અને અત્યારે હું દુ:ખ સહન કરી રહ્યો છું કેમ કે હું સુવાર્તા બધે કહેતો ફરું છું. પણ તેથી કઈ હું શરમાતો નથી. જેને મેં સ્વીકાર્યો છે તે એક (ઈસુ) ને જાણું છું. તે દિવસ આવે ત્યાં સુધી મને સોંપેલી વસ્તુઓનું રક્ષણ કરવા તે સમર્થ છે, એની મને ખાતરી છે.
13 મારી પાસેથી તેં જે સત્ય વચનો સાંભળ્યાં છે તેને તું અનુસર. ખ્રિસ્ત ઈસુમાં આપણને જે વિશ્વાસ અને પ્રેમ છે તેના ધ્વારા એ ઉપદેશને તું અનુસર. એ ઉપદેશ નમૂનારૂપ છે, કે જે દર્શાવે છે કે તારે કેવો ઉપદેશ આપવો જોઈએ. 14 તને જે સત્ય મળેલ છે તેનું તું રક્ષણ કર. પવિત્ર આત્માની સહાય વડે એ વસ્તુઓને તું સંભાળી રાખ. એ પવિત્ર આત્મા આપણા અંત:કરણમાં જ વસે છે.
તમારો વિશ્વાસ કેટલો મોટો છે?
5 પ્રેરિતોએ પ્રભુને કહ્યું, “અમારો વિશ્વાસ વધાર!”
6 પ્રભુએ કહ્યું, “જો તમને રાઇના દાણા જેટલો વિશ્વાસ હોય તો તને આ ગુલ્લર ઝાડને કહેતા કે, ‘તું ઊખડીને સમુદ્ધમાં રોપાઇ જા!’ અને તે ઝાડ તમારું માનત.
સારા સેવક બનો
7 “ધારો કે તમારામાંના કોઈ એક પાસે નોકર છે કે જે ખાતરમાં કામ કરે છે. નોકર ખેતરમાં જમીન ખેડતો અથવા ઘેટાંની સંભાળ રાખતો હોય છે. જ્યારે તે કામ પરથી આવે છે, ત્યારે તમે તેને શું કહેશો? તમે તેને કહેશો કે, ‘અંદર આવ અને જમવા માટે બેસી જા’? 8 ના! તમે તમારા નોકરને કહેશો, મારા માટે કંઈક ખાવાનું તૈયાર કર. પછી કપડાં પહેર અને મારી સેવા કર. જ્યારે હું ખાવા પીવાનું પુરું કરું પછી તું ખાજે. 9 નોકર તેનું રોજીંદુ કામ કરવા માટે કોઈ વિશિષ્ટ મહેરબાની પ્રાપ્ત કરતો નથી. તેના માલીકે તેને જે કરવાનું કહેલું તે જ ફક્ત તે કરે છે. 10 તમારી સાથે એવું જ છે. જ્યારે તમને જે કરવાનું કહેવામાં આવ્યું છે તે જ બધું તમે કર્યુ છે ત્યારે તમારે કહેવું જોઈએ, ‘અમે ફક્ત અમારે જે કામ કરવાનું હતું તે જ કર્યું છે, અમે ખાસ મહેરબાનીને લાયક નથી.’”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International